લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/છ પ્રશ્નો

વિકિસ્રોતમાંથી
← બીરબલની કૂતરી બીરબલ વિનોદ
છ પ્રશ્નો
બદ્રનિઝામી–રાહતી
ઉંટની ગરદન વાંકી કેમ? →


વાર્તા ૧૪૧.
છ પ્રશ્નો.

એક દિવસ બાદશાહે દરબારયોને છ પ્રશ્નો પૂછયા કે (૧) દૂધ કોનું સારું ? (૨) પાંદડું કયું સારું (૩) ફળ કોનું ઉત્તમ ? (૪) મીઠાસ કોનામાં સારી ? (૫) ફૂલ કયું સારું (૬) રાજાઓમાં મ્હોટો કોણ?

પરંતુ, ઉપસ્થિત સભાસદોમાંથી કોઈ બાદશાહને રૂચે એવો યોગ્ય ઉત્તર આપી શક્યો નહીં. એવામાં બીરબલ આવી પહોંચ્યો, એટલે બાદશાહે તેને પણ એ પ્રશ્નો પૂછયાં. બીરબલે થોડીક પળ વિચાર કર્યા પછી કહ્યું “હુઝૂર! સાંભળો. દૂધ માતાનું સારું, જે વડે બાળકનું પાલન પોષણ થાય છે. પાંદડું પાન (નાગરવેલ) નું સારું જેના આપવાથી નોકર પોતાના માલિકને માટે પ્રાણ સુદ્ધાંનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. ફળોમાં દીકરો ઉત્તમ જે પોતાના બાપ દાદાની કીર્તિ વધારે છે. મીઠાસ વાણીની સારી જે માણસને સર્વપ્રીય બનાવે છે. ફૂલ કપાસનું ઉત્તમ, જેના વડે સંસારમાં લજજા જળવાય છે અને રાજાઓમાં ઈન્દ્ર મ્હોટો, જે વરસાદ વરસાવી ચરાચરનું પાલન કરે છે.”

આ ઉત્તરો સાંભળી બાદશાહે બીરબલને કોટિશઃ ધન્યવાદ આપી બહુમૂલ્ય ઈનામ આપ્યું.