બે નવલકથા/શેઠ અને ચાકર/પ્રકરણ ૯
| ← પ્રકરણ ૮ | બે નવલકથા શેઠ અને ચાકર - પ્રકરણ ૯ લિયો ટોલ્સટૉય |
પ્રકરણ ૧૦ → |
પડતાં આથડતાં જેમતેમ કરીને ગાડી પાસે પહોંચ્યા પછી વાસીલી ગાડી પકડીને ઘણીવાર હાલ્યાચાલ્યા વિના ઊભો રહ્યો, ને પોતે શાન્ત પડવા ને હાંફ ઉતારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. નીકીટા તેની અગાઉની જગાએ નહોતો. ગાડીમાં કશુંક પડ્યું હતું, ને તેના પર બરફ જામ્યો હતો. વાસીલીએ માન્યું કે એ નીકીટા જ હોવો જોઇએ. તેના મનમાંથી બીક સાવ નીકળી ગઇ હતી. તેને હવે બીક રહી હોય તો તે એટલી જ કે તે ઘોડા પર બેઠેલો હતો ને ખાસ કરીને ખાઇમાં એકલો પડી ગયેલો ત્યારે તેને ભયંકર બીક લાગેલી ને થથરાટ છૂટેલો એવું રખે ફરી થવા પામે. એ બીક તેણે ગમે તે ભોગે ટાળ્યે છૂટકો હતો. એ ટાળવા માટે તેણે કંઇક કરવું રહ્યું — શરીર ને મનને કશાં કામમાં પરોવવાં રહ્યાં. સહુથી પહેલું કામ તો તેણે એ કર્યું કે પવન આવતો હતો તે તરફ પીઠ ફેરવી ને ઉપલા મોટા ડગલાનાં બટન ખોલી નાખ્યાં. પછી હાંફ જ્યારે સહેજ ઊતરી ગઇ એટલે, તેણે બૂટમાંથી ને ડાબા મોજામાંથી બરફ ખંખેરી નાખ્યો (જમણા હાથનુ મોજું ખોવાઇ ગયેલું તે જડવાની આશા નહોતી, ને અત્યારે તો તે ક્યાંક એકાદ ફૂટ જાડા બરફના થર નીચે પડ્યું હશે). પછી, ખેડૂતો પાસેથી અનાજ ખરીદવા ને દુકાન છોડીને જતો ત્યારે કરવાનો તેનો રિવાજ હતો તેમ, તેણે કમરપટો નીચે ઉતાર્યો, તેને સખત બાંધ્યો, ને કામ માટે તૈયાર થઈને ઊભો. સૌથી પહેલું તો ઘોડાનો પગ લગામમાં અટવાઇ ગયેલો તે છોવડવાનું તેને સૂઝ્યું. એ કર્યા પછી, તે પહેલાં ગાડીના આગલા ભાગમાં જે લોઢાને ખીલે તેને અગાઉ બાંધેલો તે જ ખીલે ફરી બાંધી દીધો. એટલું કરીને તે ઘોડાના પાછલા ભાગની આસપાસ ફરી તંગ અને ડલ્લી સરખાં કરવાને તેને શરીરે ઓછાડ ઓઢાડવા જતો હતો. પણ એ જ પળે તેણે જોયું કે ગાડીમાં કંઈક સળવળાટ થઈ રહ્યો છે. એટલામાં તો નીકટાનું માથું તેના પર છવાઇ ગયેલા બરફમાંથી ઊંચું થયું. નીકીટાનું અડધું શરીર અકડાઈ ગયું હતું. તે મહાપરાણે ઊઠીને બેઠો થયો. જાણે માખીઓ ઉડાડતો હોય એમ વિચિત્ર રીતે નાક સામે હાથ હલાવવા લાગ્યો. વાસીલીને લાગ્યું એ મને બોલાવે છે. વાસીલી ! ઓછાડ ઓઢાડ્યા વિનાનો જ મૂકીને ગાડી પાસે ગયો.
