મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/શિહાબુદ્દીન એહમદ ઈબ્ને માજિદ

વિકિસ્રોતમાંથી
←  અબૂલ વલીદ મુહમ્મદ ઈબ્ને રૂશ્દ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
શિહાબુદ્દીન એહમદ ઈબ્ને માજિદ
સઈદ શેખ
અબ્દુલ રહેમાન ઈબ્ને ખલ્દુન  →


ઇબ્ને માજિદ, શિહાબુદ્દીન એહમદ
(૧૪૩૨ - ૧૫૦૦) નૌકાશાસ્ત્રી
એમના સમયના અને બધા યુગોમાં શ્રેષ્ઠ નાવિકોમાંના એક ઈબ્ને માજિદનો જન્મ સાઉદી અરબના નજદમાં થયો હતો. ઇબ્ને માજિદે નૌકાશાસ્ત્રની વિદ્યા પોતાના પિતા અને દાદા કે જેઓ 'મોઅલ્લીમ' નૌકાશાસ્ત્રના ઉસ્તાદ તરીકે ઓળખાતા હતા, એમની પાસેથી શીખી હતી. મધ્યયુગમાં અરબી નૌકાશાસ્ત્રીઓમાં ઇબ્ને માજિદથી વધીને કોઈ અનુભવી નાવિક ન હતો. એમને રાતા ને હિંદ સમુદ્રનો વિશાળ અનુભવ હતો. આ ઉપરાંત પૂર્વ આફ્રિકાથી ચીન સુધીના દરિયાઈ માર્ગોની જાણકારી હતી. તેથી સ્વાભાવિક રીતે જ તે 'સમુદ્રના સિંહ' તરીકે ઓળખાતા હતા. ઇબ્ને માજિદ નાવિકોમાં એક દંતકથા સમાન ગણાતો હતો જેને તેઓ 'શેખ માજિદ' તરીકે ઓળખતા હતા.

ઇબ્ને માજિદે ટૉલેમીથી લઈ ઊલૂગ બેગ જેવા વિદ્વાનોના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. એમણે પોતે પણ ૩૮ ગ્રંથોની રચના કરી હતી જેમાંથી હાલ ૨પ ઉપલબ્ધ છે. આ ગ્રંર્થો ખગોળશાસ્ત્ર, દરિયાઈ વિષયો, ભારતીય સમુદ્રના દરિયાઈ માર્ગો, બંદરોના રેખાંશો, દરિયાકિનારાઓ, હિંદી સમુદ્રના 'દસ મોટા ટાપુઓ', એશિયા અને આફ્રિકાના સમુદ્રી કિનારાનો વ્યવસ્થિત અભ્યાસ અને વર્ણન, રાતા સમુદ્ર, અરબી સમુદ્ર કાબાની યોગ્ય દિશા, કેટલાંક ઉત્તરીય તારાઓ, બાયઝેન્ટાઈન પંચાંગના મહીનાઓ નૌકાશાસ્ત્રીઓ માટે સામાન્ય સૂચનાઓ જેવા વિસ્તૃત વિષયોને આવરી લઈને એમણે રચ્યાં છે.

તેમણે ૧૦૮૨ પંક્તિઓવાળું પુસ્તક 'હાવિયાત અલ ઈખ્તિયાર ફી ઊસૂલ ઈલ્મ અલ બહર' સમુદ્રશાસ્ત્રના સિદ્ધાંતોની રચના કરતું ગ્રંથ છે, જે નૌકાશાસ્ત્રીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત કિતાબ અલ હવાઈદ ફી ઊસૂલ અલ બહર વ અલ ક્વાઈદ'માં પણ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક નૌકાશાસ્ત્ર વિશે વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ નૌકાયાન શાસ્ત્રના 'જ્ઞાનકોષ' સમાન છે. જેબ્રીઈલ ફેરાન્ડ નામક લેખકે નૌકાયાન શાસ્ત્ર વિશે લખનાર ઇબ્ને માજિદને આ બાબતના સૌ પ્રથમ લેખક તરીકે ગણાવ્યા છે.

ઇબ્ને માજિદે કમ્પાસમાં સોયને વ્યવસ્થિત કરીને પુરાણા કંપાસમાં સુધારો કર્યો હતો. એમના સાધનો ખૂબ ચોક્સાઈવાળા હતા. 'Lucidas' ગ્રંથના કર્તા કેમોન્સ (Camoens) એ નોધ્યું છે કે વાસ્કો-ડ-ગામાને પૂર્વ આફ્રિકાથી ભારત નો જળમાર્ગ બતાવનાર ઈબ્ને માજિદ હતા.

વિવિધ નૌકાઓ, વહાણો, સમુદ્રો, સમુદ્ર કિનારાઓ વગેરેનું વિસ્તૃત જ્ઞાન ધરાવતા અને નૌકાયાન શાસ્ત્રની થિયરી પ્રસ્થાપિત કરનાર ઈબ્ને માજિદ યોગ્ય રીતે જ "નૌકાશાસ્ત્રના પિતા" તરીકે ઓળખાયા.