મહાત્માજીની વાતો/મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત

વિકિસ્રોતમાંથી
← પ્રેમા પટેલની વાત
કિંવા માણસ કેટલી જમીનનો માલીક હોઈ શકે ?
મહાત્માજીની વાતો
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત
ગાંધીજી


મુરખરાજ

અને

તેના બે ભાઇઓની વાત.

પ્રકરણ ૧ લું


એક સમયે કોઇ એક દેશમાં એક પૈસાદાર ખેડુત રહેતો હતો. તને ત્રણ દીકરા હતા. તેમાંના એકનું નામ મુરખરાજ, બીજાનું નામ ધનવંતરી અને ત્રીજાનું નામ સમશેર બહાદુર હતું, તને મોંઘી કરીને એક દીકરી હતી. તે બહેરી અને મુંગી હતી. બાઇ મોંઘી હંમેશાં કુંવારી રહી હતી. સમશેર બહાદુર લડાઇઓમાં તે રાજાની ચાકરી કરવા જતો, ધનવંતરી વેપારમાં ગુંથાયેલો, અને મુરખરાજ પોતાની બહેનની સાથે ઘેરજ રહ્યો. તે ખેતરમાં કામ કરતો અને કામમાં ને કામમાં તેની પીઠ પણ વળી ગયેલી હતી.

સમશેર બહાદુર લડાઇમાં એક્કો હાવાથી, દરજ્જામાં ચઢ્યો, અને તેણે પૈસો પણ ઠીક એકઠો કર્યો, તે એક મહોટા ગૃહસ્થની છોકરીને પરણ્યો. જો કે તેનો પગાર મહોટો હતો, અને તેણે જાગીરો પણ ઠીક લીધેલી હતી, તે છતાં ઉધાર પાસ હંમેશાં વધી જતી હતી, ધણી જે કમાતો તેના કરતાં તેની ઓરત વધારે પૈસો ઉડાવતી, તેથી હંમેશાં આ કુટુંબને પઈસાની ભીડ રહેતી. આમ થવાથી સમશેર બહાદુર પોતાની જાગીરની આવક ઉઘરાવવા નીકળ્યો, ત્યારે તેના વહીવટદારે જવાબ દીધો “ભાઇ સાહેબ, આપણને આવક જોગું કંઈ રહ્યું નથી. આપણને નથી ઢોર, નથી હથીઆર, નથી ઘોડા, કે ગાય, હળ સરખુંએ નથી. જો આ બધુ અખવો તો આપણને આવક થાય ખરી.”

આ સાંભળી સમશેરખહાદુર પોતાના બાપની પાસે ગયો, અને કહ્યું: બાપા, તમારી પાસે ધન ઠીક છે. મને તેનો લાભ હજી સુધી મળ્યો નથી. તેમાંથી ત્રીજો હીસ્સો મને મળે તો હું મારી જાગીરમાં સુધારો કરૂં.” ડાસો બોલ્યો, “તુ કરમી દીકરો જણાય છે. મારા ઘરમાં તો તું એક ફુટી બદામે નથી લાવ્યો. તો પછી તારો ભાગ તને શાને મળે ? તું એટલો વિચાર પણ નથી કરતો કે તને હું કાંઈ આપુ તો પેલા મુર્ખ અને મોંઘીને અન્યાય થાય.” સમશેરબહાદુર બોલ્યો: “બાપા તમે એમ શું કહો છો? મુર્ખો તો નામ તેવા ગુણ ધરાવે છે, અને મોંઘી તો કુંવારીને કુંવારી હવે બહુ મોટી થવા આવી. વળી બ્હેરી અને મુંગી. આ બેને તો કેટલોક પૈઇસો જોઇએ ?”

બુઢો બોલ્યો: “ઠીક છે ત્યારે આપણે મુર્ખાને પુછીએ.” પુછપરછ થતાં મુરખરાજ બોલ્યો “સમશેરહાદુર ઠીક કહે છે ભલે એને હીસ્સો આપો.” એટલે સમશેરબહાદુર બાપની મીલ્કતમાંથી પોતાનો હીસ્સો લઇ ગયો, અને પાછી બાદશાહની નોકરી શરૂ કરી.

ધનવંતરીએ પણ વેપાર તો ઠીક જમાવેલો, પણ તેને વહુ મળેલી એ મોંઘી પડી. એક કોરથી ધનવંતરી કમાય, અને બીજી તરફથી તેની વહુ મોજશોખમાં અને વટવહેવારમાં કમાણી કરતાં વધારે વાપરે તેથી ધનવંતરી પણ તેનાબાપની પાસે ગયો અને સમશેરબહાદુરની જેમ પોતાના હિસ્સાની માંગણી કરી.

બુઢ્ઢાએ જવાબ આપ્યો: “દીકરા તું ઘરમાં તો કાંઇ લાવ્યો નથી. તારા ભાઇ મુર્ખાએ મહેનત કરી કરીને તેનો બરડોએ ભાંગી નાંખ્યો છે. તને આપીને હું મુર્ખાને અને મોંઘીને કેમ ગેરઇન્સાફ આપું?”

ધનવંતરી બોલ્યો: “મુર્ખો તો ખરેખર મુર્ખોજ છે, તે તો પરણવાનોએ નથી. તેને કોણ છોકરી આપશે? અને માંઘીને તો ખાવું પીવુ મળ્યું એટલે વાહ વાહ.” પછી પેાતાના ભાઈ તરફ જોઈને ધનવંતરી બોલ્યો: “મુર્ખા, મને દાણામાંથી અરધોઅરધ નહીં આપે? હળ વીગેરે હું માંગતો નથી, અને જાનવરોમાંથી માત્ર પેલો કાબરો ઘોડો આપે એટલે થયું. તેને તું હળમાં તો નાંખી શકે એમ નથી.”

