બે નવલકથા/જીવનવન/પ્રકરણ ૨
| ← પ્રકરણ ૧ | બે નવલકથા જીવનવન - પ્રકરણ ૨ લિયો ટોલ્સટૉય |
પ્રકરણ ૩ → |
ર
ઇવાનની જિંદગી સાવ સાદી ને સાવ સામાન્ય, ને એટલા માટે જ અત્યંત ભયંકર, હતી.
તે ન્યાયની અદાલતનો ન્યાયાધીશ હતો, ને પિસ્તાળીસ વરસની ઉંમરે મરણ પામ્યો હતો. તેનો બાપ અમલદાર હતો. ઘણાં જુદાં જુદાં ખાતાંમાં કામ કર્યાથી તેની જે જાતની કારકિર્દી બંધાઇ હતી તેવી કારકીર્દીવાળા માણસોને આપોઆપ ઉંચા હોદ્દા મળ્યે જાય છે. તેઓ કોઇ પણ જવાબદાર હોદ્દા ભોગવવાને નાલાયક હોય છે છતાં તેમને રુખસદ આપી શકાતી નથી; ને તેથી તેમને માટે ખાસ નવા હોદ્દા કાઢવામાં આવે છે. એ હોદ્દા બનાવટી હોય છે, પણ એને માટે પાંચથી દસ હજારના જે પગાર હોય છે તે કંઇ બનાવટી નથી હોતા; ને એ પગાર ખાતાં ખાતાં પેલા માણસો ઘણો લાંબો કાળ જીવે છે.
ઇલિયા એપીમોવીચ ગૉલોવીન *[૧] એયો એક પ્રીવી કાઉન્સીલર અને અનેક નકામી સંસ્થાઓનો નકામો સભ્ય હતો.
તેને ત્રણ દીકરા હતા. તેમાં ઇવાન વચેટ હતો. મોટો દીકરો બીજા એક સરકારી ખાતામાં બાપને પગલે પગલે ચાલી રહ્યો હતો; અને બાપના જેવો જ કામ વિના બેઠેબેઠે પગાર ખવાય એવો, હોદ્દો મળે એટલે દરજ્જે તે નોકરીમાં પહોંચ્યો હતો. સૌથી નાનો દીકરે બાપનું નામ લજાવ્યું હતું. તેને અનેક હોદ્દા મળેલા તે બધામાં તેણે કુંડાળાં વાળી આગળ વધવાના માર્ગ બંધ કરી દીધેલા, ને હવે રેલવેના એક ખાતામાં કામ કરતો હતો. તેના બાપ તથા ભાઇઓને, અને એથીયે વધારે અંશે ભાભીઓને, એનું મોં જોવું ગમતું નહીં, એટલું જ નહીં પણ એ જીવતો છે એ હકીકત પણ નછૂટકે યાદ કરવી પડે તે સિવાય કોઇ કુટુંબી યાદ કરતું નહીં. તેની બહેન તેના બાપના જેવા એક પીટર્સબર્ગના અમલદાર બૅરન ગ્વૅફને પરણી હતી. લોકો કહેતા કે વચેટ છોકરો ઇવાન એ કુળનું નાક છે. તે મોટા ભાઇ જેવો અતડો ને કામ સિવાય બીજી વાત જ ન કરનારો નહોતો, તેમજ નાના ભાઇ જેવો ઉચ્છ્રંખલ અને વંઠેલ પણ નહોતો, પણ એ બે વચ્ચેના મધ્યમ માર્ગે ચાલનાર—બુદ્ધિશાળી, સુઘડ, બોલકો ને હેતાળ માણસ હતો. તે નાના ભાઈની જોડે કાયદાની નિશાળમાં અભ્યાસ કરતો હતો. પણ નાનો અભ્યાસ પૂરા કરી શક્યો નહીં, ને પાંચમા ધોરણમાં હતો ત્યારે તેને નિશાળમાંથી પાણીચું મળી ગયું હતું. ઇવાને અભ્યાસ સારી રીતે પૂરો કર્યો. કાયદાની નિશાળમાં પણ, જેવો બાકીની આખી જિંદગી રહ્યો તેવોજ, તે હોશિયાર, ખુશમિજાજ, ભલો ને મળતાવડો હતો; અને અધિકારીઓ જે જે કામ એને માથે નાખે તેને એ પોતે પણ ફરજ સમજીને સારી રીતે પાર ઉતારતો. નાનપણમાં કે મોટપણે તે ખુશામતખોર નહોતો; પણ પતંગિયું જેમ દીવા તરફ ખેંચાય તેમ તે, જુવાનીની શરૂઆતથી, ઉંચા દરજ્જાના માણસો પ્રત્યે સહેજે આકર્ષાતો; તેમની રીતભાત ને તેમના વિચારો આપનાવતો; ને તેમની સાથે મિત્રાચારીનો સંબન્ધ બાંધતો. બાળપણ અને જુવાનીના બધા રંગરાગ કરવા છતાં તેની ઝાઝી અસર તેના જીવન પર રહેવા પામી નહોતી. વિષયતૃપ્તિ, ગુમાન અને છેવટે ઊંચામાં ઊંચા વર્ગોમાં પ્રચલિત ઉદારમતવાદ, એ બધામાં તે ફસાઇ પડેલો ખરો; પણ એમાં કેટલી હદ સુધી જવું યોગ્ય ગણાય એ એનું મન એને અચૂક કહી આપતું, ને એ મર્યાદા તે કદી ઓળંગતો નહીં.
