બીરબલ વિનોદ/સૌના મનમાં શું?

વિકિસ્રોતમાંથી
← સુખી કોણ? બીરબલ વિનોદ
સૌના મનમાં શું?
બદ્રનિઝામી–રાહતી
ચંચલ નેન છીપે ન છિપાયે →


વાર્તા ૪૨.

સૌના મનમાં શું ?

એક દિવસે બાદશાહે દરબારમાં સવાલ પૂછ્યો કે અત્રે વિરાજેલા દરબારીયોના મનમાં હમણાં શો વિચાર હશે ! તે કોઈ બતાવી શકશે ?”

આ સાંભળી તમામ દરબારીયો વગેરે ભયભીત બની ગભરાવા લાગ્યા. તેઓના મુખપરની લાલી ઉડી ગઈ. સવાલ જવાબ શો આપવો એની કોઈને સમજ ન પડી, કેમકે જો ખોટો જવાબ આપે તો અપમાન થાય. એટલે બધા ગુપચુપ બેઠા. એ સવાલનો જવાબ આપ- વાની ઉમરાવોમાં તાકાત નથી એમ જાણી બાદશાહે બીરબલને તેનો જવાબ પૂછ્યો. બીરબલે કહ્યું “જહાંપનાહ ! બધાનો જુદો જુદો વિચાર કહું, કે એક સાથે જ બતાવું?"

બાદશાહે અજાયબી પામીને કહ્યું કે “બસ,એકજ જવાબમાં કહો.” બીરબલ બોલ્યો “ નામદાર ! અહીં બેઠેલા સૌ માણસના મનમાં એવોજ એક વિચાર છે કે, જ્યાં સુધી રવિ, શશિ તપે છે ત્યાં સુધી તમારું રાજ્ય, તમારૂં સુખ, તમારૂં તેઝ તપી અવિચલ રહી અથાગ સુખના ભોક્તા થાવ. જો મારા જવાબમાં આપને કાંઈ શંકા થતી હોય તો વિરાજમાન થયેલા અમીર ઉમરાવો ને પૂછી ખાત્રી કરી લો.”

આ ચમત્કારીક યુક્તિ જોઈ બાદશાહ અને દરબારીયો બીરબલ ઉપર ફિદા ફિદા થઈ ગયા.