મુર્ખાએ હસીને જવાબ દીધો: “ભલે ભાઇ, તું એમ રાજી થતો હોય, તો લઇ જા, હું વળી તેના બદલામાં વધારે મહેનત લઇશ.”

આમ ધનવંતરી પણ ભાગ લઇ ગયો. મુરખરાજ ખેતરમાં પુષ્કળ કામ કરતો, બહેરી બહેન બને એટલી મદદ કરતી, બાપ અને મા તો ઘરડાં થયાં હતાં, એટલે ખરૂં જોતા ધનવંતરી અને સમશેરબહાદુરને આપવા જેટલું ઘરમાં રહેલું નહોતુ. હવે મુરખરાજની પાસે તો એક ઘરડી ઘોડી રહી. તેની પાસેથી લેવાય એટલું કામ લઈને આખો દહાડો ખેતરમાં મચ્યો રહેતો અને જેમ તેમ કરી માબાપનું, બહેનનું અને પોતાનું ભરણપોષણ કરતો.


પ્રકરણ ૨ જું.


ભાગ પડ્યા અને ભાઇઓ ન લડ્યા એ સેતાનને બહુ વસમું લાગ્યું. તેણે તેના ત્રણ ગુલામોને બોલાવ્યા અને બોલ્યો : “પેલા ગામમાં મુર્ખો ને તેના બે ભાઇઓ વસે છે, દુનિઆના સાધારણ રીવાજ પ્રમાણે તો તેઓએ ભાગલા પાડતાં લડવું જોઈતુ હતું. તેને બદલે તેઓ સંપીને રહે છે. આનું કારણ પેલા મુર્ખાની મુર્ખાઇ સિવાય બીજું કાંઈ નથી. તેણે આપણું કામ બગાડ્યું છે. હવે તમે ત્રણ જણા એ ત્રણ ભાઈઓની પાસે જાવ, અને તેને એક બીજાને એવા ચડાવજો કે તેઓની વચ્ચે લાહીની નદી ચાલે ત્યાં લગી લડે. બોલો, આ કામ તમારાથી બનશે કે નહીં?”

તેઓ બોલ્યા “હા સાહેબ, કેમ નહીં બને.”

સેતાને પુછ્યું: “કહો તમે કેમ શરૂઆત કરશો?”

ગુલામોએ જવાબ આપ્યો: “એ તો સહેલ છે. પ્રથમ તો અમે તેને પાયમાલ કરીશું અને જ્યારે એકકેના ધરમાં સુકી રોટલીનો ટુકડો સરખો પણ નહીં હોય, એટલે તેઓ ભેગા થાય એમ યુક્તિ કરશું. કહો પછી કેમ તેઓ અરસપરસ વેર વિના રહી શકવાનાં ?”

સેતાન બોલ્યો: “શાબાશ, તમે તમારું કામ ખરેખર સમજતા જણાઓ છો. હવે જાઓ, અને તેઓના કાન બરોબર ભંભેર્યા વિના હરગીજ પાછા ન ફરશો. જો આવ્યા તો જીવતા તમારી ચામડી ઉખેડીશ.”

પછી ત્રણે ગુલામો નીકળી પડ્યા, અને કોણે ક્યાં જવું, એ વિચારવા લાગ્યા. વાત કરતાં સ્વદ વધ્યો; દરેકને સહેલામાં સહેલું કામ જોઇતું હતું. છેવટે તેઓએ ચીઠ્ઠી નાખી, અંતે જેને ભાગે જે ભાઇ આવ્યો અને તેને ભંભેરવા તે તે ગુલામ ચાલી નીકળ્યો, વળી તેઓએ એવો પણ ઠરાવ કર્યો કે જેનું કામ વહેલું ફતેહમંદ નીવડે તેણે બીજાઓની મદદે જવું. અને વખતો વખત અમુક જગ્યોએ મસલત કરવા એકઠા થવાનો પણ ઠરાવ કર્યો.

કેટલોક વખત વીત્યા પછી નીમેલ જગ્યાએ ત્રણે ગુલામો એકઠા થયા. નીમેલી જગ્યા તે સ્મશાન પાસેનો પીપળો હતો.

પેહલા ગુલામે કહ્યું: “સમશેરબહાદુરની પાસે હું તો ઠીક ફાવ્યો છું. તે એના બાપને ત્યાં આવતી કાલે જશે.”

તેના ગોઠીઆઓએ પુછ્યુ: “એ તું કેમ કરી શક્યો ?

