લખાણ પર જાઓ

બે નવલકથા/શેઠ અને ચાકર/પ્રકરણ ૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૨ બે નવલકથા
શેઠ અને ચાકર - પ્રકરણ ૩
લિયો ટોલ્સટૉય
પ્રકરણ ૪ →


શેરીમાં પેસવાની જગાએ પવન હજુ જોરમાં વાતો હતો, ને રસ્તા પર બરફ પુષ્કળ જામ્યો હતો, પણ ગામડાની અંદર તો હવા શાન્ત, હુંફાળી ને પ્રસન્ન હતી. બીજાં એક ઘર આગળ કુતરું ભસતું હતું. બીજા એક ઘર આગળ એક બૈરી ડગલાથી માથું ઢાંકીને ક્યાંકથી આવી, ને એક ઝુંપડીના બારણામાં પેસતાં પેસતાં ગાડીને જતી જોવા ઊમરા પર ઊભી રહી. ગામની વચ્ચોવચ છોકરીઓનું ગાયન સભળાતું હતું.

અહીં ગામડાની અંદર પવન ને બરફ ઓછા હતા, તે હિમનુ જોર પણ કંઇક ઓછું હતું.

‘અરે, આ તો ગ્રીશિંકો છે,’ વાસીલી બોલી ઉઠ્યો.

‘લાગે છે તો એજ?’ નીકીટાએ કહ્યું.

ગામડું ખરેખાત ગ્રીશિંકો હતું. એનો અર્થ એ હતો કે આ મુસાફરો જવાનું હતું ત્યાંથી ડાબી બાજુ બહુ જ આડા નીકળી ગયા હતા, ને તેમણે છએક માઈલ મુસાફરી કરી હતી. ધારેલે રસ્તે તેઓ ગયા નહોતા એ સાચું, છતાં જે મુકામે આખરે પહોંચવાનું હતું તેની દિશામાં તો ગયા જ હતા.

ગ્રીશિંકોથી ગોરિયાચકીન સુધી બીજા ચાર માઈલનો ટપ્પો હતો.

ગામના મધ્યભાગમાં એમને એક ઊંચો માણસ શેરીની વચ્છોવચ ચાલતો ભટકાયો.

‘કોણ છો તમે?’ કરીને બૂમ પાડી પેલા માણસે ઘોડાને અટકાવ્યો. પણ વાસીલીને ઓળખ્યો કે તરત તેણે પોલ પકડી લીધો, તેના પર હાથ મૂકીમૂકીને તે ગાડીની બેઠક સુધી પહોંચ્યો, ને ગાડીવાનની જગા પર બેસી ગયો.

આ માણસ તે વાસીલીનો ઓળખીતો ઇસે નામનો ખેડૂત હતો. જિલ્લાના મોટામાં મોટા ઘોડાચોર તરીકે તેની ભારે નામના હતી.

‘ઓહો, વાસીલી શેઠ! ક્યાં જવા નીકળ્યા?’ ઇસેએ કહ્યું. તેણે ઢીંચેલા દારૂની ગંધથી નીકીટાનું નાક ફાટી જવા લાગ્યું.

‘અમે નીકળેલા તો ગોરિયાચકીન જવા.’

‘ને જુઓ ક્યાં આવી પહોંચ્યા ! તમારે મોલચાનોવાળે રસ્તે જવું જોતું હતું.’

‘જવું જોઇતું તો હતું, પણ આમ આડા નીકળી ગયા, વાસીલીએ ઘોડાની લગામ ખેંચી રાખીને કહ્યું.

‘ઘોડો તો સારો છે,’ કહી ઇસેએ મુખોરટી તરફ ત્રાંસી નજરે જોઈ લીધું; ને ઘોડાની ગુચ્છાદાર પૂંછડીની ગાંઠ ઢીલી પડી ગયેલી તે ઉસ્તાદની કળાથી સખત બાંધી દીધી.

‘તમે અહીં રાતવાસો રહેવાના છો?’

‘ના, ભાઇ. મારાથી રહેવાય એવું નથી.’

‘બહુ તાકીદનું કામ હશે તે! ને આ કોણ છે? અરે આ તો નીકીટા!’

‘બીજું કોણ હોય?’ નીકીટા બોલ્યો. ‘પણ ભાઇ, ફરી પાછા ભૂલા ન પડીએ એવો રસ્તો બતવોવેને.’

