બાલ–પંચતંત્ર/વાંદરાઓ અને દોઢડાહ્યું પક્ષી
| ← ત્રણ માછલીની વાત | બાલ–પંચતંત્ર વાંદરાઓ અને દોઢડાહ્યું પક્ષી પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
વાઘના ચામડામાં ઢંકાએલો ગધેડો → |
એક વખત રાતના વાંદરાઓનુ ટાળું ઝાડપર બેઠું હતું. ટાઢને લીધે વાંદરાઓ સખ્ત ધ્રૂજતા હતા. એવામાં તેમણે જમીનપર કાંઈક ચળકતું દીઠું. તે કહેવા લાગ્યા:–“ત્યાં દેવતા જણાય છે. ચાલો આપણે ત્યાં જઈને તાપણી કરીએ.”
એક પક્ષી પણ ત્યાંજ બેઠું હતું. વાંદરાઓની આ વાતચીત ત્હેણે સાંભળી. તે બોલી ઉઠ્યું:–“જ્યાં બેઠા છો, ત્યાંંજ બેસી રહો. એ તો આગીયા છે. એમનાથી હુંફ નહિ વળે.”
મૂર્ખ વાંદરાઓએ કહ્યું:–“શું એમનાથી હુંફ નહિ વળે ? શુ દેવતાથી તાપણી નહિ કરાય ?”
પક્ષી બોલ્યું:–“હા, હું એમજ કહું છું. એ જીણા જીણા તણખા જેવું જણાય છે તે દેવતા નથી, એ તો આગીયા છે.”
વાંદરાઓ ચ્હીડાઇને બોલી ઉઠ્યા:–“શું તું અમારી મજાક કરે છે ? ઉભો રહે; બચ્ચા! હમણાં ત્હારી ખો ભૂલાવીએ છીએ.” એમ કહીને તેઓ એકદમ તે પક્ષીના ઉપર તૂટી પડ્યા અને તેને મારી નાંખ્યું.
સાર:–‘અણબોલાવ્યું બોલે તે તણખલાનાં તોલે.’ વગર માંગ્યે શીખામણ અગર સલાહ આપવી એ સલામતીભર્યું નથી.