લખાણ પર જાઓ

ભદ્રંભદ્ર/૧૪. ભૂતલીલા

વિકિસ્રોતમાંથી
← ૧૩. જામીન પર–વિધવાવિવાહ ભદ્રંભદ્ર
ભૂતલીલા
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૧૫. ભૂતમંડળમાં પ્રવેશ  →


૧૪ : ભૂતલીલા

હવાફેરથી કે કોણ જાણે શાથી કારાગૃહમાં બે દિવસ ગાળ્યાથી ક્ષુધા પ્રદીપ્ત થઈ હતી, તેથી સત્વર ઘર તરફ જવાની મેં સૂચના કરી પણ ભદ્રંભદ્ર કહે "परान्नं दुर्लभं लोके" શાસ્ત્રાનુસારી બ્રાહ્મણે તો પારકાનું અન્ન ખાવાની જ બનતાં સુધી ગોઠવણ કરવી, માટે ભોજન કરાવનાર આતિથ્યકારની પ્રથમ શોધ કરીએ. કોઈ નહિ મળે, તો પછી ઘેર જઈને ઉદર ભરવાનું તો છે જ.'

કેટલેક અંતર ગયા પછી સુભાગ્યે એક મહોટા ઘરમાં માળ પર બ્રાહ્મણો જમતા હોય એવી હોહા અને ગરબડ સંભળાઈ. ઉપર જવાનો દાદર ઓટલા પર પડતો હતો પણ એક ચાકરે અમને અટકાવ્યા અને કહ્યું, "અત્યારે કોઈને ઉપર જવા દેવાનો હુકમ નથી, કેમ કે શેઠ શાહુકારો ને અમલદારો ભરાયા છે."

ઘોંઘાટ પરથી એ વાત માનવા જેવી લાગી નહિ. વાટ જોઈશું એમ કહી અમે ચાકર જોડે વાત કરવા બેઠા. ભદ્રંભદ્રે તેને ભોજનસામગ્રી વિષે કેટલીક વાતો પૂછી પણ તેણે સંતોષકારક ઉત્તર આપ્યા નહિ. 'મારે ને રસોઈયાને અણબનાવ છે, તેથી મારે ભાગે બહુ થોડું આવે છે.' એ જ ઉત્તર તેણે મુખ્યત્વે કરીને આપ્યો. ચલમનો દેવતા ફૂંકવામાં તેનું ધ્યાન વધારે હતું. આખરે તેણે ચલમ ઠાલવી દઈ તમાકુની શોધ કરવા માંડી. ભદ્રંભદ્રે તેને તમાકુ લેવા સારુ પૈસો આપ્યો. તે લઈ તે બજાર તરફ ગયો. આ લાગ જોઈ અમે માળ ઉપર ચઢી ગયા.

દાદર ચઢતાં સામે "सिर्फ सनातन आर्यधर्मीओ कु प्रवेश की अनुज्ञा है" એ વાક્યવાળું પાટિયું જોઈ ભદ્રંભદ્ર સંતુષ્ટ થયા, પણ ભાણા પર બેઠેલા બ્રાહ્મણો જોવાની આશા સફળ ન થઈ. વખતે સહુ જમી રહ્યા હશે અને ખાધું પચાવવાનો પ્રયત્ન કરતા હશે, કે કદાચ મહાભારતની કથા સાંભળી કૌરવ-પાંડવોનો વિગ્રહ ભજવી જોવાને ઉશ્કેરાયા હશે, પણ સર્વ દારુણ યુદ્ધમાં મચેલા હતા, કેટલાક હાથમાં તકિયા લઈ જાણે દંડ વડે પ્રહાર કરતા હતા, કેટલાક શાલના કે ખેસના કોથળામાં ખાસડાં ભરી જાણે ગદા ફેરવતા હતા. કેટલાક બે હાથે જોડા પહેરી જાણે પંજાથી ડરાવતા હતા. કેટલાક ખુરશીઓ ઊંચકી જાણે ઢાલ ધરી ધસતા હતા. કેટલાક લાકડી પર પાઘડી ઊંચી કરી જાણે ધજા ફરકાવતા હતા. ઘણાખરા તો બિનહથિયારે મુક્કીઓથી અને લાતથી યુદ્ધ ચલાવતા હતા. માત્ર થોડા જ દૂર ઊભા હતા. તેઓ બહુ જ બીભત્સ ગાલિપ્રદાનથી જાણે ભાટ થઈ યોદ્ધાઓને પાનો ચઢાવતા હતા. જોવાની મઝા હતી, પણ ક્ષુધાના પ્રબળથી મેં ભદ્રંભદ્રને સૂચવ્યું કે, 'આપણે અહીંથી ઊતરી જવું એ જ ઉચિત છે.' પણ, ભદ્રંભદ્ર કહે કે 'સર્વજનો આર્યપક્ષવાદી છે તો એમનો સમાગમ કર્યા વિના જવાય નહિ, શંકરની કૃપા હશે તો અહીં જ ભોજનની ગોઠવણ થઈ જશે.'

