બાલ–પંચતંત્ર/લુચ્ચો બગલો અને ચાલાક કરચલો
| ← વાંદરો અને મગર | બાલ–પંચતંત્ર લુચ્ચો બગલો અને ચાલાક કરચલો પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
સિંહ અને સસલું → |
કોઇ એક સરોવરમાં એક લુચ્ચો ઘરડો બગલો રહેતો હતો. તે ઘણો આળસુ હતો. એથી તે માંછલાં પકડવાની તસ્દી લેતો નહતો.
“હું આ સરોવરની પાળ ઉપર ઉભો રહીશ; અને એકાદ માંછલું તો અહીં આગળ આવ્યા વિના રહેશે નહિ.” એમ તે ધારતો. તે ઘણો ભૂખ્યો થઇ ગયો હતો. છતાં કાંઈ ખાવાનું હાથ લાગ્યું નહિ. એથી તે ઘણો દીલગીર થઈ આંખમાંથી આંસુ પાડવા લાગ્યો.
આખરે માછલાંએ તેને દીઠો, ત્યારે પૂછ્યું:–“મામા ! આજે આટલા બધા ઉદાસ કેમ દેખાઓ છો ? અમારામાંથી કોઈને પકડતા પણ નથી ! તમને શું દુઃખ થયું છે ?”
બગલો બોલ્યો “અફસોસ! અફસોસ ! બહુ દીલગીરીની વાત છે. તમને કહેતાં મ્હારી જીભ પણ ઉપડતી નથી. આજે તમામાં બધાંયનું મોત છે. થોડીવારમાં એક માછી આવશે અને તમને પકડી જશે. પછી હું શું કરીશ ? મ્હારૂં ગુજરાન કેમ ચાલશે ?”
માછલાંઓએ કહ્યુ “એમ કેમ કહો છો ? મામા ! તમે તો બહાદુર અને ચાલાક છો. માછી આવે ત્યારે તેને મારીને કાઢી મુકો.”
બગલાએ કહ્યું:–“હું શી રીતે કાઢી મુકીશ ? હું તો ઘરડો થઈ ગયો છું. મ્હારાથી એની સાથે લઢાશે નહિ. એ જરૂર આવીને તમને પકડી જશે.”
માછલાંઓએ કહ્યું:–“ત્યારે શું તમે અમને નહિ ઉગારો ? અમે પકડાઈ જઇશું, તો તમારે ભૂખે મરવું પડશે. અમને બચાવશો, તોજ તમને ખાવાનું મળશે.”
બગલો બોલ્યો:–“તમને હું શી રીતે બચાવુંં?”
“અમને બીજે કોઈ ઠેકાણે લઈ જાઓ,” બધાં માછલાંઓએ કહ્યું.
તે ઉપરથી બગલોમામો એક પછી એક બધાં માછલાંઓને ચાંચમાં ઘાલીને લઈ ગયો. પણ એ તેમને કોઇ તળાવ કે સરોવરમાં લઈ ગયો નહિ. એ તેમને ખડક આગળ લઇ ગયો અને ત્યાં તેમને તડકામાં સૂકવવા મુક્યાં.
“હવે મ્હને ઘણા દિવસ સુધી ખાવાનું મળ્યાં કરશે.” એ વિચારથી બગલો હરખાયો.
તે પાછો સરાવર આગળ ગયો, ત્યારે એક કરચલાએ ત્હેને પૂછ્યું:–“મામા માછલાંઓ ક્યાં જતાં રહ્યાં ?”
બગલાએ કહ્યું:–“થોડીવારમાં એક માછી અહીં આવી પહોંચશે, અને તે તળાવમાંહેના તમામ માછલાંઓને પકડી જશે.”
“કરચલાઓને પણ શું તે પકડશે ખરો?” તે કરચલાએ પૂછ્યું.
બગલોબોલ્યો:–“ત્હેના હાથમાં જે કાંઇ આવશે તે એ પકડશે.”
કરચલો બોલ્યો:–“ત્યારે તો મ્હને પણ તમે જ્યાં બધાં માછલાંઓને મૂકી આવ્યા, ત્યાં આગળ લઈ જાઓ.”
બગલાંએ તો કરચલાંને ઉંચકવાને પોતાની ચાંચ ઉઘાડી. તે કરચલો પણ કાંઈ કાચો નહતો. ચાલાક અને ઉસ્તાદ હતો. તે બોલ્યો:–“એમ નહિ, બગલા મામા ! હું બહુ મોટો હોવાથી ત્હમારી ચાંચમાં નહિ મ્હાંઉ, હું મ્હારા નખ વાળા પગ વડે ત્હમારી ગરદન આસપાસ લટકી રહીશ.”
બગલાએ તેને એ પ્રમાણે કરવા દીધું. પછી તેને લઈને પેાતે ઉડી ગયો.
કરચલાંએ એકાએક નીચે નજર કરી. તેણે બધાં માછલાંઓને તડકામાં સૂકાતાં દીઠાં. તેણે નિસાસો નાંખ્યો:– “અફસોસ ! બહુ ખોટું થયું. મ્હેં આ ઘાતકી પ્રાણીનો ભરોસો કર્યો. એ હવે મ્હને પણ માંછલાંઓની માફક મારી નાંખશે.” પણ તે હિંમત હારી ગયો નહિ. સમયસૂચકતા રાખીને તે બોલ્યો:–“મામા ! તમે મ્હારા જાત ભાઈઓને બચાવશો.”
“હા, બેશક બચાવીશ.” બગલાએ જવાબ દીધો.
કરચલાએ કહ્યું:–“ત્યારે ચાલો, પાછા સરોવર જઈએ, મ્હારા જાતિ ભાઈઓ ક્યાં છે, તે હું ત્હમને બતાવું.” બગલો પાછો ફર્યો, અને ઝટ સરોવર આગળ આવી પહોંચ્યો. ત્યારે લાગ જોઈને કરચલો બોલ્યો:–“મામા ! આ રહ્યા મ્હારા જાતિભાઇઓ સરોવરને તળીયે” એમ કહીને ત્હેણે પોતાના અણીદાર નખ વડે તે બગલાની કોમળ ડોક કાપી નાંખી. બગલો મરણ પામ્યો; અને કરચલો નીચે પાણીમાં પડ્યો.
સાર:–આમ સમયસૂચકતા રાખવાથી કરચલો જીવતો રહ્યો.