પહેલા ગુલામે જવાબ દીધો: “સમશેરબહાદુર એટલો તો ચઢાવ્યો કે તેણે આખી દુનીયા જીતી લેવાનુ બીડુ બાદશાહ આગળ ઝડપ્યું. આ ઉપરથી બાદશાહે સમશેરહાદુરને ઉત્તરનો મુલક જીતવાનું ફરમાવ્યું. સમશેરહાદુર રણે ચઢ્યો. પહેલીજ રાત્રે તેના દારૂમાં મે ભેજ મેળળ્યો અને ઉત્તરના રાજાને તો ખુબ લડવૈઆ બનાવી આપ્યા. લશ્ક જોતાંજ સમશેરનાં લડવૈયા બીધા સમશેરે તોપ ચલાવવા હુકમ કર્યો, પણ તોપ શાની ચાલે ? દારૂમાં તો બંદાએ પુષ્કળ ભેજ નાંખેલો. સમશેરના સીપાઇ ઘેટાંની માફક નાઠા, અને ઉત્તરના રાજાએ તેની પાછળ પડી કતલ ચલાવી. સમશેરની નામોશી થઇ. તેની જાગીર બધી છીનવી લીધી છે, અને આવતી કાલે તેને તોપે ચઢાવવાનો હુકમ છે. હવે મારે એકજ દાડાનું કામ રહ્યું છે તેને હું કેદખાનામાંથી ભગાડી મૂકીશ, એટલ તે તેના બાપને ત્યાં દોડી જશે, આવતી કાલે હું છુટો થઇશ. એટલે જેને મદદ જોઇએ તે માંગજો.”

પછી બીજો ગુલામ બોલ્યો: “ધનવંતરી મારા દાવમાં ઠીક આવી ગયો છે. મારે કોઇની મદદ નહી ખપે. ધનાભાઇથી અઠવાડીઉં થોભાય તેમ લાગતું નથી. પહેલા તો મેં એવી યુક્તિ કરી કે તે ખાઇ પીને ખુબ રૂષ્ટપુષ્ટ થાય, અને લોભીઓ પણ ખુબ બને, તેનો લોભ તો એવો વધ્યો કે બધી વસ્તુ પોતાની કરી લેવાનું તેને મન થયું. અખુટ માલ પોતાની વખારમાં ભરવામાં પોતાનો પૈસો તેણે પાણી જેમ રેડ્યો છે. હજુ એ તે ભરતો જાય છે. હવે તો તેને ઉછીના પૈસા લેવા પડે છે. તેનુ કરજ એ તો તેની ઉપર સપનો ભારો થઈ પડ્યું છે. તેમાંથી છુટવાની તે આશા જ ન રાખે. એક અઠવાડીઆમાં તેને હુંડીઓ ભરવી પડશે. તેનો માલ બધો હું સોડવી મુકીશ. પછી તો તેને તેના બાપને ત્યાં ગયેજ છુટકો છે.”

હવે બન્ને જણે મુર્ખાવાળા ગુલામને પુછ્યું: “કેમ ભાઇબંધ, તારૂં કામ કેમ ચાલે છે?” ત્રીજાએ જવાબ દીધો: “મ્હારા કામનું ન પુછો. હું તો મુવો પડ્યો છું. પહેલાં તો મે મુર્ખાની છાશને એવો કાટ ચઢાવ્યો કે, પીતાંજ પેટમાં સખત દરદ થાય. પછી તેની જમીન સુકવીને પથરાં જેવી કઠણ કરી નાંખી, કે જેથી કોદાળીના ઘા કરતાં તેના હાથ પણ ખડી જાય. આટલું કર્યા પછી મારી ઉમેદ એવી હતી કે મુર્ખો ખેડી નહીં શકે પણ તેણે તો ખેડવાનું અને ચાસ પાડવાનુ છોડ્યુંજ નહીં, પેટમાં ઘણુંએ દરદ થાય, છતાં મુર્ખો હળ છોડેજ નહીં. એટલે મેં તેનું હળ ભાંગ્યું. મુર્ખો તો ઘેર દોડી ગયો, બીજું હળ લાવ્યો. અને વળી ખેડ શરૂ કરી. એટલે હું જમીનની નીચે પેઠો, હળના દાંતા ઝાલ્યા. મુર્ખાએ તો દાંત કચડીને, વાંકા વળીને, તો જોર કર્યું કે મારા હાથપણ કપાઈ ગયા. તેણે તા લગભગ આખું ખેતર ખેડી કાઢ્યું છે. માત્ર એક નાનકડો ચાસ બાકી છે, હવે તો તમે બેઉ મારી મદદે આવો અને આપણે મુર્ખાને પછાડીએ તો ઠીક, નહીં તો આપણીબધી મહેનત ફોકટમાં જશે. મુર્ખો જો ખેતરમાં મચ્યો રહેશે તો તેઓમાં ખરેખરો ભુખમરો દાખલ નહીંજ થાય. અને તે એકલો તેના બન્ને ભાઇનું પોષણ કરશે.”

સમશેરબહાદુરવાળો ગુલામ બીજે દહાડે છુટો થવાની આશા રાખતો હતો એટલે તેણે તેજ દહાડે મદદ કરવાનું વચન આપ્યું. અને ત્રણે ગુલામ પાછા કામે ચઢ્યા.


પ્રકરણ ૩ જું.


મુરખરાજે એક નાનકડા ટુકડા સીવાય બધી જમીન ખેડી નાંખી હતી, અને હવે તે ટુકડો પુરો કરવા આવ્યો હતો. તેના પેટમાં દરદ હતું. છતાં ખેડતો કરવી જ જોઇએ એમ તેને લાગ્યું. તેથી હળ જોડ્યું અને કામ શરૂ કર્યું. એક ફેરો પુરો કર્યો અને હળ પાછું વાળ્યું. ત્યારે કેમ જાણે સખત મુળીયામાં ભરાઈ ન ગયું હોય એમ તેને લાગ્યું. પરંતુ એતો પેલો ગુલામ હતો, તેણે પોતાના પગ અંદર ભરાવી દીધા હતા, અને હળને ખેંચી રાખવા માંગતા હતો.

