લખાણ પર જાઓ

બે નવલકથા/શેઠ અને ચાકર/પ્રકરણ ૨

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧ બે નવલકથા
શેઠ અને ચાકર - પ્રકરણ ૨
લિયો ટોલ્સટૉય
પ્રકરણ ૩ →


પાણીદાર ઘોડાએ બરફ પથરાઈને સરસ સપાટ થઈ ગયેલ ગામના રસ્તા પર સપાટાબંધ ગાડી ખેંચવા માંડી. ગાડીનાં પાટિયાં*[] ચરડ ચરડ કરવા લાગ્યાં.

‘અરે, પેલો તો હજુ લટકી રહ્યો છે! લાવ તો ચાબુક, નોકીટા!’ વાસીલીએ ઘાંટો પાડ્યો. તેનો દીકરો પાટિયા પર પગ મૂકીને ગાડીની પાછળ ટિંગાઇ રહ્યો હતો એ જોઇ એનું મન હરખાતું હોય એમ લાગતું હતું. ‘ફટકારી જ દઈશ હોં! જતો રહે બાની પાસે, કૂતરા !’

છોકરો કૂદીને ઊતરી પડ્યો. ઘોડાએ વેગ વધાર્યો, ને એકાએક ચાલ બદલી દોડવા માંડ્યું.

ગામડામાં ગણ્યાં ને ગાંઠ્યાં છ જ ઘર હતાં. ગામને છેક છેડે લુહારનું ઝૂંપડું હતું, તે વટાવતાંવેંત ખબર પડી ગઇ કે પવન ધાર્યું હતું એના કરતાં ઘણો વધારે સખત છે. રસ્તો દેખાવો મુશ્કેલ થઇ ગયો હતો. ગાડીનાં પાટિયાં ઘસાવાથી પડતા ચીલા તરત જ બરફથી છવાઇ જતા. રસ્તો બાકીની જમીનથી ઊંચો હતો એટલું એક જ એને ઓળખવાનું એંધાણ રહ્યું હતું. ખેતરોમાં બરફનો વંટોળ જામ્યો હતો; અને આકાશ ને જમીન જ્યાં એકબીજાને અડતાં હતાં એ રેખા જોઇ શકાતી નહોતી. તેલિયાતીનનું જંગલ રોજ સાફ દેખાય, તે આજે ધૂળની પેઠે ઊડતા બરફ આડે ક્વચિત જ દેખાતું, ને તે પણ ઝાંખું ઝાંખું. પવન ડાબી બાજુએથી આવતો હતો. ઘોડાની સુંવાળી ગરદન પરની કેશવાળી ફરીફરી એક તરફ ઊડ્યાં કરતી હતી; તે એના ભરાવદાર વાળવાળા પૂંછડાને નીકીટાએ ગાંઠ વાળી દીધી હતી છતાં તે પણ પવનમાં ઊડતી હતી. નીકીટા પવન જ્યાંથી આવતો હતો તે બાજુએ બેઠો હોવાથી તેના ડગલાનો કૉલર તેના ગાલ અને નાક સાથે ચબસીને દબાઈ ગયો હતો.

વાસીલીને એના સરસ ઘોડા વિષે ગર્વ હતો, એટલે કહેવા લાગ્યો: ‘આ રસ્તો બીચારાને એનું પાણી બતાવવા દેતો નથી. એકવાર હું એને ગાડીએ જોડીને અડધા કલાકમાં પશુટીનો પહોંચ્યો હતો.’

‘શું કહ્યું ?’ નીકીટાએ પૂછ્યું. કૉલરથી કાન ઢંકાઈ ગયેલા હોવાથી તેને સંભળાતું નહોતું.

‘કહું છું. એકવાર હું અડધા કલાકમાં પશુટીનો ગયો હતો,’ વાસીલીએ જોરથી બૂમ પાડી.

‘ઘોડો સરસ છે એમાં કહેવું પડે એમ નથી,’ નીકીટાએ જવાબ આપ્યો.

