ભોળો ભાભો

વિકિસ્રોતમાંથી
ભોળો ભાભો
દલપતરામ



ભોળો ભાભો


એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષી ઉડાડે છે;

જંગલી જનાવરોને બહુ બિવરાવવાને,
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;

એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો,
ભોળો ભાભો થાળી ઠોકી તેને બિવરાવે છે;

ત્મારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે,
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે ?