બીરબલ વિનોદ/છતી આંખે અંધ, પેઢીનું નાક, હાથનું મણી, બજારની ખાટ ને નરકની વાટ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઢેડ પંચનો ન્યાય બીરબલ વિનોદ
છતી આંખે અંધ, પેઢીનું નાક, હાથનું મણી, બજારની ખાટ ને નરકની વાટ
બદ્રનિઝામી–રાહતી
આકાશને માર્ગે →


વાર્તા ૧૫૬.
છતી આંખે અંધ,પેઢીનું નાક, હાથનું મણી,બજારની ખાટ ને નરકની વાટ.

લંકાપતિ શૂરવીર, પરાક્રમી અને અક્કલમંદ રાજા મૂરસિંહે દિલ્હીપતિ અકબર બાદશાહ અને તેના દરબારીયોનું બુદ્ધિચાતુર્ય જોવાનો વિચાર કર્યો. તેણે બાદશાહ ઉપર એવી મતલબનો પત્ર લખ્યો કે છતી આંખે અંધ, પેઢીનું નાક, હાથનું મણી, બજારની ખાટ અને નરકની વાટ એ પાંચ વસ્તુઓ ચાર મહીનામાં શોધી આપવી, કાંતો યુદ્ધ માટે તૈયાર થવું. લંકાપતિનો દૂત પેલો પત્ર લઈ દિલ્હી આવી પહોંચ્યો અને બાદશાહને પત્ર આપ્યો. બાદશાહે પત્ર વાંચી તેની નેમ જાણી લીધી એટલે વિચાર કર્યો કે ‘ફક્ત બીરબલને વારંવાર હું આવાં કાર્યો સોંપી દઉં, એ ઠીક ન ગણાય; કેમકે એથી દરબારીયોનું બુદ્ધિચાતુર્ય પારખવાનું બની શકતું જ નથી. માટે આ વખતે બીરબલને આ કાર્ય નહીં સોંપતાં બીજા બધા દરબારીયોની પરિક્ષા લઉં.’ આવો વિચાર આવતાં તેણે બીરબલ સિવાયના અન્ય સર્વ દરબારીયોને એ પાંચે વસ્તુઓ એક મહીનામાં મેળવી આપવાનો હુકમ કર્યો અને સાથે જ, જો તેઓ એમાં નિષ્ફળ જાય તો સખતમાં સખત શિક્ષા કરવાની પણ સૂચના આપી દીધી.

બાદશાહની આજ્ઞા અને સૂચનાઓ દરબારીયોના હાંજાજ ગગડાવી મૂક્યાં. તેઓએ શહેરે શહેર અને ગામે ગામ એ વસ્તુઓ માટે શોધ ચલાવી, પરંતુ નિષ્ફળતા શિવાય કશું ન મળ્યું. ક્યાંથી જ મળે છે ? જો એ જણસો ઝાડપર ફળની પેઠે લાગતી હોય, કાંતો વહેપારીની દુકાને મળતી હોય, અથવા એને કેાઈ વણકર વણતો હોય કે કોઈ કુંભાર ઘડતો હોય તો પત્તો મળે !! કોઈની જ બુદ્ધિ કામ ન લાગી, મહીનોએ પૂરો થવા આવ્યો એટલે ફાંસીએ લટકવાની બ્હીકે તેમના કાળજાઓમાં ધ્રુજારીઓ ઉત્પન્ન કરી મૂકી. આખરે તે બધા બીરબલને શરણ થયા, તેને અત્યંત નમ્રતાપૂર્વક વિનવવા લાગ્યા, અને કહ્યું “રાજાજી ! જો એ પાંચે વસ્તુઓ મેળવી આપો તો અમે આપને પાંચ હઝા‌ર રૂપીયા ઇનામ આપીશું.”

બીરબલે તેમની વિનવણીથી તેમની કફોડી સ્થિતિ જાણી લીધી. તેણે તેમની કરૂણ પ્રાર્થના પ્રત્યે દયા આવતાં, એ વસ્તુઓ મેળવી આપવાનું વચન આપ્યું. પછી બાદશાહ આગળ જઈ તેણે હાથ જોડી અરઝ કરી “જહાંપનાહ ! લંકાપતિએ માગેલી પાંચ વસ્તુઓ શોધી આપવાનું આપે બધા દરબારીયોને જણાવ્યું, પરંતુ એ કામ જેવું તેવું નથી કે સાધારણ માણસ પણ કરી શકે !! અને વળી એ વસ્તુઓ અહીંયાં મળે તેમ પણ નથી, એ તો લંકામાં જ મળી શકે છે, માટે આજ્ઞા આપો તો હું ત્યાં જઈ એ વસ્તુઓ મેળવી આપું.”

