લખાણ પર જાઓ

બે નવલકથા/જીવનવન/પ્રકરણ ૬

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૫ બે નવલકથા
જીવનવન - પ્રકરણ ૬
લિયો ટોલ્સટૉય
પ્રકરણ ૭ →


ઇવાને જોયું કે મોત પાસે આવતું જાય છે. હૃદયમાં ઊંડે ઊંડે તો તેને થતું હતું કે હું મરી જાઉં છું. પણ એવો વિચાર કરવા તે ટેવાયેલો નહોતો, એટલું જ નહીં પણ એ વિચાર એને સમજાતો જ નહોતો; એના મગજમાં તે ઊતરતો જ નહોતો.

કિઝવેટરના ‘તર્કશાસ્ત્ર’માં તે આ પ્રમાણે ત્રિપદી શીખ્યો હતો: ‘કેયસ માણસ છે. માણસો મર્ત્ય છે. તેથી કેયસ મર્ત્ય છે.’ આ પદો કેયસને વિષે એને હંમેશાં સાચાં લાગેલાં, પણ પોતાને વિષે કદી સાચાં લાગેલાં નહીં. કેયસ — કોક કાલ્પનિક માણસ — મર્ત્ય હતો એ વાત સાવ સાચી; પણ ઇવાન પોતે કંઇ કેયસ નહોતો, તે કાલ્પનિક માણસ નહોતો, પણ બીજા બધાના કરતાં સાવ જુદું એવું એક પ્રાણી હતો. એક કાળે તે નાનકડો વાનિયા હતો. તેને મા હતી. બાપાજી હતા. મિટિયા ને વૉલોડિયા બે ભાઇ હતા. રમકડાં હતાં. ગાડીવાન હતો. આયા હતી. પછી વળી કાટેંકા હતો; ને તેની સાથે તેણે બચપણ, બાળપણ ને કિશોરવયનાં બધાં સુખદુઃખ ને મોજમજા માણ્યાં હતાં. પેલો જે પટાવાળો ચામડાનો દડો વાનિયાને બહુ જ ગમતો તે દડાની વાસ વિષે કેયસને શી ખબર હતી? એની માને હાથે કેયસે કંઇ આવી રીતે ચૂમી લીધી હતી, ને માનાં કપડાંનુ રેશમ કંઇ કેયસને માટે કફડ્યું હતું ? મીઠાઇ ખરાબ હતી ત્યારે નિશાળમાં કંઇ કેયસે ઉધમાત કરી મૂકેલો ? કેયસ કંઇ આવી રીતે પ્રેમમાં પડ્યો હતો? કેયસ કંઇ ઇવાનની પેઠે અદાલતમાં પ્રમુખપદે બેસી શકશે?’ ‘કેયસ ખરેખર મર્ત્ય હતો, ને તે મરે એ બરાબર હતું. પણ હું નાનો વાનિયા, ઈવાન ઇલીચ, મારાં આટલાં બધાં વિચારો ને લાગણીઓ — મારી તો વાત જ સાવ જુદી છે. મારે મરવાનું આવે એ તો બની જ ન શકે. એ તો બહુ જ ભયાનક વાત ગણાય.’

આવી એના મનની લાગણી હતી.

‘મારે કેયસની પેઠે મરવાનું હોત તો અને એની ખબર પડી ગઈ હોત.’ મારા અંતરમાંથી કોઈ અવાજે મને કહ્યું હોત. પણ મને એવો કંઈ અવાજ સંભળાયો નહોતો; અને મને ને મારા ભાઇબંધોને લાગેલું કે અમારી વાત તો કેયસથી જુદી જ છે. પણ અહીં તો મોત આવીને ઊભુંં છે નજર સામે!’ તે મનમાં કહેવા લાગ્યો. ‘ના, ના, ન હોય ! અશક્ય ! અરે પણ આ દેખાય છે તેનું શું? આમ કેમ? આમાં શું સમજવું ?’

તે સમજી શક્યો નહી. આ જૂઠા, ખોટા, માંદલા વિચારને હાંકી કાઢી, તેને બદલે સારા ને નીરોગી વિચારી જ મનમાં ઊઠવા દેવા, એ પ્રયત્ન તેણે કરી જોયા. પણ પેલા વિચાર, અને માત્ર વિચાર જ નહીં પણ સાક્ષાત્‌ એ મૂર્તિ પોતે આવીને એની સામે ઊભી રહેવા લાગી.

