બાલ–પંચતંત્ર/સિંહ અને સસલું
| ← લુચ્ચો બગલો અને ચાલાક કરચલો | બાલ–પંચતંત્ર સિંહ અને સસલું પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
ટીટોડો અને મહાસાગર → |
કોઇએક જંગલમાં ભાસુરક નામે સિંહ રહેતો હતો. તે ઘણો બળવાન હતો. રોજ ઘણાં જાનવરોના જીવ લીધા વગર તે જંપતો નહિ. તે ઉપરથી બધાં જનાવરો ભેગાં મળીને એની પાસે જઇને કહેવા લાગ્યાં:–“અમે દરરોજ એક્કેક જનાવર ત્હમને મોકલી આપીશું.”
સિંહે તે વાત કબૂલ રાખી.
આખરે એક વખત એક શશલાંનો વારો આવ્યો. તે ઘણો ચાલાક તથા બુદ્ધિશાળી હતો. જાણી જોઈને તે એની પાસે બહુ મોડો ગયો. સિંહ ભૂખના દુઃખથી બ્હેબાકળો થઈ ગયા હતો, શશલાંને આવતો જોઇને તે એકદમ ક્રોધ કરીને કહેવા લાગ્યો:–“હરામખોર ! તું આટલો બધો મોડો કેમ આવ્યો ? આજે ત્હને મારીશ અને તે સાથે જંગલનાં બીજા બધાં જનાવરોને પણ મારી નાંખીશ.”
તે શશલો કાલાવાલા કરતા કહેવા લાગ્યો:–“એમાં મ્હારો વાંક નથી. રસ્તે થઈને આવતાં બીજા એક સિંહે મ્હને રોકી રાખ્યો હતો. ત્હણે કહ્યું:–‘આ વન તો મ્હારૂં છે. તમે રોજ ભાસુરકને કેમ અક્કેકું જનાવર મોકલી આપો છો ? ભાસુરક તો ચોર છે.’ એમ કહીને તે મ્હને આવવા દેતો ન હતો. તેમ છતાં હું જેમ તેમ કરીને અંહી નાસી આવ્યો છું.”
તે સાંભળીને ભાસુરક બોલી ઉઠ્યો:–“એમ હોય તો તે સિંહ મ્હને ઝટ દેખાડ. હું ત્હેનો જીવ લીધા વગર નહિ રહું.”
શશલાએ ત્હેને વધારે ઉશ્કેરવાની મતલબથી કહ્યું:– “અરે, એ સિંહ તો આપના કરતાં વધારે બળવાન છે. અને પાછો કિલ્લામાં ભરાઇ રહ્યો છે. માટે આપના હાથમાં આવવો મુશ્કેલ છે.”
ભાસુરક વધારે ગુસ્સે થઇને બોલ્યો:–“એ બધી વાત જવા દે. એકવાર મ્હને એ ક્યાં છે તે બતાવ. પછી તું જોજે કે હું એનો નાશ કરૂ છું કે નહિ.”
શશલાએ કહ્યું:–“એમ હોય તો ચાલો. હું આપને બતાવું,” એમ કહીને શશલો ત્હેને એક કૂવા આગળ લઈ ગયો અને કહેવા લાગ્યો:–“મહારાજ ! આપને આવતા જોઈને એ સિંહ આ કિલ્લાની અંદર ભરાઈ ગયો છે.” તે મૂર્ખ સિંહે કૂવાની અંદર નજર કરી તો પોતાનોજ પડછાયો તેમ જોવામાં આવ્યો. એણે જાણ્યું કે આજ મ્હારો દુશ્મન સિંંહ છે. તેથી એ જોરથી ગર્જના કરવા લાગ્યો. પાણીમાં તેને પડઘો પડ્યો. બમણા જોરથી સામી ગર્જના થઈ. સિંહે જાણ્યું કે આ મ્હારી સામું જ ગર્જના કરે છે. તેથી એણે ખીજવાઈને એકદમ તે કૂવાની અંદર છલંગ મારી. પાણીમાં પડ્યો અને મરી ગયો. શશલાંની આ ચાલાકીને માટે બધાં પશુઓએ ત્હેને શાબાશી આપી.
સાર:–શશલાંએ પણ અક્કલ વાપરીને સમયસૂચકતાથી પોતાનો જીવ બચાવ્યો.