એવામાં પાસેના ઓરડામાંથી એક આદમી શેતરંજી ઓઢીને દોડતો આવ્યો. એ બૂમ પાડી બોલ્યો, 'ભૂતગણો! શાંત થાઓ, શિવ આવ્યા છે. પ્રણામ કરો," સર્વ શિયાળ જેવા દીર્ઘ રુતનો શબ્દ કર્યો, પોતાનાં શસ્ત્ર ફેંકી દીધાં અને એક પછી એક આવી શિવને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. પ્રણામ કરવામાં વચમાં એક જણ પૂરેપૂરો જમીન પર સૂઈ જતાં સંકોચાયો અને અધૂરા પ્રણામ કરી ઊઠી ગયો. શેતરંજીમાંના કાણામાંથી શિવે આ અવજ્ઞા જોઈ અને એકદમ આજ્ઞા કરી, 'દ્રોહી છે, સુધારાવાળો છે, સર્વ અકેક ટપલો મારો.' તે બિચારાએ ઘણું કહ્યું, 'હું સુધારાવાળો નથી, આર્ય છું, કથાભક્ત છું, ભૂત છું.' પણ, તે સર્વ વ્યર્થ ગયું. બધાં ભૂતો આવી એક પછી એક તેને ટપલો મારી ગયાં; કેટલાંક તો તેના ખભા ઝાલીને કૂદ્યાં, તો પણ તે નિશ્ચલ બેસી રહ્યો. પાછું દંડવત્ પ્રણામનું કામ ચાલ્યું. દ્રોહી ગણાઈ શિક્ષા પામવાની બીકથી અમે પણ મૂંગા મૂંગા સર્વ પ્રમાણે પ્રણામ કરી આવ્યા.

સહુ પ્રણામ કરી રહ્યું એટલે શિવરૂપ શેતરંજીમાંથી ઘાંટો કહાડી બોલ્યા, 'નંદી પોઠિયો હોય તે આગળ આવે.' તરત સર્વે ભૂતો પશુ પેઠે ચાર પગે ચાલી શિવ તરફ દોડવા લાગ્યાં, એ શિવની સમીપ જતાં એકબીજાને હડસેલવા લાગ્યાં, પોતાના વાહન થવાની આ સ્પર્ધા જોઈ શિવ ફરી બોલ્યા, 'આજ જેનો નંદી થવાનો વારો હોય તે જ અગાડી આવે.' એકદમ સર્વ ભૂતગણો પાછા હઠી દૂર જઈ બેસી ગયાં અને એક ભાગ્યશાળી ભૂત ખુશી થતું અને ડોલતું શિવ પાસે આવ્યું. શિવ તે પર બેઠા અને પોઠિયાને ચારે તરફ ફેરવવા લાગ્યા. જે ભૂત તરફ પોઠિયો જાય તે સામું માથું ધરે અને પોઠિયો તેની સાથે માથાની ટક્કર લઢાવે એ પછી તેનું માથું સૂંઘે, આમ કેટલીક વાર કર્યા પછી શિવ અને પોઠિયો પાછા સ્વસ્થાને આવ્યા. સર્વ ભૂત સામાં હાથ જોડીને ઊભાં રહ્યાં.