તે નિશાળે હતો ત્યારે તેણે કેટલાંક કામ એવાં કરેલાં જે તેને અગાઉ ઘણાં ભયાનક લાગતાં હતાં, તે કરતી વખતે પણ તેને પોતાની જાત પર તિરસ્કાર છૂટેલો. પણ પછળથી તેણે જોયું કે સારી સ્થિતિના માણસો એવાં કામ કરે છે, ને તેઓ તેને ખોટાં ગણતા નથી. એટલે એ પોતે પણ એવાં કામને સારાં ગણવા લાગ્યો, એટલું જ નહીં પણ પોતે એ કામ કરેલાં એ વાત જ સાવ ભૂલી ગયો: અથવા ક્વચિત્ એ વાત યાદ આવતી ત્યારે પણ તેને જરાયે અફસોસ થતો નહી.
તે કાયદાની નિશાળમાંથી પાસ થઈને નીકળ્યો એટલે દસમી ‘ગ્રેડ’ની સરકારી નોકરી માટે લાયક ગણાયો. બાપ પાસેથી તેને કપડાંલત્તાં વગેરે કરાવવાને પૈસા મળ્યા. ઇવાને છેલ્લામાં છેલ્લી ઢબનાં કપડાં સીવનાર શાર્મરની દુકાને કપડાં સિવડાવ્યાં; ઘડિયાળની સાંકળી પર એક મુદ્રાલેખવાળો ચાંદ લટકાવ્યો; પોતાના અધ્યાપકની ને શાળાના આશ્રયદાતા એવા એક ઉમરાવની વિદાય લીધી; ડોનનના આલા દરજ્જાના ઉપાહારગૃહમાં સાથીઓ જોડે વિદાયનું ખાણું લીધું; અને નવી ને આફલાતૂન ચામડાની પેટી, ચાદર, ધાબળા, કપડાં, હજામતનો ને બીજો ‘ટૉઇલેટ’નો સામાન લઇને તે એક પ્રાન્તમાં જવા ઊપડ્યો. બાપની લાગવગથી તેને એ પ્રાન્તના સૂબાને ત્યાં કંઇક ખાસ કામને માટે અમલદાર તરીકે નીમવામાં આવ્યો હતો.
ઇવાનને કાયદાની નિશાળમાં મળેલું તેવું સુખચેનનું મનગમતું વાતાવરણ તેણે પ્રાન્તમાં પણ પોતાને માટે તૈયાર કરી લીધું. તે હોદ્દાને અંગેનું કામકાજ કરતો, તેમાં સાબાશી મેળવી આગળ વધવાનો માર્ગ ખુલ્લો કરતો, અને સાથેસાથે લહેરથી ને મર્યાદા સાચવીને ચેનબાજી પણ કરતો. પ્રસંગોપાત તેને સરકારી કામસર આસપાસના જિલ્લાનાં ગામોમાં જવાનું થતું, ત્યાં ઉપરીઓ તેમજ હાથ નીચેના માણસો સાથે વટભેર કામ લેતો. તેનું કામ મુખ્યત્વે ધાર્મિક સંપ્રદાયવાળાઓને અંગે રહેતું. એ કામ તે ચોકસાઇથી ને અણીશુદ્ધ પ્રામાણિકતાથી કરતો; ને તેના મનમાં એ વાતનો ગર્વ ઊપજ્યા વિના રહેતો નહીં.
તે જુવાન હતો, ને તેને ટોળટપ્પા ને લહેરીપણા પ્રત્યે રુચિ હતી, એ ખરું; છતાં સરકારી કામકાજમાં તે સાવ ઓછાબોલો ને બહુ જ સભ્યતાથી વર્તનારો હતો; કડક હતો એમ પણ કહી શકાય. પણ ભદ્ર સમાજમાં તે ઘણીવાર રમૂજ, મશ્કરી, ટોળટપ્પા વગેરે કરતો; હંમેશાં ખુશમિજાજ રહેતો; રીતભાતમાં વિવેક પૂરેપૂરો જાળવતો સુબા ને તેની પત્ની સાથે તો તેને કુટુંબી જેવો સંબન્ધ થઇ ગયો હતો; ને તેઓ એને વિષે કહેતાં કે એ તો અમારો લાડકો છે.
