બાલ–પંચતંત્ર/વાઘના ચામડામાં ઢંકાએલો ગધેડો
| ← વાંદરાઓ અને દોઢડાહ્યું પક્ષી | બાલ–પંચતંત્ર વાઘના ચામડામાં ઢંકાએલો ગધેડો પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
મિત્રનો લાભ કેમ થાય તે વિષે → |
કોઇ એક ગામમાં એક ગરીબ ધોબી રહેતો હતો. ત્હેને ત્યાં એક ગધેડો હતો. તે ગધેડાને ખાવાનાં સાંસા પડતા હતા. તેથી તે ઘણો દુબળો પડી ગયો હતો. ધોબી પણ ઘણો ગરીબ હતો, તેથી એને પેટ પૂરતું ખવડાવી શકતો નહિ. એક દિવસ વાઘનું ચામડું તે ધોબીને હાથ આવ્યું. ત્હેણે એ ચામડું પેલા ગધેડાને પહેરાવી દીધું. પછી તેને ખેતરમાં ચરવાને છુટ્ટો મુકી દીધો.
ગામના લોકો તેને ખરેખરો વાઘ જાણીને, તેને જોઈને મૂઠીવાળીને નાસી જતા. આથી તે ગધેડાને મન માન્યું ચરવાની મજા પડતી. દરરોજ તે વાઘનું ચામડું ઓઢીને ખેતરોમાં ભરાતો અને તાજો પાક ખાતો. આથી થોડા દિવસમાં તે ધાબડ ધીંગો બની ગયો. શરીરે હૃષ્ટ પુષ્ટ થઇ ગયો. રોજની માફક એક દિવસ તે ખેતરમાં ચરી રહ્યો હતો, તેવામાં ઓચીંતો એક બીજો ગધેડો ભૂંક્યો. વાઘના ચામડામાં ઢંકાએલા ગધેડાએ પણ તે જોઇને ભૂંકવા માંડ્યું.
તે ઉપરથી ખેતરના માણસો ખરો ભેદ જાણી ગયા કે, આતો ગધેડોજ છે, કાંઇ ખરો વાઘ નથી. એટલે તેઓએ ડાંગ, લાઠી વગેરે લાવીને એની ખબર લઇ નાંખી. ગધેડાને એવો તે સખ્ત માર માર્યો કે તેના રામ રમી ગયા.
સાર:—“જાત ન મૂકે ભાત.” દરેક જાતિનો કુદરતી સ્વભાવ બદલાતો નથી. અવિચારીપણું સઘળી આપદાઓનું મૂળ કારણ છે.