‘શું છે? શું કહે છે?’
‘હું મ......રી જાઉં છું, એ,’ નીકીટાએ થોથરાતી જીભે, ને મહામુસીબતે કહ્યું. ‘મારૂં જે લેણું નીકળે તે મારા છોકરાને આપજો. મારી બૈરીને આપશો તોયે વાંધો નથી.’
‘હેં, તું ખરેખર અકડાઈ ગયો છે.?’
‘મને લાગે છે મોત મને લઇ જાય છે. ઇસુ ભગવાનને ખાતર મારું બોલ્યુંચાલ્યું માફ કરજો......’ નીકીટાએ અશ્રુમિશ્રિત સ્વરે કહ્યું, અને માખીઓ ઉડાડતો હોય એવી રીતે મોઢા સામે હાથ હલાવવો ચાલુ રાખ્યો.
વાસીલી અડધી મિનિટ હાલ્યાચાલ્યા વિના અવાચક ઊભો રહ્યો. પછી એકદમ, સરસ ખરીદી કરતો હોય ત્યારે જેવા નિશ્ચયથી બે હાથે તાબોટા પાડવાની તેને ટેવ હતી તેવા જ નિશ્ચયથી તેણે એક ડગલું પાછળ ભર્યું, અને બાંયો ઊંચી ચડાવી નીકટાના શરીર પરથી ને ગાડીમાંથી બરફ ઉસેડવા માંડ્યો. એટલું કરી તેણે ઉત્તાવળે કમરપટો છોડ્યો; મોટા ડગલાનાં બટન ખોલી નાખી તેને પહોળો કર્યો; અને નીકીટાને હડસેલો મારી સુવાડી દઇ, પોતે તેના પર સૂઈ ગયો; ને નીકીટાને પોતાના મોટા રુંવાટીના ડગલા વડે જ નહીં, પણ પોતાના આખા હૂંફાળા શરીરવડે ઢાંકી દીધો. ડગલાની ચાળ છૂટી રહી હતી તે નીકીટાના શરીર અને ગાડીની બાજુની વચ્ચે ખોસી દીધી, ને તેની કોરને પોતાના ઢીંચણ વડે દબાવી રાખી. એવી રીતે વાસીલી ઊંધે મોઢે સૂઇ ગયો, ને માથું ગાડીના આગલા ભાગ આ સ્થિતિમાં તેને હવે ઘોડાની હાલચાલ કે પવનનો સૂસવાટ સંભળાય એવું ન રહ્યું; ફક્ત નીકીટાનો શ્વાસોચ્છ્વાસ જ સંભળાવા લાગ્યો. પહેલાં, ને લાંબા વખત સુધી, નીકીટા અચેતન જેવો પડી રહ્યો. પછી તેણે ઊંડો નિસાસો નાખ્યો ને સહેજ હાલ્યો.
‘લે, તું તો કહે છે ને મોત આવે છે ! ચૂપચાપ પડી રહે ને ગરમાવો આવવા દે. આપણા લોકો એમ જ કરે છે...’ વાસીલીએ કહેવા માંડ્યું.
પણ એને જોઇને ભારે આશ્ચર્ય થયું કે આથી વધારે કશું તેનાથી બોલી શકાયું નહીં, તેની આંખમાં આંસુ આવ્યાં, ને તેનું નીચલું જડબું જોરથી ધ્રૂજવા લાગ્યું. તે બોલતો બંધ થઇ ગયો, ને તેને ડૂમો ભરાઈ આવ્યો. તેને થયું: ‘મને લાગે છે હું બહુ છળી ગયો હઈશ, તેથી મારા શરીરમાં જરાયે શક્તિ રહી નથી.’ પણ આ અશક્તિ એને અકારી ન લાગી, એટલું જ નહીંં પણ તેનાથી એને જેવો અસાધારણ આનંદ આવ્યો તેના પહેલાં કદી આવ્યો નહોતો.
