લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર/વાંદરો અને મગર

વિકિસ્રોતમાંથી
← સમયસૂચકતા બાલ–પંચતંત્ર
વાંદરો અને મગર
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત
લુચ્ચો બગલો અને ચાલાક કરચલો →


વાંદરો અને મગર.

કોઇએક સમુદ્રને કિનારે જાંબુનું ઝાડ હતું. તેના ઉપર એક રક્તમુખ નામનો વાંદરો રહેતો હતો.

એક દિવસ એ રક્તમુખે એક ઘરડા મગરને દીઠો. તે એના ઝાડની પાસેજ પડી રહ્યો હતો. એને જોઇને રક્તમુખે કહ્યું:–“ભલે પધાર્યાં ! તમે મ્હારા ઘરને આંગણે આવ્યા છો, માટે મ્હારા મહેમાન છો. હું તમને જોઇને ઘણો ખુશી થયો છું. લ્યો, આ ગળ્યાં શાકેર જેવાં જાંબુ હું આપું છું, તે ખાઓ.”

એમ કહીને તેણે થોડાંક જાંબુ મગરને આપ્યાં.

મગરને તે બહુ ભાવ્યાં, જાંબુ ખાવાની લાલચથી રોજ મગર ત્યાં આગળ આવવા લાગ્યો. બન્ને જણા સાથે બેસતા, વાતચીત કરતા અને જાંબુ ખાયાં કરતા. જાંબુ ખાઇ રહીને, મગર પાછો પોતાને ઘેર જતો. નદીમાંજ તેનું ઘર હતું.

એક દિવસ મગર પોતાને ખાતાં વધેલાં થોડાંક જાંબુ પોતાની સ્ત્રીને માટે ઘેર લઈ ગયો. તેને પણ એ જાંબુ ઘણાંજ ભાવ્યાં. તેની ડાઢમાં એનો સ્વાદ રહી ગયો. તેથી તે બોલી:—

“આવાં ફળ મ્હારે સારૂ રોજ લાવ્યાં કરો, તો કેવું સારૂં ?” તે ઉપરથી રોજ મગર પોતાની સ્ત્રીને માટે જાંબુ લઈ જતો, અને તેને આપતો. એક દિવસ તેની સ્ત્રીએ પૂછ્યું:—

“આવાં અમૃત જેવાં મીઠાં ફળ તમે ક્યાંથી લાવો છો ?”

મગરે જવાબ દીધો:–“નદી કિનારે એક ઝાડ છે. તેના પર એક મ્હારો વાંદરો મિત્ર રહે છે. તેની પાસેથી હું આ ફળ લાવું છું.”

“ત્યારે એ વાંદરો પણ આ ફળ ખાતોજ હશે,” તેની સ્ત્રીએ ફરી સવાલ કર્યો.

મગર બોલ્યો:—“હા, એતો એના ઉપરજ રહે છે; રોજ બધાં બહુયે ખાતો હશે.”

તેની સ્ત્રીએ કહ્યું:–“ત્યારે તો આવાં અમૃત જેવાં ફળનોજ એનો કોઠો બંધાયો હશે. તો પછી એનું કાળજું કેટલું બધું સ્વાદિષ્ટ હશે ? ખરેખર ખાવા લાયકજ હોવું જોઇએ, મ્હને એનું કાળજું નહિ લાવી આપો ?”

મગર ગુસ્સે થઈને બોલ્યો:–“અરે વાહ ! કાળજું તો વળી શી રીતે લાવું ? એ તો મ્હારો મિત્ર થાય છે. મિત્રને મ્હારાથી કેમ મરાય ?”

તેની સ્ત્રીએ હઠ લીધી:–“બોલો લાવી આપવું છે કે નહિ ? કાળજું લાવી આપશો નહિ, તો હું જીવતી નહિ રહુ મિત્રને જીવ બચાવવા જતાં, તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે.”

મગર આખરે લાચાર થઇને વાંદરા પાસે ગયો. રક્તમુખ તે વખતે ઝાડ ઉપર બેઠો હતો. બહુજ દચામણું મ્હોં રાખીને મગર ત્યાં આગળ પડી રહ્યો હતો.

“આજે કેમ આવા દીલગીર દેખાઓ છો.”

મગર બોલ્યો:—“અરે કાંઇ નહિ, જવા દો એ વાત !” એમ કહીને તેણે ઉંડો નિસાસો નાંખ્યો.

વાંદરાએ કહ્યું:–“એમ ગુંચવાઓછો શું કરવા? જે હોય તે બેલાશક કહો. હું તમારો મિત્ર છું. એક બીજાને મુશ્કેલીમાં મદદ કરે નહિ, તે મિત્ર શા કામના ?”