‘અહીં ભૂલા પડાય એવું છે જ ક્યાં? આ શેરીમાં જ પાછા વળી જાઓ. ગામ બહાર પહોંચો એટલે સીધા ચાલ્યા જજો ડાબી બાજુ વળશો નહીં. પછી ધોરી રસ્તો આવશે. ત્યાંથી જમણી બાજુ વળજો.’

‘ધોરી રસ્તો છોડીને ફંટાવાનું ક્યાં આવે છે?’ નીકીટાએ પૂછ્યું.’

‘એ જગાએ કેટલાક છોડવા છે, ને સામે ઓકનુ મોટું ડાળીઓવાળું ઝાડ છે. એ એંધાણ. તમારો રસ્તો ત્યાંથી ફંટાય છે.’

વાસીલીએ ઘોડાને પાછો વાળ્યો, ને ગામની ભાગોળ વટાવવા માંડી.

‘રાત રહી જાઓ તો શું ખોટું?' ઇસેએ જતા મુસાફરોને બૂમ પાડી.

પણ વાસીલીએ જવાબ આપ્યો નહીં ને ઘોડાને સહેજ લગામ ફટકારી. એને થયું કે ચાર માઇલનો સરસ રસ્તો છે, ને એમાં બે માઈલ તો રસ્તો જંગલમાં થઇને જાય છે, એટલે વાંંધો નહીં આવે. વળી હવે પવનનું જોર ઘટ્યું લાગે છે ને બરફ પડતો બંધ થઇ ગયો છે, પછી આટલો રસ્તો શો હિસાબમાં?

ગાડી જે શેરીમાં થઈને આવી હતી તેજ શેરીમાં પાછી ચાલી. ક્યાંક ક્યાંક તાજા ખાતરનાં કાળાં ધાબાં પડ્યાં હતાં. તાર પર કપડાં લટકતાં હતાં તે ઝૂંપડી પણ ફરી આવી. પેલું સફેદ ખમીસ છૂટું થઇ ગયું હતું, પણ હજુ એની એક બાંય તારને વળગી રહી હતી. સરુનાં ઝાડનો રડવા જેવો ગમગીન અવાજ ફરી પાછો સંભળાયો. ત્યાંથી આગળ ગાડી પાછી ખુલ્લાં ખેતરો પર નીકળી. તોફાન ઘટવાને બદલે વધ્યું દેખાતું હતું. રસ્તો વહેતા બરફથી સાવ ઢંકાઈ ગયો હતો, અને માત્ર બાજુની થાંભલીઓ પરથી જ એમ દેખાતું હતું કે તેઓ રસ્તો ચૂક્યા નહોતા. પણ સામેની થાંભલીઓ પણ સહેલાઈથી જોઇ શકાતી નહોતી, કેમકે પવન સીધો તેમનાં મોં પર અથડાતો હતો.

વાસીલીએ આંખો મિચકારી, માથું નીચું નમાવ્યું, અને થાંભલીઓ જોવાનો પ્રયત્ન કર્યો, પણ મુખ્યત્વે તો એણે ઘોડાના શાણપણ પર જ ભરાસો રાખી તેને જવું હોય ત્યાં જવા દીધો. અને ઘોડો પણ ખરેખર રસ્તો ન ચૂકાતાં તેના વાંકઘોંક પ્રમાણે ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ ફંટાતો ગયો, ને પગ નીચે રસ્તો બરાબર છે કે નહિ તે જોતો ગયો. એટલે, બરફ વધારે જામ્યો હતો ને પવન વધારે જોરથી ફૂંકાતો હતો છતાં, એમને ક્યારેક રસ્તાની ડાબી બાજુ તો ક્યારેક જમણી બાજુ થાંભલીઓ દેખાયાં કરતી હતી.

આમ દસેક મિનિટ ચાલ્યું હશે ત્યાં એકાએક, પવનથી ઘસડાતા બરફના તીરછા પડદાની આરપાર કઈક કાળું કાળું દેખાયું ને ઘોડાની આગળ આગળ ખસતું હતું.

આગળ એક બીજી ગાડી જતી હતી, ને તેમાં પણ મુસાફરો બેઠેલા હતા. મુખોરટીએ એમને પકડી પાડ્યા, ને આગલી ગાડીના પાછલા ભાગ પર પોતાનો પગ ઠોક્યો.

‘જાઓ જાઓ, એ ભાઇ.....આગળ નીકળી જાઓ !’ પેલી ગાડીમાંથી અવાજો આવ્યા.