બાદશાહે ઘણી જ આનાકાની પછી હા પાડી એટલે બીરબલે કાર્ય માટે જોઈતો ખર્ચ માંગી લીધો અને સાથે જ બાદશાહને હાથે એક પત્ર એવી મતલબનો લખાવી લીધો, કે “મારો દીવાન આપે માગેલી પાંચે વસ્તુઓ લઈને આવ્યો છે, તે તપાસી લઈ પહેાંચ લખશો.”

બીરબલ બીજે જ દિવસે લંકા તરફ રવાના થઈ ગયો. ત્યાં પહોંચતાં એક મ્હોટા મ્હેલ જેવો મકાન ભાડે રાખી લીધો અને ત્યાંના રીત, રિવાજ, લોકોની સ્થિતિ વગેરે બાબતોનો તેણે એક મહીનામાંજ ઘણો જ સારો અનુભવ મેળવી લીધો. શહેરમાં તે ભારે ઠાઠમાઠથી ફરતો એટલે સૌનું ધ્યાન તેના પ્રત્યે આકર્ષતું. ધીમે ધીમે તેણે ત્યાંના અમીર ઉમરાવોને મીઝબાનીયો વગેરે આપી પોતાના મિત્ર બનાવ્યા. પોતે કાશ્મીરના રાજાનો દીવાન છે એમ તેણે ઝાહેર કરેલું હોવાથી બધા તેના પ્રત્યે માન ધરાવતા હતા.

એકાદ મહીનો બીજો ગાળ્યા બાદ એક દિવસ સાદો પોષાક પહેરી, બે ચાર સીપાહીયોને સાથે લઈ તે દયારામ નામના એક શાહુકારને ત્યાં ગયો. દયારામની પેઢી તેના પૂર્વજોના વખતથી જ ઘણી પ્રખ્યાત હતી એટલે તેની આખા રાજ્યમાં સારી આંટ હતી. દયારામે બીરબલને ઘણા જ સન્માન પૂર્વક બેસાડ્યો અને ઘણાજ વિવેકથી તેને આવવાનું પ્રયોજન પૂછ્યું. બીરબલે તેના પ્રત્યુત્તરમાં કહ્યું “શેઠજી ! અમે પરદેશી-દૂર દેશના રહેવાશી-છીયે. હું કાશ્મીર નૃપનો પ્રધાન છું અને રાજાને કામે લંકાપતિ પાસે આવેલો છું. અમારો બાદશાહ તમારા રાજાના કુંવર જોડે પોતાની કન્યાનું વેવિશાળ કરવા માંગે છે. તમારા રાજા સાહેબ પહેરામણની રકમ અગાઉથી મળે તોજ આ લગ્ન સંબંધ કરવા રાઝી થયા છે. થોડીક રકમ તો મ્હારી પાસે છે અને બાકીની રકમ માટે મ્હેં બાદશાહને લખી મોકલ્યું છે, પરંતુ એ રકમ હજુ સુધી આવી શકી નથી અને રાજા સાહેબે આજે જ રકમ માટે માગણી કરી છે. જો આજેને આજે જ એ રકમ ન ભરી આપું, તો કામ બગડી જાય એટલે આપની પાસેથી ફક્ત પચાસ હઝાર રૂપીયાની રકમ લેવા મ્હને અત્યારે આવવું પડ્યું છે. લગભગ આઠેક દિવસમાં કાશિમરથી હુંડી આવી જશે એટલે આપને વ્યાજ સુદ્ધાં હું રકમ ચુકવી આપીશ. જો આટલું કાર્ય કરી આપો તો આપનો મ્હોટો ઉપકાર થશે.”

પેલો શાહુકાર ઘણા દિવસથી આ કાશ્મિરી ગૃહસ્થ વિષે લોકોને મોઢે વાતો સાંભળતો. તેણે તેની વાતમાં વિશ્વાસ રાખી તરત જ ચાર આનાને વ્યાજે રૂપીયા ગણી આપ્યા બીરબલ તેનો ઘણોજ ઉપકાર માની રૂપીયા લઈ ઘેર ગયો.