મગર બોલ્યો:–“હા ભાઇ! તમે મદદ કરી શકો તેમ છો. આ તો સાધારણ વાત છે. મ્હારી સ્ત્રી મ્હારી સાથે રીસાઇ છે. તમારાં જાંબુ એને બહુ ભાવે છે. હું એને માટે ઘણું ખરૂં અહીંથીજ લઇ જાઉં છું. આજે એણે મ્હને પૂછ્યું:- “આવાં સુંદર ફળ તમે ક્યાંથી લાવો છો ? મ્હેં ત્હમારૂં નામ દીધું. ત્યારથી એ હઠ લઈ બેઠી છે. આવાં ફળ જે ત્હમને રોજ આપે છે, તેને તમે કદી અંહી બોલાવી લાવતા પણ નથી ! હમણાંજ બોલાવી લાવો; નહિ તો હું ત્હમારી સાથે બોલીશ નહિ. ભાઇ ! એથી હુંં મુંઝાઉં છું.”

વાંદરાએ જવાબ દીધો:–‘પણ તમે તો નદીમાં રહો છો. ત્યાં હુંં આવી શી રીતે શકીશ ? મ્હેને તરતાં આવડતું નથી.”

મગર બોલ્યો:–“બેસી જજો મ્હારી પીઠપર; હું તમને સુખરૂપ લઈ જઈશ.”

વાંદરાએ તેના વચન પર વિશ્વાસ રાખ્યો. તે મગરની પીઠ પર ચઢી બેઠો, પછી તેઓ નદીમાં દાખલ થયા.

જમીન ઉપર મગર ધીમે ધીમે ચાલતો હતો, પણ પાણીમાં ત્હેણે સપાટા બંધ તરવા માંડ્યું. એથી વાંદરાને ઘણી બ્હીક લાગી અને તે બોલી ઉઠ્યો:- “ભાઈ ! ધીરે ધીરે ચાલ. પાણીના મોજાંઓથી મ્હારૂં આખું શરીર પલળી ગયું.”

તે સાંભળીને મગરે વિચાર કર્યો કે, આ વાંદરો હવે અથાગ પાણીમાં આવી લાગ્યો છે. તેથી મ્હારા કબજામાંથી એ હવે છુટો થઈ શકે તેમ નથી. માટે લાવ એને ખરી હકીકત કહું. એ વિચારથી ત્હેણે કહ્યું:–“મિત્ર ! તું હવે ઇશ્વરનું સ્મરણ કરી લે, મ્હારી સ્ત્રી ત્હને મારી નાંખવાની છે.”

વાંદરાને બ્હીક તો ઘણી લાગી હતી, છતાં તે હિંમત હાર્યો નહિં. તેણે સમયસૂચકતા રાખીને પૂછ્યું:–“ત્હારી સ્ત્રી મ્હને શા માટે મારી નાંખશે ?”

મગર બોલ્યો:–“મ્હારી સ્ત્રીએ તમારાં જાંબુ ખાધાં હતાં, તે એને બહુ ભાવ્યાં. એ જાંબુ તમે આપ્યાં હતાં, તે પણ એ જાણતી હતી. તેથી એણે કહ્યું:–“એ જાંબુ આપનારો પણ જાંબુના જેવોજ ખાવા લાયક હશે. એને મ્હારી પાસે લઇ આવો. મ્હારે એનું કાળજું ખાવું છે. ત્હમે જો એને અહિં નહિ લઈ આવો, તો હું મરી જઈશ. હવે શું કરવું? જો હું તમારો જીવ ઉગારૂં છું, તો મારી સ્ત્રી મરણ પામે છે. તેથી હું ત્હમને એની પાસે લઈ જાઉં છું.”

“અરે, જાઓ મ્હારા ભાઈ !” વાંદરાએ જવાબ દીધો, “એમાં શી વીસાત છે ? પણ પહેલેથીજ એ વાતનો ખુલાસો કરવો હતો ને ? મ્હેં તો મ્હારૂં કાળજું જાંબુડીની બખોલમાં મુકી રાખ્યું છે. મ્હારી સાથે તો ફકત મ્હારૂં હૃદયજ લેતો આવ્યો છું.”

મૂર્ખ મગર બોલ્યો:–“ત્હમારા કાળજાં વગર તો નહિ ચાલે; મ્હારી સ્ત્રી તોફાન મચાવશે. ચાલો, આપણે જઈને લઈ આવીએ.” એથી તેઓ પાછા ફર્યા અને થોડી વારમાં જાંબુડી આગળ આવી પહોંચ્યા. વાંદરો ઝટ કરતો ઝાડ ઉપર ચઢી ગયો. “કાળજું ક્યાં છે ?” નીચેથી મગરે પૂછ્યું.

વાંદરા બોલ્યો:-“અરે હૈયાફૂટા ! તું ત્હારૂં કાળજું ક્યાં રાખે છે ત્હારા શરીરમાં કે બીજી કોઇ જગ્યાએ ? મ્હારૂં કાળજું તો હંમેશાં હોય છે તેમ મ્હારા શરીરમાંજ છે; તે ત્હારી વહુને માટે વાળુ કરવાને આપી શકાય તેમ છે નહિ, મ્હેં મોટી ભૂલ કીધી કે ત્હારા જેવા નિર્દય પ્રાણીના ઉપર વિશ્વાસ રાખ્યો.”

સાર:–આ પ્રમાણે સમયસૂચકતાથી વાંદરાએ પોતાનો જીવ બચાવ્યો. સમય સૂચકતાથી એમ પોતાના તેમજ બીજાના જાન માલનું રક્ષણ થઈ શકે છે.