‘આપણા લોકો આમ જ કરે છે,’ તે ગણગણ્યો; ને તેણે વિચિત્ર ને ગંભીર કોમળતાનો ભાવ મનમાં અનુભવ્યો. તે લાંબા વખત સુધી આવી રીતે પડી રહ્યો. આંખમાં આંસુ આવેલાં તે ડગલા પર લૂછી નાખ્યાં; ને જમણી બાજુની ચાળને પવન વારંવાર ઉડાડતો હતો તેને પોતાના ઢીંચણ નીચે ખોસી દીધી.
પણ એની આનંદની અવસ્થા વિષે કોકને કહેવાની એને એટલી બધી તીવ્ર ઈચ્છા થઈ આવી હતી કે તેણે કહ્યું : ‘નીકીટા !’
‘ટાઢ નથી વાતી, હૂંફ લાગે છે!’ નીચેથી અવાજ આવ્યો.
‘બરાબર છે, દોસ્ત. હું તો મરી જવાનો જ હતો. તું ઠરીને મરી જાત, ને હું પણ.......’
પણ ફરી પાછાં તેનાં જડબાં કાંપવા લાગ્યાં, તેની આંખો આંસુથી ભરાઈ આવી, ને તે વધારે બોલી શક્યો નહીં.
‘હશે, કશી ફિકર નહીં,’ તેણે વિચાર કર્યો. ‘મારી વાત હું જાણુ છું તે જાણું છું.’
તે ચૂપ થઇ ગયો, ને એ રીતે લાંબો વખત પડી રહ્યો.
નીકીટા એને નીચેથી હૂંફ આપતો હતો, ને રૂંવાટીના ડગલા ઉપરથી માત્ર એના હાથ, જેના વડે તેણે ડગલાની ચાળ નીકટાને બંને પડખે દબાવી રાખી હતી — ખાસ કરીને મોજા વિનાનો જમણા હાથ — ,અને તેના પગ, જે પવનના સપાટાથી ફરીફરી ઉઘાડા થઇ જતા હતા, તે જ અકડાવા લાગ્યા હતા. પણ તે પોતાના પગનો કે હાથનો વિચાર કરતો નહોતો. તેના મગજમાં તો નીચે પડેલા ખેડૂતને હૂંફ કેમ આપવી એ એક જ વિચાર રમી રહેલો હતો. તેણે અનેકવાર બહાર ઘોડા તરફ નજર નાખી, ને જોયું કે એની પીઠ ઉઘાડી થઇ ગઇ છે, ગોદડી ને ડલ્લી નીચે ખરક પર પડ્યાં છે, ને પોતે ઊઠીને એને ઓઢાડવું જોઇએ. પણ નીકીટાને છોડતાં, ને પોતે જે પરમ આનંદની અવસ્થામાં હતો તેમાં ક્ષણવાર પણ વિક્ષેપ પાડતાં, એનો જીવ ચાલ્યો નહિ. તેના મનમાં હવે બીક છાંટાભાર રહી નહોતી.
‘કશી ફિકર નથી. આ વેળા અમે એને જવા દેવાના નથી!’ જેટલી બડાશથી તે પોતાના ખરીદીવેચાણના સોદા વિષે વાત કરતો તેટલી જ બડાશથી તેણે નીકીટાને આપેલી હૂંફ વિષે મનમાં કહ્યું.
