બીરબલ વિનોદ/દીવા હેઠળ અંધારૂં

વિકિસ્રોતમાંથી
← ચાર પ્રશ્નો(૨) બીરબલ વિનોદ
દીવા હેઠળ અંધારૂં
બદ્રનિઝામી–રાહતી
ચોર પકડવાની કળા →


વાર્તા ૮૨.

દીવા હેઠળ અંધારૂં.


એક સમયે બાદશાહ અને બીરબલ કિલ્લાના બુરજ ઉપર બેઠા બેઠા હવા ખાતા હતા, તે વખતે બુરજની નીચે એક વહેપારી શાહુકારને કેટલાક ચોરો લુંટી લેતા હતા. બાદશાહની નઝર એકાએક તે ઘટનાસ્થળે પહોંચી, પેલા શાહુકારે પણ ઉપર જોયું. શાહ અને શાહુકારની નઝર એક થતાં શાહુકાર પોકારી ઉઠયો કે “ જહાંપનાહ ! આપની નઝર સ્હામેજ ચોરો મને લુંટી બેફિકર મોજની સાથે ચાલ્યા જાય છે, છતાં આપ કાંઈ કરતા નથી ?!! ”

પેલા શાહુકારનું આ વાકય શાહના અંતરમાં તીક્ષ્ણ તીર સમાન ભોંકાયું, તેણે ગુસ્સામાં રાતાચોળ બની બીરબલને ધમકી આપતાં કહ્યું “શું, ત્હેં મારા રાજ્યમાં આવોજ બંદોબસ્ત (?) રાખ્યો છે ? મ્હેં જ્યારે જ્યારે ત્હને રાજ્યના વહીવટ સંબંધી પૃચ્છા કરી, ત્યારે ત્હેં એમજ જવાબ આપ્યો કે “ સર્વ સ્થળે શાંતિ અને આબાદી છે,” પણ આજે મ્હારી ખાત્રી થઈ કે તારી એ વાતો ખોટે ખોટીજ હતી, કારણકે મ્હેં અત્યારે આ પળેજ મ્હારી નઝરો સમક્ષ એક શાહુકારને સાત ચોરોથી લુંટાતો જોયો !! ”

બીરબલે તરતજ હાથ જોડી જવાબ આયો હુઝૂર ! 'દીવા હેઠળ અંધારૂં' એ કહેવત આખું જગત્ જાણે છે. આ બુરજ ઉપર આપ મોગલકુળદીપક પ્રતાપી શહનશાહ પ્રકાશી રહ્યા છો એટલે કિલ્લા નીચે અંધેર હોય એ સ્વાભાવિકજ

છે !? માટે આપ લગાર વિચારો કે આસપાસ

સ્હેજ પણ અધારૂં છે?”

આવું અપૂર્વ યુક્તિપૂર્ણ વાક્ય સાંભળી બાદશાહ અત્યંત ખુશ થયો. અને પેલા ચોરોને પકડી આણવા તરતજ સવારો દોડાવ્યા.