બીજે દિવસે ભપકાદાર પોષાક પરિધાન કરી, મોતીના હાર વગેરે લટકાવી, ચાર પાંચ સિપાહીયોને સાથે લઈ ભારે ડોળદમામથી એક મ્હોટા દ્રવ્યવાન શેઠ અમીચંદને ઘેર ગયો. શેઠ એ વખતે દીવાનખાનામાં હીસાબ ગણતા બેઠા હતા. બીરબલ થોડીકવાર સુધી સ્હામે ઉભોજ રહ્યો, પણ શેઠે નજર સરખીયે ઉંચી ન કરી, એટલે પછી આવકાર આપવાની કે બેસાડવાની તો વાત જ ક્યાં રહી !! થોડીવાર પછી શેઠે હીસાબ ગણી લઈ ચોપડું ઉંધું માર્યું અને ચસ્મા કપાળે મૂકી બીરબલ સ્હામે જોઈ નમસ્કાર કર્યો અને પાછા તીજોરી ઉઘાડી રૂપીયા ગણવા લાગ્યા. બીરબલે આવો પ્રકાર જોઈ કહ્યું “શેઠજી ! મ્હારે આપની સાથે એક ઝરૂરનું કામ છે, માટે તે પ્રથમ આપ સાંભળી લો.”

આ સાંભળી શેઠ બોલ્યા “થોડીવાર સબુર કરો. આ થોડુંક અગત્યનું કામ આટોપી લઉં એટલે નીરાંતે આપની સાથે વાતચીત કરૂ.”

બીરબલ થોડીકવાર થોભી રહ્યો અને પાછો શેઠ આગળ આવ્યો અને લગાર વધુ આજીઝી પૂર્વક વાત કરી એટલે શેઠનો મીઝાજ ઠેકાણે આવ્યો અને કહ્યું “વારૂ, ત્યારે તમે શું કહેવા માગો છે ?”

બીરબલે દયારામને કહેલી વાત તેને પણ કહી સંભળાવી. શેઠે થોડીવાર વિચાર કરી લઈ કહ્યું “મ્હારે તમારે મુદ્દલ પરિચય નથી, છતાં તમે પચાસ હઝાર રૂપીયા જેટલી ભારે રકમ મ્હારે ત્યાં માગવા આવ્યા એ શું કહેવાય ?”

બીરબલ બોલ્યા “શું કરીયે શેઠજી ! અટકી પડ્યા એટલે આવવું જ પડે. ફક્ત આઠ દિવસનું કામ છે, માટે એટલી કૃપા તો અવશ્ય થવી જોઈયે. તો પાંચ સાત રૂપીયા વ્યાજના વધારે લેજો. અમે આપના જેવા ધરખમ શાહુકારને ત્યાં ન જઈયે તો કોને ત્યાં જઈયે ?!”

શેઠે મનમાં વિચાર્યું કે અંગ ઉપર પાંચ સાત હઝારનું ઘરેણું પહેર્યું છે અને એનું મકાન પણ આપણે જોયું છે અને વળી રાજાને કામે આવેલો છે એટલે પૈસા ડુલ થઈ જવાનોયે સંભવ નથી. અને કહે છે કે ફક્ત આઠ દિવસનું કામ છે. વ્યાજ પણ સારૂં મળશે માટે પૈસા આપવામાં વાંધો આવે તેમ નથી. એમ વિચાર કરી તેણે બીરબલને કહ્યું “તમે જ્યારે આટલું બધું કહો છો એટલે તમને ગમે તેમ કરીને પણ રૂપીયા તો આપવા જ જોઈયે પરંતુ હાલમાં લગાર પૈસા તરફથી અડચણ છે, છતાં તજ વીઝ કરી જોઉં છું. તમને જે રકમ આપીશ તેમાંથી એક માસનું વ્યાજ આઠ આનાની તેરીખે પ્રથમથી કાપી લઇશ અને તમારે તમારી સાક્ષી સહવર્તમાન કાગળ ઉપર લખી આપી ઉપર તમારી મોહોરો લગાડવી પડશે.”

બીરબલ તેના જણાવ્યા પ્રમાણે પોતાની સહી સાખ કરી ઉપર મહોર પણ લગાડી આપી રૂપીયા લઈ ત્યાંથી વિદાય થયો.

બીરબલે બીજે દિવસે ત્યાં એકવચન માટે પ્રખ્યાત ગણાતી રૂપવંતી નામની એક વેશ્યાને ત્યાં જવાનો વિચાર કરી પોતાના માણસ સાથે પચીસ રૂપીયા તેને મોકલાવી આપી કહેવડાવ્યું કે “આજની રાત હું તારે ત્યાં આવીશ.”

રૂપવંતીએ રૂપીયા લઈ કહેવડાવી મોકલ્યું કે “આજની રાત હું તમારી જ છું, માટે જ્યારે ઈચ્છા થાય ત્યારે આવજો.”

