બીરબલ અને બાદશાહ/પાંચ સવાલના જવાબ

વિકિસ્રોતમાંથી
← રાજાનો હજામ પણ ચાલાક હોય છે બીરબલ અને બાદશાહ
પાંચ સવાલના જવાબ
પી. પી. કુન્તનપુરી
અદલ ઈનસાફને હરતાલના પાણીમાં ધોઈ નાંખો →


ભાગ તેરમો
વારતા એકસો આઠમી
-૦:૦-
પાંચ સવાલના જવાબ
-૦:૦-

નવલપુર નગરના ચતુરસીંહ નામના એક રાજાએ એક વખત શાહના નવ રત્નોની ચાતુરી જોવા માટે એક પત્રમાં પાંચ સવાલ લખી મોકલી તેનો જવાબ માગ્યો કે, 'આંખ છતાં આંધળો, દયાનો સાગર, હાથનો હીરો, બજારની ખાટ, અને નરકની વાટ. આ પાંચે સવાલોનો જવાબ ચાર માસની અંદર લખી મોકલો નહી તો મારી સાથે યુદ્ધ કરવા તત્પર થવું. ખેપીઆના હાથમાંથી શાહે આ પત્ર લઈ વાંચી વીચારી કરી મનમાં કહ્યું કે, ' મારા બુદ્ધીવાન નવ રત્નો કેવાં છે તેની પરીક્ષા કરવા માટે ચતુરસીંહ રાજાએ પાંચ સવાલ લખી મોકલ્યા છે તેનો જવાબ તેજ રત્નો પાસેથી માગવો જોઈએ ? તેઓ પોતાની બુદ્ધિ રૂપી ઘોડો ક્યાં સુધી દોડાવે છે ?' આવો વીચાર કરીને તેણે વળતે દીવસે કચેરી ભરીને પોતાના દરબારીઓને કહ્યું કે, આંખ છતાં આંધળો , દયાનો સાગર, હાથનો હીરો બજારની ખાટ અને નરકની વાટ. આ પાંચે સવાલો જવાબ એક માસની અંદર લાવી નહીં આપો તો તમને બધાને દેહાંત દંડની શીક્ષા કરવામાં આવશે.' આ પ્રમાણે શાહનો હુકમ સાંભળી તમામ કચેરી ભયભીત બની ગઈ અને તેઓએ ગામેગામ અને દેશો દેશમાં તેની શોધ ચલાવી પરંતુ કોઈ ઠેકાણેથી તે વસ્તુઓ મળી શકી નહીં. શું આ વસ્તુઓ ઝાડ ઉપર કે જમીન ઉપર પાકતી હશે ? કે શું કોઈની દુકાનેથી મળતી હશે ?’ તે પણ કોઈના સમજવામાં આવી નહીં. અહીંતો મુદ્દત પુરી થવા આવી પણ પાંચેમાંથી એકે ચીજ હાથ લાગી નહીં. તેથી દરબારી મંડળ ગભરાયું અને બીરબલને વીનવીને કહ્યું કે, ‘આપ વગર આ પાંચે વસ્તુઓ મળી શકનાર નથી. જો આપ કૃપા કરશો તોજ અમારો બચાવ થશે. આપનો ઉપકાર નહીં ભૂલીએ. આ લોકોની આવી દીનવાણી સાંભળી બીરબલે શાહની હજુરમાં જઈને કહ્યું કે, ‘સરકાર ! આપે જે પાંચ વસ્તુઓ દરબારી પાસેથી માગી છે તે નવલપુરમાં ગયા વગર મળવી કઠણ છે. માટે હુકમ કરો તો નવલપુર જઈ ચતુરસીંહને આપી આવું.’ બીરબલની આ વાત સાંભળી શાહ બહુ ખુશી થયો. અને માલ ખજાનો અને સાથે નોકર ચાકર આપી બડી ધામધુમથી શાહે બીરબલને નવલપુર તરફ જવાને રવાના કીધો. તે સામે શાહે પોતાની મહોર છાપનો પત્ર એવી મતલબનો લખી આપ્યો કે, ‘ આપની મંગાવેલી વસ્તુઓ મારા પ્રધાન સાથે મોકલી છે, તે મળેથી વળતી પાછી પહોંચ લખી આપશો.’ થોડાક દીવસ પછી બીરબલે નવલપુર જઈને એક સુંદર બંગલો ભાડે લઈ તેમાં નીવાસ કરવા લાગ્યો.આ નગરના લોકોની રીતભાતથી તથા ચતુર લોકોની ચાતુર્યતાથી જાણકાર થયા બાદ પૂર દમામથી બીરબલ નગરમાં ફરવા લાગ્યો. જે તેને પૂછતું તેને તે કહેતો કે, હું કાશ્મીરના રાજાનો પ્રધાન છું.’ મહોટા રાજાનો પ્રધાન જાણી ત્યાંના અમીર ઉમરાવો અને સરદારો મહોટા માન મરતબા સાથે મેજબાનીઓ આપતા હતા અને તેની સાથે મીત્રાચારી બાંધી.