ક્ષણ વાર રહી શિવ બોલ્યા, 'ભૂતગણો, તમારા કોઈના માથામાં સુધારાની કઠણતા રહી નથી એ જાણી મને સંતોષ થયો છે; પણ પોઠિયાના કહેવાથી જણાય છે કે હજી કેટલાકના તાળવામાંથી સુધારાની સહેજ સહેજ વાસ આવે છે એથી ખેદ થાય છે. વખતે અજાણ્યે એટલો પાસ બેસી ગયો હશે, કે પહેલાંના સંસ્કાર ધોઈ નાંખ્યા છતાં સહેજ ડાઘા રહી ગયા હશે.'

એક ભૂત અગાડી આવી બોલ્યું, 'ભૂતેશ્વર, એટલી તો ખાતરી રાખશો કે અમારા કોઈની સુધારા તરફ ઈચ્છાપૂર્વક વૃત્તિ નથી. સુધારાના નામથી અમે ત્રાસ પામીએ છીએ. સુધારો હોય ત્યાંથી અમે દૂર નાસીએ છીએ, જે આચાર કે વિચાર સુધારાવાળાએ પસંદ કરેલા કે દાખલ કરેલા કહેવાય છે તે સર્વ અમે છોડી દીધા છે અને તે ખરા છે કે ખોટા છે અથવા લાભકારી છે કે હાનિકારક છે એટલુંય જોવા અમે ઊભા રહ્યા નથી. તે છતાં સુધારાના સંસ્કાર રહી ગયા હશે તો તે પહેલાંના, સુધારાના વખોડવાથી લોકપ્રીતિ મળે છે એ અનુભવ થવા માંડ્યા. અગાઉના હશે અને સુધારાનો પાસ બેઠેલો જણાતો હશે તો તે ફક્ત યુરોપીઅન લોકોના હાથ નીચે નોકરી કરવાની તેથી તેમની નજરમાં સુપ્રકાશિત બુદ્ધિવાળા ગણાવા માટે ધારણ કરેલી વૃત્તિ છે. લોકમાં કહેવાના અમારા વિચાર આ મંડળથી છાના નથી.'

ભૂતેશ્વર બોલ્યા, 'ધન્ય છે, તરવાર તો બેધારી જ રાખવી. કયા વિચાર જાતે ખરા અને કયા આચારનાં પરિણામ સારાં એ ચિંતામાં જીવ બાળી જિંદગીની મજા ખોવી એ મૂર્ખાઈ છે.'

એક બીજું ભૂત અગાડી આવી બોલ્યું, 'મહાદેવ, મઝા નથી સમજતા તે જ સુધારાની મૂર્ખાઈમાં પડે છે. શિવજીનો ઉપદેશ તો સાચો છે. પણ, આ પોઠિયાના વચન પર વિશ્વાસ ન કરવો જોઈએ, એને અમારા તાળવામાંથી સુધારાની વાસ આવે છે, પણ એના મોંમાં અમને બીજા કશાની વાસ આવે છે. માટે એની ઝડતી લેવી જોઈએ અને એની પાસેથી જે નીકળે તે બધાંને વહેંચી આપવું જોઈએ.'

આ સાંભળી સર્વ તુચ્છકારનો શબ્દ કરતા ધસી આવ્યા અને 'ભ્રષ્ટ', 'પાપી', 'સુધારાવાળો' એમ બોલી શિક્ષા કરવાનું કહેવા લાગ્યા. પોઠિયો બે પગે ઊભો થઈ ગયો અને એ ભૂત પર ક્રોધથી ધસ્યો. બેમાંથી કોને ભ્રષ્ટ ગણી શિક્ષા કરવાનો સર્વ પ્રયત્ન કરતા હતા તે સમજાતું નહોતું, પણ પોઠિયાને અને તેના પર આરોપ મૂકનાર ભૂતને બંનેને પગ પકડીને બીજા ઓરડામાં ઘસડી લઈ જતા હતા. પોઠિયો ઊભો થઈ જવાથી શિવ નીચે પડી ગયા, એ કોઈના ધ્યાનમાં આવ્યું નહિ. શિવ પણ શેતરંજી ફેંકી દઈ પેલા બેને ઘસડવામાં સામીલ થઈ ગયા. શિવનું મ્હોં દેખાતાં અમે તેમને ઓળખ્યા અને આશ્ચર્ય પામી મેં ભદ્રંભદ્રના સામું જોયું. ભદ્રંભદ્ર કહે, 'મહોટા માણસો પણ રમતગમત ન કરે તો શરીરશક્તિ મંદ થઈ જાય. પોઠિયો થનાર પાછો આવે ત્યારે તેને પણ ધારીને જોજે. આ તો એ મહોટા માણસની સાદાઈ કહેવાય.'