થોડીક વાર તેઓ ચૂપચાપ બેસી રહ્યા. પણ વાસીલીની વાત કરવાની ઇચ્છા હતી.

‘અલ્યા, તેં તારી વહુને કહ્યું કે નહીં પેલા પીપવાળાને બિલકુલ દારૂ ન આપે?’ પહેલાના જેટલે જ મોટે અવાજે તેણે કહેવા માંડ્યું. શેઠ જેવા હોશિયાર ને મોટા માણસ સાથે વાત કરવાની મળે એને નીકીટા તો ધન્યભાગ્ય માને, એવી શેઠના મનની ખાતરી હતી. પોતે કરેલી મશ્કરીથી એ એટલો બધો ખુશ થઇ ગયો કે એને એમ ન સૂઝ્યું કે એવી મશ્કરી નીકીટાને કદાચ ગમી નહીં હોય.

પવનના સુસવાટા આડે નીકીટા ફરી શેઠના બોલ સાંભળી ન શક્યો.

વાસીલીએ મોટે, સ્પષ્ટ અવાજે બૈરીવાળી મજાક સંભળાવી.

‘એ એમને પોતાને જોવાનું છે, વાસીલી શેઠ, હું એમના કામમાં માથું મારતો નથી. અમારા છોકરાને એની મા પજવે નહીં તો ઘણું થયું — ભગવાન એમનું ભલું કરે.’

‘ખરું છે,’ વાસીલી બોલ્યો, ને વિષય બદલીને કહેવા લાગ્યો: ‘તું આ ઉનાળે ઘોડો ખરીદવાનો કે, નીકીટા ?’

‘હાસ્તો, છૂટકો છે કંઇ?’ કહી નીકીટાએ કૉલર નીચો ઉતાર્યો, ને પાછળ બેઠેલા શેઠ તરફ જરાક શરીર ઝુકાવ્યું.

શેઠને હવે વાતમાં રસ પડવા લાગ્યો. તે એકે શબ્દ ચૂકવા માગતો નહોતો.

‘છોકરો મોટો થયો. હવે એણે જાતે હળ ચલાવવું જોઇએ, અત્યાર સુધી તો કોકને મજૂરીએ રાખીને કામ કરાવતાં અમે.’

‘બરાબર છે. તો મારી પાસેથી પેલો નીચી પીઠવાળો જ લઈ લેને હું બહુ કિંમત નહીં લઉં એની,’ વાસીલીએ ઘાંટો પાડીને કહ્યું, એને વાતમાં ખરો રંગ આવ્યો હતો. ઘોડાં લેવા વેચવાની વાત આવે ત્યારે એનું મન એકતાન બની જતું.

‘હું તો એમ કહું છું, શેઠ, કે મને પંદર રૂબલ રોકડા જ આપજોને. બજારમાંથી ઘોડું લઇ લઈશ હું.’ નીકીટાને ખબર હતી કે વાસીલી જે ઘોડો એને માથે મારવા માગતો હતો તે સાત રૂબલે પણ એને મોંઘો પડે એવો હતો, પણ જો એ પોતે લે તો શેઠ એની પાસેથી પૂરા પચીસ રૂબલ લે; ને પછી છ મહિના સુધી શેઠને ત્યાંથી કામ પેટે એક પાઈ પણ મળવાની આશા રાખવાની નહીં.

‘સારો ઘોડો છે આપણો. મારોયે એમાં સ્વાર્થ તો છે, પણ હું તો તારાયે સ્વારથનો વિચાર કરું છું — ધરમના સમ. બ્રેખુનોવ કોઇનેય અન્યાય કરે એવો નથી હોં. તને આપવાનો છે એટલે શું કરીએ? થોડી ખોટ હું ભોગવી લઇશ. હું બીજા જેવો નથી. ખરૂં કહું છું.!’ નીકીટા સાંભળી શકે એટલા માટે ઘાંટો તાણીતાણીને તેણે કહ્યું. એનો આ અવાજ ભલભલા ઘરાકો ને વેપારીઓને મોહપાથમાં નાખતો, ‘ખરેખર સરસ ઘોડો છે!’

