લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર/વાર્તાઓનો આરંભ

વિકિસ્રોતમાંથી
બાલ–પંચતંત્ર
વાર્તાઓનો આરંભ
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત
સિંહ અને બળદની વાર્તા →




બાલ–પંચતંત્ર; યાને પંચતંત્રમાંની વાતો.

વાર્તાઓનો આરંભ.

દક્ષિણ દેશમાં મહિલારોપ્ય નામનું એક શહેર હતું. તેમાં અમરશક્તિ નામે મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો, તેને ત્રણ મુર્ખ પુત્રો હતા. તેમનાં નામ હતાં બહુશક્તિ, ઉગ્રશક્તિ, અને અનંતશક્તિ. પણ તેઓ કાળા અક્ષરને કુટી મારે તેવા અભણ અને અક્કલના દુશ્મન હતા. રાજાએ એક દિવસ દરબારમાં તેમને માટે બળાપો કરતાં કહ્યું કે:– “આ મૂર્ખ છોકરાઓનું આગળ જતાં શું થશે ? જીંદગીભર આવાજ ઠોઠ રહેશે, તો તેમનાથી રાજ્ય કેમ થઇ શકશે ? મ્હારા મરણ પછી, એ લોકો નક્કી રખડી મરશે.” મન્ત્રીઓની સલાહથી રાજાએ વિષ્ણુશર્મા નામના પંડિતને બોલાવીને, પોતાનો વિચાર તેમને જણાવ્યો. પંડિતે પ્રતિજ્ઞા લઇને કહ્યું કે, હું ત્હમારા પુત્રોને છ મહિનાની અંદર નીતિશાસ્ત્રમાં નિપુણ બનાવી દઇશ. રાજા પ્રસન્ન થયો, અને પોતાના પુત્રોને તેણે એ પંડિતને સોંપ્યા. એ રાજ કુંવરોને વિષ્ણુશર્મા પોતાને ઘેર લઈ ગયા, અને તેમને શિયાળ, સિંહ વગેરે વનનાં પ્રાણીઓની વાતો કહેવા માંડી. એ વાર્તાઓ રસ પડે તેવી હતી. તેથી રાજકુંવરોને સાંભળવાની મજા પડતી, અને વળી તેમની બુદ્ધિનો પણ વિકાસ થતો હતો. પંડિત તેમને સંસાર વ્યવહારમાં પાવરધા બનાવવા માંગતા હતા. તેથી એમણે તેઓને કહ્યું:–“હે રાજકુંવરો ! લુચ્ચા માણસોની વાત ઉપર લક્ષ આપશો નહિ. તેઓ તમને અવળે રસ્તે દોરવશે. લુચ્ચા શિયાળના કહેવાથી, એક સિંહે શું કર્યું હતું તે હું તમને કહીશ. તેણે શિયાળના શબ્દોથી ભોળવાઈને પોતાના ભલા મિત્રને મારી નાંખ્યો.”