બાલ–પંચતંત્ર/શિયાળ અને નગારૂં
| ← સિંહ અને બળદની વાર્તા | બાલ–પંચતંત્ર શિયાળ અને નગારૂં પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
ખીલો ખેચનાર વાંદરાની વાત → |
શિયાળ અને નગારૂં.
એક વખત એક શિયાળ વનમાં આમતેમ ઘુમ્યાં કરતું હતું. તે ઘણું ભૂખ્યું થયું હતું. આખરે સાંજ પડી, ત્યારે ત્હેણે દૂરથી લડાઇનું મેદાન દીઠું ત્હેણે વિચાર કર્યો કે, ત્યાં જઇશ તો કંઇક ખાવાનું મળી આવશે. તેથી તે ત્યાં આગળ દોડી ગયું, તે જગોએ જોસથી ભમભમ અવાજ થતો હતો. તે એના સાંભળવામાં આવ્યો. તે સાંભળીને એને બહુ બ્હીક લાગી. એણે એવા અવાજ કદી સાંભળ્યો નહતો. તેથી તે વિચાર કરવા લાગ્યું કે, આ શું હશે ? તોપણ આગળ જવાની તેની હિંમત ન ચાલી, તેથી પાસેની ઝાડીમાં ભરાઈ ગયું. વારંવાર અવાજ થયાંજ કરતો હતો અને શિયાળ ભયથી ધ્રૂજતું હતું. આમ તેણે ભૂખ્યાભૂખ્યાજ આખી રાત ઝાડીમાં કાઢી, સ્હવાર થતામાં શિયાળને ભૂખનું દુઃખ ભારે થઇ પડ્યું. તેને એમજ લાગ્યું કે, હવે તો ભૂખ્યા નહિજ રહેવાય, ત્યારે તે ઝાડીમાંથી બહાર નીકળ્યું. અવાજ તો થયાંજ કરતો હતો; તેમ છતાં તે હિંમત રાખીને આગળ વધ્યું. ત્યારે અવાજ થવાનું કારણ તેને સમજાયું.
અહિં પિંગલકે પૂછ્યું:–“તે શું હતું ?”
શિયાળે ખુલાસો કર્યોઃ–“અરે, ઝાડમાં એક નગારૂં હતું. પવન વાતો, ત્યારે ઝાડની ડાળી તે નગારા સાથે અથડાતી અને તેનો ભમભમ અવાજ થતો. એજ અવાજથી પેલું શિયાળ નકામુ બ્હીતું હતું. એકલા અવાજથીજ ડરી જવું એ મૂર્ખાઇ ભરેલું છે. વાજ આપણને કશી ઇજા કરી શકતો નથી.”
પિંંગલક બોલી ઉઠ્યો:–“હા,બરાબર છે. અવાજથી ડરવું ડહાપણભર્યું નથી, ભલે, તમે જાઓ અને પેલાં નવાં જનાવરને અહિં લઇ આવો.”
તે ઉપરથી શિયાળ સંજીવકને પિંગલકની પાસે લઈ આવ્યો. પિંગલકને તેનો સ્વભાવ ઘણોજ ગમી ગયો, અને જોતજોતામાં તે એનો માનીતો મિત્ર થઇ પડ્યો. બન્ને જણા હળીમળીને સાથે રહેવા લાગ્યા.
શિયાળે સંજીવકનું મોત શી રીતે નીપજાવ્યું. તે વિષે:–શિયાળ હવે પિંગલકનો વિશ્વાસપાત્ર મિત્ર થઇ પડ્યો હતો. એથી તે મનમાં ને મનમાં મલકાતો અને હરખથી ફુલાઈ જતો. એક દિવસ તેણે પોતાના ભાઈને કહ્યું–“ભાઈ ! આ વનના રાજા પિંગલક સિહની સાથે મ્હારે દોસ્તી થઇ છે.”
“એ દોસ્તી વળી કેમ કરતાં થઈ ?” એના ભાઈએ પૂછ્યું.
શિયાળે જવાબ આપ્યો:–“હું પેલા નવા બળદ સંજીવક–ને એની પાસે લઈ ગયો હતો. એ બન્ને જણા જીવજાન દોસ્ત થયા છે; અને ત્યારથી પિંગલકના મ્હારા ઉપર ચારે હાથ છે.”
દિવસે દિવસે પિંગલક અને સંજીવકની મિત્રતા વધતી ગઈ. દિવસના સંજીવક બહાર જઈને મન માન્યું ઘાસ ચરતો. સાંજરે તે પાછો ઘેર આવતો, ત્યારે પિંગલક શિકાર કરવા જતો તેઓ સ્હવારે અને સાંજરે એક બીજાને મળતા અને મોજ કરતા.
એ બન્નેનું આવું સુખ શિયાળથી ખમાયું નહિ. એમનો નિર્દોષ આનંદ એની આંખ્યોમાં ખુંચવા લાગ્યો. તેથી એક દિવસ એણે પોતાના ભાઈને કહ્યું:–“પિંગલક અને સંજીવકના રંગમાં ભંગ પડાવવો જોઇએ. એના જેવો તદ્દન અજાણ્યો-પરાયો-તે વળી આપણા રાજાનો ખાસ મિત્ર થાય! એતે કેમ ખમાય !”
શિયાળના ભાઈએ ખુલાસો કર્યો:– “સમજુ લોકો બીજાની ખાનગી બાબતોમાં માથું મારતા નથી, એ સબંધમાં એક વાંદરાની વાત છે. તે ત્હારા સાંભળવામાં આવી છે ?’
શિયાળ બોલ્યો :–“ના ભાઈ ! એ વાત કેવી છે ?”
તે ઉપરથી એના ભાઈએ નીચે પ્રમાણે વાર્તા કહેવા માંડી:–