ભાભીના ભાવ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ટહૂકે વસંત કુંજ કોકિલા રે લોલ
. ઘરમાં ભાભીના એવા ગીત રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

વીરા મારાની મધુર મોરલી રે લોલ
. નવલા એ રાગ વહે નિત્ય રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

છોડી પિયરની એણે પાલખી રે લોલ
. મૂકી માયાભરી માત રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

વહાલાનો સંગ કર્યો વેગળો રે લોલ
. મારા એ બન્ધવાને માટ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

ખાંતનાં ભરેલ ત્યજ્યાં ખેલણાં રે લોલ
. છોડ્યો બાળાપણ વેશ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

સાધી શકે ન અમરસુન્દરી રે લોલ
. એવો અમોલ એનો ત્યાગ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

શાં શાં તે મૂલ એનાં આંકીએ રે લોલ
. શાં શાં સમર્પીએ સોહાગ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

એને માડીનો સોહે મોડિયો રે લોલ
. રૂડાં દાદાજીના રાજ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

વહાલ અખંડ મારા વીરનું રે લોલ
. લાખ ટકાની કુળ લાજ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

એને મંદિર, એને માળિયાં રે લોલ
. સોળે સજાવું શણગાર રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

એને તે કોષ તણી કૂંચીઓ રે લોલ
. હીરા ને મોતી હજાર રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

એ તો અમારી અન્નપૂરણા રે લોલ
. વીરાના વંશ કેરી વેલ્ય રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

હસતી ઉષા એ અમ આભની રે લોલ
. રઢિયાળી રંગડાની રેલ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

માડીજાયો તે મધુર મોરલો રે લોલ
. ભાભી ઢળકતી શી ઢેલ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

વીરો મહેરામણ મીઠડો રે લોલ
. શીળી સરિતની એ સેર રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

ચળકે સદાય એનો ચાંદલો રે લોલ
. જીવો એ જુગ જુગ જોડ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

હૈયાં એ હેતભર્યાં હીંચજો રે લોલ
. પૂરો પ્રભુજી એના કોડ રે
. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