લખાણ પર જાઓ

મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/નસરૂદ્દીન અલ તુસી

વિકિસ્રોતમાંથી
← અબ્બાસ ઈબ્ને ફરનાસ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
નસરૂદ્દીન અલ તુસી
સઈદ શેખ
ઈબ્ને મિસ્કવાયહા  →


અલ તુસી (ઈ.સ. ૧૨૦૧-૧૨૭૪)

અબુજાફર મોહમ્મદ ઇબ્ને મુહમ્મદ ઇબ્ને અલ હસન નસીરૂદીન અલ તુસીનો જન્મ ૧૭ ફેબ્રુઆરી ૧૨૦૧માં ઇરાનના ખુરાસાનમાં તુસ નામક સ્થળે થયો હતો.

પોતાની આત્મકથામાં તુસીએ લખ્યું છે કે એના પિતા 'દુન્યાવી માણસ' હતા પરંતુ એમણે એને જ્ઞાન-વિજ્ઞાન અને ધાર્મિક શિક્ષણ મેળવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને માથે ચઢાવી અલ તુસીએ ગણિત, વિજ્ઞાન અને ફિલસુફીનું અધ્યયન શરૂ કરી દીધું હતું. વધુ શિક્ષણ મેળવવા એ સમયના સંસ્કાર કેન્દ્ર સમા નિશાપુર પહોંચ્યો. પ્રસિદ્ધ ફિલસુફ ફરીદુદ્દીન દામાદ પાસેથી ફિલસુફીના અને મુહમ્મદ હાસિબ પાસેથી ગણિતના પાઠ શીર્ષો. એણે ફારસી મુળના વિશ્વપ્રસિદ્ધ તબીબ અને તત્વચિંતક ઈબ્ને સીનાના ગ્રંર્થોનું અધ્યયન કર્યું. એ પછી ઈરાક જઈ વધુ અભ્યાસ કર્યો. પોતે બાર ઈમામોને માનનાર શિયા હોવા છતાં બીજા સંપ્રદાયોના ધર્મશાસ્ત્રનું જ્ઞાન લેવામાં એને જરાપણ છોછ નહતો. એણે ઇરાકમાં 'શરીઅત' (ઇસ્લામી ધર્મશાસ્ત્ર)નો અભ્યાસ કર્યો. મોસુલમાં ગણિત અને ખગોળશાસ્ત્રીનું જ્ઞાન કમાલુદ્દીન યુનુસ (મૃ. ૧૨૪૨) પાસેથી લીધું.

જ્ઞાનપ્રાપ્તિ પછી નસીરૂદ્દીન અલ તુસીએ લગભગ ૨૫ વર્ષો સુધી ઈરાનના ઈસ્માઈલી શિયા શાસકોના દરબારમાં સેવા આપી. ઈ.સ. ૧૨૪૬માં અલમૂત શહેરમાં ઇસ્માઈલી શાસકોના શાસનનો અંત આવ્યો અને મોંગોલોએ ઇરાનને જીતી લીધું. ઈસ્લામી વિશ્વમાં વિદ્વાન તરીકે ખ્યાતિ મેળવી ચુકેલા અલતુસીને મોગલોએ દરબારી જ્યોતિષ અને ધાર્મિક શિક્ષણના વડાપ્રધાન બનાવ્યો. અલતુસીએ હલાકુખાનને વેધશાળા બનાવવા માટે રાજી કરી લેતા ઈ.સ. ૧૨૫૯માં રશાદખાનેહ વેધશાળા બનાવવાનો પ્રારંભ આઝરબૈજાનના અલ મરાઘામાં થયો. આ વેધશાળાનું બાંધકામ, એના સાધનો પુસ્તકાલ વગેરેની દેખરેખની જવાબદારી અલ તુસીને સોંપવામાં આવી હતી. અહીં ૧૨૭૪ સધી સેવા બજાવી પોતાના શિષ્યો સાથે મરાઘા છોડી અલ તુસી બગદાદ ગયો અને એ વર્ષે જ એનું અવસાન થયું.

