બીરબલ વિનોદ/બુદ્ધિનું પરાક્રમ

વિકિસ્રોતમાંથી
← બખ્તરની પરિક્ષા બીરબલ વિનોદ
બુદ્ધિનું પરાક્રમ
બદ્રનિઝામી–રાહતી
મીઠી મસ્ખરી →


વાર્તા ૮૭.

બુદ્ધિનું પરાક્રમ.

એક પ્રસંગે બાદશાહે બીરબલને ત્રણ દિવસની અંદર મરઘાનું ઈંડું લાવી આપવાની આજ્ઞા કરી બીજે જ દિવસે સ્હાંજે બાદશાહ નદિ કિનારે ફરવા જતે એ વખતે બીરબલ એક ઘોડાને નદીમાં લઈ જઈ, ઉભો રાખી, માલિશ કરવા લાગ્યો. બાદશાહ જ્યારે ત્યાં ફરવા નીકળ્યો એટલે બીરબલને આવી હાલતમાં જોતાંજ તેણે પૂછયું" કેમ બીરબલ! તેં આ શું કરવા માંડયું છે?”

બીરબલે હાથ જોડી કહ્યું “નામદાર ! આ ઘોડાને ઘોડી બનાવું છું.”

બીરબલનો આ જવાબ સાંભળી બાદશાહ ખડ ખડ હસી પડી કહેવા લાગ્યો “અરે મૂર્ખા! નર તે- ક્યારેક નારી થઈ છે !” બીરબલ ઝટ બોલી ઉઠ્યો “ જહાંપનાહ! જ્યારે મરધા ઈંડાં આપતા થાય તો પછી ઘોડાની ઘોડી કેમ ન બને ? નર મટી માદા કેમ ન થાય?"

બીરબલનો આવો તરત અને ચમત્કારીક જવાબ સાંભળી બાદશાહ અત્યંત પ્રસન્ન થયો અને તેના ગુણની બેહદ પ્રશંસા કરવા લાગ્યો.