મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને બતૂતા

વિકિસ્રોતમાંથી
←  ઈબ્ને બાજહ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ઈબ્ને બતૂતા
સઈદ શેખ
ઈબ્ને અલ અવ્વામ  →


ઇબ્ને બતૂતા, અબુ અબ્દુલ્લાહ બિન મુહમ્મદ બિન ઇબ્રાહિમ
(૨૪/૦૨/૧૩૦૪, ૧૩૬૯) ભૂગોળશાસ્ત્રી પ્રવાસી

ઇબ્ને બતૂતા શમ્સુદ્દીન તરીકે પણ ઓળખાય છે. મોરક્કોના તાન્જીરમાં જન્મ્યા. ૧૪ જૂન ૧૩૨૫ ના દિવસે તાન્જીર છોડી વિશ્વના ઘણા દેશોમાં પ્રવાસ કરી મોરક્કોના ફ્રેઝ શહેરમાં ૩૦ વર્ષ સુધી સુલતાન અબૂ ઈનાનના દરબારમાં પાછા આવ્યા અને પોતાના પ્રવાસ વર્ણનો 'રીહાલા' વિશ્વને ભેટ આપી. મધ્યયુગમાં પોતાના સમયનાં બધાં જ મુસ્લિમ શાસિત દેશોની મુલાકાત લેવાનું સૌભાગ્ય એક માત્ર ઈબ્ને બતૂતાને મળ્યું હતું.

ઇબ્ને બતૂતા મક્કા, મદીના, ઈજીપ્ત, પેલેસ્ટાઈન, સીરીયા, ઈરાક, ખુઝીસ્તાન, ઈરાન, તબરેઝ, અનાતોલીયા, ચીન, ભારત, દક્ષિણ રશિયા, તુર્કી, શ્રીલંકા, સુમાત્રા, સ્પેન જેવા વિશ્વના ઘણા શહેરો અને દેશોમાં પ્રવાસ કર્યો. એમનો શોખ યાત્રા કરવાનો બીજા પ્રદેશ સંસ્કૃતિ અને સભ્યતાઓનો અભ્યાસ કરવાનો હતો. એના પરિપાકરૂપે જીવનમાં એમણે ૭૫000 માઈલથી પણ વધુની મુસાફરી કરી. આ મુસાફરીમાં પોતાને થયેલા સારા નરસા અનુભવોનું ભાથું આપણને પોતાને થયેલા 'અદલ અલ રિહાલા' (પ્રવાસ સાહિત્ય)માંથી મળે છે, જે વિશ્વના પ્રવાસીઓ માટે ગાઈડ સમાન છે.

ઈબ્ને બતૂતા સુલતાન મોહમ્મદ તુઘલકના શાસનકાળમાં ભારત આવ્યા હતા અને એના દરબારમાં ન્યાયધીશના હોદ્દા ઉપર ફરજ પણ બજાવી હતી. બે વર્ષ અહીં રહ્યા પછી માલદીવ, ચીન, સુમાત્રા અને બર્માનો પ્રવાસ કર્યો.

ઈબ્ને બતૂતા વાસ્તવમાં જ્ઞાન મેળવવા ઈચ્છતા હતા એ માટે વિવિધ શહેરો અને દેશોમાં ખૂંધી વળ્યા, પણ પછી ભ્રમણ જ એમનો શોખ બની ગયો. આટલા વર્ષોનાં ભ્રમણમાં એમને ત્રણ વખત ન્યાયધીશ બનવાની પણ તક મળી હતી. એ ઉપરથી કહી શકાય કે એમને ધાર્મિક ન્યાયશાસ્ત્ર (ફિકહ)નું સારૂં જ્ઞાન હતું.

આટલા બધા દેશોની યાત્રા કરનાર આ વિશ્વપ્રવાસીને જાણી જોઈને ભૂલાવી દેવામાં આવ્યો. માત્ર પ્રવાસી જ નહીં એક ભૂગોળશાસ્ત્રી તરીકેની એમની સેવાઓને પણ કોરાણે મુકી દેવામાં આવી, એમના સમકાલીનોએ ભલે એમની કદર ના કરી પરંતુ વાસ્તવિકતા તો આ જ છે કે જે 'ડીક્ષનરી ઑફ સાયન્ટીફીક બાયોગ્રાફીક્સ' ના સંપાદકો નોંધે છે એમ (He) paved the way for the modern age of discovery. ઈબ્ને બતૂતાએ આધુનિક ભૌગોલિક શોધખોળોનો માર્ગ મોકળો કરી દીધો એમાં કોઈ શંકા નથી.

(એક આડવાત :- બીજા કોઈએ ભલે ઇબ્ને બતૂતાની કદર ના કરી હોય પણ દુબઈમાં આ મહાન પ્રવાસી અને ભૂગોળશાસ્ત્રીને શ્રદ્ધાંજલિ રૂપે ‘ઈબ્ને બતૂતા મોલ' નામક મોટું શોપીંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આમાં ઈબ્ને બતૂતાએ જે દેશોની મુલાકાત લીધી હતી એ દેશોના સ્ટોલ છે. મોલની વચ્ચો વચ ઈબ્ને બતૂતાની કાંસાની પ્રતિમા તથા કેટલીક હસ્તપ્રતો કાચની પેટીમાં મુકવામાં આવી છે.)