પ્રાન્તમાં આ ફાંકડા જુવાન વકીલને ભૂરકી નાખનાર એક ઉપલા વર્ગની બાઇ સાથે તે ઇશ્કબાજી કરી ચૂક્યો હતો. સ્ત્રીઓના ટોપ બનાવનારી એક બાઇ સાથે પણ તેણે સબંધ બાંધેલો. સૂબાના હજૂરિયા જિલ્લામાં આવતા તેમની સાથે દારૂની મહેફિલો ઊડતી, ને જમણ પછી ગામની ભાગોળે આવેલા એક વગોવાયેલા લત્તામાં પણ એ લોકો જતા. ઇવાન તેના ઉપરી સૂબા ને તેની પત્ની આગળ હા જી હા કરતો. પણ એ બધુ કરતાં તે સભ્યતા ને ખાનદાનીનો એવો દેખાવ રાખતો કે એને વિષે એક પણ આકરું વેણ કહી શકાય એમ નહોતું. ‘જુવાન માણસને જરાક તો નખરાં કરવા જોઇએ જ ને,’ એવી જે કહેવત પ્રચલિત હતી તેમાં ઇવાનના આ વર્તનનો સમાવેશ થઇ જતો. એ બધું ચોખ્ખું હાથે, ચોખ્ખે કપડે, ફ્રેન્ચ શબ્દો સાથે, ને તે બધા ઉપરાંત ભદ્ર સમાજના લોકોમાં ને તેથી ઊંચા વર્ગના માણસોની સંમતિથી, કરવામાં આવતું.
આ રીતે ઇવાને પાંચ વરસ નોકરી કર્યા પછી તેની બદલી થઇ. દેશમાં ન્યાયને અંગે નવાં ને સુધરેલાં ધારાધોરણ દાખલ કરવામાં આવ્યાં, એટલે નવા માણસોની જરૂર પડી. ઇવાન એવા નવા માણસોમાં ગણાયો. મુકદ્દમો ચલાવનાર મૅજિસ્ટ્રેટની જગા લેવા તે તૈયાર છે કે કેમ એમ તેને પૂછવામાં આવ્યું. એ જગા બીજા પ્રાન્તમાં હતી; ને તેણે અહીં બાંધેલા સંબન્ધો તોડી નવા બાંધવા પડે એમ હતું; છતાં તેણે તે સ્વીકારી. તેના મિત્રો તેને વિદાય આપવા ભેગા થયા. તેમણે સહુએ સાથે બેસીને છબિ પડાવી, ઇવાનને સિગરેટ મૂકવાની ચાંદીની ડબી ભેટ આપી, ને ઇવાન નવી જગા લેવા ઊપડ્યો.
મુકદ્દમા ચલાવનાર મૅજિસ્ટ્રેટનું કામ કરતાં પણ ઇવાને સભ્ય ને સંસ્કારી માણસ તરીકે નામના મેળવી. લોકો એના પ્રત્યે આદરની નજરે જોવા લાગ્યા. સરકારી કામકાજ અને ખાનગી જીવન બેની વચ્ચે તે ભેદ પાડી શકતો, પહેલાંના કામ કરતાં આ મૅજિસ્ટ્રેટનું કામ તેને ઘણું વધારે રસિક ને આકર્ષક લાગતું. આગલી નોકરીમાં, શાર્મરનાં સીવેલાં કપડાં પહેરવાં, ને સૂબાને મળવા ભયભીત થઈને રાહ જોઇ રહેલા ટોળા વચ્ચે થઈને પસાર થવું, એમાં એને મોજ પડતી. તે લટકાં કરતો, મલપતી ચાલે, સીધો સૂબાના ખાનગી ઓરડામાં ચા પીવા કે ‘સાહેબ’ની સાથે બેસી સિગરેટ ફૂંકવા જતો, ત્યારે એ લોકો અદેખી નજરે એને જોઈ રહેતા. પણ તે વેળા ઘણા લોકો પર એની સત્તા સીધી રીતે ચાલતી નહીં. તે ખાસ કામે ગયો હોય ત્યારે પોલીસ અમલદારો ને ધાર્મિક સંપ્રદાયવાળાઓને જ તેની મહેરબાનીની જરૂર પડતી. એ લોકોની સાથે તે વિવેકપૂર્વક-લગભગ બરોબરિયા સાથી હોય એવી રીતે—વર્તતો; ને તેમને જાણે બતાવી આપતો કે ‘તમને કચડી નાખવાની સત્તા તો મારી પાસે છે, છતાં હું તમારી સાથે આટલી સરળતા ને મિત્રાચારીથી વર્તું છું, છતાં આ પ્રકારના માણસો બહુ જ થોડા હતા. પણ હવે મૅજિસ્ટ્રેટ બન્યા પછી