મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને બાજહ

વિકિસ્રોતમાંથી
←  સુલેમાન ઈબ્ને જુલજુલ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ઈબ્ને બાજહ
સઈદ શેખ
ઈબ્ને બતૂતા  →




ઇબ્ને બાજહ, અબુબક્ર મુહમ્મદ બિન યાહયા ઇબ્ને અલ સાઈગ
(૧૧૩૮) ફિલસૂફ

ઈબ્ને બાજહને પશ્ચિમમાં Avenpace અથવા Avempace તરીકે ઓળખવામાં આવે છે. અગિયારમી સદીના છેલ્લા વર્ષોમાં સ્પેનના સરગોસા શહેરમાં જન્મેલા ઈબ્ને બાજાનું અવસાન મોરોક્કોના શહેરમાં ૧૧૩૮માં થયું હતું. ફિલસૂફ તરીકે નામના મેળવનાર ઈબ્ને બાજાને કવિતા અને સંગીતમાં પણ રસ હતો.

ઈબ્ને બાજાએ પોતાની ફિલસૂફીના ગ્રંથો અરબી ભાષામાં લખ્યા હતા. એવું કહેવાય છે કે તેઓ બર્બર ગવર્નર અબુબક્ર બિન ઈબ્રાહીમ અલ સહરાવીના મંત્રી તરીકે કાર્ય કર્યું હતું. એ સમયે એ ઊગતા નવયુવાન હતા. આટલી નાની ઉંમરમાં મેળવેલી સફળતાએ ઘણા ઈર્ષાળુ અને શત્રુઓ ઊભા કરી દીધા એમના ઉપર વિદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને કેટલાકે સમય જેલમાં પણ જવું પડ્યું હતું. આખરે શત્રુઓની જીત થઈ - ઈબ્ને બાજાને ઝેર આપી ખત્મ કરી દેવામાં આવ્યા.

ઈબ્ને બાજાએ ફિલસૂફીના વિચારો 'રિસાલા ઈત્તિસાલ અલ અકલ બી અલ ઈન્સાન’ અને ‘કિતાબ તદબીર અલ મુતવહીદ'માં રજૂ કર્યા છે. એમના પ્રસિદ્ધ ગ્રંથ, ‘કિતાબ અલ નફસ'થી ઘણાબધા વિદ્વાનોએ લાભ ઉઠાવ્યો હતો જેમાં ઈબ્ને રૂશ્દનો પણ સમાવેશ થાય છે.

મોટાભાગના વિદ્વાનોએ ઈબ્ને બાજાને 'ફિલસૂફીના ઈમામ' (તત્વજ્ઞાનના અગ્રણી વિદ્વાન) તરીકે સ્વીકાર્યા છે. કફતીએ અખબારૂલ હુકમમાં એમનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે. "ઈબ્ને બાજા પ્રાચીન વિદ્યાઓનાં વિદ્વાન અને અરબી ભાષા સાહિત્યના સાક્ષર હતા. તેમના શહેરમાં સમકાલીન વિદ્વાનો પૈકી કોઈપણ તેમના દરજ્જા સુધી પહોચી શક્યો નહીં. તેમણે ગણિત, તર્કશાસ્ત્ર અને ભૂમિતિ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોના વિશિષ્ટ લેખનકાર્યથી તેઓ પ્રાચીન વિદ્વાનોથી પણ બે ડગલાં આગળ છે."

તબકાતૂલ અતિબ્બાના લેખક ઈબ્ને બાજાની પ્રશંસા કરતાં લખે છે કે "તેઓ તાત્વિક વિદ્યા (Philosophical Sciences) ના એકમાત્ર વિદ્વાન હતા."  ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ઇબ્ને બાજાએ પશ્ચિમમાં એવી જ ખ્યાતિ મેળવી હતી જેવી પૂર્વમાં ફરાબી અને ઈબ્ને સીનાએ મેળવી હતી. ઈબ્ને બાજાને સ્પેનમાં ફિલસૂફી ક્ષેત્રે એરિસ્ટોટલ જેવા પ્રતિભાશાળી ગણાવામાં આવતા હતા. સ્પેનમાં ફિલસૂફીના અભ્યાસ માટે વ્યવસ્થિત કેન્દ્ર શરૂ કરવાનો શ્રેય ઈબ્ને બાજાને જાય છે. અને બાજાએ એરિસ્ટોટલની ફિલસૂફી ઉપર વધુ ભાર મૂક્યો જયારે કે એ વખતે ઈબ્ને સીનાની ફિલસૂફીનો પ્રભાવ વધુ હતો.

ઈબ્ને બાજાએ ન જ માત્ર સંગીતશાસ્ત્રમાં એક ગ્રંથની રચના કરી પરંતુ ઘણા રાગ-રાગિણીઓની પણ શોધ કરી હતી. તેઓ ઊદ નામક વાદ્ય ખૂબ સારી રીતે વગાડતા હતા.

ઈબ્ને બાજાએ ચિકિત્સાશાસ્ત્રમાં પણ નિપૂર્ણતા મેળવી હતી અને એમાં ચાર અમૂલ્ય ગ્રંથોની રચના કરી હતી. એ ચાર ગ્રંથો આ છે ૧. કિતાબુલ અદવીયહ મુફર્રિદહ લિજાલીનુસ ૨. કિતાબત્તજુરબતૈન અલા અદવિયહ ઈને વાફિદ ૩. કિતાબ ઈખ્તિસારુલ હાવી શીરાઝી અને ૪. કલામ ફિલ મિજાજ બિમા હુવા તિબ્બી.

એમણે લખેલા કુલ પુસ્તકોની સંખ્યા ૨૪ જેટલી છે. એમની એક પુસ્તિકા 'અલવિદા'નું ભાષાંતર યહુદીઓએ હિબ્રૂ ભાષામાં કર્યું હતું તે ફ્રાંસનાં સાર્વજનિક પુસ્તકાલયમાં જળવાઈ રહ્યું છે.