મુરખરાજે વિચાર્યુ, “આતે કેવુ અજાયબ જેવું! મુળીયું તો તો ક્યાંય દેખાતું નથી. પરંતુ પેલું હોવુ જોઇએ.” એમ કહી મુરખરાજે હાથ ઉંડો નાંખી આમ તેમ ફેરવ્યો, અને જે હાથમાં આવ્યું તે પકડી રાખી ખેંચી કહાડ્યું. એ મુળીયાંની માફક કાળું લાગતું હતું, પણ તેના હાથમાં તે તરફડતું હતું. એ તે પેલો ગુલામજ તો. મુરખરાજ તેને હળની ઉપર ફેંકવા જતો હતો તેટલામાં ગુલામ બોલી ઉઠ્યો, “મને ઇજા ન કરશો. હું તમે જે કહેશો તે તમારા સારૂ કરીશ.”

મુરખરાજે પુછ્યું, “તું મારે સારૂ શું કરી શકે છે?”

ગુલામે જવાબ આપ્યો, “જે તમે કહો તે,”

મુરખરાજે માથું ખંજવાળીને કહ્યું: “મારા પેટમાં દુઃખે છે તે તું મટાડી શકે ખરો ?”

ગુલામ બોલ્યો “એ હું કરી શકું છું.”

મુરખરાજે જવાબ દીધો: “ત્યારે કર.”

ગુલામે વાંકા વળી પોતાના પંજાથી ખોતરીને ત્રણ પાંખડીવાળુ એક મુળીયું ખેંચી કાઢ્યું અતે તે મુરખરાજને આપ્યુ.

ગુલામે કહ્યું: “આ મુળીઆની એક પાંખડી જે માણસ ગળી જાય તેને ગમે તે દરદ હોય તે મટે છે.”

મુરખરાજે મુળીઆંની એક પાંખડી લીધી. તુરતજ તેનુ દરદ શાંત પડ્યું.

ગુલામે માંગ્યું: “હવે મને જવા દો. હું ધરતી માંહે સરી જઈશ અને કદી પાછો આવીશ નહીં.”

મુરખરાજ બોલ્યો “ભલે જા, ઈશ્વર સદાય તારી સાથે રહેજો.”

મુરખરાજે જેવું ઈશ્વરનું નામ લીધું કે તુરતજ જેમ પાણીમાં ફેંકેલો પથરો તળીએ જઈ બેસે તેમ ગુલામ ધરતી માંહે પેસી ગયો અને તેમાં માત્ર ખાડોજ દેખતો રહ્યો.

મુરખરાજે મુળીઆની બીજી બે પાંખડી પોતાની પાઘડીમાં ખોસી દીધી, અને પાછો હળ હાંકવા મંડી ગયો. ખેતી પુરી કરીને ઘેર ગયો. ઘોડાને છોડ્યો અને પોતે ઝુંપડીમા દાખલ થાય છે તો સમશેર બહાદુર અને તેની વહુને વાળુ કરતા જોતાં સમશેરની જાગીર ગુપ્ત થઈ હતી, અને તે મુશીબતે ભાગી છુટ્યો હતો હવે પોતાના બાપની સાથે રહેવા તે ઘોડો લાવ્યો હતો.

સમશેરે મુર્ખાને જોયો,ને બોલ્યો: “હું તારી સાથે રહેવા આવ્યો છું. મને અને મારી વહુને જ્યાંસુધી મને બીજી નોકરી ન મળે ત્યાં સુધી ખવડાવીશ ને?”

મુરખો બોલ્યો: “ભલે, તમે તમારી સાથે રહેજો.”

પણ જ્યારે મુરખો પાટલીપર બેસવા ગયો, ત્યારે સમશેરની સ્ત્રીને તો તેની વાસ ન ગમી, અને તેના પતિ પાસે બોલી ઉઠી. “હું કઇ એક ગંદા ખેડુતની સાથે મારૂં વાળુ કરવાવાળી નથી.” એટલે સમશેર મુરખા તરફ્ જોઇ બોલ્યો “મારી સ્ત્રી કહે છે કે તું તો વાસ મારે છે. મને લાગે છે કે તું બહાર બેસીને જમે તો સારૂં.”

મુરખે જવાબ દીધો: “બહુ સારૂ. નહીં તો પણ મારે ઘોડાને જોગાણ દેવા બહાર જવું પડત.”

પછી મુરખો પોતાનાં કપડાં અને થોડો રોટલો લઇને બહાર ગયો.


પ્રકરણ ૪ થું.


સમશેરવાળા ગુલામે પોતાનું કામ પુરૂં કર્યું એટલે અગાઉ કરેલા ઠરાવ મુજબ મુર્ખાવાળા ગુલામને મદદ કરવા આવી પહોંચ્યો. તે ખેતર ઉપર આવ્યો અને આમતેમ ખુબ જોયું, પણ પોતાના ભાઇબંધને ન જોયો. માત્ર એક ખાડોજ જોવામાં આવ્યો.

તેણે વિચાર્યું “આમ તો ચોખ્ખું દેખાય છે કે મારા ભાઈબંધ ઉપર કંઇક આફત આવી હોવી જોઇએ. હું હવે તેની જગ્યા લઉં. મુર્ખાએ ખેતર તો પુરૂં કર્યું, હવે તે તેને વીડીમાં હંફાવવો જોઇશે.