આ પ્રમાણે કહી મોકલી તેણે રાત માટે બધી તૈયારીયો કરવા માંડી. જાણે પોતાનો પતિજ આવવાનો હોય તેમ તેણે ફળફુલ વગેરે મંગાવ્યાં, રમવા માટે ચોપટ બાજી, પાના વગેરે પણ તૈયાર રાખ્યાં અને જાણે એક ગૃહપત્નિ પોતાના સ્વામીના આગમનની પ્રતિક્ષા કરતી હોય એમ રાહ જોતી બેઠી. નવ વાગ્યા, દસ વાગ્યા પણ બીરબલ ન આવ્યો, અગીચારના ટકોરા પણ પહેરેગીરોએ વગાડ્યા, છતાં બીરબલ ન આવ્યો. રૂપવંતીની આંખો નિદ્રાને કારણે મીંચાવા લાગી, તે આખરે ઉઠી અને પલંગ પર ન સૂતાં ભોંયપર સૂઈ રહી. બરાબર બાર વાગે બીરબલે આવી દરવાજો બંધ જોતાં હાક મારી. હાક થતાં જ રૂપવંતી જાગી ઉઠી અને દોડી જઈ દરવાજો ઉઘાડી ઘણા જ પ્રેમ સહિત બીરબલનો હાથ ઝાલી મકાનમાં તેને લઈ ગઈ. બીરબલે તેની પરિક્ષા લેવા માટે તેણે દરવાજો જલ્દીથી કેમ ન ઉઘાડ્યો અને સુઈ કેમ ગઈ, તે માટે ઠપકો આપ્યો. રૂપવંતી એનો કાંઈ જવાબ ન આપી શકી. એટલે બીરબલે જાણે તેની ઉપર વધુ ગુસ્સો થયો હોય તેમ, હાથમાં રાખેલો ચાબુક ઉગામ્યો. રૂપવંતીએ પોતાનો કાંઈ વાંક થયો હોય તો માફ કરવા વિનંતી કરી, પણ બીરબલે તે પ્રત્યે ધ્યાન ન આપતાં તરતજ ચાબુક વડે તેને ફટકાવવા માંડી. પણ તે એકવચની ગુણીકાએ માર ખમવા છતાં, જાણે પોતાનોજ વાંક થયો હોય તેમ કાલાવાલા કરવા માંડ્યા. બીરબલ વીસ પચીસ ખાસા ફટકા લગાવી દઈ, પછી જાણે પોતે વાજબી શિક્ષા કરી હોય તેમ શાંત થઈને ઉભો. રૂપવંતીને આટલો બધો સખત માર પડવા છતાં, તે એકે કડવું વચન બોલી નહીં, તેમજ ગુસ્સે પણ થઈ નહીં. બલ્કે એક ગૃહિણી જેમ પોતાના સ્વામીની સાથે વર્તે તેમ એ પણ વર્તી. તે પછી બીરબલે તેની વિનંતી પ્રત્યે દયા લાવી આખી રાત્રિ તેને ત્યાં ગાળી અને સ્હવાર પડતાં ત્યાંથી ચાલ્યો ગયો.

ચાથે દિવસે દુષ્ટ બુદ્ધિ નામની વેશ્યાના ઘર આગળથી નીકળ્યો. વેશ્યાએ જોયું કે, છે કોઈ પૈસાદાર માણસ અને વળી પરદેશી એટલે જો એ હાથમાં આવે તે તેને લુંટવાનો વિચાર કર્યો અને આંખની ઈશારતથી ઉપર બોલાવ્યો. ચાકરને ઘોડો સોંપી તે ઉપર ગયો અને પૂછવા લાગ્યો કે “તમારે ત્યાં કોઈ માણસ આખી રાત ગુઝારે તો તમે કેટલા રૂપિયા લો ?”

બીરબલનું આવું બોલવું સાંભળી વેશ્યાએ વિચાર કર્યો કે એને કોઈ વાતની ખબર નથી ને શરીર ઉપર બે ત્રણ હઝારનું જવાહિર છે, માટે કોઈ યુક્તિ કરી એ પડાવી લેવું જોઈએ. એમ વિચાર કર્યા પછી એણે કહ્યું “શેઠજી ! એક રાતના પાંચ રૂપિયા લેવાનો મ્હારો ઠરાવ છે, પછી તો આપ મ્હોટા માણસ છો એટલે જે કાંઈ આપો તે લેવા કબુલ છું.”