‘ખરી વાત છે!’ કહી નીકીટાએ નિસાસો નાખ્યો. હવે વધારે કંઈ સાંભળવાનું રહ્યું નથી એવી એની ખાતરી હતી, એટલે એણે ડગલાનો કૉલર છોડી દીધો, ને કાન ને મોઢું તરત કૉલરથી ઢંકાઈ ગયાં.

અડધોએક કલાક તો બંને જણ ચૂપચાપ બેસી રહ્યા. નીકટાને પડખે ને હાથ પર જ્યાં ડગલો ફાટેલો હતો ત્યાં પવનની સખત ઝાપટ લાગતી હતી.

તેણે શરીર સંકોડી લીધું. ડગલાનો કૉલર, જેનાથી મોઢું ઢંકાઈ રહ્યું હતું ને તે હજુ સાવ ઠંડોગાર પડી ગયો નહોતો, તેની અંદર તેણે મોંમાનો ગરમ શ્વાસ છોડ્યો.

‘તને શું લાગે છે? આપણે કારામી થઈને જશું કે સીધે રસ્તે?’ વાસીલીએ પુછ્યું.

જે ધોરી રસ્તો કારામી ગામમાં થઈને જતો હતો તેના પર અવરજવર વધારે થતી ને તેની બંને બાજુ ઊંચી ઊંચી થાંભલીઓની નિશાનીઓ સારી પેઠે રોપેલી હતી. સીધો રસ્તો ટૂંકો હતો ખરો, પણ ઓછો વપરાતો, ને તેના પર થાંભલીઓ તો હતી જ નહીં; અથવા ક્યાંકક્યાંક હશે તે પણ તૂટીફૂટી ને બરફથી ઢંકાઇ ગયેલી.

નીકીટાએ જરા વિચાર કરી જોયો.

‘કારામીવાળો રસ્તો લાંંબો તો છે, પણ ત્યાં જવું સારું.’

‘પણ સીધે રસ્તે એકવાર જંગલ પાસેની ખીણ વટાવી કે પછી રસ્તો સારો આવે છે પવન પણ ત્યાં બહુ નહીં લાગે.’

વાસીલીને ટૂંકામાં ટૂંકા રસ્તે જવાની તાલાવેલી હતી.

‘જેવી તમારી મરજી,’ કહી નીકીટાએ ફરી પાછો કૉલર છોડી કાનમોં ઢાંકી દીધાં.

વાસીલીએ પોતાનું જ ધાર્યું કર્યું. પાએક ગાઉ ગયા એટલે ઓકનું એક લાંબુ લાકડું નિશાનીરૂપે દાટી રાખેલું આવ્યું. તેના પર થોડાંક સૂકાં પાંદડાં હજી લટકી રહ્યાં હતાં. ત્યાંથી શેઠે ગાડી ડાબી તરફ વાળી.

દિશા બદલાઈ એટલે હવે પવન સામેથી આવવા લાગ્યો. બરફ પડવો શરૂ થયો હતો. વાસીલીએ ઘોડો હાંકતાં હાંકતાં ગાલ ફુલાવ્યા, ને શ્વાસ જોરથી મૂછ પર થઈને કાઢ્યો. નીકીટાને ઝોકું આવી ગયું હતું.

આમ દસેક મિનિટ બોલચાલ વિના વીતી ગઇ. એકાએક વાસીલી કંઈક કહેવા લાગ્યો.

‘હેં શું છે ?’ નીકીટાએ આંખ ઉઘાડીને પૂછ્યું.

વાસીલીએ જવાબ ન દીધો, પણ વાંકા વળી પાછળ, ને પછી ઘોડાની આગળ, નજર નાખી. ઘોડાના શરીર પર ઓઢાડેલા ઓછાડ પર, પરસેવાને લીધે, પગની વચ્ચે ને ગળાના ભાગમાં કરચલી પડી ગઇ હતી. ઘોડો દોડતો બંધ થઇ ચાલતો હતો.

‘શું છે?’ નીકીટાએ ફરી પૂછ્યું.