વાસીલીને એ સ્થિતિમાં પડી રહેતાં એક કલાક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો; પણ એને વખત વહી જવાનું ભાન રહ્યું નહોતું. પહેલાં તો બરફનું તોફાન, ગાડીના પોલ, હાંસડી સાથે પોતાની નજર સામે થથરતો ઘોડો, એ દૃશ્યો એના મન આગળ ફરીફરી આવવા લાગ્યાં. પણ પછી પોતાની તળે પહેલાં નીકીટા યાદ આવ્યો; પછી તહેવાર, બૈરી, પોલીસ અમલદાર, મીણબત્તીની પેટી એ બધાંનાં સ્મરણો એની સાથે ભળવા લાગ્યાં. પાછો ફરી નીકીટા—આ વેળા પેલી પેટી તળે પડેલો—યાદ આવ્યો. પછી ખેડૂતો, ઘરાકો ને વેપારીઓ, અને ઘરની સફેદ દીવાલો, તેનું લોઢાનું છાપરું, તેની નીચે પડેલો નીકીટા, એ બધું તેની કલ્પનામાં ખડું થયું. પછી આ બધાં સ્મરણો શૂન્યમાં ભળી ગયાં. જેમ મેઘધનુષના રંગો ભેગા થઈને શ્વેત પ્રકાશ થાય છે, તેમ આ જુદાં જુદાં સ્મરણો એકમાં ભળી ગયાં, ને તેને ઊંઘ આવી ગઇ.
લાંબા વખત સુધી તે નિઃસ્વપ્ન નિદ્રામાં પડ્યો રહ્યો, પણ પરોડ થવાના અરસામાં તેને ફરી જાતજાતનાં દૃશ્યો દેખાવા લાગ્યાં. તેને એવો ભાસ થયો જાણે તે પોતે મીણબત્તીની પેટી પાસે ઊભો રહ્યો છે, ને તિખૉનની વહુ દેવળના પરવ માટે પાંચ કૉપેક (પૈસા) ની મીણબત્તી માગે છે. એક મીણબત્તી કાઢી એને આપવાની તેની ઇચ્છા તો હતી; પણ તેનો હાથ ગજવામાં સખત ઝલાઈ ગયા હતા તેથી ઊંચા થઈ શક્યા નહી. એને પેટીની આસપાસ ફરવાનું મન થયું, પણ એના પગ હાલે જ નહીં. એના નવા ને ચોખ્ખા રબરના ઊંચા હોલબૂટ પથ્થરની ફરસને ચોંટી ગયા હતા. તે ન તો ઊંચા કરી શકાય; ને ન હોલબૂટમાંથી પગ બહાર નીકળે. પછી એવો દેખાવ આવ્યો કે મીણબત્તીની પેટી તે પેટી નથી પણ પથારી છે; ને એકદમ વાસીલીને એવું દેખાયું કે પોતે ઘેર પથારીમાં સૂઈ રહ્યો છે. તે પથારીમાં સૂતો છે ને તેનાથી ઊઠી શકાતું નથી. પણ ઊઠવું જરૂરી હતું, કેમકે પેલો પોલીસ અમલદાર ઇવાન માતવે થોડી જ વારમાં આવવાનો હતો, ને વાસીલીને તેની જોડે — કાં તો જંગલનો સોદો કરવા અથવા ઘોડાના તંગ સરખા કરાવવા — જવાનું હતું.
એણે એની વહુને પૂછ્યું: ‘નિકોલા, હજી પેલો આવ્યો નથી ?’ ‘ના, નથી આવ્યો,’ નિકોલાએ જવાબ આપ્યો. તેણે કોકને આગલાં પગથિયાં પર ચડતું સાંભળ્યું. ‘એ જ હોવો જોઈએ.’ ‘ના, એ તો આગળ ચાલ્યો ગયો.’ ‘નિકોલા એ નિકોલા! પેલો હજી નથી આવ્યો?’ ‘ના.’ વાસીલી હજી પથારીમાં સૂતો હતો, ને તેનાથી ઉઠાતું નહોતું, પણ તે એકચિત્તે વાટ જોઈ રહ્યો હતો. એની આ પ્રતીક્ષા અકળ હતી, છતાં તેમાંથી એને આનંદ આવતો હતો. પછી એકાએક એના આનંદની અવધિ આવી ગઇ. જેની તે વાટ જોઈ રહ્યો હતો તે આવ્યો—ઇવાન માતવે નહીં, પણ બીજો કોઈ; પણ જેની તે પ્રતીક્ષા કરી રહ્યો હતો તે આ જ હતો. એણે આવી વાસીલીને બોલાવ્યો. એણે જ વાસીલીને હાક મારી હતી, ને તેને નીકીટા પર સૂઈ જવાનું કહ્યું હતું. એ જ પાછો તેડવા આવ્યો, એથી વાસીલી રાજી થયો.