ઇવાનને લાગ્યું કે ‘એકએક જણ પર—સૌથી મોટા મોભાદાર ને મિજાજી માણસો પર સુદ્ધાં—મારી સત્તા ચાલે છે. અમુક મથાળાવાળા એક કાગળ પર હું થોડાક શબ્દો લખું એટલે બસ, ગમે તે મોભાદાર ને મિજાજી માણસને આરોપી કે સાક્ષી તરીકે મારી પાસે લાવવામાં આવે. હું અને બેસવા દેવા ન માગું તો એને મારી સામે ઊભો રહી મારા સવાલના જવાબ દેવા પડે,’ ઇવાન સત્તાનો દુરુપયોગ કદી કરતો નહીં. ઊલટું સત્તાનો અમલ જેટલો હળવો કરી શકાય તેટલો કરવાનો પ્રયત્ન કરતો. પણ પોતાના હાથમાં સત્તા છે, ને પોતે ધારે ત્યારે એનો અમલ હળવો કરી શકે છે, એ ભાન તેને હતું એને લીધે જ તેને આ હોદ્દો ભોગવવામાં ખાસ રસ પડતો, ને એને લીધે જ એ હોદ્દો વિશેષ આકર્ષક લાગતો. તેના કામમાં, ખાસ કરીને ઝુબાની લેવામાં, તેને એવી હથોટી આવી ગઇ હતી કે એને લીધે તે મુકદ્દમાનો વિચાર માત્ર કાયદાની જ દૃષ્ટિએ કરતો, ને જે જે વસ્તુઓને કાયદાની સાથે સંબન્ધ ન હોય તે બધીને લક્ષમાં જ ન લેતો; એટલું જ નહીં પણ ગમે તેવો અટપટો મુકદ્દમો હોય તો પણ તેને તે એવું રૂપ આપી દેતો કે કાગળ ઉપર તો માત્ર તેની હકાકતો જ આવે; ને એ બાબત વિષે પોતાનો જે અભિપ્રાય હોય તેનો લેશ પણ ખ્યાલ એ લખાણ પરથી આવવા દેતો નહીં. વળી મુકદ્દમો ચલાવવાને જે વિધિ ને નિયમો ઠરાવેલા હોય તે બધાનું તે ચીવટથી પાલન કરતો. કામ નવું હતું, તે ૧૮૬૪ ના નવા કાયદાનો પહેલવહેલો અમલ જે માણસોને હાથે થયો તેમાંનો ઇવાન એક હતો.*[૨]
નવા ગામમાં મૅજિસ્ટ્રેટની જગા લીધા પછી ઇવાને નવી ઓળખાણો કરીને નવા સંબંધો બાંધ્યા. પહેલાંના કરતાં કંઇક જુદી મનોવૃત્તિ ધારણ કરી, ને બોલવા ચાલવાની ઢબ બદલી નાખી. પોતાની પ્રતિષ્ઠાનો તેને પૂરો ખ્યાલ હોય એમ તેણે પ્રાન્તના અમલદારો તરફ કંઇક અતડાપણું કેળવ્યું. પણ ગામમાં જે વકીલો ને ધનિક ગૃહસ્થો રહેતા હતા તેમાંથી સારામાં સારું મંડળ શોધી કાઢી તેની સાથે બેસવા ઊઠવાનો સંબન્ધ વધાર્યો. વાતચીતમાં સરકાર પ્રત્યે સહેજસાજ અસન્તોષ દાખવવો, અને જરાતરા ઉદારમતવાદ ને સુશિક્ષિત નાગરિકતા પ્રત્યે પક્ષપાતનું વલણ બતાવવું, એવો પણ રિવાજ પાડ્યો. સાથેસાથે દાઢી વધારવા માંડી; તેનાં કપડાં પહેરવાની ને પટિયાં પાડવાની ટાપટીપમાં જરાયે ઊણપ આવવા દીધી નહીં.
આ નવા ગામમાં ઇવાન ઠરીઠામ થઇ મોજ કરવા લાગ્યો. ત્યાંના ભદ્ર સમાજને પ્રાન્તના સૂબા સાથે સહેજ અંટસ હતો, પણ ઇવાન સાથે તો સહુ સારાસારી રાખતું. તેનો પગાર પણ પહેલાં કરતાં વધારે હતો. અહીં તેણે ‘બ્રીજ’ રમવા માંડી. તેણે જોયું કે આ રમતથી જિંંદગીની લહેજત વધે છે. તેનામાં પાનાં રમવાની આવડત હતી. રમતાં તે હંમેશાં મિજાજ ઠેકાણે રાખતો, ને ઝપાટાબંધ અને કુનેહથી ગણતરી કરતો. એટલે ઘણે ભાગે તેની જીત જ થતી.