થોડી વારે સર્વ પાછા આવ્યા. ભૂતત્વ મૂકી દઈ સર્વ મનુષ્ય થઈ ગયેલા હતા. બધાએ પાઘડીઓ પહેરી લીધી હતી. મ્હોં પર જેમણે બુકાનીઓ બાંધી હતી તેમણે તે છોડી નાંખેલી હતી. તેથી અમે ઘણાખરાને ઓળખ્યા. આગલા વેશના શિવજી, પોઠિયો અને બીજા કેટલાક ગાદી પર બેઠા અને બીજા આસપાસ કૂંડાળું વળીને બેઠા. અમે પણ તેમાં દાખલ થઈ ગયા. કોઈ 'ત્રવાડી' હજી આવ્યા કેમ નથી એ વિશે વાત ચાલી. કોઈએ કહ્યું કે 'એમની તો સુધારાવાળાને ત્યાંયે થોડી બેઠક ખરી એટલે તે વખતે ત્યાં રોકાયા હશે.'

પૂર્વના નંદીરૂપ બોલ્યા, 'બેઠક શાની ત્યાં તે કંઈ આવી સભા ભરાય છે અને ગમ્મત થાય છે? ત્રવાડીને તો હમણાં ગરજ છે તેથી જાય છે, સુધારા તરફ એનું વલણ જરાયે નથી. અક્કલ ન હોય તે સુધારામાં મળે. હું કૉલેજમાં ભણતો ત્યારે સ્ત્રીકેળવણીની હિમાયત કરતો અને તેના લાભ વિષે ભાષણો આપતો. પણ તે તરંગ બદલાઈ ગયા. જ્યારથી માલમ પડ્યું કે એ પ્રયત્ન તો સુધારાવાળાનો ખાસ છે અને તેની બધી કીર્તિ સુધારાવાળાને મળી ચૂકી છે ત્યારથી હું સ્ત્રીકેળવણી વિષે હાસ્ય અને તિરસ્કારની વૃત્તિથી વાત કરું છું. નોકરીના સંબંધમાં બોલવું લખવું પડે તે જુદી વાત છે. પણ અંદરથી હું સ્ત્રીકેળવણીની વિરુદ્ધ છું, કોઈ વખત હાલની સ્ત્રીકેળવણીની પદ્ધતિ ખોટી છે એમ કહી તેમાંથી ખસી જાઉં છું અને કોઈ વખત વધારે સારી પદ્ધતિ કઈ તે બતાવવાનું આવે ત્યારે એકે પદ્ધતિ સમૂળગી બતાવવાનું માંડી વાળું છું. કોઈ વખત એમ કહી પતવી દઉં છું કે 'સ્ત્રીઓને તો ખાસ ધર્મશિક્ષણ જોઈએ, કેમ કે પુરુષોને ધર્મની એટલી બધી જરૂર નથી.' સ્ત્રીઓ ભણે કે ન ભણે તેમાં આપણે કંઈ પંચાત નથી. પણ સુધારાવાળાનો પ્રયત્ન છે માટે જેમ બને તેમ પથરા નાંખવા. એટલે લોકોને કહેવાય કે અમે તમારી બધી જૂની રીત જ પસંદ કરીએ છીએ અને ભણેલાને કહેવાય કે લોકો હજી અજ્ઞાન છે અને સારી સ્થિતિને લાયક નથી.'