એકા દીવસે બીરબલ સાથે ચાર સીપાઈ લઈ એક સાધારણ માણસની પેઠે દયારામ નામના વેપારીની દુકાને ગયો. આને જોઈ તે વેપારીએ તેને માન આપી ગાદી પર બેસાડી આવવાનું કારણ પુછ્યું. તેના જવાબમાં બીરબલે કહ્યું કે, ‘શેઠજી ! કાશ્મીર રાજાની કન્યા તમારા રાજાના કુમારને આપવાનો નીશ્ચય કરેલ છે, તે માટે ચાંદલાના રૂપીઆ આપવાનો જે ઠરાવ થયો છે તે સઘળી રકમ તમારો રાજા આગળથી માગે છે પણ તેટલી રકમ મારી પાસે નથી માટે પુરી કરવા માટે મેં મારા રાજા ઉપર કાગળ લખી હૂંડી મંગાવી છે, પણ તે હુંડીને આવતા લગભગ છ દીવસ લાગશે. અને તમારો રાજા તો આજ ને આજ પહેરામણી માગે છે માટે હમણાં આપવીજ જોઈએ. જો તે રકમ હમણાં ના ભરાયતો કામમાં ખલેલ પડે. તે ખલેલને દુર કરવા માટે આપની પાસે આવ્યો છું.જો મને રૂપીઆ દશ હજારની મદદ છ દીવસના માટે જ આપશો તો મહોટી મહેરબાની ! હું વ્યાજ સાથે મુદ્દત પ્રમાણે આપને પાછા નાણાં આપીશ.' પ્રથમથીજ કાશ્મીરના પ્રધાનના વખાણ સાંભળેલા હોવાથી તે વેપારીએ વગર અચકવે તેની માંગણી સ્વીકારીને કહ્યું કે, ‘જેટલા જોઈએ તેટલા રૂપીઆ લઈ જાઓ.‘ એમ કહી તેને દશ હજાર રૂપીઆ ગણી આપ્યા. તે લઈ બીરબલ પોતાને મુકામે ગયો.

થોડા દીવસ વીત્યા પછી એક બીજા પૈસાની મદથી અંધ બનેલા શેઠને ત્યાં બડા ઠાઠમાઠની સાથે બીરબલ ગયો છતાં તે પૈસાના અભીમાની દેવે કાંઈ પણ આવકાર ન દેતા જાણે કશું એ જાણતો ના હોય તેવો ડોળ કરી બેસી રહ્યો. અંતે બીરબલે પોતાની સઘળી હકીકત કહી સંભળાવીને રૂપીઆ પંદર હજારની માંગણી કરી. શેઠે ઓળખાણ માગી. બીરબલે બીજી રીતે સમજાવી શેઠને ઠંડાગાર કરી દીધા. બીરબલના શરીર પરના દાગીના જોઈ મનમાં લલચાયો અને સરકારી કામ માટે આવેલ છે તેથી પણ કાંઈ ફાયદો થશે. માટે આ વખતે તેનું કામ કરીશ તો તે મારા તાબામાં રહેશે. આવો વીચાર કરીને શેઠે તેને કહ્યું કે, ‘ જો કે તમારૂં કામ હું તમારા માનની ખાતર કરવા કબુલ કરૂં છું. પણ વ્યાજ તો પ્રથમથી જ કાપી લઈશ. તેની સાથે લેખ પણ લખી આપવો પડશે.’ બીરબલે તે મુજબ કરી આપી સાડાનવ હજાર રૂપીઆ લઈ પોતાને ઠામે ગયો. આ નગરમાં એક રૂપીઆ (રૂપવંતી) નામની ગુણકા બહુજ પ્રમાણીક અને એક વચની હતી તેની તે પરીક્ષા કરવા માટે બીરબલે મનમાં કરી ને પોતાના એક સીપાઈને રૂપીઆ પચાસ આપીને કહી મોકલાવ્યું કે, ‘આજ રાતે તમારે ત્યાં આવનાર છું. માટે સઘળી પ્રકારની ગોઠવણ કરી રાખજો.’ સીપાઈ તેને ત્યાં જઈ તેના હાથમાં રૂપીઆ આપી સઘળી હકીકત કહી. આ હકીકત સાંભળી લઈ તે ગુણકાએ તે સીપાઈને કહ્યું કે,' તમારા સરદારને કહેજો કે આજની રાત્રીએતો આપનીજ હું વેચાણ થઈ ચુકી છું માટે મરજીમાં આવે ત્યારે પધારવું.' પછી તે ગુણકાએ બધી ગોઠવણ કરીને બારીએ બેસી નવા પ્રેમની આવવાની રાહ જોતી બેઠી. અગીઆર વાગી ગયા તોપણ નવો શેઠ આવ્યો નહીં. ગુણકાને ઉંઘ આવવાથી તે પલંગની નીચે સુતી. એટલામાં બીરબલે આવી દરવાજા ઠોક્યા, ગુણકાએ તરત ઉઘાડી તેનો હાથ પકડી માન સહીત પલંગ ઉપર બેસાડ્યો. હવે આ ગુણકા કેવા ગુણવાળી અને કેવા ખાનદાનવાળી છે તેની પરીક્ષા કરવા માટે બીરબલે તરત ગુસ્સો કરી ચાબુક હાથમાં લઈને એક ઝપાટો લગાવ્યો. તે જોઈ તે ગુણકાએ કહ્યું કે, 'નાથ ! મારા અપરાધને ક્ષમા કરો.' છતાં પણ તેની પરવા ન કરતાં તેણે બીજા દસ ફટકા સપાસપ ખેંચી કાઢ્યા. તોપણ તે પ્રમાણીક ગુણકાએ બીરબલનું મન દુખવ્યું નહીં. અને જેમ ઘરની સ્ત્રી પતિ સાથે વરતે તેમ બીરબલ સાથે હાવભાવથી વરતી, વીલાસાદી રંગોમાં રમાડી બીરબલના મનને આનંદ આપી સહવાર પડતાં બીરબલને જવાની રજા આપી.

ચોથે દહાડે ફરતો ફરતો બીરબલ એક કુટીલા નામની ગુણકાના ઘરની નીચે આવી આગો તે જોઈ ગુણકા લલચાણી અને આ કોઈ માલદાર છે તેથી લુટવાને ઠીક બનશે આવો વીચાર કરીને તેને બીરબલને આંખ મારી. બીરબલ તરત ઉપર ગયો. વાતચીત કરતાં તે કુટીલ ગુણકાએ કહ્યું કે, ' માત્ર રાતના વીસ રૂપીઆ લઉં છું. પછી આપ આપો તે ખરા.' બીરબલે તેના હાથમાં દશ રૂપીઆ આપીને કહ્યું કે, આજ રાતે હું આવીશ.' એમ કહી તે પોતાને મુકામે ગયો. રાત પડી, બીરબલ તે કુટીલાને ત્યાં ગયો, તેના ઘરના બારણા બંધ જોયા, તેણે ખુબ જોરમાં ઠોક્યાં, તે આ સમે પોતાના યારોને સમજાવતી હતી, બીરબલને આવેલો જાણી તરત તેણે પોતાના યારોને એક બાજુ સંતાઈ જવાને કહીને કહ્યું કે,' હું ઈસારત કરૂં એટલે આવજો.' એટલું કહી તેણે તરત દરવાજા ઉઘાડી બીરબલનો હાથ ઝાલી પલંગપર લઈ જઈ કાળી આંખ નચાવવા લાગી. નખરાથી નાચી રહેલી તે ગુણકા નાચતી નાચતી અને પહેલા સંતાડી રાખેલા આશકોને ઇસારો કરતી ઘરની બહાર નીકળી ગઈ. આ જોઈને તે આશકો વરૂઓની પેઠે બીરબલના અંગ ઉપર ધસી આવ્યા અને તેના બધા દાગીના ઉતારી લઈ તે ગુણકાને આપી નહાસી ગયા. ગુણકાએ તે દાગીનાઓને એક બાજુ સંતાડી લઈને મહોટેથી બુમો મારવા લાગી કે, 'કોઈ દોડોરે દોડોરે ! મારા ઘરમાં ચોર પેઠો છે, મને મારવાથી મારો જીવ બચાવીને હું બહાર નીકળી આવી છું. મારી દોલત લુટી જશે માટે કોઈ પકડોરે પકડો! આ દુષ્ટાની બુમ સાંભળી આસપાસના લોકો અને સીપાઈઓ ઉપર ચઢી આવીને કહ્યું કે, 'ચોર શી રીતે દાખલ થયો ? છે કે પલાયન થઈ ગયો છે ?' તે ગુણકાએ કહ્યું કે, 'હજી ઘરમાં જ છે.' તરત સીપાઈઓ ઘરમાં દાખલ થઈ બીરબલને બાંધી લઈ ચબુતરા ઉપર લઈ ગયા. બીજે