બીરબલ અને બાદશાહ/મનની મનમાં રહી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← મશ્કરીની મજાહ બીરબલ અને બાદશાહ
મનની મનમાં રહી
પી. પી. કુન્તનપુરી
જેને મુકી લાજ તેને નાનું સરખું રાજ →


વારતા નવમી
-૦:૦-
મનની મનમાં રહી.
-૦:૦-

અકબરે હીંદુ અને મુસલમાનોના ધર્મ પુસ્તકોનો સારો અભ્યાસ કીધો હતો, હીંદુ ધર્મનો સાગર કે જે મહાભારતના નામથી જગપ્રસિદ્ધ છે તે મહાભારતના શાહના વાંચવામાં આવ્યું તેથી તેના મનમાં બહુ અભીલાષા ઉત્પન્ન થવાથી ફરી ફરીને કૌરવ પાંડવ યુદ્ધની વાતો વાંચી વીચારી જોયું કે, 'જે પ્રમાણે પાંડવોનાં સ્વ પરાક્રમનું આ ભારથ રચાયું છે તે પ્રમાણે મારા પરાક્રમ અને પ્રતાપનું પુસ્તક કે જેનું નામ 'બાદશાહી ભારથ'નું નામ રાખવામાં આવે કે નહીં ? તે જાણવા અને જોવાની તેના મનમાં નીરંતર રટણા લાગી રહી. બીરબલને એકાંતમાં બોલાવી પોતાના મનનો હેતુ સમજાવી બાદશાહે કહ્યું કે, ' આજ દીન સુધી જે જે નામાંકિત નરો થઇ ગયા છે તેઓની અચળ કીરતીના લેખ વાંચવામાં આવે છે. તે મુજબ મારૂં ભારથ રચાવવાની ઉમેદ રાખું છું માટે તે વીશે ખાસ તજવીજ કરવા તમને ભલામણ કરૂં છું. અને તે બનાવવા માટેના જે જે સાધનો જોઇએ તે તે પુરા પાડવા તત્પર છું.' તે સાંભળી બીરબલના સ્વધર્માભીમાનના અંકુરો અંતરમાં સ્ફુરી આવવાથી મન સાથે વીચાર કરવા લાગ્યો કે જો અકબર ચરીત્ર બનાવવાનું કહ્યું હોત તો ઠીક થાત પણ ભારથ રચવાનું કહે છે. એમ કેમ બની શકે ? જો ના કહુંછું તો માર્યો જઉં છું. યુક્તી વગર ધનન અને મનન આશા સફળ થનાર નથી. આવેલો વખત જવા દેવો એ મુરખનું કામ છે. ગયો અવસર પાછો આવતો નથી. જે કામ કીધું તે આપણું. આજનું કામ કાલ પર મુલતવી રાખવાથી પસ્તાવું પડે છે. એનેજ મોઢે ના કહેવરાવું તોજ મારૂં નામ બીરબલ ખરૂં.' આવો વીચાર કરી યુક્તીથી બાદશાહને કહ્યું કે, 'જહાંપનાહ ! અકબરી ભારથ બનાવવામાં કંઇ અડચણ નથી. જેમ ભારથમાં એક લાખ પચીશ હજાર શ્લોક છે તેમજ આપના ભારથના પણ રચાવા જોઇએ. માટે દર શ્લોક દીઠ એક રૂપીઓ ફક્ત રચામણીનો પડશે, અને તે કુલે શ્લોક લખવાનો ખરચ સવા લાખ રૂપીઆ થશે તેજ આપને વીચારવા જેવું છે ? જો તેનો બંદોબસ્ત થશે તો ભારથ બનાવવાને જરા પણ વાર નહીં લાગે. પછી જેવો આપનો હુકમ.' બીરબલનો આ ઉત્તર સાંભળી બાદશાહે કહ્યું કે, 'હીંદના બાદશાહને ખજાને શી ખોટ છે? સવા લાખ લઇ ભારથ રચવાને શરૂ કરો, પણ તે રચાઇ ક્યારે તૈયાર થશે ?' બીરબલે કહ્યું કે, 'છ માસમાં થશે.' આ સાંભળી બાદશાહ ઘણો આનંદમયી બની જઇને તરત ખજાનચીને બોલાવી સવા લાખ રૂપીઆ બીરબલને ઘેર મોકલવાનો હુકમ આપ્યો. સવા લાખ રૂપીઆ બીરબલને મલતાંજ, બીરબલે તે રૂપીઆનો સારો ઉપયોગ કરી પોતાના જન્માંતર માટે સુખડી બાંધી. હવે ભારથનું કામ બાકી રહ્યું, તે માટે અનેક યુક્તી શોધતાં શોધતાં છ માસની મુદ્દત પણ પુરી થવા આવી, એટલામાં બાદશાહે પુછ્યું કે, 'કેમ બીરબલ ? ભારથ પુરૂં કરી આપવાની અવધી આજે પુરી થાય છે, માટે ભારથ તઇયાર થયું છે?' બીરબલે છાતી ઠોકીને કહ્યું કે, 'જહાંપનાહ ? થોડુંક બાકી છે, એ કંઈ જેવું તેવું કામ નથી. એતો અકબરી ભારથ બનાવવાનું છે ?'

