બીરબલ વિનોદ/સત્તાવીસમાંથી નવ જતાં બાકી કાંઈ નહીં

વિકિસ્રોતમાંથી
← લોખંડી ગુરૂભાઈ બીરબલ વિનોદ
સત્તાવીસમાંથી નવ જતાં બાકી કાંઈ નહીં
બદ્રનિઝામી–રાહતી
આકાશમાં તારા કેટલા? →


વાર્તા ૨૦.

સત્તાવીસમાંથી નવ જતાં બાકી કંઈ નહીં.

એક દિવસે બાદશાહ સૌ કરતાં પહેલો આવી દરબારમાં બેઠો અને જે કોઈ દરબારી દરબારમાં દાખલ થતો તેને સવાલ પૂછતો કે “ સત્તાવીસમાંથી નવ જતાં શેષ શું રહે ? ” સૌ કોઈ ચટપટ જવાબ આપી દેતા કે "અઢાર.” આખરે બીરબલ આવ્યો એટલે તેને પણ એજ સવાલ પૂછાયો. બીરબલે એક પળ પણ વિચાર કર્યા વગર પાધરોજ ઉત્તર આપે “જહાંપનાહ શેષ કાંઈ ન રહે." સત્તાવીસમાંથી નવ જતાં શેષ શૂન્ય રહે, એ સાંભળી બધા દરબારીઓ વિસ્મય થયા અને સાથે જ બીરબલને ખોટો પડેલો જાણી હસવા લાગ્યા. બાદશાહે એ બધો પ્રકાર જોઈ લીધો એટલે તેણે બીરબલને પોતાના જવાબનો ખુલાસો કરવા ફરમાવ્યું. બીરબલ બોલ્યો “ ખુદાવિંદ! કુલ નક્ષત્ર સત્તાવીસ છે જેમાંથી વર્ષાઋતુના નવ નક્ષત્રો કાઢી નાંખીયે તો શેષ અઢાર શા કામ લાગે એમ છે ?! કામના તો માત્ર નવજ એટલે બાકીના તો બધા મીંડાજ."

આ જવાબ સાંભળી બધા પોતપોતાની અક્કલને કોસવા મંડયા અને માથું નમાવી બેઠા.