‘આવું છું !’ તેણે હરખભેર બૂમ પાડી. એ બૂમથી તે જાગી ઊઠ્યો. પણ તે ઊંઘી ગયો ત્યારે જે માણસ હતો તેનો તે જ માણસ તે જાગ્યો ત્યારે નહોતો. તેણે ઊઠવાનો પ્રયત્ન કર્યો પણ ઉઠાયું નહીં; હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ હાથ હલાવાયો નહીં; પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ પગ હલાવાયો નહીં; માથું ફેરવવાનો પ્રયત્ન કર્યો પણ માથું ફેરવાયું નહીં. આથી તેને નવાઇ લાગી, પણ બેચેની જરાયે થઈ નહીં. એ સમજ્યો કે આ મોત છે, છતાં એનાથી પણ એ જરાયે અસ્વસ્થ થયો નહીં. તેને યાદ આવ્યું કે નીકીટા તેની નીચે સૂતો છે, તેને હૂંફ વળી છે, ને તે જીવતો છે. વળી પાછો તેને એવો ભાસ થયો જાણે તે પોતે નીકીટા છે ને નીકીટા તે વાસીલી છે, ને વાસીલીનો જીવ તેના પોતાના શરીરમાં નથી પણ નીકીટાના શરીરમાં છે. તેણે કાન માંડ્યા, તો નીકીટાને શ્વાસ લેતો, ને સહેજ ઘોરતો પણ, સાંભળ્યો. નીકીટા જીવતો છે, એટલે હું પણ જીવતો છું,’ તેણે મનને કહ્યું, જાણે પોતાનો મોટો વિજય થયો ન હોય !
પાછું તેને પૈસા, દુકાન, ઘર, ખરીદી ને વેચાણ, મિરૉનૉવની દોલ, એ બધું ફરી યાદ આવ્યું; અને વાસીલી બ્રેખુનૉવ નામના પેલા માણસે આ બધી ચીજોની જંજાળ શા સારુ વહોરી હતી ને તેની ઉપાધિ શા સારુ વેઠી હતી એ સમજવું તેને મુશ્કેલ થઇ પડ્યું.
એ વાસીલી બ્રેખુનૉવને વિષે એણે વિચાર કર્યો: ‘હા,’ એનું કારણ એ હતું એને ખરી ચીજ શી છે તેની ખખર નહોતી. એ જાણતો નહોતો, પણ હવે હું તો જાણું છું, ને ચોકસ જાણું છું. હવે મને ખબર પડી ગઇ છે!’ અને જેણે તેને અગાઉ હાક મારેલી એનો અવાજ તેને કરી સંભળાયો. ‘આવું છું ! હું આવું છું!’ તેણે હરખભેર જવાબ વાળ્યો, તે એના રોમેરોમમાં આનંદની લાગણી વ્યાપી ગઈ. તેને લાગ્યું: ‘હું છૂટો છું, ને મને હવે કોઈ રોકી શકવાનું નથી.’
તે પછી વાસીલીએ આ દુનિયામાં ન કશું જોયું, ન કશું સાંભળ્યું, ન તેને કશી લાગણી થઈ.
આસપાસ ચોમેર હજી બરફનાં મોજાં ઊડતાં હતાં. એના એ જ બરફના વંટોળ ઊડતા હતા. મરેલા વાસીલીનો ડગલો, થથરતો ઘોડો, માંડમાંડ દેખાતી ગાડી, અને એને તળિયે પડેલા ને મરેલા શેઠના ભારથી હૂંફ પામતો નીકીટા, બધું એ વંટોળથી ઢંકાઇ ગયું હતું.