એ વિચારને હાંકી કાઢવા તેણે એક પછી એક બીજા અનેક વિચારો યાદ કર્યાં, ને એમાંથી કંઇક આધાર મળશે એવી આશા રાખી. અગાઉ એક વેળા વિચારોના જે પ્રવાહે તેના મનમાં ઊઠતા મોતના વિચારને ઢાંકી દીધો હતો તે વિચારો ફરી પાછા જગવવાને તેણે મથામણુ કરી જોઇ. પણ વિચિત્ર વાત એ હતી કે અગાઉ જે વિચારોએ મોતના વિચારને રોકી રાખ્યો હતો, ઢાંકી દીધો હતો, ને ઉખાડી નાખ્યો હતો તે વિચારો હવે એવી અસર કરી શક્યા નહીં. ઇવાન હવે પોતાનો ઘણોખરો વખત એ વિચારપ્રવાહ ફરી જગવવાના પ્રયત્નમાં જ ગાળવા લાગ્યો. તે મનમાં કહેતો: ‘હું ફરી મારું કામ કરવા માંડીશ—આખરે તો એને જ આધારે હું જીવતો હતો ને?’ તેણે શંકામાત્રને ખંખેરી નાખી અદાલતમાં જવા માંડ્યું. ત્યાં સાથીઓ જોડે વાતચીતમાં ઊતરે, હંમેશની ટેવ પ્રમાણે નિશ્ચિન્તપણે બેસે; વિચારપૂર્વક લોકો સામે જોઇ તેમનું નિરીક્ષણ કરે; ને સુકાઈને સોટી જેવા થઇ ગયેલા બંને હાથ ઓકની ખુરસીના હાથા પર અઢેલી રાખે; હંમેશની પેઠે કોઇ સાથી તરફ નમીને અને કાગળો પાસે ખેંચીને સાથીઓ જોડે કાનમાં વાતચીત કરે; અને પછી એકાએક આંખો ઊંચી કરી ટટાર બેસીને અમુક શબ્દો ઉચ્ચારે, ને અદાલતનું કામકાજ શરૂ કરે. પણ એ કામકાજની વચ્ચે જ—કામ ગમે એટલું ચાલ્યું હોય તોપણ—પડખામાં દરદ ઊપડી આવે. ઇવાન તેના તરફ ધ્યાન આપે ને તેનો વિચાર મનમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન તો કરે, પણ કંઇ વળે નહી. पेलुं આવીને એની સામે ઊભું રહે. ને એની સામે ડોળા ફાડીને જોઇ રહે. ઇવાન સૂનમૂન થઇ જાય, તેની આંખોમાંથી નૂર ઊડી જાય, ને તે પાછો પોતાના મનને પૂછ્યા માંડે કે ‘पेलुं એકલું જ સાચું છે કે શું?’ આવા સમર્થ ને સૂક્ષ્મ બુદ્ધિવાળા ન્યાયાધીશ લોચા વાળે છે ને ભૂલો કરે છે, એ જોઇ તેના સાથીઓ ને હાથ નીચેનાઓને આશ્ચર્ય ને દુઃખ થાય. ઇવાન સજગ થાય, સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે, જેમતેમ કરીને તે દિવસનું કામ પૂરું કરે, ને એવું દુઃખદ ભાન લઇને ઘેર જાય કે ‘મારું અદાલતનું કામકાજ જે વસ્તુને ઢાંકી દઇ મારી નજરે ન પડવા દે એમ હું ઇચ્છું છું, તે વસ્તુને તે હવે પહેલાંની પેઠે ઢાંકી શકતું નથી. ને એ મને पेलाના પંજામાંથી ઉગારી શકવાનું નથી’. સૌથી બૂરી વાત તો એ હતી કે पेलुं ઇવાનનું ધ્યાન પોતા તરફ ખેંચતું હતું. તેનો ઉદ્દેશ એ ન હતો કે તેની પાસે કંઈ કામ કરાવવું. તેની ધારણા તો એટલી જ હતી કે ઇવાન પેલાની સામે જુએ, તાકીને જુએ; તેને જોયાં કરે, ને કશું કર્યા વિના અકથ્ય દુઃખ ભોગવે.

