લખાણ પર જાઓ

બે નવલકથા

વિકિસ્રોતમાંથી
બે નવલકથા
લિયો ટોલ્સટૉય
૧૯૪૫


બે નવલકથા
[‘જીવનવન’ તથા ‘શેઠ અને ચાકર’]


[લીઓ ટૉલસ્ટોયની Ivan Ilych તથા Master and Man નામની બે નવલકથાઓનો અનુવાદ ]


અનુવાદક
ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ


[ પુણ્યશ્લોક ગાંધીજી, ગાંધીજી સાથે અઠવાડિયું, ગાંધીજીને જગવંદના, ગાંધીજીના જીવનપ્રસંગ, ગાંધીજીની યુરોપયાત્રા, તથા સર સર્વપલ્લી રાધાકૃષ્ણનના હિંદુ ધર્મ, વેદની વિચારધારા, ધર્મોનું મિલન, મહાભારત, ગીતાદર્શન, વગેરે ગ્રન્થોના અનુવાદક]




વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ લિમિટેડ


એન. એમ. ઠક્કર ઍન્ડ કંપની
પ બ્લિ શ ર્સ એ ન્ડ બુ ક સે લ ર્સ
પ્રી ન્સે સ સ્ટ્રી ટ, મુંબઈ ૨.




શ્રી ચંદ્રશંકર શુક્લના ઇતર પુસ્તકો
સીતાહરણ (પાંચમી આવૃત્તિ.)
પિરામીડની છાયામાં

અનુવાદો

ચીનનો અવાજ—લૉવેઝ ડિકિન્સન (બીજી આવૃત્તિ)
ધર્મ સંસ્થાપન—ગાંધીજી
રચનાત્મક કાર્યક્રમ—ગાંધીજી
રચનાત્મક કાર્યક્રમ—રાજેન્દ્રપ્રસાદ
હિંદુ જીવનદર્શન—રાધાકૃષ્ણન
મહાત્મા ગાંધી—રાધાકૃષ્ણન
અહિંસાની તાલીમ—ગ્રેગ
ગાંધીજીને જગવંદના—રાધાકૃષ્ણન (બીજી આવૃત્તિ)
ધર્મોનુ મિલન—રાધાકૃષ્ણન
ગાંધીજીના જીવનપ્રસંગ—મીલી પોલાક
પુણ્યશ્લોક ગાંધીજી (લેખસંગ્રહ)
ગાંધીજી સાથે અઠવાડિયું—લુઇ ફીશર
હિંદુ ધર્મ—રાધાકૃષ્ણન
વેદની વિચારધારા—રાધાકૃષ્ણન
યુવાનોની સંસ્કારસાધના—રાધાકૃષ્ણન
ચૂપ નહીં રહેવાય—ટૉલસ્ટોય
ગાંધીજીની યુરોપયાત્રા—મ્યુરીએલ લેસ્ટર
ગાંધીવાદી આર્થિક યોજના—આયાર્ય અગ્રવાલ



આવૃત્તિ પહેલી :
૧૯૪૫
 
કિંમત અઢી રૂપિયા

પ્રસ્તાવના

ટૉલસ્ટૉયે ઇ. સ. ૧૮૭૭ માં ‘ઍના કૅરેનીના’ નામની નવલકથા પૂરી કર્યા પછી, એ જાતનું સાહિત્ય ન લખવાનો સંકલ્પ કર્યો, ને ધર્મગ્રન્થોના ઊંડા અભ્યાસ તથા આત્મપરીક્ષણ તરફ વળ્યા. આ પરિવર્તનથી એમના જીવનની ઉત્તરાવસ્થા શરૂ થઈ ગણાય. તે પછી પણ તેમણે ‘એ કન્ફેશન’ જેવો આત્મકથારૂપ ગ્રન્થ લખ્યો. એ નાનો છે, છતાં કલા અને આત્મકથનની દૃષ્ટિએ જગતનાં સર્વશ્રેષ્ઠ આત્મવૃત્તોની હારમાં મૂકી શકાય એવો છે, એમ પ્રસિંદ્ધ ટીકાકારોનું માનવું છે. એમના ચરિત્રલેખક એલ્મર મૉડ લખે છે કે “ટૉલસ્ટૉયે આ સિવાય બીજું એકેય પુસ્તક ન લખ્યું હોત, તોયે તેમનું નામ મહાન લેખક તરીકે, સ્પષ્ટ વિચારક તરીકે, અને બે છેડા વચ્ચેના મધ્યમમાર્ગ બનાવી માનવજાતિની કીમતી સેવા કરનાર તરીકે, કાયમ રહી જાત.”[] ‘ત્યારે કરીશું શું ?’ એ ગ્રન્થ પણ આ જ કાળમાં લખાયો.