અલ તુસી મધ્યયુગના ઇસ્લામી યુગમાં પ્રચુર લખનારા લેખક તરીકે પ્રસિદ્ધ છે. ફારસી અને અરબી બંને ભાષાઓમાં એણે વિવિધ વિષયો ઉપર ૧૫૦ થી વધુ ગ્રંથોની રચના કરી, ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને વિષયોમાં એણે કલમ ચલાવી. જ્યાં એણે શિયા ફીકહ (ધર્મશાસ્ત્ર), આધ્યાત્મવાદ અને સુફીવાદ વિશે લખ્યું ત્યાં એણે ગ્રીક ફિલસુફીથી પ્રભાવિત થઈ નીતિશાસ્ત્રમાં "અખ્લાકે નસીરી'ની રચના કરી. આના પહેલા ખંડમાં અલ મિસ્કવાયહના નીતિશાસ્ત્રના ગ્રંથનો અનુવાદને એણે સ્થાન આપ્યું હતું.

એણે ઇબ્ને સીનાના ‘અલ ઇશારાત વલ તમ્બીહાત'નું વિવેચન કર્યું. અલ રાઝીના 'કલામ'નું ભાષ્ય પણ એણે રચ્યું અને અલ રાઝી ઉપર થયેલા આક્ષેપોનું ખંડન કરી એનો બચાવ પણ કર્યો.

અલ તુસીએ ખગોળશાસ્ત્રમાં 'અલ તઝમીરા ફી ઇલ્મ અલ હયા' (વિશ્વ રચના શાસ્ત્ર)ની રચના કરી હતી. એની ખરી ખ્યાતિ ખગોળશાસ્ત્રી તરીકે જ છે. એ પ્રાયોગિક ખગોળશાસ્ત્ર, સાધનો, જ્યોતિષશાસ્ત્રમાં પ્રબંધ ગ્રંથોની રચના પણ કરી હતી. એણે 'જિઝ અલખાની' નામક ખગોળીય કોષ્ટકોની રચના પણ કરી. જયારે એ મરાધાની વેધશાળાનો વડો હતો ત્યારે નોંધેલા અવલોકનોનો સંગ્રહ છે. વર્ષો સુધી આનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો. એણે 'તુસી કપલ' તરીકે ઓળખાતા ખગોળીય સાધનની રચના કરી એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. કે દરેક અવકાશીય પિંડ ગોલીય ગતિમાં પરિભ્રમણ કરે છે. આ સાધનમાં બહારની રીંગમાં અંદર એક રીંગ વર્તુળાકાર ગતિમાં ફરે છે. આનો પ્રભાવ એટલો પડ્યો હતો કે પુનઃજાગૃતિ કાળમાં પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી કોપરનિક્સે અલ તુસીના આ 'તુસી કપલ'ના આધારે પોતાનો સિદ્ધાંત સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

અલ તુસી પોતે ગ્રીક ફિલસુફી અને ગણિતશાસ્ત્રથી ખૂબ પ્રભાવિત હતો. એ ઈચ્છતો કે વિદ્યાર્થીઓ આ મહાન પ્રશિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરી એનો લાભ ઉઠાવે. એટલા માટે એણે આ ગ્રંથોનો સરળ ભાષામાં પાઠ્યપુસ્તકની જેમ અનુવાદ કર્યો હતા અને સમજૂતીઓ સાથેના વિવેચનો લખ્યા. અલ તુસી યુકલિડનાં 'તત્વો', ટોલેમીના 'અલમાજેસ્ત' ઉપરાંત થ્યુસોડીયસ, હિપ્સીકલસ, ઓટોલીક્સ, ઓરીસ્ટાર્કસ આર્કિમિડીઝ, મેનેલો, સાબિત ઇબ્ને કુર્રા અને મુસા ભાઈઓના ગણિત અને ખગોળશાસ્ત્રીય ગ્રંથોને સરળ ભાષામાં રજૂ કર્યા.

ત્રિકોણમિતિમાં એણે 'કિતાબ અલ શકલ અલ કતા' પાંચ ભાગમાં રચના કરી. આ ઉપરાંત 'અલ રિસાલા અસ્તૂર લાબીયા' પ્રબંધ, ફારસી ભાષામાં 'અવસાફ અલ અશરફ' ગૂઢ નૈતિકવાદ વિશે ગ્રંથોની રચના કરી.

ટોલેમી અને કોપરનિક્સ વચ્ચેના આ મહાન ખગોળશાસ્ત્રીનું અવસાન ૨૫/૦૬/૧૨૭૪માં બગદાદમાં થયું.