‘શું છે? શું છે? વાસીલીએ ગુસ્સે થઇ એના ચાળા પાડ્યા ‘થાંભલીઓ દેખાતી નથી. હવે રસ્તો ભૂલ્યા એમ જ લાગે છે!’

‘સારું, તો ગાડી ઊભી રાખો, હું ઊતરીને જોઉં છું.’ કહી નીકીટા હળવે રહીને ગાડીમાંથી ઊતર્યો, ને ઘાસમાંથી ચાબૂક કાઢી ડાબી બાજુએ ચાલ્યો.

એ વરસે બરફ ઊંડો જામ્યો નહોતો, એટલે ગમે ત્યાં ચાલી શકાય એવું હતું. છતાં ક્યાંકક્યાંક બરફ ઢીંચણપૂર હતો ને નીકીટાના બૂટમાં ભરાઇ જતો હતો. તે પગ ને ચાબુકની મદદથી જમીન શોધતો શોધતો ફરી તો ઘણું વળ્યો, પણ ક્યાંયે રસ્તો હાથ લાગ્યો નહીંં.

‘કેમ, શી ખખર છે?’ નીકીટા ગાડી આગળ પાછો આવ્યો એટલે શેઠે પુછ્યું.

‘આ તરફ તો ક્યાંયે રસ્તો નથી. સામી બાજુએ જઈને જોઉં ત્યારે.’

આ સામે કંઇક છે ખરું જઇને જો તો જરા.’

એક કાળું ધાબું દેખાતું હતું. ત્યાં જઈને એણે જોયું, પણ એ તો માટી જ હતી. શિયાળુ ઓટનાં ખુલ્લાં ખેતરમાંથી પવનને લીધે ઊડીને બરફ પર વેરાયેલી, તેને લીધે એટલા ભાગમાં બરફ કાળો કાળો દેખાતો હતો. ગાડીની જમણી તરફ પણ તપાસ કરીને તે ગાડી આગળ પાછો આવ્યો; ડગલા ને બૂટ પરથી બરફ ખંખેરી નાખ્યો, ને પાછો ગાડીમાં બેસી ગયો.

‘જમણી બાજુએ જવું જોઇએ આપણે,‘ તેણે નિશ્ચયપૂર્વક કહ્યું. ‘પહેલાં પવન આપણી ડાબી બાજુથી આવતો હતો, પણ હવે સીધો મારા મોં પર આવે છે. જમણી બાજુ હાંકો,’ તેણે ફરી નિશ્ચયપૂર્વક કહ્યું.

વાસીલીએ એની શિખામણ માની ગાડી જમણી તરફ ફેરવી, છતાં રસ્તાનો કંઇ પત્તો લાગ્યો નહીં. થોડીક વાર એ જ દિશામાં ગાડી ચલાવ્યે રાખી. પવનના સપાટા એવા ને એવા જ ભયંકર હતા, ને બરફ પણ ધીરાધીરે પડ્યાં કરતો હતો.

‘માનો ન માનો, વાસીલી શેઠ, પણ આપણે ભૂલા જ પડ્યા છીએ,’ નીકીટા એકાએક બોલી ઊઠ્યો, જાણે હરખાવા જેવો બનાવ ન બન્યો હોય ! ‘હા, પણ પેલું શું છે?’ બરફ નીચેથી બટાટાના કેટલાક છોડ દેખાતા હતા. તેના તરફ આંગળી કરી તેણે પૂછ્યું.

વાસીલીએ ઘોડો ઊભા રાખ્યો. શરીર પરસેવાથી રેબઝેબ થતું હતું, ને પડખાં ઊંડા શ્વાસોચ્છશ્વાસથી ધમણની પેઠે ઊંચાંનીચાં થતાં હતાં.

‘શું છે?’

‘લો, આ તો ઝાખોરાવની જમીન આવી. જુઓને આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ તે!’

‘ખોટી વાત.’

