બીરબલ અને બાદશાહ/શહાણાઓની પરીક્ષા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અદલ ઈનસાફને હરતાલના પાણીમાં ધોઈ નાંખો બીરબલ અને બાદશાહ
શહાણાઓની પરીક્ષા
પી. પી. કુન્તનપુરી
બીન અકલી હજામ →


વારતા એકસો દસમી
-૦:૦-
શહાણાઓની પરીક્ષા
-૦:૦-
સમજુ તણા મત એક સદાય, મુરખ તણા મત જુ જુવા થાય.

એક વખતે અકબરે બીરબલને પુછ્યું કે, 'સો શહાણાનો એક મત હોય છે એ વાત ખરી છે?' બીરબલે કહ્યું કે, 'સરકાર તે વાર્તા ભોજરાજાના સમયમાં પણ પ્રકાશમાં આવેલી છતાં જો આપને તે માટે શંકા થતી હોય તો હમણાંજ અજમાવી લો.' શાહે તેજ વખતે શહેરના સારા અકલમંદ ગણાતા સો શહાણાઓને બોલાવીને કહ્યું કે, 'આજની અડધી રાતે તમારામાંના બધાઓમાંથી એક પછી એક મારા હમામખાનાના હોજની અંદર એક એક ઘડો દુધનો ભરી રેડી જવું?' શાહનો આવો વીચીત્ર હુકમ સાંભળી સો શહાણાઓએ કહ્યું કે, જેવો હજુરનો હુકમ.'

અડધી રાત પડતાજ સો શહાણાઓએ એક પછી એક પોતાને ધેરથી નીકળી હમામખાનાનો રસ્તો લીધો. આ બધાઓમાંથી પહેલા જનારના મનમાં એવું ઉગી આવ્યું કે જ્યાં નવાણું ઘડા દુધના હોજમાં રેડાશે ત્યાં હું એક ઘડો પાણીનો જો રેડી દઈશ તો તેમાં તેની શું ખબર પડવાની છે? આવો વીચાર કરીને પહેલા આવનારે પાણીનો ઘડો ભરી હોજમાં ઠાલવી પોતાના ઘરનો રસ્તો લીધો. આ પ્રમાણે એક પછી એક આવતા ગયા અને ઉપર પ્રમાણે વીચાર કરી પાણી રેડી રસ્તો માપતા ગયા. કેમકે એક બીજાની વાત કોઈ જાણે નહીં. અને એવા હેતુથીજ તે બધા શહાણાઓએ પણ એક મેકને નહીં મળે માટે અલગ રહી પોતાનું કામ કરી પોતાને ઘેર ચાલી જતા હતા.

જ્યારે સવારે અકબરે જઈ હોજમાં જોયું તો તેમાં પાણી ભરેલું દીઠું. તે જોઈને આશ્ર્ચર્ય પામી એકદમ તે સો શહાણાઓને તેડાવીને પૂછ્યું કે, 'મારા કહેવા મુજબ ન કરતાં પાણીના ઘડા કેમ રેડી ગયા? સત્ય કહો. નહીં તો શીક્ષા કરવામાં આવશે?' શાહનો આવો સખ્ત હુકમ સાંભળી તેઓમાંના એકે કહ્યું કે, ગરીબ પરવર ! હું પ્રથમ ગયો ત્યારે હોજને ખાલી જોવાથી મેં વીચાર કીધો કે મારા પછી તો નવાણું ઘડા દુધના રેડાશે તો હું એક પાણીનો ઘડો રેડી જોઉં તો શું વરતાવનું છે? એવા વીચારથીજ પાણી રેડી ચાલતો થયો. એવીજ રીતે એક પછી એકને બોલીવી પુછ્યું તો બધાએ પહેલા પાણી રેડનારની પેઠેજ કહ્યું. આ બધા શહાણાઓની વાત સાંભળી શાહે કબુલ કીધું કે, ' સો શહાણાનો એકજ મત હોય એવી કહેલી વાર્તા માત્ર સાંભળી હતી પણ તે વાતને મારી નજરેથી સીદ્ધ થએલ જોઉં છું તેથી ખાત્રી થઇ છે કે સો શહાણાનો એક મત હોય એમ બીરબલનું કહેવું છે તે સત્ય છે એમાં જરા પણ સંદેહ જેવું નથી.

-૦-