મરમાળી મૂરતિ માવની પ્યારી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
મરમાળી મૂરતિ માવની પ્યારી
પ્રેમાનંદ સ્વામી


મરમાળી મૂરતિ માવની,
પ્યારી પ્યારી લાગે પ્યારી રે... ટેક.
માથે મોળિયું જરકસી,
પે'ર્યા જરકસી જામા ભારી રે;
આવે માણિગર મહાલતો,
કરી માણકીની અસવારી રે... મરમાળી..
ડોલરિયા સરખો દીસતો,
શ્યામળિયો સુખકારી રે;
જોઈને જીવન પ્રાણને,
મોહી વ્રજતણી સૌ નારી રે... મરમાળી..
બાંહે બાજૂબંધ બેરખા,
હૈયે હિંડળે હાર હજારી રે;
મીઠડા બોલા માવની,
શોભા ત્રિભુવનથી ન્યારી રે... મરમાળી..
હેતે સામું જોઈને,
ચોરે ચિતડાને ગિરિધારી રે;
પ્રેમાનંદ કહે જાઉં એની,
બાનકની બલિહારી રે... મરમાળી..
- ૦ -