આ આત્મમથન દરમ્યાન તેમને જે સત્યો જડેલાં તે વાર્તાસાહિત્ય દ્વારા લોકો સુધી પહોંચાડવાનો આરંભ તેમણે કર્યો, તેને પરિણામે લખાયેલી—સાવ નાની વાર્તાઓને બાદ કરતાં—પહેલી સમર્થ કલાકૃતિ તે ‘જીવનવન’ (‘ધી ડેથ ઑફ ઈવાન ઈલીચ’) હતી. માણસને જીવનમાં ગમે તેટલા પૈસા મળે કે ગમે તેટલી સુખસગવડો મળે તોપણ, એ જીવન જો પરાર્થે ન

વપરાયું હોય તો તે નિરર્થક છે, એળે ગયું છે, એટલું જ નહીં પણ ભયંકર છે, એ ઇવાન ઈલીચની જીવનકથા દ્વારા તેમણે બતાવ્યું છે. તેઓ કહે છે: “જે માણસ પોતાને ખાતર ને પોતાની વિષયવાસનાઓને પોષવા સારુ જીવે છે તેની સ્ત્રી ગમે તેટલી રૂપવતી હોય ને તેને ગમે તેટલી કીર્તિ ને સત્તા પ્રાપ્ત થાય તો પણ તે સુખી થઈ શકે નહીં.[] એ જ વસ્તુ વર્ણવતાં મૉડ કહે છે: “આ પુસ્તકોમાં તેઓ એવા નિર્ણય પર આવ્યા કે પોતાના જ સ્વાર્થને ખાતર જીવન ગાળનાર કોઇ પણ સમજુ માણસને માટે એ જીવન દુઃખમય નીવડ્યા વિના ન રહે. એમાંથી છૂટવાનો એકમાત્ર રસ્તો એ છે કે માણસે પોતાનું જીવન પરમાત્માના જીવનમાં—આપણાં વ્યક્તિગત જીવનનો અન્ત આવશે ત્યારે પણ ટકી રહેનાર, અને આપણને આપણી બહારથી મળનાર, બુદ્ધિના પ્રકાશમાં—ભેળવી દેવું. ધરતી પર હાલ તુરત સ્વર્ગરાજ્ય સ્થાપવાના પ્રયત્નમાં પરમાત્મા સાથે ભળીને કામ કરનાર માણસને માટે જીવન એ આશીર્વાદરૂપ છે. પોતાનો જ સ્વાર્થ સાધવા મથનારને માટે જીવન એ દુર્ભાગ્યરૂપ છે, કેમકે મૃત્યુ એ પ્રયત્નને હંફાવ્યા વિના રહેતું નથી.”[] પ્રસ્તુત કથાનો નાયક ઈવાન આના ઉદાહરણરૂપ છે. તેથી તેનું જીવન, સુખ માટેની સર્વ સાધનસામગ્રી તેની પાસે મોજૂદ હોવા છતાં, દુઃખ અને વિષાદથી ભરેલું છે; તે તેથી જ એને માટે ‘જીવનવન’ એ નામ સાર્થક ઠરે છે. કૌટુંબિક જીવનમાં પણ પતિ અને પત્ની જ્યારે પોતપોતાના વ્યક્તિગત સુખની જ ઝંખના કરે છે ત્યારે ગૃહજીવન કેવું ક્લેશમય બની જાય છે એનો પણ ચિતાર આમાં આપેલો છે. મૃત્યુ જ એ વેદનાનો અન્ત લાવે છે. પણ મૃત્યુને ટૉલસ્ટૉયે ભીષણ નથી આલેખ્યું. પ્રેક્ષકોને જ્યારે જીવનનો ખેલ ખલાસ થતો દેખાય છે ત્યારે મરતો માણસ મૃત્યુને જ મરી જતું