બીરબલે તેને દસ રૂપીયા આપ્યા અને રાત્રે આવવવાનું જણાવ્યું. ગુણિકાએ પાનનું બીડું આપ્યું એટલે બીરબલ ત્યાંથી ચાલતો થયો. રાત પડતાં બીરબલ પેલી વેશ્યાને ત્યાં જવા નીકળ્યો અને સાથે કોઈને પણ ન લીધો. ગુણિકાને ઘેર પહોંચતાં દરવાજો બંધ જોયો એટલે ગુપચુપ બ્હાર બેઠો. એ નીચ ગુણીકાએ બીજા પણ બે ચાર જણાઓને બોલાવ્યા હતા, તેમની સાથે મોજમજા ઉડાવીને તેમને પાછલે દરવાજેથી રવાના કર્યા અને પછી પોતાના ચાર મદદગારોને બોલાવી તૈયાર રાખ્યા અને તેમને બરાબર રીતે સમજાવી દીધું કે, બીરબલ ઉપર આવે કે તરત જ તેને પકડીને લુટી લેવો. થોડીવારે બીરબલે નીચેથી બુમ પાડી એટલે ગુણીકાએ પેલા બદમાશોને સંતાડી દઈ નીચે આવી દરવાજો ઉઘાડી બીરબલના ગળામાં હાથ નાંખી, સ્ત્રી-ચરિત્ર ચલાવતાં કહ્યું “વ્હાલા ! આટલી બધી વાર ક્યાં લગાડી ?”

બીરબલે કહ્યું “ના, હું તો ક્યારનોયે આવ્યો હતો, પણ દરવાજો બંધ જોતાં અહીં ઓટલા ઉપર જ બેસી રહ્યો.” આ સાંભળી ગુણીકા બોલી “હેં ! નીચે શું કામ બેઠા ? મ્હને કેમ ન જગાડી ? ચાલો, વ્હાલા ! હવે આવો સંકોચ ન રાખતા ?!”

આમ કહી અને હાવભાવ દેખાડી તેને ઉપર લઇ ગઇ અને કુરસી ઉપર બેસાડી પોતે બીજા ઓરડામાં ગઈ. એવામાં પેલા ચારે બદમાશોએ આવી બીરબલને પકડી તેનાં બધાં ઘરેણાં ઉતારી લીધાં અને “ક્યાં ગઈ પેલી છીનાળ ?” એમ કહેતા પેલા બીજા ઓરડામાં પેઠા અને બારણું અંદરથી વાસી લીધું. બીરબલને લુંટાઈ ગયાની ક્યાં ચિંતા હતી ? એતો એમાં જ પોતાની કાર્યસાધના અવલોકતો ત્યાંજ બેસી રહ્યો. પેલા બદમાશોએ બધાં ઘરેણાં પેલી ગુણીકાને આપી દીધાં એટલે તેણે તે પેટીમાં બંધ કરી દીધાં અને પાછલે રસ્તેથી બ્હાર નીકળી ગઈ અને “ચોર,ચોર”ની બૂમો મારવા લાગી. આસપાસના મહોલ્લાવાળાઓ અને પોલીસનો સિપાહી વગેરે ત્યાં દોડી આવ્યા અને “ચોર ક્યાં છે ?” એમ પૂછવા લાગ્યા. પેલી રંડાએ કૃત્રિમ રૂદન કરતાં કહ્યું “હું સૂઈ રહી હતી એવામાં ચોર મકાનમાં પેઠો, પણ કાંઈ માલ ન મળવાથી, તેણે મ્હને જગાડી માર મારી માલ ક્યાં છે એ જાણવા માગ્યું. એટલે તેને એક પેટી તરફ ઈશારત કરી, લાગ જોઈ, જીવ બચાવવા ખાતર હું બ્હાર ન્હાસી આવી છું.”

આ સાંભળી અક્કલનો અધુરો સિપાહી પૂછવા લાગ્યો “શું ચોર ન્હાસી ગયો ?’ તે કઈ બાજુએ ન્હાસી ગયો ?”

ગુણીકા રડવાનું ચાલુ જ રાખતાં બોલી “અરે, એ ચંડાળ હજુ તો ઘરમાં જ હશે.”

આ ઉપરથી સિપાહી અને પાડ પાડોશીયો તેના મકાનમાં પેઠા ને બીરબલને બેઠેલો જોઈ તેને પકડી કેદ કર્યો અને ચોકી ઉપર લઈ ગયા. સ્હવાર પડતાં જ કોતવાલે રાજા સાહેબ પાસે જઈ કહ્યું “અન્નદાતા ! રાત્રે એક ચોરને પકડવામાં આવ્યો છે એટલે તેને શી શિક્ષા કરીયે ?”

