બાલ–પંચતંત્ર/હાજર જવાબી શાહુકાર
| ← કાગડાનું જોડું અને કાળો નાગ | બાલ–પંચતંત્ર હાજર જવાબી શાહુકાર પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત |
સમયસૂચકતા → |
એક વખત એક શાહુકારની દોલત ખલાસ થઈ ગઈ. એથી તેણે પરદેશમાં જઈ વેપાર કરવાનો નિશ્ચય કર્યો. જતાં પહેલાં તે પોતાના મિત્ર પાસે ગયો, અને તેને આ પ્રમાણે કહ્યું:–“મ્હારી પાસે એક હજાર લોઢાનાં કાટલાં છે. તે હું તમારે ત્યાં મુકી જાઉં, તો ત્હમે સાચવી રાખશો ?”
શાહુકારના મિત્રે ધાર્યું કે પરદેશ જનારા ક્યારે પાછા આવે છે. એ કાંઈ પાછો આવવાનો નથી; માટે કાટલાં રાખી પાડીશું, તો આપણાં થઈ જશે. એ વિચારથી તેણે કાટલાં રાખવાની હા કહી. શાહુકાર કાટલાં એને ત્યાં મુકીને પરદેશ ગયો.
ઘણે દહાડે તે પાછો આવ્યો, ત્યારે પોતાના મિત્રની પાસે ગયો, અને કાટલાંને માટે પૂછવા લાગ્યો કે:—“ક્યાં છે મ્હારાં કાટલાં ? મ્હારે હવે જોઈએ છે.”
એનો મિત્ર પાકો ઠગ હતો. એને કાટલાં પચાવી પાડવાં હતાં. તેથી શાહુકાર પાછો કાટલાં લેવા આવ્યો, તે એને ગમ્યું નહિ. એણે વિચાર કર્યા કે મ્હેં આટલા દિવસ કાટલાં રાખ્યાં છે, તો હવે પાછાં નહિજ આપવાં. એટલા માટે એણે કહ્યું કે:–“કાટલાં તો ઉંદર ખાઈ ગયા !”
શાહુકાર કાંઇપણ બોલ્યો નહિ, પણ તે તરત ચેતી ગયો કે, મ્હારા મિત્રે મ્હને છેતર્યો છે. ઉંદ૨ તે વળી લોઢાનાં કાટલાં ખાતા હશે ? આ શું બોલે છે ? એવું તે કાંઈ હોય ? એની દાનત બગડી છે. માટે યુક્તિથી તે ઠેકાણે લાવવી. કહેવત છે કે, થાય તેવા થઇએ તોજ ગામ વચ્ચે રહીએ. મ્હારે પણ એની કળા એના ઉપર અજમાવવી. એમ સમજીને તે ગુપચુપ પોતાને ઘેર ચાલ્યો ગયો. એના મિત્રને એક નાનો છોકરો હતો. તે એને ઘણો વ્હાલો હતો. શાહુકારે એક દિવસ પોતાના મિત્ર પાસે જઈને ત્હેને કહ્યું:–“આજે ત્હમારા છોકરાને મ્હારી સાથે મોકલો મ્હારે એને કેટલીક રમત બતાવવી છે.” છોકરાને પણ જવાનું મન હતું, તેથી બાપની રજા લઈને તે એની સાથે ગયો. શાહુકાર તો છોકરાને બીજા કોઇના ઘરમાં મુકી આવ્યો. અને ત્યાં એને રમવાને રમકડાં આપ્યાં, પણ ત્હેને પાછો પોતાના બાપને ઘેર મોકલ્યો નહિ. આખરે ત્હેનો બાપ અધીરો થઇ ગયો અને શાહુકાની પાસે આવીને પૂછવા લાગ્યો:–“ક્યાં છે મ્હારો છોકરો?”
શાહુકારે ઠંડે પેટે જવાબ દીધો:–“એને તો પક્ષી પાંખમાં ઘાલીને ઉપાડી ગયું.”
એના મિત્રે કહ્યું:–“વાત શી કરી છો ? પક્ષી તે વળી છોકરાને ઉપાડી જઈ શકતું હશે ?”
શાહુકારે એની ચાલાકી એના ઉપરજ ચલાવી અને હ્યુંઘુ કે:–“ભાઈ ! ઉંદર જો લોઢાનાં કાટલાં ખાઈ જાય, તો પક્ષી પણ છોકરાને ઉપાડી જઇ શકેજ.”
એનો મિત્ર હસી પડ્યો. “હા ભાઈ હા ! સમજ્યો; તમે મ્હારી મજાક કરી છે. ત્હમારાં કાટલાં મ્હારી પાસે છે તો ખરાં. હું તો ત્હમારૂ પાણી જોતો હતો, મ્હારે કાંઈ પચાવી પાડવાં ન્હોંતાં.”
શાહુકાર બોલ્યો:–“હજીયે વખતસર સમજ્યા છો. હું પણ ત્હમારૂં પારખું જોતો હતો, મ્હને જો મ્હારાં કાટલાં મળશે, તો ત્હમને ત્હમારો છોકરો કેમ નહિ મળી શકે?”
સાર:–થાય તેવા થઇએ, તોજ ગામ વચ્ચે રહીએ. લુચ્ચા સંગાથે લુચ્ચાઈ કર્યા વિના ફતેહ મળતી નથી.