જુએ છે, ‘મૃત્યુ મરી ગયું રે લોલ,’ એમ લલકારે છે, ને આ જીવન કરતાં વિશાળ અને અધિક તેજસ્વી એવા નવજીવનમાં પ્રવેશ કરે છે.

જીવનજ્યોતિપૂર રસાળું જગોજગ વ્યાપિયું રે લોલ,
અમરપણું પ્રગટ્યું પછી તત્ક્ષણ મૃત્યુ મરી ગયું રે લોલ.
(સ્મરણ સંહિતા)

કથાના આ કરુણ છતાં પ્રેરક એવા અન્તની સાથે વાચક પણ દુઃખ અને ક્લેશથી ભરેલા આ લોકની પાર જ ક્ષણભર એ અફાટ જીવનસાગરની ઝાંખી કરી શકે છે.

‘શેઠ અને ચાકર’ (માસ્ટર ઍંડ મૅન) એ પહેલેથી છેલ્લે સુધી અત્યંત રસિક એવી સાહસકથા છે. બરફના તોફાનમાં સપડાયેલા શેઠ અને ચાકરનો ચિતાર લેખકે આબેહૂબ ખડો કર્યો છે. નાનાં બાળકો તેમજ મોટેરાં સરખા રસથી વાંચી શકે એવી આ વાર્તા છે. ગમે તેટલા સ્વાર્થી માણસને પણ અન્તકાળે સદ્‌બુદ્ધિ સૂઝે ત્યારે તે પોતાનું મોત કેવું સુધારી લે એનું જે દૃષ્ટાન્ત એમાં આલેખ્યું છે તે વાંચનારના સ્મરણપટ પરથી કદી ભૂંસાય એવું નથી. એમાં પણ વાસીલીને મૃત્યુ ભીષણ ને અકારું નથી લાગતું, પણ આવકારપાત્ર લાગે છે ને તેની ભેટ કરતાં એને પરમ આનંદ ઊપજે છે. ટૉલસ્ટૉયે પૂર્વાવસ્થામાં, પોતાને ખરેખર થયેલા અનુભવ પરથી, ‘બરફનું તોફાન’ નામની એક આ જ જાતની વાર્તા લખેલી. તેમાં તો ભૂલા પડેલા મુસાફરો આખી રાત રવડી પહો ફાટ્યે મુકામે પહોંચી જાય છે. એને જ મળતો બીજો પ્રસંગ આલેખી તેમણે જગતના સાહિત્યમાં કાયમ કે એવી એક અમર કલાકૃતિ સરજાવી; અને તેમાં વાસ્તવદર્શન તથા આદર્શનિષ્ઠા બેનો સુભગ સંયોગ સાધી બતાવ્યો. કલા પણ માણસની આત્મોન્નતિમાં કેવો મોટો ફાળો આપી શકે છે એનાં આ બે સરસ દૃષ્ટાન્તો છે.

ગોધરા, ૧૮–૩–૪૫
ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ
 



  1. ૧. ‘ધી લાઈફ ઑફ ટૉલસ્ટૉય’, વી. ૧, પૃ ૪૧૨.
  2. ર. ‘ચૂપ નહીં રહેવાય,’ પૃ. ૮૮
  3. ૩. ‘એ કન્ફેશન’ની પ્રસ્તાવના, પૃ. ૯


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.