‘નથી ખોટી વાત, શેઠ. ખરી વાત છે. જુઓને આપણી ગાડી બટાટાના ખેતર પર ચાલી રહી છે. ને પેલા દેખાય બટાટાના છોડ ગાડાંમાં ભરીભરીને અહીં આણી ઢગલા વાળ્યા છે તે. આ તો ઝાખોરાવના કારખાનાની જ જમીન.’

‘અરેરે, કેવા આડા ઊતરી ગયા આપણે ! હવે શું કરીશું ?’

‘સીધાસીધા ચાલો એ જ, બીજું શું? ક્યાંક તો પહોંચીશું જ ને — ઝાખારોવા નહીં તો માલિકની વાડીએ!’

વાસીલીએ હા ભણી, ને નીકીટાએ કહ્યું તેમ હાંકવા માંડ્યું. એમ ને એમ ઘણો વખત નીકળી ગયો. ક્યારેક ખુલ્લાં ખેતરો આવતાં, ને ગાડીનાં પાટિયાં માટીનાં થીજી ગયેલાં ઢેફાં જોડે અફળાતાં તેનો ખખડાટ થતો. ક્યારેક શિયાળુ રાઇનું*[] ખેતર આવતું, તો કયારેક કોઇ પડતર ખેતર આવી જતું; તેના પર ડમરાનાં ઠૂંઠાં, અને બરફમાં ચોંટી રહેલાં ને પવનમાં ઝૂલતાં ઘાસનાં તણખલાં જોવામાં આવતાં. ક્યારેક ઊંડો ને ઊજળો દૂધ જેવો બરફ જામેલો દેખાતો. ને તેના પર બીજું કશું નજરે પડતું નહીં.

બરફ ઉપરથી પડતો હતો, ને કેટલીકવાર નીચેથી પણ ઊડતો. ઘોડો સાવ થાકી ગયો લાગતો હતો. તેના વાળ પરસેવાથી વાંકા વળી ગયા હતા, તેના પર થીજી ગયેલા ઝાકળનો થર જામ્યો હતો, ને ઘોડો માણસની ચાલે ચાલતો હતો. એકાએક તેણે ઠોકર ખાધી, ને ખાઇ કે વોકળો જે આવ્યું તેમાં બેસી ગયો. વાસીલી થોભવા માગતો હતો, પણ નીકીટાએ કહ્યું:

‘અહીં કેમ થોભાય? આમાં પડ્યા તે નીકળ્યા વિના કંઇ છૂટકો છે ? હો, હો, લાડકા! હો, હો, મારા બાપુડિયા! ઊઠ ઊઠ, ભઇલા!’ તેણે હોંશભર્યે અવાજે ઘોડાને કહેવા માંડ્યું, ગાડી પરથી કૂદીને નીચે ઊતર્યો ત્યાં એ પોતે જ ખાઇમાં ખૂંપી ગયો.

ઘોડાએ એકદમ ઉછાળો માર્યો, ને ઝપાટાબંધ થીજી ગયેલા બરફથી છવાયેલા ખાઈના કિનારા પર ચડી ગયો. એ કોઇએ ખોદી રાખેલી ખાઈ જ હતી એ સાફ દેખાતું હતું.

‘આપણે ક્યાં છીએ અત્યારે?’ વાસીલીએ પૂછ્યું.

‘હમણાં શોધી કાઢીએ છીએ !’ નીકીટા બોલ્યો, ‘ચલાવો ગાડી આગળ, ક્યાંક તો પહોંચીશું જ.’

‘અરે, આ તો ગોરિયાચકીનનું જંગલ જ હોવું જોઇએ!’ કહી વાસીલીએ સામે બરફ આડે કંઇક કાળું કાળું દેખાતું હતું તે બતાવ્યું.

‘કયું જંગલ છે એ તો ત્યાં પહોંચીએ ત્યારે ખબર પડે,’ નીકીટા બોલ્યો.