પ્રીય વાંચક ! બીરબલે હજી સુધી ભારથની એક લીટી પણ તાણી નથી છતાં કેવી શમય સુચકતા વાપરી બાદશાહને સમજાવી દઈ લાખો રૂપીઆ મેળવી સન્માર્ગે વાપરી નામના મેળવી ?

વાંચક બીરબલે ઘેર જઇ કોરા કાગળોનાં મોટા પુસ્તકના કદ જેટલા પાના કાપી આગળ પાછળ લાકડીની પાટલીઓ રાખી સુંદર રેશમી વસ્ત્રમાં તેને મજબુત બાંધી ઉપર રેશમી ગુંઠેલી પાટી વીંટી તેને બગલમાં મારી બાદશાહની પાશે આવ્યો. બીરબલની બગલ ઉપર બાદશાહની નજર પડતાં હર્ષ સાથે બાદશાહે પુછ્યું કે. કેમ બીરબલ ! ભારથ પુરૂં થયું ?' બીરબલે કહ્યું કે, 'હાજી જનાબ થયું !' એમ કહી બાંધેલું પુસ્તક છોડવા માંડ્યું, તે જોઇ શાહ આનંદીત ચહેરે જોવા આતુર બન્યો, તે જોઇ બીરબલે કહ્યું કે,'નામદાર ! ભારથ પુરૂં થઇ ગયું છે પણ જરા થોડી મતલબ બાકી રહી છે તેનો ખુલાસો હુરમ સાહેબ પાસે ગયા વગર થનાર નથી માટે જો આપનો હુકમ હોય તો હું જઇને પુછી આવીને પછી તમારૂં ભારથ વાંચું.' બાદશાહે ભારથ પુરૂં થયું છે કે નહીં તેની ખાત્રી કરીને ખુસીની સાથે બીરબલને કહ્યું કે, 'જાઓ જે પુછવું તે પુછી આવો, અને ત્યાંથી આવવા પછી તમે મારા ભારથના સ્વરૂપનું દીર્ઘ દર્શન કરાવજો.' છોડેલા પુસ્તકને ફરીથી બાંધી ઉલ્લાસની સાથે જનાનખાનામાં જઈ હુરમ સાહેબની આગળ આ ભારથ મુકી કહ્યું કે, 'આ અકબર ભારથ છે, તે સરકારને બતાવ્યું છે, પણ તેમાં કાંઈક અધુરી રહી ગયેલી મતલબ પુરી કરવા માટે આપ સમક્ષ હજુરના મંજુરી મેળવવા આવ્યો છું. જો આપનો હુકમ હોય અને મારા બોલવા પર આપ માઠું ન લગાડો તો તે મતલબને માટે આપને અરજ કરૂં.' હુરમ સાહેબે પ્રસન્નતાથી કહ્યું કે ખુશીની સાથે પુછ, મને તારા બોલવાથી જરા પણ રીસ ચઢનાર નથી ?' હુરમનું આવું બોલવું સાંભળી ચાલાક બીરબલે હાથ જોડી વિનંતી કરી કે, 'નામદાર ! જેવી રીતે ભારથમાં પાંડવોની સ્ત્રી દ્રૌપદીના પાંચ ભરથાર હતા, તેજ પ્રમાણે આપના પાંચ ભરથારના નામ શું શું છે ? તે ફક્ત જાણવાની જરૂર છે ! બાકી તો બધી રીતે આ પુસ્તક ભારથના સમાન થઈ ચુક્યું છે.' પાંચ ભરથારનું નામ સાંભળતાંજ હુરમના ગુસ્સાની હદ રહી નહી પરંતુ તે વીવેકી અને મર્યાદાશીલ હોવાથી પોતાના ગુસ્સાને દબાવી મોટા માણસનો ધર્મ શું છે તે સમજી જઇ બોલ્યા, પછી અબોલા ન થતાં વચન પાળવું એટલે હવે ઉપાય શો ? માટે બીરબલને કહ્યું કે, 'બીરબલ ! તમને અને સરકારને આવી મજાક કરવાની બુદ્ધિ કોણે આપી? કે આવું ભારથ બનાવ્યું ! શું આ પુસ્તકમાં પુળો મુકવા છે?' એટલા શબ્દો ઉચ્ચારીને તરત દાસીને બોલાવીને કહ્યું કે, 'આ પુસ્તકને લઇ જઇને સળગતી ભઠ્ઠીમાં નાંખી તરત બાળી દે, તેમ જ તે બળી ખાખ થઇ જાય ત્યાં સુધી તું ત્યાંજ ઉભી રહેજે.' આ હુકમ થતાંજ દાસી તે પુસ્તકને લઇ જઇ બાળી નાંખી હુરમને વીદીત કીધું. તે સાંભળી બીરબલ મનમાં બહુ રાજી થયો. પણ અંતરનો ભાવ ન બતાવતાં ઉદાસી બાવા જેવો બની કંઈ પણ કહ્યા વગર ગુપચુપ હુરમનો આવાસ છોડી નીશાશા નાખતો અને અફસોસ કરતો બાદશાહ પાસે આવ્યો. બીરબલનો ઉતરી ગયેલો ચ્‍હેરો જોઇ શાહે અચરતથી પુછ્યું કે, 'કેમ બીરબલ ! શું થયું ? આમ આવી રીતે ઉદાસ બની જવાનું કારણ શું? બીરબલે બનેલી બધી હકીકત કહી સંભળાવી બોલ્યો કે, 'એમાં મારો શો ઈલાજ ? કેમકે ખરી બીના પૂછ્યા વગર છુટકોજ નહોતો ? અને પુછતાં આ પરીણામ આવ્યું. એમાં મારો શો અપરાધ? જો બરાબર ભારથ બનાવી એ તો આ નવું અને પ્રાચીન ભારથ સમાનજ તમામ હક ધરાવે છે કે નહીં ? તે ખાસ કરીને તપાસવાની જરૂર છે ? જેટલી વાતની ખામી તેટલીજ પુસ્તકમાં ખામીજ ગણાય, માટે મેં પુછ્યું, પણ હુરમ સાહેબને તો આપ વગર અન્ય પુરૂષ ભાઇ બાપ સમાન હોવાથી મારો પ્રશ્ન સાંભળતાં તે બહુજ કોપાયમાન થઇને, વખત અને પૈસાનો ભોગ આપી બનાવેલું ભારથ એક ક્ષણમાં બાળી નંખાવ્યું. હવે કરવું શું ? ધોબીનો કુત્રો નહીં ઘાટનો કે વાટનો એવી મારી દશા થઈ છે. જો મારી મતલબ પુરી કરવામાં આવે તો ફરીને ભારથ બનાવતાં વાર લાગવાની નથી.' બીરબલની નીરાશા જોઈ તરત અકબરે કહ્યું કે, 'બસ બહુ થયું, ભારથ બનાવવા જતાં ઘરમાં ભારથ જાગશે એનું કેમ ? માટે જવા દે.' બાદશાહની આવી ઈચ્છા જોઇ તરત બીરબલે કહ્યું કે, 'જેવી આપની મરજી.' એટલું કહી રજા માગી પોતાને ઘેર ગયો.

સાર - ગમે તેવી જાતનો માણસ હોય, અને ગમે તેટલા ધનની અને ઓદ્ધાની તેને પ્રાપ્તી થઇ હોય તો પણ પોતાના ધર્મનું અભીમાન મુકવું નહીં. અને બીરબલની પેઠે સાવધાન બની કાર્ય કરાવનારને રીઝવી પોતાનું કાર્ય કરી લેવું.


-૦-