વીડીમાં ગુલામે પાણીથી મુર્ખાની ગંજીઓ ભીની કરી મુકી અને મોટું પુર આવેલું તેથી ઉપર કાદવ પથરાઈ ગયો હતો. મુર્ખો સવાર પડતાં દાંતરડાની કોર કાઢીને ઘાસ કાપવા ચાલ્યા, તેણે શરૂ કર્યું પણ એક બે વાર દાતરડું ચલાવ્યું તેવામાં તેની ધાર વળી ગઇ, અને દાતરડુ જરાએ ચાલે નહીં. મુર્ખો તોએ મંડ્યો રહ્યો પણ જ્યારે દાતરડું ન ચાલ્યું ત્યારે મનમાં બોલી ઉઠ્યો. “આમ કંઇ વળવાનું નથી. હું ઘેર જાઉં, ધાર કાઢવાનાં હથીયાર લઇ આવું અને સાથે ટુકડો રોટલો પણ લાવું એક અઠવાડીયું જાય તોપણ શું થયું? ઘાસ તો કાપ્યેજ છુટકો છે ”

ગુલામ આ સાંભળી રહ્યો ને મનમાં બબડી ઉઠ્યો “આ મુર્ખો ચીકટ માણસ છે. મારાથી આમ તો તેને નહી પહેાંચી વળાય. હવે બીજી યુક્તિ રચવી પડશે.”

મુર્ખો પાછો ફર્યો, દાતરડાની ધાર કાઢી અને ઘાસ કાપવું શરૂ કર્યું. ગુલામ ઘાસમાં પેસી ગયો. અને દાતરડાની અણી પકડવા લાગ્યો.આથી મુર્ખાને મહેનત તો બહુજ પડી પણ જ્યાં બહુ ભેજ હતો,તે નાના ટુકડા સિવાય બધો ભાગ તેણે પુરો કર્યો. હવે ગુલામ કાદવમાં પેઠો. અને મનની સાથે નીશ્ચય કર્યો કે પોતાના પંઝા કપાય તો ભલે પણ મુર્ખાને ત્યાં તો ઘાસ કાપવા નજ દેવું.

મુર્ખો ત્યાં પહોંચ્યો, ઘાસ તો આછું હતું. તોપણ દાતરડું ચલાવતાં બહુ મહેનન પડતી હતી. આથી મુર્ખો બહુ ગુસ્સે થયો અંતે પોતાનું બધુ જોર વાપરીને દાતરડું ચલાવવા લાગ્યો. ગુલામ પાછો પડ્યો. મુર્ખાના જોર આગળ તેનું કંઇ વળ્યું નહીં એટલે તે ઝાડીમાં ભરાઇ ગયો. મુર્ખાએ દાતરડું ઉગામ્યું તો ઝાડીમાં ભરાયુ અને ગુલામની અરધી પુંછડી કપાઇ, મુર્ખાએ કાપવાનું પુરૂં કર્યું. મોંઘીએ ઘાસ એકઠું કર્યું અને મુર્ખો પોતે બાજરી લાવવા ચાલ્યો પણ અરધ પુંછડીએ ગુલામ ત્યાં પહેલો પહોંચી ગયો હતો. તેણે બાજરીને એવી હાલતમાં કરી હતી કે મુર્ખાનું દાતરડું કામમાંજ ન આવે. મુર્ખો ઘેર દોડી ગયો અને બીજું હથીયાર લાવ્યો, અને બાજરી પુરી કરી રહ્યો.

મુર્ખે વિયાર કર્યો; “હવે હું ત્રીજા ભાગ ઉપર જાઉં.”

અરધ પુછડીયાએ આ સાંભળ્યુ અને મનમાં બોલો ઉઠ્યો: “ઘાસમાં તે બારીમાં તો મુર્ખાને ન પહોંછ્યો હવે જોઉં છું આમાં શું થાય છે.”

બીજી સવારે મુર્ખો તો તો બહુજ વહેલો ઉઠ્યો હતો અને અરધ પુંછડીયો પહોંચે તેના પહેલાં મુર્ખે પોતાનું કામ પુરૂ કર્યું હતું. અરધ પુંછડીયો ગભરાયો અને ખીજાયો. તે બોલી ઉઠ્યો “મુર્ખાએ તો મને બધે હરાવ્યો અને થકવ્યો. આતો ખરેખરો મુર્ખો જ. મુર્ખાને તે કંઇ શીગડાં હોય, બેવકૂફ પુરૂં સુતો પણ નથી. એને તે કેમ પહોંચી વળાય ? હવે તો હું દાણાના ઢગલામાં પેસી જાઉં અને બધા સડવી દઉં.”

આમ વિચારી અરધ પુંછડીયો દાણાના ઢગમાં પેઠો, દાણા સડવા લાગ્યા. તે દાણાને તેણે ગરમ કર્યા તેથી પોતાને પણ ગરમી છુટી તેથી તેમાંજ ઉંઘી ગયો.

મુર્ખો મોંઘીની સાથે ગાડી જોડીને ચાલ્યો. દાણા ગાડામાં નાંખવા લાગ્યો. બે ઝપાટા પુરા કર્યા અને ત્રીજી વખત ભરવાને જાય છે તો દાંતયો અધ પુંછડીયાની પીઠમાં ગરી ગયો. ઉંચકે છે તો દાંતલા ઉપર તેણે અરધ પુછડીયાને તરફડતો તે નીકળી પડવાનો પ્રયત્ન કરતો જોયો.

તેને જોઇને મુર્ખો બોલી ઉઠ્યો “અરે અલ્યા ! પાછો તું આવ્યો કે?”