વાસીલીએ આગળ નીકળી જવા ઘોડાને સહેજ ફંટાવ્યો. પેલી બીજી ગાડીમાં ત્રણ પુરુષો ને એક સ્ત્રી બેઠાં હતાં. ક્યાંક પરવની ઉજાણીમાં જઈને આવતાં હશે. એક ખેડૂત લાંબી સોટી એમના નાના ઘોડાની પીઠ પર ફટકારતો હતો. બીજા બે જણ આગળ બેઠેલા તે હાથ હલાવતા ને કંઈક બરાડા પાડતા હતા. બૈરીએ શરીરે, મોઢે માથે જે ધાબળો ગોટપોટ ઓઢી લીધેલો હતો તેના પર બરફ છવાઇ ગયો હતો. તે ગાડીના પાછલા ભાગમાં બેઠી બેઠી ઊંઘતી હતી ને હેલા ખાતી હતી.

‘કોણ છો તમે?’ વાસીલીએ ઘાંટો પાડીને પૂછ્યું.

‘આ―આ―આ...ના,’ એટલું જ સંભળાયું.

‘અરે કહું છું ક્યાંના છો તમે?’

‘આ―આ―આ...ના.’ એક ખેડૂતે બધું જોર વાપરીને બૂમ પાડી, તોયે એ કોણ હતા એ વરતાવું મુશ્કેલ હતું.

‘ચાલ ચાલ ! ચાલ, જલદી હવે’ બીજા માણસે બૂમ પાડી. તે સોટી વડે ઘોડાને માર્યા કરતો હતો.

‘તમે ઉજાણીમાંથી આવતા લાગો છો !’

‘ચાલ ચાલ જલદી કર, સાઇમન! નીકળી જા આગળ! જલદી.’

ગાડીનાં પડખાં સામસામાં અથડાયાં. જાણે ભેરવાઇ પડશે એમ લાગ્યું ખરું, પણ જરા ખેંચાતાણ કરીને છૂટાં તો પડ્યાં, અને ખેડૂતોની ગાડી પાછળ પડવા લાગી.

ખેડુતોનો ભરાવદાર વાળ ને મોટા પેટવાળો ઘોડો આખે શરીરે બરફથી ઢંકાઇ ગયો હતો ને નીચી હાંસડીના ભારથી હાંફી રહ્યો હતો. પોતાનું રહ્યું સહ્યું બધું બળ વાપરીને પણ તે સોટીના મારમાંથી બચવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો હતો, ને તેના ટૂંકા ટૂંકા પગ વડે ઊંડા બરફ પર લંગડાતો લંગડાતો ચાલતો હતો. પગ નીચેનો બરફ તેના ચાલવાથી આમતેમ ઊડતો હતો.

એના મોઢિયા પરથી દેખાતું હતું કે ઘોડો જુવાન હતો. તેનો નીચલો હોઠ ઉપલા હોઠ સાથે બીડી રાખેલો હતો, નસકોરાં ફૂલેલાં હતાં, ને કાન બીકને લીધે દબાવી દીધેલા હતા. થોડીક પળ ઘોડાનું એ મોઢું નીકીટાના ખભા આગળ રહ્યું, તે પછી પાછળ પડવા લાગ્યું.

‘જુઓ દારૂથી કેવા બેહાલ થવાય છે તે! આ લોકો ઘોડાને થકવીને મરણતોલ કરી નાખ્યો છે. કેવા પાપી છે!’ નીકીટાથી કહ્યા વિના ન રહેવાયું.

થોડીક મિનિટ તો થાકેલા નાના ઘોડાની હાંફ અને પીધેલ ખેડૂતોના બૂમબરાડા તેમના સાંભળવામાં આવ્યા. પણ પછી હાંફ અને બૂમબરાડા બંને શમી ગયાં; અને કાનમાં વાગતા પવનના સૂસવાટા, અને અવારનવાર પવનથી વળાઇને સાથે થઇ ગયેલા રસ્તા પર ગાડીનાં પાટિયાંનો ચરેડાટ, એ સિવાય કંઇ પણ અવાજ આવતા બંધ થઇ ગયો. ચોગરદમ સુનકાર વ્યાપી રહ્યો.

