બીરબલ અને બાદશાહ/વણીક કળા-૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ગપીદાસનો ગપ ગોલો બીરબલ અને બાદશાહ
વણીક કળા-૧
પી. પી. કુન્તનપુરી
વણીક કળા -૨ →


વારતા એકસો સાડત્રીસમી
-૦:૦-
વણીક કળા -૧
-૦:૦-

એક દીવસે બીરબલે શાહને કહ્યું કે, 'જનાબે આલી ! ગ‌ઇ કાલે એક વણીકના ઘરમાં ચોર ભરાયો હતો તેણે તે ચોરને યુક્તી કરીને પકડાવીઓ હતો. તે યુક્તી બહુજ અજાયબ પામવા જેવી હતી.'

શાહ--એવી તે શી યુક્તી કીધી હતી તે તો જરા કહી સંભળાવ.

બીરબલ--સાંભળો ત્યારે.

પાનાચંદ નામના વણીકના ઘરમાં પાછલી રાતે એક ચોર દાખલ થયો. પણ વાણીઆને ખાટલાપર જાગતો પડેલો જાણીને તે ચોર તેના ખાટલા નીચે સંતાઇ બેઠો. પોતાના ખાટલાની નીચે ભરાઇ બેઠેલા ચોરને વાણીઆએ દીઠો. મોતના ભયથી વાણીઓ કંઇ પણ ન બોલતાં જાણે પોતે તેજ વખતે ઉંઘમાંથી ઉઠ્યો હોય એવો દેખાવ કરી પાનસોપારીની ચમચી કાઢી પાન ખાવા બેઠો. બે ત્રણ પાન સારી પેઠે કાથો ચુનો તથા સોપારી નાખી તેણે મોઢામાં ભર્યા અને ઉપરથી તંબાકુની ચપટી લીધી. તંબાકુ ખાનાર પાનની પીચકારીઓ મારે છે તેમ આ વણીકે મોઢાના બે હોઠ આડા આંગળા મુકી પીચકારીઓ મારવા માંડી. તે આબાદ ખાટલાની નીચે બેઠેલા ચોરની ઉપર પડતી હતી. ચોરે વીચાર કીધો કે વાણીઓ પાન ખાઇ રહેશે એટલે સુઈ જશે. પણ તેમ તો કાંઇ બન્યું નહીં. પણ તેમ ન બનતા વાણીઆએ તો ચાવેલા પાનનો કુચો કાઢી નાખી બીજા પાનની પટી બનાવી ખાધી અને તેની પીચકારીઓ નવેસરથી મારવી શરૂ કીધી. આમ કરતાં કરતાં સહવાર પડવા આવી હતી, પોતાના ઘરમાં ચોર ભરાયો છે એ વાત વાણીઆણી જાણતી નહતી તેથી તે પોતાનો ઉઠવાનો સમય થતાં ઉઠી એટલે વાણીએ એક પીચકારી તેની ઉપર નાંખી આથી વાણીઆણી રીસે ભરાણી અને દરવાજો ઉઘાડવા જતાં બોલી કે, 'બલ્યુ, તમે તો હવે બહુજ ગંદા થયા છો ! મારી ઉપર આવી રીતે પાનની પીચકારીઓ નાખો છો તેથી મને તો શુગ લાગે છે.' એટલું કહી તેણે દરવાજો ઉઘાડી નાખ્યો. તે જોઇને વાણીઆએ કહ્યું કે, ' મેર રાંડ અભાગણી તું તે કેવી છે ! ખાટલા નીચે હાથ કરીને આ બીચારા પારકા માણસની ઉપર હું બે કલાક થયા પીચકારીઓ મારૂં છું છતાં તે તો કાંઇ બોલતો નથી અને તારી ઉપર એક પીચકારી નખી તેમાં એટલી બધી સુગાઈ કેમ ગ‌ઇ ! લે, વળી આવી મોટી મરજાદણની છોકરી !'

વાણીઆની મહોટી બુમ સાંભળતાજ આસપાસ રહેતા પાડોસીઓ ત્યાં એકઠા થ‌ઇ ગયા. તેમને અંદર બોલાવી પહેલા ચોર ભાઇને ખાટલા નીચેથી બહાર કાઢ્યો.

ચોર બીચારો પાનની પીચકારીથી કીરમજી રંગથી રંગાઇ ગયો હતો. તેના કપડા, શરીર, મો વગેરે બધા ભાગો ઉપર પાનની પીચકારીઓ પડી હતી. એકઠા થયેલા પડોસીઓએ મળી ચોરને પકડ્યો અને સીપાઇઓને બોલાવી તેને પકડાવી દીધો. કોટવાર પાસે લ‌ઇ ગયા કોટવાળે વાણીઆની હકીકત સાંભળી લ‌ઇને ન્યાયધીશ આગળ મોકલ્યો.

ચોરે પોતાનો અપરાધ કબુલ કરવાથી ન્યાયધીશે તેને સજા કીધી.

શાહ--બીરબલ ? વાણીઆઓ ઘણી વેળાએ તે બહુજ ચતુરાઇથી કામ લે છે.

બીરબલ--હજુર ! બીજા વાણીઆએ આવીજ રીતની યુક્તી કીધી હતી. અને તેણે પોતાના ઘરમાં ખાતર પાડી દાખલ થયેલા ચોરને પકડાવીઓ હતો તે વાત બીજી વખત હું કહી સંભળાવીશ. એટલું કહી બંને જણ છુટા પડ્યા.

-૦-