તેણે જોયું કે જે કાળી વસ્તુ દેખાતી હતી તેની બાજુમાં winowનાં સૂકાં, લંબગોળ પાંદડાં હવામાં ફફડી રહ્યાં હતાં. એટલે એ સમજ્યો કે એ જંગલ નથી પણ ગામડું છે. પણ એને એ વાત કહેવી નહોતી. અને બન્યું પણ એમ કે તેઓ ખાઈથી પચીસેક વાર જેટલે પણ નહીં ગયા હોય ત્યાં તો તેમની સામે ઝાડ જેવું કંઈક કાળું કાળું સ્પષ્ટ દેખાવા લાગ્યું, ને એક નવો ને ગમગીન અવાજ સંભળાયો. નીકીટાની અટકળ સાચી હતી: એ જંગલ નહોતાં, પણ winowનાં ઊંચાં ઊંચાં ઝાડની હાર હતી, ને ઝાડ પર ક્યાંક ક્યાંક થોડાંક પાંદડાં ફડફડ ઊડતાં હતાં. willowમાંથી પવનના સુસવાટાને લીધે રડવા જેવો અવાજ નીકળતો હતો. ઝાડ આગળ આવ્યા એટલે ઘોડાએ એકાએક આગલા પગ ગાડીથી પણ ઊંચા કરી સામે કશાક પર ટેકવ્યા, પછી પાછલા પગ પણ ઊંચકી લીધા, ને ગાડીને ખેંચી ઊંચી જમીન પર લઇ લીધી. ત્યાંથી તે ડાબી તરક વળ્યો. હવે એના પગ ઢીંચણ સુધી બરફમાં કળી જતા નહોતા. ગાડી પાછી રસ્તા પર આવી ગઇ હતી.

‘લો શેઠ, રસ્તો તો આ આવ્યો પણ ભગવાન જાણે આપણે ક્યાં પહોંચ્યા છીએ એ તો’ નીકીટાએ કહ્યું.

રસ્તા પરથી બરફ ઊડી ગયેલો એટલે રસ્તો સાફ દેખાતો હતો. ઘોડો તેના પર સીધો સીધો ચાલ્યે ગયો. બીજા સોએક વાર ગયા હશે એટલામાં તો સામે એક કોઠારની ખપેડાંની ભીંતની સીધી લીટી કાળી કાળી દેખાવા લાગી. કોઠારના છાપરા પર બરફ પુષ્કળ જામેલો હતો, ને ત્યાંથી દદૂડો થઇને નીચે પડતો હતો. કોઠાર આવી ગયા પછી રસ્તો પવનની દિશા તરફ વળ્યો, એટલે તેઓ પાછા બરફના મોટા ઢગલા પર જઈ પડ્યા. પણ સામે જ એક શેરી હતી, ને તેની બે બાજુએ ઘર હતાં. એટલે એમ લાગતું હતુ કે ત્યાંથી બરફ ઊડીઊડીને મોટા રસ્તા પર જામ્યો હશે. અને ખરેખર હતું પણ એમ જ. બરફના ઢગલા પર થઇને તેમને ગાડી હાંકવી પડી. ગાડી શેરીમાં આવી. ગામને છેક છેવાડે જે ઘર હતું ત્યાં તાર પર કેટલાંક થીજી ગયેલાં કપડાં—એક રાતું ને એક સફેદ ખમીસ, પાટલૂન, પગે બાંધવાની પટી, ને એક ફરાક—પવનમાં બહુ જ જોરથી ફફડાટ કરી રહ્યાં હતાં. ખાસ કરીને સફેદ ખમીસ છૂટવાને ભારે ફાંફાં મારી રહ્યું હતું, ને બાંયો આમતેમ જોરજોરથી ફફડાવતું હતું.

‘જુઓ તો કોક ફૂવડે કે કોક મરેલીએ તહેવાર પહેલાંનાં આ કપડાં અહીં રહેવા દીધાં છે તે,’ નીકીટા ફફડતા ખમીસ તરફ જોઇને બોલ્યો.

  1. *બરફવાળા રસ્તા પર ચલાવવાની આવી ગાડીમાં પૈડાં નથી હોતાં પણ તેની જગાએ સપાટ ને લીસાં પાટિયાં હોય છે.
  2. *રશિયામાં થતું બંટીને મળતું એક અનાજ.