બોધકથા:લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ના મરે
બોધકથા:લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ના મરે [[સર્જક:|]] |
બોધકથા:લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ના મરે
એક સમયની વાત છે. એક નગરમાં એક અત્યંત લોભી શેઠ રહેતો હતો. તે શેઠ એટલો તો લોભી હતો કે કોઈ પણ શુભકાર્યમાં ધન વાપરતો નહીં. તેટલુંજ નહિ પોતાના ઘરવાળાઓને પૂરતું ખાવા દેતો નહિ. તે અત્યંત વ્યાજ ખાઉ પણ હતો. અભણ લોકોને પૈસા ઉછીના આપી ચડિયાતા દરે તે વ્યાજ વસૂલ કરતો. એક વખત એક ધુતારો શેઠ પાસે આવી ચડ્યો. પોતાને ત્યાં પ્રસંગા છે એમ કહી તેણે શેઠ પાસે થોડાં વાસણો માંગ્યા. શેઠે તેને અમુક વાસણો આપ્યાં. પ્રસંગ પત્યે શેઠના વાસણો ઉપરાંત પાંચ સાત વધુ વાસણો તે શેઠ પાસે લાવ્યો. શેઠે પૂછ્યું : “ આ વધારાના નાના વાસણો ક્યાંથી લાવ્યાં ? તે અમારાં નથી.” ઠગ બોલ્યો : “શેઠજી ! આપના વાસણોને છોકરાં થયાં.” શેઠ સમજ્યો તો ખરો, પણ મફતના વાસણ કોને ખોટાં લાગે ? તેણે બધાં વાસણો ઘરમાં મૂક્યાં. થોડાં દિવસ પછી તે ઠગ ફરીથી શેઠને ત્યાં આવ્યો અને કહ્યું : “ આજે ફરી મારે ત્યાં સારો અવસર છે , આથી આપના ચાંદીના વાસણો આપો.” શેઠને લાલચ આવી, તેને વાસણો આપ્યાં. ઘણો વખત થયો , પણ તે ઠગ વાસણ પાછાં આપવા આવ્યો નહિ. ઘણી રાહ જોયા પછી શેઠ જાતે જ વાસણ લેવા તે ઠગને ઘેર ગયો. ત્યારે ઠગ બોલ્યો: ”આપણાં વાસણો તો મરી ગયાં ! તેમને બાળી પણ દીધાં. ગઈ કાલે તેમનું બારમું પણ કરી નાખ્યું, તેના ખર્ચમાં તમે ભાગ આપો તો તમારી ભલાઈ.” શેઠે કહ્યું : “ વાસણ તે કાંઈ મરતાં હશે ?” તરત ધુતારો બોલ્યો : “વાસણ ભાંગી જાય એટલે પછી મારી ગયેલાં જ કહેવાયા ને ? જો વાસણ વિયાય, તો મરી પણ કેમ ના જાય? ” આવો જવાબ સાંભળી શેઠ તો માથું ખંજવાળતો ખંજવાળતો ઘેર આવ્યો.
લાભના કારણે જાણ્યા વિના માત્ર લાભને ગ્રહણ કરવો નહિ. લાભ લેવા જતાં શેઠને ધૂર્ત કેવો ધૂતી ગયો!