બે વરસ આ જગાએ ગાળ્યા પછી તેને તેની ભાવિ પત્ની પ્રાસ્કોવિયા મિખેલનો ભેટો થયો. જે મંડળમાં તે હરતોફરતો તેમાં પ્રાસ્કોવિયા સૌથી વધારે દેખાવડી, ચતુર ને હોશિયાર છોકરી હતી. મૅજિસ્ટ્રેટ તરીકેના કામમાંથી રાહત મેળવવા જે બીજાં રમતગમત ને વિનોદ તે કરતો તેમાં એક ઉમેરારૂપે તેણે આ છોકરી સાથે હળવા મળવાનો ને વાતચીત ટોળટપ્પા વગેરે કરવાનો સંબંધ બાંધ્યો.
તે ખાસ કામ માટે નિમાયેલો અમલદાર હતો ત્યારે નાચવાની ટેવ તેને હતી; પણ મૅજિસ્ટ્રેટ થયા પછી તો તે ક્વચિત્ જ નાચતો, અત્યારે નાચતો તો જાણે ફ્કત એટલું જ બતાવવા કે ‘હું સુધરેલા રાજ્યતંત્રમાં કામ કરું છું, ને પાંચમી ગ્રેડના હોદ્દા પર પહોંચ્યો છું, છતાં નાચવું પડે જ તો ઘણાખરા લોકો કરતાં સારું નાચી શકું છું.’ એટલે કેટલીકવાર રાત પડ્યે તે પ્રાસ્કોવિયા જોડે નાચતો. અને મોટે ભાગે આ નાચ દરમ્યાન જ તેણે એ છોકરીનું મન હરી લીધું. તે ઇવાન જોડે પ્રેમમાં પડી. ઇવાનને પહેલાં તો પરણવાની ચોકસ ઇચ્છા નહોતી. પણ આ છોકરી એની સાથે પ્રેમમાં પડી એટલે એણે વિચાર કર્યો : ‘ખરેખર, મારે શા માટે ન પરણવું ?’
પ્રાસ્કોવિયા સારા કુટુંબની હતી, કદરૂપી નહોતી, ને તેની પાસે પોતાની થોડીક મિલકત પણ હતી. ઇવાન આથી વધારે સારી છોકરીની આશા રાખવા ધારત તો રાખી શકે એવું હતું. પણ આયે સારી હતી. એને પોતાને પગાર મળતો; ને બૈરીને પણ એટલી આવક થશે એવી આશા અને હતી. એના સગાંસંબધી શ્રીમંત અને લાગવગવાળાં હતાં. ને તે પોતે મીઠા સ્વભાવની, રૂપાળી, ને અત્યંત મર્યાદાશીલ યુવતી હતી ઇવાન પ્રાસ્કોવિયા જોડે પ્રેમમાં પડ્યો, ને બે જણના વિચારોમાં મેળ ખાતો એણે જોયો, એટલા માટે પરણ્યો, એમ કહેવું ખોટું છે. એની સાથે બેસવા ઊઠવાવાળા લોકોને આ લગ્ન થાય એ ગમતું હતું માટે પરણ્યો, એમ કહેવું પણ એટલું જ ખોટું છે. તે આ બંને વિચારોથી દોરવાયો હતો. આ લગ્નથી તેમના મનને તૃપ્તિ થઇ એ સાચું. અને સાથેસાથે તેના મિત્રો ને ઓળખીતાઓમાંના સૌથી પ્રતિષ્ઠિત માણસોએ આ લગ્નને વધાવી લીધું એ વાત પણ સાચી.
આમ ઇવાન પરણ્યો.
લગ્નની તૈયારીઓ, અને વિવાહિત જીવનની શરૂઆત. પતિ-પત્નીનો પ્રણય, નવું રાચરચીલું, કાચ માટીનો નવો સામાન, નવાં કપડાં, ગાદલાંગોદડાં ને ચાદરો, એ બધું—સ્ત્રીને દહાડા રહ્યા ત્યાં સુધી તો—બહુ આનંદદાયક લાગ્યું. ઇવાન તો એમ પણ માનવા લાગ્યો હતો કે ‘હું જે મોજશોખ, આનંદ, વિનોદ કરવા ને વટમાં રહેવાને ટેવાયેલો છું, ને મારી જે રહેણી ભદ્ર સમાજને ગમે છે ને મને સદી ગઇ છે, તેમાં મારા લગ્નથી જરાયે વિક્ષેપ નહીં આવે. એટલું જ નહીં પણ એની લહેજતમાં વધારો થશે. પણ સ્ત્રીની સગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાથી જ તેને કંઇક નવી, અકારી, ખેદજનક, ને બેહૂદી વસ્તુ એકાએક દેખાવા માંડી; ને એમાંથી છૂટવાનો આરો નથી એમ જ તેના મનને લાગી ગયું.
