મંગળપ્રભાત/૨. અહિંસા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧. સત્ય મંગળપ્રભાત
૨. અહિંસા
મોહનદાસ કરમચંદ ગાંધી
૩. બ્રહ્મચર્ય →


સત્યનો, અંહિસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અંહિસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેનાં દર્શન થાય.

પણ સત્યનાં સંપૂર્ણ દર્શન તો આ દેહે અસંભવિત છે. તેની કલ્પના જ માત્ર કરી શકાય. ક્ષણિક દેહ વાટે શાશ્ર્વત ધર્મનો સાક્ષાત્કાર સંભવતો નથી. તેથી છેવટે શ્રધ્ધાનો ઉપયોગ કરવાનો તો રહે જ છે.

તેથી જ અહિંસા જિજ્ઞાસુને જડી. મારા માર્ગમાં જે મુસીબતો આવે તેને હું સહન કરું, કે તેને અંગે જે નાશો કરવા પડે તે કરતો જાઉં ને મારો માર્ગ કાપું? આ પ્રશ્ર્ન જિજ્ઞાસુ પાસે ખડો થયો. જો નાશ કરતો ચાલે તો તે માર્ગ કાપતો નથી પણ હતો ત્યાં જ રહે છે, એમ તેણે જોયું. જો સંકટો સહન કરે છે તો તે આગલ વધે છે. પહેલે જ નાશે તેણે જોયું કે જે સત્યને તે શોધે છે તે બહાર નથી પણ અંતરમાં છે. એટલે જેમ જેમ નાશ કરતો જાય તેમતેમ તે પાછળ પડતો જાય, સત્ય વેગળું જાય

આપણી ઉપર ચોર ઉપદ્રવ કરે છે તેમાંથી બચવા સારુ તેમને દંડ્યા. તે ક્ષણે તે ભાગ્યા તો ખરા, પણ બીજી જગ્યાએ જઈને ધાડ પાડી. પણ બીજી જગ્યા પણ આપણી જ છે, એટલે આપણે તો અંધારી ગલીમાં આથડ્યા. ચોરનો ઉપદ્રવ વધતો ગયો, કેમ કે તેમણે તો ચોરીને કર્તવ્ય માન્યું છે. આપણે જોયું કે આના કરતાં સારું એ છે કે ચોરનો ઉપદ્રવ સહન કરવો, તેમ કરતાં ચોરને સમજ આવશે . આટલું સહન કરવામાંથી આપણે જોયું કે ચોર કંઈ આપણાથી જુદા નથી. આપણને તો બધા સગા છે, મિત્ર છે; તેમને દંડવા હોય નહિ. પણ ઉપદ્રવ સહન કર્યે જઈએ તેથી બસ નથી. તેમાંથી તો કાયરતા પેદા થાય. એટલે આપણે બીજો વિશેષ ધર્મ જોયો. ચોર આપણા ભાઈભાંડુ હોય તો તેમનામાં તે ભાવના પેદા કરવી જોઈએ. એટલે આપણે તેઓને અપનાવવાને સારુ ઉપાયો શોધવા પૂરતી તસ્દી લેવી રહી. આ અહિંસાનો માર્ગ. આમાં ઉત્તરોત્ર દુખ વહોરવાની જ વાત આવે છે, અખૂટ ધીરજ શીખવાની વાત આવે છે. અને જો તે હોય તો અંતે ચોર સાહુકાર બને છે, આપણને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન થાય છે. આમ કરતાં આપણે જગતને મિત્ર બનાવતાં શીખીએ છીએ, ઈશ્ર્વરનો, સત્યનો મહિમા વધારે જણાય છે; સંકટ વેઠતાં છતાં શાંતિસુખ વધે છે; આપણામાં સાહસ, હિમ્મત વધે છે; આપણે શાશ્વતઅશાશ્વતનો ભેદ વધારે સમજીએ છીએ; કર્તવ્યઅકર્તવ્યનો વિવેક આવડે છે; અભિમાન ગળે છે; નમ્રતા વધે છે; પરિગ્રહ સહેજે ઓછો થાય છે; ને દેહની અંદર ભરેલો મેલ નિત્ય ઓછો થતો જાય છે.

આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇ ને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. દ્વેષ હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે. પણ આપણે ખાઇએ છીએ તે જગતને જોઇએ છે. જ્યાં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો પડ્યા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે. ત્યારે શું આત્મહત્યા કરીએ? તો યે આરો નથી. વિચારમાં દેહનું વળગણમાત્ર છોડીએ તો છેવટે દેહ આપણને છોડશે. આ અમૂર્છિત સ્વરૂપ તે સત્યનારાયણ. એ દર્શન અધીરાઇથી ન જ થાય. દેહ આપણો નથી, તે આપણને મળેલું સંપેતરું છે, એમ સમજી તેનો ઉપયોગ હોય તે કરી આપણો માર્ગ કાપીએ.

મારે લખવું હતું સહેલું, લખાઇ ગયું કઠણ. છતાં જેણે અહિંસાનો જરાયે વિચાર કર્યો હશે તેને સમજવામાં મુશ્કેલી ન આવવી જોઇએ.

-૦-