અરધ પુંછડીયો બોલ્યો: “હું તે નહીં પેલો તો મારો ભાઈ હતો, હું તો તારા ભાઇ સમશેરની પૂંઠે હતો.”

મુર્ખો બોલ્યો: “ભલે ભલે, તું ગમે તે હોય તારી પણ એજ વલે થશે.” એમ કહીને મુર્ખો તેને ગાડીની સાથે અફળાવવા જતો હતો તેટલામાં તેણે કહ્યું: “મને તમે જવા દો તો હું ફરીને નહીં આવું અને તમે જે કહો તે કરૂં.”

મુર્ખા પુછ્યું: “તું શું કરી શકે છે.” ગુલામે જવાબ દીધો. “તમે કહો તેમાંથી હું સીપાઇ બનાવી શકું છું.”

મુર્ખો બોલ્યો: “તે મારે શું કામના”

ગુલામે ઉત્તર વાળ્યો: “તમે જે ચાહો તે તેની પાસે કરાવી શકો છો.”

મુરખે પુછ્યુઃ “તેઓ ગાઈ શકે ખરા ?”

ગુલામ કહે: “હા”

મુરખે કહ્યું: “ભલે ત્યારે થોડા બનાવ.”

ગુલામે પછી કેટલાંક બાજરાનાં ડુંડાં લીધાં અને પોતાને હાથે પછાડીને બતાવ્યું: “આમ તેને પછાડો અને હુકમ કરો એટલે ડુંડાંમાંથી સીપાઈ પેદા થશે.”

મુર્ખાએ તેમ કર્યું અને ડુંડાંના સીપાઇ બન્યા તેમાં એક નગારચી અને શંખ ફુંકનારો પણ હતા. આને જોઈ મુર્ખો હસ્યો અને બોલ્યો: “વાહ આતો ઠીક છે, છોડીયો તમાસોજોઈ રાજી થશે.”

અરધ પુંછડીયાએ કહ્યું: “હવે મને જવાની પરવાનગી આપો.”

મુરખે કહ્યું: “એમ નહીં જવાય. બાજરીના ડુડાંના સીપાઇ બનાવું તે મને મોંઘા પડે. મારે તો ઠુંઠાંના બનાવવા છે. સીપાઇમાંથી પાછાં ઠુંઠાં કેમ બનાવવા એ પણ તારે શીખવાડવું જોઇશે.” એટલે અરધ પુંછડીયાએ સીપાઇના ઠુંઠાં બનાવવાની રીત પણ શીખવી, અને જવાની રજા માગી.

મુર્ખાએ તેને રજા આપી, અને અગાઉ જેમ બોલ્યો: ઈશ્વર તારી સાથે સદાય રહેજો.” મુર્ખાએ ઈશ્વરનું નામ લીધું તેવોજ અરધ પુંછડીઓ ગુલામ તેના ભાઈબંધની માફક જમીનમાં પેસી ગયો અને માત્ર ખાડોજ જોવાનો રહ્યો.

હવે મુર્ખો ઘેર આવે છે તો તેના ભાઈ ધનવંતરી અને તેની વહુને જોયાં, બન્ને વાળુ કરતાં હતાં. ધનવંતરી તેનું કરજ ચુકવી શક્યો ન હતો લેણદારોની પાસેથી ભાગીને બાપને ઘેર રહેવા આવ્યો હતો. મુર્ખાને જોઈ તેણે કહ્યું “ભાઈ હું ધંધો પાછો શરૂ કરી શકું ત્યાં લગી મને અને મારી સ્ત્રીને તારે ત્યાં રહેવા દેજે.”

મુર્ખો બોલ્યો: “ભલે સુખેથી રહો.”

પછી મુર્ખો લુગડા ઉતારી જમવા બેઠો. ધન્વંતરીની વહુ બોલી ઉઠી: “મુર્ખો તો પસીનાથી ભીંજાઈ રહ્યો છે. તેની પડખે બેસી આપણે કેમ જમીએ? તેથી ધન્વંતરીએ મુર્ખાને બહાર જઇ ખાવા કહ્યું.

મુર્ખો કહે “એ બહુ ઠીક વાત છે, મારે હજી બહુ કામ પણ છે.” એમ બોલી થોડા રોટલા લઇ બહાર ગયો.


પ્રકરણ ૫ મું.


ધન્વંતરીવાળો ગુલામ પણ છુટો થવાથી કરાર પ્રમાણે પોતાના ભાઇબન્ધને મદદ કરવા આવી પહોંચ્યો. ખેતરપર આવતાં અને શોધ કરતાં તેણે તો કોઈને નહીં જોયા. માત્ર એક ખાડોજ જોયો. તેથી તે વીડીમાં ગયો, ત્યાં જોયું તો ભેજવાળી જગ્યામાં પુંછડી જોઇ, અને જ્યાં બાજરીનાં ડુંડાં હતાં ત્યાં બીજો ખાડો જોયો. તેણે મનમાં વિચાર્યું મારા ભાઈબંધોને કંઈ પણ નુકસાની પહોંચી છે એમાં તો શક નથી, મારે હવે તેઓની જગ્યા લેવી જોઈએ. જોઉં કે હું મુર્ખરાજને ભગાવી શકું છું કે નહીં ?”