આ સ્થિતિમાંથી છૂટવા ઇવાને આશ્વાસનો—નવા પડદા—ખોળવા માંડ્યા. નવા પડદા જડ્યા; ને થોડોક વખત તો એ ઇવાનને ઉગારશે એવો ભાસ થયો. પણ પછી તરત તે ફાટી ગયા, અથવા કહો કે પારદર્શક થઈ ગયા; જાણે पेलुं એ પડદાને ભેદીને પણ અંદર પહોંચ્યું હોય, તે पेलाને રોકવાનુ કે ઢાંકવાનું કોઇ પણ વસ્તુનું ગજું ન હોય.

આ પાછલા દિવસોમાં, તેણે જે દીવાનખાનું ગોઠવેલું તેમાં તે જતો. એ દીવાનખાનામાં જ તે પડેલો, ને એને માટે જ તેણે જિંદગીનો ભોગ આપ્યો હતો (એ વાત કેવી કડવી ને કેવી હાંસીપાત્ર લાગતી હતી!) — કેમકે એને ખબર હતી કે એ પડ્યો ને વાગ્યું ત્યારથી જ એની માંદગી શરૂ થઇ હતી. તે અંદર પેસે ને જુએ કે પાલીસ કરેલા ટેબલ પર કશાકનો ઉઝરડો થયો છે. એનું કારણ શોધતાં તેને જણાય કે એકાદ આલબમ (ચિત્રસંગ્રહ)નું કાંસાનું સુશોભિત પૂઠું વળી ગયું છે. એ આલબમ તેણે કેટલા પ્રેમથી ને કેવી હોંશથી ગોઠવેલું, ને તેની પાછળ કેટલું ખર્ચ કરેલું! આલબમ હાથમાં લે, એટલે તેને દીકરી ને તેના મિત્રોના અણઘડપણાની અકળામણ થાય. આલબમ ક્યાંક ક્યાંક ફાટી ગયું હોય, ને કેટલીક છબિઓ ઊંધીછતી કરી નાખેલી હોય. ઇવાન એ છબિઓને પાછી સરખી ગોઠવે, ને પૂઠાને વાળી ઠેકાણે લાવે. પછી એને થાય કે આ બધી વસ્તુઓ દીવાનખાનાના પેલા ખૂણામાં, છોડવાની પાસે, મૂકી હોય તો સારું. તે નોકરને બોલાવે, પણ ત્યાં તો સ્ત્રી કે દીકરી તેને મદદ કરવા આવે. એમની વચ્ચે ગોઠવણ બાબતમાં મતભેદ થાય; ને પ્રાસ્કોવિયા પતિની વાત તોડી પાડે, એટલે ઇવાન ચર્ચામાં ઊતરી પડે ને ગુસ્સે થઈ જાય. પણ એ બધું સારું લાગતું, કેમકે ત્યારે એને पेलाનો વિચાર ન આવતો. पेलुं અલોપ થઇ જતું.

પણ પછી, એ જાતે કંઇક ફેરવતો હોય ત્યારે, પ્રાસ્કોવિયા કહેતી, ‘નોકરોને કરવા દોને. તમને પાછું ક્યાંક વાગી બેસશે.’ ને એકાએક पेलुं પડદા પાછળથી ઝબકી ઊઠતું, ને ઇવાન તેને જોઈ શકતો. માત્ર એક ઝબકારો જ થાય, ને ઇવાન આશા રાખે કે એ અલોપ થઈ જશે; પણ જાણેઅજાણે તેનું ધ્યાન પડખા તરફ જાય જ. ‘અરે’ पेलुं તો પહેલાંની પેઠે જ ત્યાં બેઠું છે, ને મને કોરી ખાય છે!’ પછી તે पेलाને ભૂલી શકતો નહીં, પણ ફૂલોની પાછળથી પોતાની સામે એને ટગરટગર જોઇ રહેતું ભાળી શકતો. ‘આ બધું શાને સારુ છે?’

‘ખરેખર એમ જ છે ! કોઇ કિલ્લા પર ચડાઇ કરતાં ગુમાવત એવી રીતે પેલા પડદાને સારુ મેં જિંદગી ગુમાવી. એમ તે કંઇ બને ? કેવું ભયંકર ને કેવું બેવકૂફ ! એ સાચું હોઇ જ ન શકે ! હોઇ તો ન શકે, પણ છે તેનું શું?’

તે અભ્યાસખંડમાં જાય, ને પાછો पेलाની સાથે એકલો પડે : पेलुं એને મોઢામોઢ દેખા દે. અને पेलाને જોવું ને થથરવું એ સિવાય કશો ઇલાજ જ ન રહે.