બીરબલ અને બાદશાહ/ગપીદાસનો ગપ ગોલો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પૃથ્વીનો મધ્ય ભાગ કયો ? બીરબલ અને બાદશાહ
ગપીદાસનો ગપ ગોલો
પી. પી. કુન્તનપુરી
વણીક કળા-૧ →


વારતા એકસો છત્રીસમી
-૦:૦-
ગપીદાસનો ગપ ગોલો
-૦:૦-

એક સમે શાહ અને બીરબલ બાગમાં બેસી વિનોદની વાતો ચલાવી રહ્યા હતા. એટલામાં ત્યાં એક ગપીદાસ આવ્યો. આ માણસ જ્યારે આવતો ત્યારે કાંઇને કાંઇ અસંભવીત વાત લાવતો હતો. પણ તેની વાત સાંભળી કોઇ પણ જવાબ આપતું નહતું. આજ તેણે આવીને કહ્યું કે, ' ખુદાવીંદ ! મેં એક નવાઇ જેવો બનાવ જોયો છે, રજા હોય તો કહી સંભળાવું.'

શાહ--બોલ તેં શું જોયું ?

ગપીદાસ--હજુર ! આજ એક બકરી વાઘનો કાન પકડી ચાલી જતી હતી તે મેં મારી નજરે દીઠું.

તેની આવી ગપ સાંભળતાંજ શાહ તો ખડ ખડ હસી પડ્યો પણ બીરબલે વીચારયું કે આ ગપીદાસને એવો બનાવવો કે, તે ગપનો ગોળો છોડતાં ભુલી જાય. એમ ધારી બીરબલે કહ્યું કે, ' હા, તમારી વાત ખરી હોય એમ મને લાગે છે કારણ કે મેં પણ એક નવાઇ જેવો બનાવ જોયો છે. એક દહાડે એક માણસ પોતાની ભેંસને પાણી પીવરાવવા માટે નદીને કાંઠે લઇ ગયો. ભેંસ પાણી પીતી હતી એટલામાં એક મગર આવીને માણસના બે પગ પકડ્યા, તે માણસે સમયસુચકતા વાપરી ભેંસનું પુછડું પકડી લીધું. બંનેએ તેને પોતપોતાની તરફ ખેંચવા માંડ્યો. છેવટે મગરે તેના શરીરનો અડધો ભાગ ખેંચી જવા શક્તીવાન થયો. બાકીનો આગલો ધડ ભેંસના પુછડાને વળગી રહ્યો. એટલામાં ત્યાં એક વૈદ આવી ચઢ્યો, તેણે બકરીનો પાછલો ભાગ કાપી તે માણસના ધડ સાથે સાંધી દીધો. થોડા દીવસમાં તે સાજો થઇ ગયો. હજી સુધી તે માણસ બકરીની પેઠે દુધ આપે છે.'

પોતાની ગપ સામે બીરબલે ગપ મારી તેથી તે નાજવાબ થઇ શરમાઇને ત્યાંથી જતો રહ્યો.

-૦-