સ્ત્રીએ કશા કારણ વિના કુટુંબજીવનનાં આનંદ અને સભ્યતા બંનેમાં વિક્ષેપ નાંખવા માંડ્યો. ને કશા કારણ વિના પતિ વિષે વહેમાવા લાગી; પોતે મારા સિવાય બીજા કોઈ માણસ તરફ કે બીજી કોઈ વાત તરફ ધ્યાન ન આપે એવી માગણી તેણે કરવા માંડી; એકેએક વસ્તુનો દોષ કાઢવા માંડ્યો; અને ઘરમાં કજિયાકંકાસ, ને રોકકળ કરવા માંડ્યાં.
જિંદગીમાં કશી વાતનો આગ્રહ રાખવો નહીં, ફૂલકટાક થઇને ફરવું, ને સહુની સાથે વિવેકનો સંબંધ જાળવવો, એવો નિયમ ઇવાને રાખેલો તેને લીધે તેનું ગાડું આજ લગી તો ધકી ગયું હતું. એ જ નિયમનો પ્રયોગ કૌટુંબિક જીવનમાં કરું તો આ ક્લેશ ટાળી શકાશે, એવી આશા ઈવાનના મનમાં પહેલાં તો હતી. તેણે સ્ત્રીના કંકાસ તરફ દુર્લક્ષ કરવાનો પ્રયત્ન આદર્યો. હંમેશની નિશ્ચન્ત અને મોજીલી ઢબે રહેવાનું ચાલુ રાખ્યું. તે મિત્રોને પોતાને ઘેર પાનાં રમવા લાવતો. પોતે પણ સાંજે ક્લબમાં કે મિત્રોને ઘેર જઇ વખત ગાળવાની તેણે ટેવ પાડી. પણ એક દિવસ એની સ્ત્રીએ એને જોરથી વઢી નાખ્યો, ને ઘણા જ અસભ્ય શબ્દો સંભળાવ્યા. ત્યારપછી જ્યારે જ્યારે તે સ્ત્રીનું કહ્યું ન કરે ત્યારે, પતિ નમતું ન આપે ત્યાં સુધી — એટલે કે ઘેર ન રહે, ને જેમ પોતે કંટાળતી તેમ કંટાળીને વાજ ન આવે ત્યાં સુધી — એવી અડગ બનીને ઠોક પાડતી ને ગાળો દેતી, કે ઇવાન ખરેખર હેબતાઇ ગયો. તેને હવે દીવા જેવું સમજાયું કે વિવાહિત જીવનથી—અથવા કહો કે પ્રાસ્કોવિયા સાથેના આવા વિવાહિત જીવનથી—નથી જીવનમાં હંમેશાં સુખ મળવાનું કે નથી સગવડ સચવાવાની, પણ સુખસગવડ ને સભ્યતા બધાંની હોળી જ થવાની છે. એટલે એ આફત આડે દીવાલ ઊભી કરી તેને ઓઠે ભરાઇ બેસવું એવો નિશ્ચય તેણે કર્યો. એમ કરવાના ઉપાય તેણે ખોળવા માંડ્યા. સરકારી કામને અંગેની એની ફરજ એ એક જ વસ્તુ પ્રાસ્કોવિયાને મહાત કરી શકતી. એટલે સરકારી કામ ને તેને લગતી ફરજોનું ઓઠું લઈ પોતાની સ્વતંત્રતા મેળવવા માટે તેણે પત્ની સાથે ખેંચાતાણ કરવા માંડી.
બાળક જન્મ્યું અટલે તેને પોષણ આપવાના અનેક પ્રયત્નો, તેમાં મળેલી નિષ્ફળતા, મા અને બાળકની સાચી ને કલ્પિત માંદગીઓ, એ બધામાં ઇવાનના હેતભર્યા સમભાવની જરૂર હતી. પણ એ વાતોની તેને કશી ગતાગમ નહોતી. એટલે વળી કુટુંબની બહારથી પોતે જીવનરસ મેળવી લેવાની જરૂર તેને અધિકાધિક દેખાવા લાગી.
જેમ જેમ સ્ત્રી વધારે ચિડિયલ બનતી ગઇ ને તેના હુકમોનું આકરાપણું વધતું ગયું તેમ તેમ ઇવાને વધારે ને વધારે પ્રમાણમાં ઘરને બદલે ઑફિસને જીવનનું કેન્દ્ર બનાવવા માંડી. એને લીધે તેને ઑફિસના કામમાં પહેલાંના કરતાં વધારે રસ પડવા લાગ્યો. મોટા મોટા હોદ્દા મેળવવાની તેની આકાંક્ષા પણ વધારે તીવ્ર બનતી ગઇ.