પેલી ગાડીનો ભેટો થવાથી વાસીલીને સ્ફૂર્તિ આવી હતી, ને તેને જાણે નવું જોમ આવ્યું હતું. તેણે રસ્તાની થાંભલી તપાસ્યા વિના જ હાંક્યે રાખ્યું. ઘોડાને ડચકારા કરતો ગયો, ને ગાડી એને જ વિશ્વાસે મૂકી દીધી.

નીકીટાને કશું કરવાનું તો હતું નહીં. આવી સ્થિતિમાં તે હંમેશાં ઝોકાં ખાતો, ને ઘણા ઉજાગરાનું સાટું વાળી લેતો. એકાએક ઘોડો થંભી ગયો, ને નીકીટા ધબાક દઈને ભોંય પર પટકાતો રહી ગયો.

‘આપણે તો પાછા રસ્તો ચૂક્યા દેખું,’ વાસીલી બોલ્યો.

‘શા પરથી?’

‘કેમ, ખાંભલી તો એકે દેખાતી નથી. પાછા રસ્તો ભૂલ્યા એમ લાગે છે.’

‘ભલે, રસ્તો ભૂલ્યા તો પાછો શોધી કાઢવો, બીજું શું?’ નીકીટાએ સહેજ તોછડે અવાજે કહ્યું. તે ઊતર્યો, ને વળેલી આંગળીઓવાળો પગ હળવે હળવે મૂકીને બરફ પર ફરી પાછો રસ્તો શોધવા રખડવા લાગ્યો.

એમ ને એમ એ ઘણીવાર ફર્યો. કયારેક ગાડી પાસે દેખા દેતો, ને પાછો અલોપ થઇ જતો છેવટે પાછો આવી ગાડીમાં ચડીને તેણે કહ્યું: ‘અહીં તો ક્યાંય રસ્તો નથી. આગળ ઉપર હશે.’

હવે અંધારું પડવા લાગ્યું હતું. બરફનું તોફાન વધ્યું નહોતું તેમ શમ્યુંયે નહોતું.

‘પેલા ખેડૂતના અવાજ સંભળાય તો કેવું સારૂં!’ વાસીલી બોલ્યો.

‘એમણે આપણને હજી પકડી તો પાડ્યા નથી. આપણે બહુ આડા નીકળી ગયા હઇશું, અથવા કદાચ એ લોકો પણ ભૂલા પડ્યા હોય એમ બને,’

‘ત્યારે ત્યાં જઇશું આપણે?’

‘કેમ, ઘોડો જ્યાં જવા માગતો હોય ત્યાં જવા દઇએ. એ ખરે રસ્તે લઈ જશે આપણને. લાવો, લગામ મારા હાથમાં આપો.’

વાસીલીએ લગામ એના હાથમાં આપી. એને એ બહુ ગમ્યું કેમકે જાડાં મોજાંની અંદર પણ તેના હાથ ઠરીને ઠીકરૂં થવા આવ્યા હતા.

નીકીટાએ લગામ લઇને હાથમાં પકડી જ રાખી. એને જરાયે ચાલવા દીધી નહીં. પોતાના માનીતા ઘોડાનું શાણપણ જોઈ તે હરખાતો હતો. ચાલાક ઘોડાએ પહેલાં એક કાન ને પછી બીજો કાન, પહેલાં એક બાજુ ને પછી બીજી બાજુ, ફેરવી જોયો, તે પછી પાછા ફરવા માંડ્યું.

‘એને એક વાચા નથી એટલું જ બાકી છે,’ નીકીટા કહેવા લાગ્યો. ‘જુઓ એ શું કરે છે તે! હાં, હાં, ધપાવ્યે રાખ! તને ખબર છે ક્યાં જવું તે. બરાબર. બરાબર ?’

હવે પવન પાછળથી આવતો હતો, એટલે જરા હૂંફ વળી.

‘હા, છે જ એ તો ઉસ્તાદ’ નીકીટાએ ઘોડાનાં વખાણ ચાલુ રાખ્યાં. ‘કીરગીઝનાં ઘોડાંમાં જોર ખરું, પણ સાવ ગમાર. પણ આ — જુઓ એ કાનથી શું કરી રહ્યો છે તે! એને તારની જરૂર નથી પડતી. એક માઇલ છેટેથી એને ગંધ આવે છે.’

બીજો અડધો કલાક ગયો. એટલામાં તો સામે કંઇક કાળું કાળું—જંગલ કે ગામડું—દેખાયું, ને જમણી બાજુ થાંભલીઓ દેખાવા લાગી. રસ્તો પાછળ હાથ લાગ્યો દેખાતો હતો.

