લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર/સિંહ અને બળદની વાર્તા

વિકિસ્રોતમાંથી
← વાર્તાઓનો આરંભ બાલ–પંચતંત્ર
સિંહ અને બળદની વાર્તા
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત
શિયાળ અને નગારૂં →


૧. સિંહ અને બળદની વાર્તા.

આ દુનિયામાં પૈસાદાર થયાનું કોને નહિ ગમે ? મહિલારોપ્ય નગરમાં એક શાહુકાર રહેતો હતો. તેને એક વખત ખુબ પૈસા કમાવાનું મન થયું. સંજીવક અને નંદક નામના પોતાના બેઉ બળદોને તેણે રથમાં જોડ્યા, અને વેપાર કરવાને પરદેશ જવા સારૂ નીકળી પડ્યો. કાદવ કીચડવાળા રસ્તામાં સંજીવકનો પગ એકાએક ડટાઇ ગયો, અને રથનો આંચકો લાગવાથી ભાંગી ગયો. ત્યારે તે શાહુકારે સંજીવકનું જોતર છોડી નાંખ્યું; જંગલમાં તેને છુટ્ટો મુકી દીધો અને પોતે આગળ ચાલવા માડ્યું. સંજીવકને વનમાં કોઈ કરતાં કોઈનો આધાર રહ્યો નહતો. તેમ છતાં તે મરી ગયો નહિ. કુદરતી રીતેજ તેનો પગ ધીમે ધીમે સારો થઇ ગયો અને જંગલનું લીલુંછમ જેવું ઘાસ ખાઈ કરીને તે જોતજોતામાં તાજોમાજો તૈયાર થઈ ગયો. દરરોજ ખવાય તેટલું ઘાસ ખાતો અને મસ્તીમાં આવીને બરાડા નાંખતો. તેજ જંગલમાં પિંગલક નામનો એક સિંહ રહેતો હતો. તે એ જંગલનો રાજા હતો. બધાં પ્રાણીઓ એને નમતાં અને એની આજ્ઞામાં રહેતાં. એક દિવસ યમુના નદીને કિનારે તે પાણી પીવા સારૂ આવ્યો હતો. તે વખતે એક બહુ મોટી ગર્જના એણે ઓચીંતી સાંભળી. એવો ભયંકર અવાજ એણે અગાઉ કદી સાંભળ્યો નહતો. તેથી એનું આખું શરીર ભયથી ધ્રૂજવા લાગ્યું; વડના ઝાડની નીચે બેસીને તે વિચાર કરવા લાગ્યો, આવો ભયંકર અવાજ કોણ કરતું હશે ? ખરેખર એ કોઈ જંગી પ્રાણી હોવું જોઈએ. ખરૂં જોતાં એ ગર્જના સંજીવક કરતો હતો, પરંતુ પિગલકને તે વાતની ખબર નહતી. એ તો ભયથી આભોજ બની ગતો હતો. તેજ ક્ષણે એક શિયાળ જંગલમાંથી નીકળીને ત્યાં આગળ આવી પહોંચ્યો. પોતાના બેઉ હાથ જોડીને પિંગલકની સામે ઉભો રહ્યો. તે દેખીતી રીતે પિંગલકની મહેરબાની મેળવવા માંગતો હતો. પિંગલકે તેને પૂછ્યું, ત્હારે શું જોઇએ છે ?” આપ નામદારને મદદ કરવાની મારી ઇચ્છા છે,’ લુચ્ચા શિયાળે જવાબ આપ્યો. સિંહ ગાજી ઉઠ્યો:-‘મ્હને મદદ કરશે ! નાનકડો શિયાળ તે વળી સિંહને શું મદદ કરવાનો હતો ? ચાલ્યો જા, નહિ તો હું તને મારી નાંખીશ.’ શિયાળ કાલાવાલા કરીને કહેવા લાગ્યો:–“અરે રાજા સાહેબ ! મ્હને શિયાળ સમજીને આમ મારો તિરસ્કાર આપે કરવો ના જોઈએ. અલબત્ત હું આપના જેવો જોરાવર નથી. આપના જેવું પરાક્રમ કરવાની મ્હારામાં શક્તિ નથી. તોપણ તેટલાથીજ હું નાલાયક ઠરતો નથી. કેટલીકવાર નિર્બળ પશુ સબળને સહાય કરી શકે છે. જે ઉપયોગી કામ કરી શકે છે, તેજ ઉ૫યેાગી છે. કીડામાંથી રેશમ, પત્થરમાંથી સોનું અને કાદવમાંથી કમળ ઉત્પન્ન થાય છે. ગુણવાનના ઉત્તમ ગુણોજ વખણાય છે, જેણે કામ કર્યું. તેણે તો કામણ કર્યું એમજ સમજવું.”

પિંગલક બોલ્યો:–જવાદો એ બધી વાત. શિયાળ કેવાં લુચ્ચાં હોય છે, તે મ્હારાથી અજાણ્યું નથી. તેઓ બધું પોતાની મતલબથીજ કરે છે. પણ કહો, તમારે જે કહેવું હોયતે. હું ખુશીથી સાંભળીશ.

શિયાળે જણાવ્યું:–“ એક નવું જનાવર આવ્યું છે જંગલમાં. કહો તો ઓળખાણ કરાવું એની સાથે.”

“ના,ના ! અહિં ના લાવશો એને.” સિંહે જવાબ દીધો.

શિયાળે કહ્યું:– “એની તો આપના મિત્ર થવાની ઈચ્છા છે. કહો તો આપની પાસે લઇ આવું.”

રાજા બોલ્યો:– “એમ હોય તો ભલે લઈ આવજો. પણ એ જો જબરૂં અને ઝનુની જાનવર હોય તો મ્હારે કામ નથી એનું. એ બહુ ભયંકર ગર્જના કરે છે. એની ગર્જનાથી તે આજે હું થથરી ઉઠ્યો. ખરેખર મ્હને સખ્ત બ્હીક લાગી હતી.”

શિયાળે જવાબ દીધો:–“અરે રાજાસાહેબ ! એકલા અવાજથી શું કામ ડરવું જોઈએ ? તેનાથી શી ઈજા થવાની હતી ? સમજુ લોકો કેવળ શબ્દથીજ ડરી જતા નથી. શિયાળની વાત તો આપે સાંભળી હશે. તે પણ અવાજ સાંભળીને આમજ ગભરાઈ ગયો હતો.”

પિંગલક બોલ્યો:–“ના ભાઇ ! એ વળી કેવી વાત છે?”

શિયાળે આ પ્રમાણે વાર્તા કહી સંભળાવી:–