થોડા જ વખતમાં—લગ્ન પછી એક વર્ષની અંદર જ— ઈવાનને સમજાઇ ગયુ હતું કે લગ્નથી જિંંદગીની સુખસગવડમાં થોડોક વધારો કદાચ થતો હશે, પણ ખરું જોતાં તો એ બહુ અટપટી ને વસમી વસ્તુ છે; અને પોતાની ફરજ બજાવવા માટે, એટલે કે સમાજને ગમે છે એવી સભ્ય જિંદગી ગાળવા માટે, માણસે જેમ સરકારી કામ તરફ તેમ વિવાહિત જીવન પ્રત્યે પણ અમુક પ્રકારની વૃત્તિ નિશ્ચયપૂર્વક ધારણ કરવી જોઇએ.
ઇવાને ધીરેધીરે ઘર અને વિવાહિત જીવન પ્રત્યે એવી વૃત્તિ ધારણ કરી. ઘરમાં તેને ભોજન, ઘરવાળી, ને સૂવાની પથારી એટલું મળી શકતું, ત્યાંથી હવે એટલી સગવડ, ને તે ઉપરાંત લોકમત સંતોષાય એટલો બહારનો વિવેક, અટલાની જ અપેક્ષા રાખવાની ટેવ તેણે પાડી. તે ઉપરાંત હળવો વિનોદ, ગમ્મત, રમૂજ, સંસ્કારી વાતાવરણ એ બધું ત્યાંથી મળે તો કેવું સારું, એવી ઝંખના પણ તેને થતી; ને એ મળતું ત્યારે તે મનથી ઘણો આભાર પણ માનતો. પણ તેને બદલે જો ઘરમાં વિરોધ ને કંકાસનું વાતાવરણ જોતો તો તે એકદમ સરકારી કામકાજની જુદી, ને વાડનો આંતરો કરીને નોખી પાડેલી, દુનિયામાં પેસી જતો; ને ત્યાં તેના મનને તૃપ્તિ મળી રહેતી.
ઈવાન સારો અમલદાર ગણાતો. એટલે ત્રણ વરસ પછી તેને મદદનીશ સરકારી વકીલ (પબ્લીક પ્રૉસીક્યુટર)ની જગા મળી. તેની નવી ફરજો, તેનું મહત્ત્વ, પોતાની નજરમાં આવે તે માણસ પર આરોપ મૂકી તેને કેદમાં પૂરવાની શક્યતા, તેનાં ભાષણોને મળતી પ્રસિદ્ધિ, ને આ તમામ વાતોમાં તેને મળેલી સફળતા, એ બધાને લીધે તેને પોતાના કામમાં ઘણો વધારે રસ પડવા લાગ્યો.
બાળકોની સંખ્યા વધવા લાગી. પ્રાાસ્કોવિયા વધારે કજિયાખોર ને ચિડિયલ બનતી ગઇ. પણ ઇવાને ગૃહજીવન પ્રત્યે જે નવી વૃત્તિ ધારણ કરી હતી તેને લીધે, બૈરીના બબડાટની એના મન પર લગભગ કશી જ અસર થવા પામતી નહીં.
એ ગામમાં સાત વરસ નોકરી કર્યા પછી બીજા પ્રાન્તમાં સરકારી વકીલની જગા પર તેની બદલી થઇ. એ લોકો ત્યાં ગયાં તો ખરાં, પણ પૈસા ખૂટી ગયા હતા, ને ઇવાનની વહુને આ નવું સ્થળ ગમ્યું નહીં. ત્યાં પગાર વધારે હતો તેમ ખર્ચ પણ વધારે હતું. વળી બાળકોમાંથી બે મરી ગયાં, અને ઇવાનને માટે કૌટુંબિક જીવન પહેલાંના કરતાં વધારે ખારું બની ગયું.