હવે આ ગુલામ મુર્ખરાજને શોધવા ગયો. મુર્ખરાજે ઘણાં ઠેકાણાં સર કર્યા હતા, અને હવે તે ઝાડ કાપતો હતો. બે ભાઈઓ તેની સાથે રહેતા હતા, તેને ઘરમાં સંકડાશ લાગતી હતી તેથી ઝાડો કાપીને આ ઘર બનાવવાનું તેઓએ મુર્ખાને કહ્યું હતું. ગુલામ ઝાડો તરફ આવ્યો અને ડાળીઓમાં ભરાઈ ગયો, અને મુર્ખાના કામમાં વિઘ્ન નાંખવા શરૂ કર્યો. મુર્ખાએ એક ઝાડનું થડ તળેથી એવી રીતે કાપ્યુ કે તે ક્યાએ ગુચરાયા વના ખાલી જમીન પર પડે, પણ ગુલામની કરામતથી તેમ નહીં પડતાં એ તો બીજા ઝાડોના ડાંખળીમાં ભરાયુ. મુરખે એક વાંસ કાપ્યો કે જે વતી તે થડને જમીન ઉપર લાવી શકે અને કેટલીક મુશ્કેલી વેઠ્યા પછી પોતાની મહેનત સફળ થઇ. હવે તે બીજા ઝાડ તરફ ગયો, અને પછી ત્રીજા ઉપર બધામાં પુષ્કળ મહેનત પડી.

મુર્ખાની ઉમેદ તો એવી હતી કે સાંજ પડતાં પચાસેક નાનાં ઝાડ કાપી લઈશ પણ તેટલા વખતમાં તેણે તે ભાગ્યેજ છ કાપ્યાં, તે ખુબ થાક્યો હતો અને તેના પસીનાની વરાળ એટલામાં ફેલાઈ રહેલી છતાં તેણે તે કામ છોડ્યું નહીં. તે બીજું ઝાડ કાપવા ગયો પણ તેની પીઠ એટલી બધી દુઃખવા લાગી કે તે ઉભો રહી ન શક્યો. કુહાડી થડમાં ભરાવી રાખી જરા આરામ લેવા બેઠો. મુર્ખાને થાકેલો જોઇ ગુલામ મનમાં ફુલાયો અને વિચારવા લાગ્યોઃ “આખરે મુરખો થાક્યો તો ખરો. હવે તે મૂકી દેશે એટલે હું પણ જરા થાક ખાઉં.”

આમ વિચારી તે એક ડાળ ઉપર બેઠો, પણ મુર્ખો તો તેટલમા ઉભો થયો, કુહાડી ખેંચી કાઢી અને જોરથી ઉગામી ને એવા તો ઝપાટાથી મારી કે થડ તુરતજ તુટી ગયું અને જમીનપર પડ્યું, ગુલામને તો આવી આશા જરાયે નહોતી. તેના પગ ખેંચી લેવા જેટલો વખત નહોતો રહ્યો; તેની એક ડાળીમાં તેનો પગ ભરાયો. મુર્ખો ડાળીઓ કાપવા જતો હતો તેટલામાં તેણે ગુલામને જોયો અને તે આશ્ચર્ય પામીને બોલ્યો: “ઓ ! શેતાન, તું વળી પાછો આવ્યો !” ગુલામે જવાબ દીધો “હું તો બીજો છું, હું તમારા ભાઇ ધન્વંતરની સાથે હતો.”

મુર્ખો બોલ્યો: “તું ગમે તે હો, પરંતુ તારાએ એ જ હાલ થયા.” એમ કહી મુરખે કુહાડી ઉગામી અને મારવા જતો હતો તેટલામાં ગુલામ કરગરવા લાગ્યો “ મને ન મારો, અને તમે કહેશો તે હું કરીશ.”

મુખોં બોલ્યો: “તું શું કરી શકે છે ?”

ગુલામ બોલ્યો: તમો કહો તેટલા પૈસા બનાવી શકું છું.”

મુર્ખો બોલ્યો “ઠીક છે. જોઇએ, બનાવ.” એટલે ગુલામે પૈસા કેમ બનાવવા તે બતાવ્યું. તેણે કહ્યું: “પેલા ઝાડનાં પાતરાં લઇને તમારા હાથમાં ચોળો એટલે તમારા હાથમાંથી સોનાનાં ફુલ ખરશે.

મુરખે પાતરાં લીધાં, હાથમાં ચોળ્યાં અને સોનાનાં ફુલ પડવા લાગ્યાં, મુર્ખો બોલી ઉોઠયો. “આ તો મજેનું કામ થયું, હવે મારાં માણસો પોતાના બચેલા વખતમાં એનાથી રમશે”

ગુલામ બોલ્યો; “હવે મને ૨જા આપો મુરખે રજા આપી અને કહ્યું: “ઇશ્વર તારી સાથે વસજો.” એટલું મુરખો બોલ્યો કે તુરત ગુલામ જમીન તળે પેસી ગયો અને માત્ર એક ખાડોજ રહ્યો.


પ્રકરણ ૬ ઠું.


ભાઇઓએ તો ઘરો બાંધ્યાં, અને નોખા રહેવા લાગ્યા. મુરખાએ લણવાનું કામ પુરૂં કર્યું, અને તેણે એક તહેવારને દિવસે તેના ભાઈઓને નોતર્યા પરંતુ તેઓ ન આવ્યા. તેઓ બોલ્યા: “ખેડુત તહેવાર કેમ રાખે એ આપણે ક્યાં નથી જાણતા ? ત્યાં જઈને શું કરીએ ?”