‘અરે, આ તો પાછું ગ્રીશિંકો આવ્યું.’ નીકીટા એકાએક બોલી ઊઠ્યો.

અને ખરેખર ડાબી બાજુ એનો એ કોઠાર આવ્યો. ત્યાંથી બરફ પહેલાંની પેઠે જ ઊડતો હતો. એ જ રસ્તે આગળ તાર પર સૂકવેલાં થીજી ગયેલાં કપડાં—ખમીસ ને પાટલૂન — હજી પવનમાં ફડફડાટ કરતાં ઊડી રહ્યાં હતાં.

ફરી પાછી શેરી આવી; ફરી પાછી હવા શાન્ત, હૂંફાળી ને પ્રસન્ન લાગવા માંડી; ફરી પાછા ખાતરના ડાઘ દેખાયા; ને માણસોનો બોલાચાલો, છોકરીઓનાં ગીત ને કૂતરાંના ભસવાના અવાજ સભળાયાં. અધારું એટલું થઇ ગયું હતું કે કેટલીક બારીમાંથી દીવા પણ તગતગતા હતા.

ગામમાં અડધે રસ્તે વાસીલીએ એક મોટા, બે બાજુ ઓટલાવાળા, ઈંટેરી મકાન તરફ ઘોડો વાળ્યો, ને રવેશી આગળ ગાડી ઊભી રાખી.

એક બારી પર બરફ જામી ગયેલો હતો ને તેમાંથી જ દીવાનો પ્રકાશ આવતો હતો. પ્રકાશનાં કિરણથી ઊડતા બરફનો પોલ ચકચકાટ મારી રહ્યો હતો. નીકીટાએ બારી પાસે જઈ ચાબૂકથી બારણું ખખડાવ્યું.

‘કોણ છે?’ ખખડાટ સાંભળીને એક અવાજે ઉત્તર આપ્યો.

‘ક્રેસ્ટીથી બ્રેખુનોવ શેઠ આવ્યા છે. ભાઇ !’ નીકીટએ કહ્યું. ‘જરા બહાર આવો તો.’

બારી આગળથી કોઇ ખસીને અંદર ગયું. એકબે મિનિટમાં અંદરનું બારણું ઊઘડવાનો અવાજ આવ્યો. પછી ઘરના બહારના બારણાની આગળી કટ દઈને ઊઘડી; ને એક ઊંચો, ધોળી દાઢીવાળો ખેડૂત, ધોયેલા સફેદ ખમીસ પર ઘેટાના ચામડાનો ડગલો પહેરીને બારણું હડસેલી બહાર આવ્યો. પવનથી બારણું વસાઈ ન જાય માટે તેણે સખત ઝાલી રાખ્યું. તેની પાછળ એક છોકરો આવ્યો. તેણે રાતું ખમીસ ને ચામડાના ઊંચા બુટ પહેર્યાં હતાં.

‘તમે છો, વાસીલી શેઠ?’ ડોસાએ પૂછ્યું.

‘હા ભાઇ, અમે ભૂલા પડ્યા છીએ,’ વાસીલીએ કહ્યું. ‘અમારે જવું તો હતું, ગોરિયાચકીન, પણ અહીં આવી ચડ્યા. અહીંથી પાછા બીજીવાર ગયા, પણ ફરી રસ્તો ભૂલ્ચા.’

‘ને આડા પણ કેવા ચડી ગયા છો!’

કહી ડોસાએ રાતા ખમીસવાળા છોકરાને કહ્યું: ‘પેદ્રુશ્કા, જા, દરવાજો ઉઘાડ તો.’

‘સારું’,’ છોકરે હોંશભર્યે અવાજે કહ્યું, ને પાછો ઘરની ચાલી તરફ દોડ્યો.

‘પણ અમે રાત રહેવાના નથી હોં,’ વાસીલી બોલ્યો.

‘રાતે ક્યાં જશો? રહી જાઓ એ જ સારું છે !’

‘રહી જવું તો સારું લાગે, પણ ગયા વિના છૂટકો નથી. ક્વશનું કામ છે, ને રોકાવાય એવું છે જ નહીં.’

‘ભલે, પણ જરા ગરમાવો તો કરતા જાઓ. કીટલી હમણાં જ તૈયાર થઇ રહી છે.’