નવા ઘરમાં જે કંઇ અગવડ વેઠવી પડે તે દરેકને માટે પ્રાસ્કોવિયા પતિનો વાંક કાઢતી. પતિ પત્ની વચ્ચે જ્યારે જ્યારે, ખાસ કરીને બાળકોની કેળવણી વિષે, વાતચીત થતી ત્યારે મોટે ભાગે તો તેમાં એવા વિષયો નીકળતા જેને લીધે અગાઉની તકરારો યાદ આવતી, ને એ તકરારો ગમે તે ક્ષણે ફરીવાર સળગી ઊઠી તેમાંથી ભડકો થવાનો સંભવ રહેતો. પછી તો માત્ર વિષયસુખના વિરલ પ્રસંગો જ એમની પાસે બાકી રહ્યા. એવા પ્રસંગો એમના જીવનમાં હજુ આવતા, પણ તે લાંબો વખત ચાલતા નહીં. પ્રણયસુખના એ પ્રસંગો ટાપુઓ જેવા હતા; ત્યાં સહેજવાર નાંગરી, વિસામો લઇ તેઓ ફરી છાની શત્રુતાના સાગરમાં સફરે નીકળી પડતાં. તેઓ એકબીજા સાથે અતડાપણું રાખતાં હતાં તેમાં એમની એ છાની શત્રુતાનો ભાવ દેખાઇ આવતો. આવું અતડાપણું ન હોવું જોઈએ એમ ઇવાનને લાગતું હોત તો કદાચ તેને એનું દુઃખ થાત. પણ આ સ્થિતિને તે સ્વાભાવિક માનતો થઇ ગયો હતો, એટલું જ નહીં પણ કૌટુંબિક જીવનમાં આ સ્થિતિ ઉત્પન્ન કરવી એને તેણે પોતાનું ધ્યેય માન્યું હતું. એની ધારણા એવી હતી કે એ કલેશકંકાસથી પોતે દહાડે દહાડે છૂટા થતા જવું, અને એ કજિયા નિર્દોષ છે ને તેમાં સભ્યતાનો ભંગ થતો નથી એવો બહારનો દેખાવ ઊભો કરવો. આ મુરાદ બર લાવવા માટે તે કુટુંબની સાથે ઉત્તરોત્તર ઓછો ઓછો વખત ગાળવા લાગ્યો. નછૂટકે ઘેર રહેવું જ પડે ત્યારે બહારના માણસોને બોલાવી તેમની હાજરીને ઓઠે સુરક્ષિતતા મેળવવાનો પ્રયત્ન કરતો. પણ મુખ્ય વાત એ હતી કે એની પાસે સરકારી કામ કરવાનું હતું. અને હવે પોતાનો બધો જીવનરસ ઑફીસ અને અમલદારવર્ગમાંથી જ મળવા લાગ્યો; ને એ રસમાં તે તરબોળ થઇ ગયો. પોતાની સત્તાનું ભાન; જે માણસને પોતે પાયમાલ કરવા ધારે તેને પાયમાલ કરવાની પોતાની શક્તિ: અદાલતમાં તેના પ્રવેશનું મહત્ત્વ—માત્ર મહત્ત્વ જ નહીં પણ બહારનો દમામ; અથવા તો હાથ નીચેના માણસો સાથેની મુલાકાતો; ઉપરીઓ તેમજ હાથ નીચેનાઓ પાસે ધાર્યું કરાવવામાં મળતી સફળતા; પોતે મુકદ્દમાઓ ચલાવવામાં આબાદ કામ કરી બતાવે છે એ વાતનું ભાન: ને એ બધા ઉપરાંત સાથીઓ જોડેની ગપસપ, જમણો, ને બ્રીજ; આ બધામાંથી તેને આનંદ મળી રહેતો ને જીવન ભર્યું ભર્યું લાગતું એટલે એકંદરે ઇવાનનુ જીવન જેમ વહેવું જોઇએ એમ તે માનતો હતો તેવું આનંદ અને ગૌરવભર વહ્યે જતું હતું.
આવી સ્થિતિમાં બીજાં સાત વરસ નીકળી ગયાં. તેની સૌથી મોટી દીકરી સોળ વરસની થઇ ચૂકી હતી. બીજું એક બાળક મરી ગયું હતું, ને તે પછી માત્ર એક છોકરો જ બાકી રહ્યો હતો. તે નિશાળે ભણતો હતો, ને તેને વિષે માબાપને કજિયા થયાં કરતા. ઇવાન એને કાયદાની નિશાળે મૂકવા માગતો હતો. પણ એને ચીડવવાને ખાતર પ્રાસ્કોવિયાએ છોકરાને હાઇસ્કૂલમાં મૂક્યો હતો. છોકરીને ઘરમાં જ શિક્ષણ આપ્યું હતું ને તે સારી નીવડી હતી. છોકરો પણ ભણવામાં ઠોઠ નહોતો.
- ↑ *રશિયામાં માણસનું આખું નામ આપવું હોય ત્યારે પહેલું એનું પોતાનું નામ, પછી બાપનું નામ, ને પછી અટક મૂકાવાનો રિવાજ હતો. ઇલિયા તે એ માણસનું નામ, બાપના નામ સાથે ‘ઇચ’ પ્રત્યય લગાડાય છે; જેમકે એપીમોવનો દીકરો છે એમ સૂચવવા એપીમોવીચ કહ્યું છે. ગૉલોવીન એ અટક. સ્ત્રીનું નામ હોય ત્યારે અટક પણ સ્ત્રીલિંંગમાં મુકાય છે; જેમકે કૅરેનીન-કેરેનીના; ગૉલોવીન- ગૉલોવીના.
- ↑ ૧૮૬૧ માં ગુલામોને મુક્તિ અપાયા પછી, અદાલતમાં મુકદ્દમા ચલાવવાની રીતમાં પૂરેપૂરો ને વીગતવાર સુધારો કરવામાં આવેલો.