રાજાએ કાંઈ પણ તપાસ ન કરતાં તત્કાલ તેને ફાંસીએ લટકાવી દેવાનો હુકમ ફરમાવ્યો. કોટવાલ સાહેબ ચાવડી ઉપર આવ્યા અને બીરબલને ફાંસી આપવાને માટે સ્મશાન ભૂમિ તરફ લઈ ચાલ્યા. બીરબલે કોતવાલ સાહેબને કહ્યું “કોતવાલ સાહેબ ! હું કહું તે જગ્યાએ જો મ્હને લઈ જાઓ તો આપને પચાસ રૂપીયા અને આપના અન્ય સિપાહીયોને દરેકને વીસ વીસ રૂપીયા આપું.”

કોતવાલ સાહેબે ઘણી આનાકાની પછી તેમ કરવાનું કબુલ્યું, એટલે બીરબલે પેલા મદથી અંધ બનેલા અમીચંદ શેઠને ત્યાં પોતાને લઇ જવા કહ્યું. કોતવાલ સાહેબે શેઠના મકાન તરફ હંકાર્યું. ત્યાં પહોંચતાં બીરબલે પેલા શેઠને બ્હાર બોલાવી કહ્યું “શેઠ સાહેબ ! રાજા સાહેબે વિના વાંકે મ્હને ફાંસીએ લટકાવવાનો હુકમ આપ્યો છે. એની તો મને લગારે ચિંતા નથી, પણ તમારું દેવું રહી ગયું એ ખરેખરા સંતાપનું કારણ છે. તમે બે હઝાર રૂપીયા રાજાને આપી મ્હને છોડાવશો તો તમારા બધા નાણાં મળી જશે, નહિં તો પાણીમાં જવાના. માટે એટલી જો મહેરબાની કરો તો આપણ ઉભયને લાભ થાય.”

આ સાંભળી શેઠને ઘણો જ ગુસ્સો ચઢયો, એમણે નાક અને ભવાં ચઢાવી બે ચાર ગાળો સંભળાવી દઈ કહ્યું “નાલાયક, નીચ, નાપાક ! ગૃહસ્થનો પોષાક પહેરી, લાલચ બતાવી તું મ્હને એકવાર બરાબર રીતે ઠગી ગયો અને તેની શિક્ષા પણ તને જલ્દીથી જ મળી ગઈ, છતાંયે બીજીવાર ઠગવા આવ્યો ? પણ હવે હું ઠગાવાનો નથી, એટલા રૂપીયા મ્હારા ભાગ્યમાંથી ઓછા થયા હશે, ખેર.”

આ સાંભળી બીરબલે કોતવાલને કહ્યું “કોતવાલ સાહેબ ! આ પણ વખતનાં વાજા વાગે છે. એક સ્થળેથી તો નાસીપાસી મળી, પણ દયારામ શેઠને ત્યાં મ્હારી ઉપર ઝરૂર દયા દેખાડવામાં આવશે.” કોતવાલ તેને દયારામ પાસે લઈ ગયો. બીરબલે દયામણે ચહેરે કહ્યું “દયારામ શેઠ ! મ્હને રાજાએ વિના અપરાધે દેહાન્ત દંડની શિક્ષા કરી છે. હવે હું આ જગત્‌માં માત્ર થોડી જ પળનો પરોણો છું. જોકે એની મ્હને લગારે ચિંતા નથી, પરંતુ આપનું ઋણ મ્હારે માથે રહી જાય તો મ્હારી અવગતિ થાય એ વિચાર મ્હારા અંતરને ચીરી નાખે છે. જો આજને બદલે કાલનો દિવસ મ્હારા દેહાન્તનો હોત તો હું આવી જતાં નાણાં આપને ચૂકવી શક્યો હોત. હજુએ સમય વીત્યો નથી, જો આજે પણ આપ બે હઝાર રૂપીયા રાજાને નજરાણું આપી મ્હને છોડાવી શકોતો કાંઈ મ્હોટી વાત નથી !! કેમકે રાજાએ મ્હને વગર વાંકે જ સઝા કરી છે.”

