મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્બાસ ઈબ્ને સઈદ અલ જોહરી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અબૂલ સક્ર અલ કબીશી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબ્બાસ ઈબ્ને સઈદ અલ જોહરી
સઈદ શેખ
અબૂ અબ્દુલ્લાહ અલ જૈયાની  →


અલ જોહરી

અબ્બાસ ઇબ્ને સઈદ અલ જોહરી બગદાદના ખલીફા અલ મામૂન (ઈ.સ. ૮૧૩ – ૮૩૩) દ્વારા બાંધવામાં આવેલ વેધશાળામાં ખગોળશાસ્ત્રી હતો. અબ્બાસી ખલીફા મામૂન રશીદે બે વેધશાળાઓ, એક બગદાદમાં શમાસા સ્થળે અને બીજી સીરીયાના દમાસ્કસની નજીક કાસ્યૂનમાં બંધાવી હતી. અલ જોહરી આ વેધશાળાના ખગોળીય સાધનોની દેખભાળ અને ઉત્પાદનના જવાબદાર અધિકારી હતા. ઇબ્ને અલ નદીમ (મૃ. આ. ૯૮૭)ના જણાવ્યા મુજબ અલ જોહરીએ મુખ્યત્વે ભૂમિતિમાં યોગદાન આપ્યું. ઇબ્ને નદીમે અલ જોહરીની બે રચનાઓનો સમાવેશ પોતાની અનુક્રમણિકામાં કરેલ. 'કિતાબ તફસીર કિતાબ ઉક્લીદસ' (યુકલીડના 'તત્ત્વો'નું વિવરણ) અને 'કિતાબ અલ અશ્કાલ, અલ્લતી ઝીદહાફીલ મકાલા લઊલા મિન ઉકલીદસ' (યુકલીડના ‘તત્ત્વો'ના પ્રથમ પુસ્તકમાં પ્રમેયનું ઉમેરવું) પ્રસિદ્ધ ઇતિહાસકાર અલ કિફતીએ આ યાદીમાં 'કિતાબ અલ જિઝ' (ખગોળીય કોષ્ટકો)નો પણ ઉમેરો કર્યો છે. અલ કિફતીના મત મુજબ બગદાદમાં નોંધવામાં આવેલા ખગોળીય અવલોકનો ધરાવતી આ રચના ખગોળશાસ્ત્રીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી.

નસીરૂદ્દીન તુસી (મૃ. ૧૨૭૪)એ પોતાની રચનામાં યુકલિડની સમાંતરતાના સિદ્ધાંતોને અર્પણ કર્યો છે. જેમાં અલ જોહરીને ‘તત્વોના ક્ષતિસુધારક' તરીકે ઉલ્લેખ કર્યો છે. (ઈસ્લાહ લિ કિતાબ અલ ઊસૂલ). અલ તૂસીના મત મુજબ અલ જોહરીએ યુક્લિડના ‘તત્ત્વો'માં પોતાના પ્રમેયો ઉમેર્યા હતા.

અલ જોહરીનું અવસાન ઈ.સ. ૮૩૦માં થયું હોવાનું મનાય છે.