‘ગરમાવો? હા, એ તો! જરૂર કરું. બહુ અંધારું તો નહીં થઇ જાય. ચંદ્ર ઊગશે એટલે અજવાળું થશે. ચાલ અંદ૨ જઈને જરા ગરમાવો કરીએ, નીકીટા.’

‘હા હા, શા માટે નહી? જરૂર ગરમાવો કરીએ,’ નીકીટા બોલ્યો. ટાઢથી તેનું શરીર ઝલાઈ ગયું હતું, અને શેક કરવાને એ તો બહુ આતુર હતો.

વાસીલી ડોસા સાથે ઘરમાં ગયો. પેદ્રુશ્કાએ દરવાજો ઉઘાડ્યો. તેમાં થઈને નીકીટાએ ગાડી અંદર લીધી, ને એના કહેવાથી એકઢાળિયાની નીચે ઘોડાને ઊભા રાખ્યો. અંદર જમીન ખાતરથી છવાયેલી હતી; ઘોડાના માથા પરનું ઊંચું bow એકઢાળિયાના પાટડાને અથડાયું, મરઘીઓ ને મરઘો ત્યાં ક્ચારનાં આવીને રાત કાઢવા બેઠાં હતાં તેમણે કકળાણ કરી મૂક્યું, ને પોતાના નખ વડે પાટડાને વળગી રહ્યાં, ઘેટાં ભડકીને એક બાજુ ખસી ગયાં. ને થીજી ગયેલા ખાતરના ઢગલા પર ચડી ગયાં. કૂતરો અજાણ્યા માણસને જોઇ બીક અને ગુસ્સાનો માર્યો જોરજોરથી ભસવા લાગ્યો.

નીકીટા એ સહુની સાથે વાતોમાં ઊતરી પડ્યો. મરઘાંની ક્ષમા માગી ને કહ્યું કે ‘તમને હવે ફરી સતાવવા હું નહીં આવું.’ ઘેટાં કારણ જાણ્યા વિના જ ભડક્યાં તે માટે તેમને ઠપકો આપ્યો. કૂતરા જોડે નરમાશથી કામ લઇ તેને ઠંડો પાડ્યો. ઘોડો પણ ખીલે બાંધી દીધો.

‘બસ થયું હવે,’ કપડાં પરથી બરફ ખંખેરી નાખતાં તેણે કહ્યું. કૂતરા તરફ વળીને કહ્યું: ‘જુઆને કેવો ભસભસ કરે છે ! ચૂપ રહે, બેવકૂફ ! ચૂપ રહે. નકામો શાનો ભસભસ કરે છે? અમે ચોર નથી, ઓળખીતા છીએ,.....'

‘કહે છે કે આ ત્રણ ઘરના સલાહકાર છે,’ કહી પેલા છોકરાએ ગાડીનો જે ભાગ છાપરા બહાર રહી ગયો હતો તે એના મજબૂત હાથ વડે અંદર ઠેલી દીધો.

‘સલાહકાર કેમ?’નીકીટાએ પૂછ્યું.

‘પૉલસનની બાળપોથીમાં લખ્યું છે એવું. ચોર ઘરમાં આવે એટલે કૂતરો ભસે છે; એનો અર્થ એ કે સાવધ રહો! મરઘો કૂકડે કૂક કરે છે. એનો અર્થ એ કે જાગો ! બિલાડી પોતાનું શરીર ચાટે છે. એનો અર્થ એ કે સારા મહેમાન આવે છે. એમને આવકાર આપવાની તૈયારી કરો!’ કહી છોકરો સહેજ હસ્યો.

પેદ્રુશ્કાને વાંચતાંલખતાં આવડતું હતુંં. પૉલસનની બાળપોથી એ એક જ ચોપડી તે શીખ્યો હતો, ને એ આખી તેને લગભગ મોઢે થઈ ગઈ હતી. વાતવાતમાં એમાંથી કંઈક કવિતાની કડી કે કહેવત બોલી બતાવતો. એને માત્ર લાગવું જોઇએ કે આ પ્રસંગે એ શોભશે. આજની પેઠે દારૂ પીધેલો હોય ત્યારે તો એ રંગમાં આવી જતો.

‘ખરી વાત છે,’ નીકીટાએ કહ્યું.

‘તમારાં તો હાડકાં પાંસળાં ઠરી ગયાં હશે,’ પેદ્રુશ્કાએ કહ્યું.

‘હા, છે તો એવું જ,’ નીકીટાએ કહ્યું, અને બંને જણ વાડામાં થઇને ઘરમાં ગયા.