દયારામે આ પ્રસ્તાવ સાંભળી વિચાર્યું કે “મ્હારા નસીબમાં જે પૈસા ન હતા તે મ્હેં એને આપ્યા ને ગયા એટલે એને તો સંભારવાજ શા માટે જોઈએ ? મારે હવે તો આ નિરપરાધી મનુષ્યને ફાંસીચે લટકતો બચાવી લેવો, એજ સજ્જનનું લક્ષણ ગણાય. જો કે પૈસા સંબંધી પુષ્કળ તાણ છે, છતાં એને છોડાવી એના પર ઉપકાર કરવો જોઈએ.” એમ વિચારી શેઠ ઘરમાં ગયા અને તિજોરી ઉઘાડી તો ફક્ત બે હઝાર રૂપીયાજ રોકડા નીકળ્યા. એવામાં તેમનાં પત્નીએ આવી પુછ્યું “ વ્હાલા ! બ્હાર શી ધમાલ ચાલે છે ?”

શેઠે તેને બધી વાત કહી સંભળાવી. દયારામની પત્નિ પણ દયાદેવી, એટલે તેણે પણ શેઠના વિચારોને વધુ પુષ્ટિ આપી. દયારામે ખુશ થઈ. ઘરમાંથી બ્હાર આવી સિપાહીયોને અમુક રકમ આપી બીરબલને પોતે રાજા પાસેથી પાછા ફરે ત્યાં સુધી જીવતો રાખવા સૂચવ્યું, અને દરબાર ગઢ પ્રતિ પ્રયાણ કર્યું. રાજા તે વખતે દરબાર ભરીને બેઠો હતા. દયારામે દરબારમાં દાખલ થઈ રાજાને દંડવત્ કરી હાથ જોડી અરઝ કરી કે “મહારાજ ! કોઈ ગૃહસ્થને આજે ફાંસીની આજ્ઞા અપાઈ છે, પરંતુ તેની તપાસ કરવામાં આવી નથી. તે અપરાધી છે કે નિરપરાધી એની ખાત્રી કર્યા વિનાજ શિક્ષા ફરમાવવામાં આવી છે. માટે આપ એની તપાસ કરો અને પછી જો તે અપરાધી ઠરે તો હું આપનું અપમાન કરવા બદલ દરેક દંડ આપીશ.”

રાજાના મનમાં તે વાત ઉતરી, તેણે માણસને બોલાવી તરતજ હુકમ કર્યો કે “આજે જે માણસને ફાંસીની શિક્ષા કરવામાં આવી છે અને કોતવાલ સ્મશાનભૂમિ તરફ લઈ ગયો છે, તેને તરત જ અહીં લઈ આવો.”

માણસો દોડ્યા અને બીરબલને લાવી દરબારમાં હાઝર કર્યો. બીરબલે રાજા સ્હામે પહોંચી જઈ તરત જ તેના હાથમાં અકબર બાદશાહે લખી આપેલો પત્ર મૂક્યો. રાજાએ ઉપરની મોહોર જોઈ કાગળ ફાડીને વાંચ્યો અને “પાંચે વસ્તુઓ ક્યાં છે ?” એવો સવાલ કર્યો. બીરબલે કહ્યું “ મહારાજ ! પહેલાં અમીચંદ શેઠ અને રૂપવંતી ગુણીકાને તેમજ જેણે મ્હારી ઉપર ચોરીનો આરોપ મૂક્યો એ દુષ્ટબુદ્ધિ વેશ્યાને પણ હાઝર કરો, આપે માગેલી પાંચે વસ્તુઓ મ્હારી સાથે જ છે અને તે તરત જ આપને હવાલે કરીશ.”

રાજાએ અમીચંદ, રૂપવંતી અને દુષ્ટબુદ્ધિને તરત જ તેડી લાવવા સિપાહી મોકલ્યા, અને બીરબલને માન ઈકરામ સાથે પોતાની પાસે કુરસી આપી બેસાડ્યો અને અકબરના ક્ષેમ કુશળના સમાચાર પૂછવા માંડ્યા. બીરબલે બધા સમાચાર કહ્યા. એવામાં સિપાહીયો ત્રણે જણને લઈ દરબારમાં દાખલ થયા એટલે બીરબલે કહ્યું “મહારાજા ધિરાજ ! તમે માગેલી પ્રથમ વસ્તુ છતી આંખે અંધ તે આ અમીચંદ શેઠ છે. એમણે ન કરવાના ઉપાયો કરી ધન મેળવ્યું છે અને તેના મદમાં અંધાપો લઈ બેઠા છે. બીજી વસ્તુ પેઢીનું નાક તે આ દયારામ શેઠ છે, એમનો ને મ્હારો લગારે પરિચય ન હતો, છતાં મ્હારાં વચનામાં વિશ્વાસ રાખી તરતજ પચાસ હઝાર રૂપીયા કાઢી આપ્યા ને અત્યારે પણ મ્હને બંદીવાન તરીકે જોવા છતાં, મ્હારા ઉપર વિશ્વાસ રાખી મ્હને ગમે તે ભાગે બચાવવા આપની પાસે દોડી આવ્યા. માટે પોતાના બાપદાદાની રીત પ્રમાણે આબરૂ ઈઝ્ઝતથી વેપાર કરીને પૈસા મેળવનાર પેઢીનું નાક તો એજ પુરૂષ ગણી શકાય. ત્રીજી જણસ હાથનું મણી આ રૂપવંતી ગુણીકા છે. જે પુરૂષને પોતાને ત્યાં આવવા હા પાડી હોય, તો તેને જ પોતાના ખરા પતિ તરીકે તે રાત્રે ગણે છે. એની ખાત્રી માટે આપ એના વાંસા ઉપરના ચાબુકના સોળ જોઈ શકશો, જે મ્હેં જ પરિક્ષા લેવા માટે માર્યા હતા. ખરેખર હાથનું મણી એજ નારી છે. ચોથી વસ્તુ બજારની ખાટ તે આ દુષ્ટબુદ્ધિ વેશ્યા છે જેને ઠરાવ કરતાં મ્હેં વધારે રૂપીયા આપ્યા અને રાત્રે જ્યારે હું એને ઘેર ગયો ત્યારે એણે દરવાઝો ન ઉઘાડતાં બે ચાર આવેલા આસામીયો પાસેથી દ્રવ્ય કઢાવી લઈ તેમને રૂખ્સત કર્યા પછી મ્હને અંદર લીધો અને પોતાના મદદગારોને હાથે મ્હને લુંટાવી મ્હને જ ચોર તરીકે પકડાવ્યો, તથા એ અપરાધમાં જ મ્હને ફાંસીની શિક્ષા પણ થઈ.”

આટલું સાંભળતાંજ રાજાએ તે નીચ વેશ્યાને માર મારવાનો હુકમ કર્યો. થોડાકજ ફટકા પડયા હશે કે તરત જ તેણે પોતાનો અપરાધ કબુલ કર્યો એટલે સૌની ખાત્રી થઈ ગઈ. અને પાછું બીરબલે આગળ ચલાવ્યું :–

“મહારાજ ! આપે માગેલી પાંચમી વસ્તુ નરકની વાટ છે. અપરાધી ખરો કે ખોટો છે એની તપાસ ન કરતાં પરભારી જ શિક્ષા ફરમાવી દેવી એજ નરકની વાટ છે. કેમ, હવે આપે માગેલી પાંચે વસ્તુઓ મળી ગઈને ? જો બરાબર હોય તો બાદશાહને જવાબ લખી આપો.” એમ કહી બીરબલ ચુપ થઈ ગયો.

લંકાપતિ અને તેના સર્વ દરબારીયો વગેરે બીરબલની આ ચમત્કૃતિ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. રાજાએ તેને ઉત્તમ વસ્ત્રાલંકારો આપી મોટા માન સાથે કોટી કરી અને દયારામ શેઠને તે દિવસથી પોતાના દરબારમાં બેસવાની પરવાનગી બક્ષી તેને ઘેર બેઠાં પગાર આપવો ચાલુ કર્યો. રૂપવંતીને પણ શાબાશી આપી તેનોએ મુસારો બાંધી આપ્યો. દુષ્ટબુદ્ધિનું ઘરબાર જપ્ત કરી, તેને ગધેડા પર બેસાડી તેના નાક કાન કાપી લઈ શહેર બ્હાર કાઢી મૂકી. મદોન્મત્ત અમીચંદને તેના મુદ્દલ રૂપીયા ચુકવી દરબારમાંથી હાંકી કાઢ્યો અને દરબારી તરીકેનો પણ તેનો હક છીનવી લીધો. દયારામના પૈસા પણ રાજાએ પોતાના ખઝાનામાંથી આપવાનો હુકમ કર્યો. થોડાક દિવસ સુધી બીરબલને પોતાને ત્યાં મહેમાન રાખ્યો અને ત્યારબાદ અકબર બાદશાહ ઉપર પાંચ વસ્તુઓની પહોંચ લખી આપી તેને વિદાય કર્યો. બીરબલે દિલ્હી પહોંચી સર્વ બીના બાદશાહને કહી સંભળાવી જેથી બાદશાહ તેમજ અન્ય દરબારીયો બીરબલના અસીમ ચાતુર્ય માટે તેને અનેક ધન્યવાદ આપવા લાગ્યા.