લખાણ પર જાઓ

મંગળપ્રભાત/૧૫. વ્રતની આવશ્યક્તા

વિકિસ્રોતમાંથી
← ૧૪. સ્વદેશીવ્રત મંગળપ્રભાત
૧૫. વ્રતની આવશ્યકતા
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૬. પરિશિષ્ટ - આશ્રમનાં વ્રતો →



૧૫. વ્રતની આવશ્યકતા

૧૪-૧૦-’૩૦
મંગળપ્રભાત
 

વ્રતના મહત્ત્વ વિષે હું છૂટુંછવાયું આ લેખમાળામાં લખી ગયો હોઈશ. પણ વ્રતો જીવન બાંધવાને સારુ કેટલાં આવશ્યક છે એ વિચારવું યોગ્ય લાગે છે. વ્રતો વિષે લખી ગયો એટલે હવે તે વ્રતોની આવશ્યકતા વિચારીએ.

એવો એક સંપ્રદાય અને તે પ્રબળ છે, જે કહે છે: 'અમુક નિયમોનું પાલન કરવું ઉચિત છે, પણ તે વિષે વ્રત લેવાની આવશ્યકતા નથી, એટલું જ નહિ પણ તે મનની નબળાઈ સૂચવે છે અને હાનિકારક પણ હોય. વળી વ્રત લીધા પછી પણ એવો નિયમ અગવડરૂપ લાગે, અથવા પાપરૂપ લાગે તોયે તેને વળગી રહેવું પડે એ તો અસહ્ય છે.' તેઓ કહે છેઃ 'દાખલા તરીકે દારૂ ન પીવો સારું છે તેથી ન પીવો. પણ કોઈવાર પીવાયો તો શું થયું? દવા તરીકે તો પીવો જ જોઈએ. એટલે ન પીવાનું વ્રત તો ગળે હાંસડી ઘાલ્યા જેવું થાય. અને જેમ દારૂનું તેમ બીજી બાબતમાં. અસત્ય પણ ભલાને સારું કાં ન કહીએ?' મને આ દલીલોમાં વજૂદ નથી લાગતું. વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડોને ઓળંગી જવા સારુ તો વ્રતોની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે નહિ તે જ અડગ નિશ્ચય ગણાય, એવા નિશ્ચય વિના માણસ ઉત્તરોત્તર ચડી જ ન શકે એમ આખા જગતનો અનુભવ સાક્ષી પૂરે છે. જે પાપરૂપ હોય તો તેનો નિશ્ચય એ વ્રત ન કહેવાય. એ રાક્ષસી વૃત્તિ છે. અને અમુક નિશ્ચય જે પુણ્યરૂપે જણાયો હોય તે આખરે પાપરૂપ સિધ્ધ થાય તો તે છોડવાનો ધર્મ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ એવી વસ્તુને વિષે વ્રત કોઈ લેતું નથી, લેવું જોઈએ નહિ. જે સર્વમાન્ય ધર્મ ગણાયો છે પણ જે આચરવાની આપણને ટેવ નથી પડી તેને વિષે વ્રત હોય. ઉપરના દૃષ્ટાન્તમાં તો પાપનો આભાસમાત્ર હોય. સત્ય કહેતાં કોઈને હાનિ થઇ જશે તો? એવો વિચાર સત્યવાદી કરવા ન બેસે. સત્યથી આ જગતમાં કોઈને હાનિ થતી નથી ને થવાની નથી, એવો પોતે વિશ્વાસ રાખે. તેમ જ મદ્યપાન વિષે. કાં તો એ વ્રતમાં દવા તરીકે અપવાદ મૂક્યો હોય, અથવા તો ન મૂક્યો હોય તો શરીરનું જોખમ વહોરવાનો વ્રતની પાછળનો નિશ્ચય હોય. દવા તરીકે પણ દારૂ ન પીવાથી દેહ જાયે તોયે શું! દારૂ લેવાથી દેહ એવો જ રહેશે એવો પટ્ટો પણ કોણ લખાવી શકે છે? અને તે ક્ષણે દેહ નભ્યો ને બીજી જ ક્ષણે કોઈ બીજા કારણસર જાય તેનું જોખમ કોને માથે? અને એથી ઉલટું, દેહ જતાં છતાં પણ દારૂ ન લેવાના દૃષ્ટાન્તની ચમત્કારિક અસર દારૂની બદીમાં ફસાયેલાં મનુષ્યો ઉપર થાય એ જગતનો કેટલો બધો લાભ છે! દેહ જાઓ અથવા રહો, મારે તો ધર્મ પાળવો જ છે એ ભવ્ય નિશ્ચય કરનારા જ ઈશ્વરની ઝાંખી કોઈ કાળે કરી શકે છે. વ્રત લેવું એ નબળાઈસૂચક નથી પણ બળસૂચક છે. અમુક વસ્તુ કરવી ઉચિત છે તો પછી કરવી જ એનું નામ વ્રત, અને એમાં બળ છે. પછી આને વ્રત ન કહેતાં બીજે નામે ઓળખો તેની હરકત નથી.પણ 'બનશે ત્યાં લગી કરીશ' એમ કહેનાર પોતાની નબળાઈ કે અભિમાનનું દર્શન કરાવે છે; ભલે તેને પોતે નમ્રતાને નામે ઓળખાવે.એમાં નમ્રતાની ગંધ સરખી યે નથી. 'બને ત્યાં સુધી' વચન શુભ નિશ્ચયોમાં ઝેરસમાન છે એમ મેં તો મારા પોતાના જીવનમાં ને ઘણાંઓનાં જીવનમાં જોયું છે. 'બને ત્યાં સુધી' કરવું એટલે પહેલી અગવડે પડી જવું. 'સત્ય બને ત્યાં સુધી પાળીશ' એ વાક્યનો અર્થ જ નથી. વેપારમાં કોઈ બને ત્યાં સુધી અમુક તારીખે અમુક રકમ ભરવાની ચિઠ્ઠીનો ક્યાંયે ચેક કે હૂંડીસ્વરૂપે સ્વીકાર નહિ થાય. તેમ જ બને ત્યાં લગી સત્ય પાળનારની હૂંડી ઈશ્વરની દુકાને વટાવી નહિ શકાય.

ઈશ્વર પોતે નિશ્ચયની, વ્રતની સંપૂર્ણ મૂર્તિ છે. એના કાયદામાંથી એક અણુ પણ ફરે તો એ ઈશ્વર મટે. સૂર્ય મહાવ્રતધારી છે, તેથી જગતનો કાળ નિર્માણ થાય છે ને શુધ્ધ પંચાગો રચી શકાય છે. તેણે એવી શાખ પાડી છે કે તે હંમેશાં ઊગ્યો છે ને હંમેશાં ઊગ્યા કરશે, ને તેથી જ આપણે આપણને સુરક્ષિત માનીએ છીએ. વેપારમાત્રનો આધાર એક ટેક ઉપર રહ્યો છે. વેપારીઓ એકબીજા પ્રત્યે બંધાય નહિ તો વેપાર ચાલે જ નહિ. આમ વ્રત સર્વવ્યાપક વસ્તુ જોવામાં આવે છે. તો પછી જ્યારે આપણે પોતાનું જીવન બાંધવાનો પ્રશ્ન ઊઠે, ઇશ્વરદર્શન કરવાનો પ્રશ્ન રહ્યો છે, ત્યાં વ્રત વિના કેમ ચાલી શકે? તેથી વ્રતની આવશ્યકતા વિષે આપણાં મનમાં કદી શંકા ન જ ઊઠો.