બીરબલ અને બાદશાહ/બુદ્ધિની બાજી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કયો દેશ બેશરમી હશે ? બીરબલ અને બાદશાહ
બુદ્ધિની બાજી
પી. પી. કુન્તનપુરી
માટીમાંથી નીકળવું અને માટીમાં સમાવું →


વારતા એકસો એકવીસમી
-૦:૦-
બુદ્ધિની બાજી
-૦:૦-

એક સમે શાહ લાડ અને કપુર નામના ગવૈયાના ગાયનથી બહુ જ રીઝવાથી શાહે તેઓને એક હાથી ઇનામમાં આપ્યો. લાડ અને કપુરે એક વરસ સુધી આ હાથીની ખોરાકી પુરી કરતાં તેની બધી દોલતનો ભંડાર ખાલી થઇ જવાથી લાડે કપુરને કહ્યું કે, 'ભાઇ, શાહનું આ ઇનામતો ખરેખર એક જુલમી બલા જેવું છે ! જો થોડો વખત આ હાથી આપણે ત્યાં રહેશે તો, ઘરનાં છોકરાં છાશ પીતાં થઇ જશે. પણ કરવું શું ? ન વેંહેચી શકાય ન કોઇને આપી શકાય કે ન રાખી શકાય. માટે કંઇક યુક્તી શોધવી જોઇએ.' લાડને કપુરે કહ્યું કે, 'ભાઇ ! હાથીની કોટમાં ઢોલ તંબુરા વગેરે લટકાવી છુટો મુકી દેવાથી આપણો છુટકો થશે.' આવો વીચાર કરી તે હાથીને છુટો મુકી દીધો. એટલે તે હાથી શહેરમાં ઘુમતો અને મરજી મુજબ તોફાન કરવા લાગ્યો. હાથીના તોફાનથી ત્રાસ પામેલા શહેરના લોકો શાહ હજુર જઇ અરજ કરી કે, 'હજુર ! શહેરમાં છુટો ફરતો હાથી અમને બહુ નુકશાન કરે છે અને તેથી ઘરની બહાર પણ નીકળવા પામતા નથી.' આ સાંભળી શાહે સીપાઇઓને કહ્યું કે, 'તપાસ કરો કે તે કોનો હાથી છે ?' શાહનો હુકમ સાંભળી સીપાઇઓએ તપાસ કરી શાહને કહ્યું કે, 'સરકાર ! એ હાથી લાડ અને કપુરનો છે.' શાહે તેઓને બોલાવી મંગાવીને ક્રોધથી કહ્યું કે, 'કેમ ! તમારા હાથીને છુટો મુક્યો છે ?' લાડે કહ્યુ કે, 'ખાવીંદ ! તેને બાર માસ સુધી ખાનપાનમાં ખુશી રાખી તેને અમારો સઘળો હુન્નર શીખવી પ્રવીણ બનાવ્યો છે, તેથી તેને ઢોલ તંબુરો આપી રજા આપી કે મુલક બાદશાહ સરકારનો છે માટે ખુશીથી ફરી ગાન તાનથી અમીરોના મન રંજન કરી તારૂં પણ ગુજરાન કર અને અમોને પણ જે આપવું ઘટે તે આપજે.' આ પ્રમાણે લાડનું બોલવું સંભળી શાહને હસવું આવ્યું અને હાથીને પકડી મંગાવી હાથીશાળામાં બંધાવ્યો અને તેના બદલામાં તેમને એક સારી પેદાશવાળું ગામ ઇનામમાં આપ્યું.

-૦-