દીવસે કોટવાળ બીરબલને લઈ રાજા સમીપ ઉભો કરીને કહ્યું કે, 'આ ચોરે રાતે ચોરી કરી છે તે માટે આપ શું કહો છો ?' તેની કાંઈ પણ તપાસ ન કરતાં રાજા એ તેને શુળીએ ચડાવવાનો હુકમ દીધો. હુકમ થતાં જ કોટવાળ બીરબલને શુળી દેવા લઈ ચાલ્યો. પછી કોટવાળને બીરબલે કહ્યું કે, 'જો તમે મને હું કહું તે ઠેકાણેથી લઈ જશો તો તેના બદલામાં તમને રૂપીઆ સો આપીશ.' કોટવાળે તેની વાત કબુલ કરી. બીરબલ તરત તે અંધ શેઠની પાસે જઈને કહ્યું કે, 'બીન અપરાધે રાજાએ મને શુળીની શિક્ષા કરી છે. તેનું મને જરા પણ દુઃખ લાગતું નથી, પણ તમારૂં દેવું રહી જશે તેનું જ મને દુઃખ લાગે છે. જો તમારે તમારા રૂપીઆ મેળવવા હોય તો બીજા બે હજાર રૂપીઆ રાજાને આપી મને છોડાવો.' આ સાંભળતાજ શેઠે આંખ ચઢાવીને કહ્યું કે, 'સરસ પોશાકી દેખકે, કબુન ધરીએ પાય, પીછે સોબત કીજીએ, પહેલી દેખ સ્વભાવ. મિત્તસે ચિત્ત મિલાવે; નહીં તો ખત્તાં હજાર પલકકે બીચમેંખાવે, કથે સો કવિયું કાન હીન દીજે ત્યાગી કબુ ન ધારીએ પાવ દેખકે સરસ પોષાકકી.' એટલું કહી તે શેઠે બીરબલને ધકા મારી બે ઈજત કરી કાઢી મુક્યો. બીરબલ ત્યાંથી નીકળી દયારામ શેઠની પાસે જઈ રડી પડી આંખમાં આંસુ લાવી કહ્યું કે, ' જો તમે બે હજાર રૂપીઆ ખરચ કરશો તો મારા પ્રાણ બચશે ! તમારા ખોટાં થતાં નાણાં તમને મળશે ? ત્રીશ હજાર રૂપીઆની હુંડી પણ આવી ગઈ છે તેનું પણ શું થશે તે પણ કહી શકતો નથી ? ' શેઠે વીચાર કરીને મનમા કહેવા લાગો કે, 'મારી કીસ્મતમાં જો તે લખેલા હશે તે ગમે તે રીતે મળશે જ ? માટે બીજા હજાર ખરચી એને છોડાવવો જોઈએ ? કારણ કે તે મારે આશરે આવી આશરો માગે છે. માટે તેને નીરાશ કરી કાઢી મુકવો એ મારા જેવાને લાંછનરૂપ છે.' આવો વીચાર કરીને તેણે કોટવાળના હાથમાં પચાસ રૂપીઆ મુકીને કહ્યું કે, ' હું રાજા પાસે જઈ આવું નહીં ત્યાં સુધી તમારે તેને શુળીએ ચઢાવવો નહીં.' કોટવાળે તે વાત કબુલ રાખી. એટલે દયારામ શેઠ રાજા સમીપ આવીને કહ્યું કે, 'આપે તપાસ કર્યા વગર જે માણસને શુળીની શીક્ષા કરી તે શું ધર્મ ન્યાય નીતીથી ઉલટી નથી? તેની તપાસ કરી ન્યાય કરો. ન્યાયમાં તે અપરાધી ઠરશે તો તેનો દંડ આપવા તત્પર છું.' આ શેઠના આવા શબ્દો સાંભળતાંજ રાજાએ અપરાધીને પાછો બોલાવવાનો હુકમ કીધો. હુકમ થતાંજ સીપાઈઓ છુટ્યા. ઝપાટા બંધ વધસ્થાને દોડી જઈ અપરાધીને બોલાવી લાવી રાજા સમીપ ઉભો કીધો. બીરબલે તરત અકબરના હાથનો લખેલો પત્ર રાજાના હાથમાં આપ્યો. રાજાએ તે પત્ર વાંચીને બીરબલને પૂછ્યું કે, તે પાંચે વસ્તુઓ ક્યાં છે?' બીરબલે કહ્યું કે, 'મહારાજ ! ધનના મદથી અંધ બનેલા શેઠને, કુટીલા ગુણકાને અને રૂપવંતીને આપ બોલાવી મંગાવો એટલે સઘળી વસ્તુઓ તૈયાર છે.' રાજાએ તરત ઠામ ઠેકાણાં આપી ત્રણેને બોલાવી મંગાવ્યા. તે જોઈ બીરબલે કહ્યું કે, ' મહારાજ ! આંખ છતાં આંધળો એ આપની પહેલી વસ્તુ તે આ ધનના મદથી અંધ બનેલો ધનજી શેઠ, જેણે સારા સારનો વીચાર ન કરતાં અઢળક ધન મેળવ્યું છે તે લક્ષ્મીના મદથી આંખ છતાં આંધળો બન્યો છે. તે તપાસી લો. દયાનો સાગર એ આપની બીજી વસ્તુ તે આ દયારામ શેઠ છે. જેની સાથે મને કદી પણ ઓળખાણ નહોતી છતાં એક શબ્દ ઉપર દશ હજાર રૂપીઆ કાઢી દીધા. એટલુંજ નહીં પણ મને છોડવવા માટે બે હજાર રૂપીઆ લઈ આપની હજુરમાં હાજર થયેલ છે. જેણે પ્રમાણીકપણે વહેવાર ચલાવી કુળને દીપાવે છે. જોઈ લો હાથનો હીરો ત્રીજી વસ્તુ આ રૂપવંતી ગુણકા છે, છતાં એક વચની છે અને પોતાની કબુલાત પ્રમાણે વરતી પૈસા દેનારને આનંદ આપે છે. ખાત્રી હરવી હોય તો તપાસી જુઓ તેની પીઠ પર કેટલા ચાબુકના ફટકા પડેલા છે તે છતાં તે બોલી નહોતી. તેથી ખરેજ આ સ્ત્રી હાથનો હીરોજ છે ! તપાસી લો ચોથી વસ્તુ જે બજારની ખાટ તે આ કુટીલા ગુણકા જેની સાથે મેં ઠરાવ કરીને એક રાતના દશ રૂપીઆ આપેલા હતા અને જ્યારે હું રાતે તેને ઘેર ગયો ત્યારે તે પોતાના આશકો સંગે બેસી રંગ ઉરાડી રહી હતી. મેં જ્યારે બહુ જોરથી દરવાજા ઠોક્યા ત્યારેજ તેણે દરવાજા ઉઘાડ્યા. આપ સ્વાર્થી પ્રેમ બતાવી નાચી કુદીને બહાર નીકળી ગઈ. કે તરત તેના બદમાશો અથવા તે રાંડના ભડવાઓ એકદમ મારા અંગ ઉપર ધસી આવી મારા દશ હજારના દાગીના ઉતારી લઈ તે આ રાંડને આપીને પલાયન થઈ ગયા પછી આ રાંડે મને ચોર ઠેરવીને આ દશાએ પહોંચાડ્યો માટે તે બજારની ખાટ છે. બીરબલની આ વાતની ખાત્રી અક્રવા માટે રાજાએ તે રાંડને ખુબ મેથીપાક જમાડી વાત કબુલ કરાવી. આથી આ સંબંધીની શંકા દુર થઈ. આ જોઈ બીરબલે કહ્યું કે, 'સરકાર ! પાંચમી વસ્તુ આપજ છો. કારણ કે મારો ઇન્સાફ કર્યા વગર એકદમ શુળીએ ચઢાવવાનો હુકમ આપ્યો. માટે જ આપ નરકની વાટ છો. આ પાંચે વસ્તુઓ આપની હજુરમાં હાજર કરી માટે તેની પહોંચ લખી આપો.'

બીરબલની અક્કલ જોઈ તમામ દરબાર છક બની ગઈ. રાજાએ છતી આંખે અંધ બનેલા શેઠને અને તે કુટીલા રાંડ અને તેની રાત કમાઈ ખાનારા દાદાઓને સજા કરી. દયાના સાગરને અને હાથના હીરાને માન આપી વીદાય કીધા. દયારામ શેઠને પોતાની ત્રીજોરીમાંથી દશ હજાર રૂપીઆ ગણી આપી બીરબલને ખુશ કીધો. બીરબલને પહોંચનો પત્ર લખી આપી મહોટા ઠાઠથી રવાના કીધો. બીરબલ દીલ્લી આવી તે પહોંચનો પત્ર શાહના હાથમાં દીધો . અકબરે તે પત્ર વાંચી બીરબલને શાબાસી આપી.

-૦-