મંગળપ્રભાત/૫. અસ્તેય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૪. અસ્વાદ મંગળપ્રભાત
૫. અસ્તેય
મોહનદાસ કરમચંદ ગાંધી
૬. અપરિગ્રહ →


૧૯-૮-'૩૦, ય. મં
મંગળપ્રભાત

હવે આપણે અસ્તેયવ્રત ઉપર આવીએ છીએ. ઊંડે ઊતરતાં આપણે જોઈશું કે બધાં વ્રતો સત્ય અને અહિંસાના અથવા સત્યના ગર્ભમાં રહ્યાં છે. તે આમ દર્શાવી શકાય:

જેટલું લંબાવીએ તેટલું.

કાં તો સત્યમાંથી અહિંસા ઘટાવીએ અથવા સત્ય અહિંસાને જોડી ગણીએ. બન્ને એક જ વસ્તુ છે; છતાં મારું મન પહેલા તરફ ઢળે છે. ને છેવટની સ્થિતિ જોડીથી, દ્વંદ્વથી અતીત છે. પરમ સત્ય એકલું ઊભે છે. સત્ય સાધ્ય છે, અહિંસા એ સાધન છે. અહિંસા શું છે એ જાણીએ છીએ; પાલન કઠિન છે. સત્યનો તો અંશમાત્ર જાણીએ છીએ; સંપૂર્ણતાએ જાણવું દેહીને સારુ કઠિન છે, જેમ અહિંસાનું સંપૂર્ણ પાલન દેહીને સારુ કઠિન છે.

અસ્તેય એટલે ચોરી ન કરવી. ચોરી કરે તે સત્ય જાણે કે પ્રેમધર્મ પાળે એમ કોઈ નહિ કહે. છતાં ચોરીનો દોષ આપણે સહુ થોડેઘણે અંશે જાણેઅજાણે કરીએ છીએ. પારકનું તેની રજા વિના લેવું એ તો ચોરી છે જ. પણ પોતાનું ગણાતું પણ માણસ ચોરે છે: - જેમ એક બાપ પોતાનાં બાળકોના જાણ્યા વિના, તેઓને ન જણાવવાને ખાતર, છાનોમાનો કંઈ વસ્તુ ખાઈ જાય છે. આશ્રમનો કોઠાર આપણો બધાંનો છે એમ કહેવાય; પણ તેમાંથી છાનેમાને જે ગોળની ગાંગડી પણ લે છે તે ચોર છે. એક બાળક બીજાની કલમ લે છે તે ચોરી કરે છે. ભલે સામેનો માણસ જાણે, છતાં કંઈ વસ્તુ તેની રજા વિના લેવી એ પણ ચોરી છે. વસ્તુ કોઈની નથી એમ માનીને લેવી એમાં પણ ચોરી છે; એટલેકે રસ્તે જડી ગયેલી વસ્તુના આપણે માલિક નથી પણ તે પ્રદેશનો રાજા અથવા તે પ્રદેશનું તંત્ર છે. આશ્રમની નજીક મળેલી કંઈ પણ વસ્તુ આશ્રમના મંત્રીને સોંપવી જોઈએ. મંત્રી, જો તે આશ્રમની ન હોય તો, સિપાઈને હવાલે કરે.

આટલે લગી તો સમજવું પ્રમાણમાં સહેલું જ છે. પણ અસ્તેય આથી બહુ આગળ જાય છે. કોઈ વસ્તુ લેવાની આપણને આવશ્યકતા નથી, છતાં તે જેના કબજામાં હોય તેની પાસેથી તેની ભલે રજા મેળવીને પણ, લેવી એ ચોરી છે. ન જોઈતી એક પણ વસ્તુ લેવી ન જોઈએ. આવી ચોરી જગતમાં વધારે ને વધારે ખાવાના પદાર્થો વિષે થાય છે. મને અમુક ફળની હાજત નથી છતાં લઉં છું, અથવા જોઈએ એ કરતાં વધુ લઉં છું તો તે ચોરી છે. કેટલી હાજત વસ્તુતઃ છે એ માણસ હમેશાં જાણતો નથી, ને લગભગ આપણે બધાં આપણી હોવી જોઈએ એના કરતાં વધારે હાજત કરી મૂકીએ છીએ. તેથી આપણે અજાણપણે ચોર બનીએ છીએ. વિચાર કરતાં આપણે જોઈશું કે આપણી ઘણી હાજતો આપણે સંકેલી શકીએ છીએ. અસ્તેયનું વ્રત પાળનાર ઉત્તરોત્તર પોતાની હાજત ઓછી કરશે. આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઈ છે.

ઉપર બતાવી તે બધી બાહ્ય અથવા શારીરિક ચોરી કહીએ. આથી સૂક્ષ્મ અને આત્માને નીચે પાડનારી કે રાખનારી ચોરી તે માનસિક છે. મનથી આપણે કોઈની વસ્તુ મેળવવાની ઇચ્છા કરી કે તેની ઉપર એઠી નજર કરી તે ચોરી છે. મોટાં કે બાળક સારી વસ્તુ જોઈ લલચાઈએ તે માનસિક ચોરી છે. ઉપવાસી શરીરથી તો નથી ખાતો, પણ બીજાને ખાતા જોઈ મનથી સ્વાદને સેવે છે તે ચોરી કરે છે, ને પોતાના ઉપવાસનો ભંગ કરે છે. જે ઉપવાસી ઉપવાસ તોડતાં ખાવાના વિચારો ગોઠવ્યા જ કરે છે તે અસ્તેયનો ને ઉપવાસનો ભંગ કરે છે એમ કહી શકાય. અસ્તેયવ્રત પાળનાર ભવિષ્યમાં મેળવવાની વસ્તુના વિચારના વમળમાં નહિ પડે. ઘણી ચોરીઓના મૂળમાં આ એઠી ઇચ્છા રહેલી જોવામાં આવશે. આજે જે વિચારમાત્રમાં રહી છે તે મેળાવવાને આવતી કાલે આપણે સારાનરસા ઉપાયો યોજવા મંડી જઈશું.

અને જેમ વસ્તુની ચોરી થાય છે તેમ વિચારની ચોરી પણ થાય છે. અમુક સારો વિચાર પોતાનામાં ન ઉદ્ભવ્યો હોય છતાં પોતે જ પ્રથમ કર્યો એમ જે અહંકારમાં કહે છે તે વિચારની ચોરી કરે છે. આવી ચોરી ઘણા વિદ્વાનોએ પણ દુનિયાના ઇતિહાસમાં કરી છે ને આજ ચાલ્યા કરે છે. ધારો કે મેં આંધ્રમાં નવી જાતનો રેંટિયો જોયો. એવો રેંટિયોમેં આશ્રમમાં બનાવ્યો ને પછી કહું કે આ તો મારી શોધ છે. આમાં મેં સ્પષ્ટ રીતે બીજાએ કરેલી શોધની ચોરી કરી છે, અસત્ય તો આદર્યું છે જ.

એટકે અસ્તેય વ્રતનું પાલન કરનારે બહુ નમ્ર, બહુ વિચારશીલ, બહુ સાવધાન, બહુ સાદા રહેવું પડે છે.

-૦-