તેથી મુરખાએ આસપાસના ખેડુતો અને તેની સ્ત્રીઓને બોલાવ્યાં, તેઓને જમાડ્યા પછી મુરખાએ તેઓને સોનાનાં ફુલ આપ્યાં. સોનાનાં ફુલ જોઈને એક પર એક અથડાવા લાગ્યાં અને એક બીચારી બુઢ્ઢી તેમાં કચડાઇ પણ મુઇ તેથી મુર્ખો બોલ્યો: તમો કેટલા બેવકુફ છો, તમરે વધારે જોઈએ તો હું વધારે આપું” અને એમ કહીને તેણે ખુબ ફેંક્યાં. પછી છોકરાઓ ગાવા નાચવા લાગ્યાં. મુરખો બોલ્યો. “તને ગાતા આવડે છે! જુવો હું બતાવું.” એમ કહી તેણે તો ખડમાંથી સીપાઇ બનાવ્યા, અને તેઓ ઢોલ શરણાઇ વગાડવા લાગ્યા આમ થોડીવાર ગમ્મત કરાવને પાછા સીપાઈઓને ખેતરમા લઇ ગયો અને તેનું ખડ બનાવીને ફરીથી ગંજી ખડકી લીધી. પછી થાક્યો પાક્યો ઘેર ગયો અને તબેલામા સુતો.


પ્રકરણ ૭ મું.


સમશેર બહાદુરે આ બધી હકીકત વિષે બીજે દહાડે સાંભળ્યું અને મુરખરાજની પાસે બીજી સવારે ગયો. તેણે પુછ્યું “તને સીપાઇઓ ક્યાંથી મળ્યા અને તું ક્યાં લઇ ગયો એ મને કહે.” મુરખરાજ બોલ્યો: “તેની તારે શી પરવા?” સમશેર બોલ્યો: “મારે શી પરવા? સીપાઇઓ આપણી પાસે હોય તો આપણે ગમે તે કરી શકીએ આપણે રાજ્ય સુદ્ધાં મેળવી શકીએ.”

મુરખરાજને આશ્ચર્ય લાગ્યું, અને બોલ્યો: “જો એમજ છે તો મને તેં અગાડી કેમ ન કહ્યું ! તું કહે એટલા સીપાઈ હું બનાવી શકું એમ છે. ઠીક થયું કે બ્હેને અને મેં મળીને ડુંડાં ઠીક એકઠાં કર્યા છે,” પછી મુરખો તેના ભાઇને કોઠાર પાસે લઇ ગયો, અને બોલ્યો “જો હું સીપાઇ તો બનાવું છું પણ તારે તેને તરતજ લઈ જવા પડશે, કારણ કે જો તેઓને ખવડાવવું પડે તો તેઓ એક દહાડામાં ગામના દાણા પુરા કરી નાંખે.”

સમશેરે સીપાઇઓને લઇ જવાનું વચન આપ્યું. મુરખે સીપાઇ બનાવવાનું શરૂ કર્યું. ભોંય ઉપર તેણે ડુંડાંની એક ભારી પછાડી અને એક પલટણ તૈયાર થઇ. બીજી ભારી પછાડી અને બીજી પલટણ ઉભી થઇ. આમ કરતાં આખું ખેતર ભરાઇ રહ્યું. પછી મુરખે પુછ્યું: “હવે તો બસ થયું કે નહી ?”

સમશેર ગાંડોતુર થઇ બોલી ઉઠ્યો “હવે બસ, ભાઈ તારો હું પાડ માનુ છુ.” મુરખે જવાબ વાળ્યો “ઠીક, તને વધારે જોઈએ તો મારી પાસે આવજે અને હું વધારે બનાવી આપીશ. આ મોસમનો પાક સારો ઉતર્યો છે એટલે ડુંડાં પુષ્કળ છે.

સમશેર આ પલટણોનો સેનાપતિ બન્યો, અને લડાઇ કરવા ચાલ્યો. તેટલામાં ધન્વંતરી આવ્યો. તેણે પણ ગયા દહાડાની વાત સાંભળી હતી અને હરખાતો હરખાતો તેના ભાઇને પુછવા લાગ્યો. “તને સોનુ ક્યાંથી મળે છે એ મને તું કહે. જો મારી પાસે ભરપુર સોનું હોય તો હું તેમાંથી આખી દુનીયા ખરીદી લઉ.”

મુરખો તો વળી તાજુબ થયો અને બોલ્યો: “તેં મને પહેલું કહ્યું હોતતો તને હું સોનાના ઢગલા ને ઢગલા આપત. હવે પણ જોઈએ તેટલું માગ.”

ધન્વંતરી આ સાંભળી ગાંડોતુર બની ગયો અને બોલી ઉઠ્યો હાલ તો તું મને ત્રણ ટોપલી ભરીને આપ એટલે બસ છે.” મુરખે કહ્યું “ઠીક છે, ત્યાં ચાલો આપણે ખેતરમાં જઇએ, હું ગાડી પણ જોડુ, કેમકે એટલું સોનું તારાથી કંઇ ઉંયકી શકાશે નહીં.”

પછી તેઓ ખેતર તરફ હાંકી ગયા. ટેકરા ને કેટલાંક પાતરાં ઘસ્યાં અને સોનાનો મોટો ઢગલો થયો. પછી ધન્વંતરી તરફ જોઇ બોલ્યો: “આટલું બસ થશે કે નહી.”

ધનવતરી બોલ્યો: “તે તો બહુ કરી. હાલ તુરતને સારૂ તો એટલું સોનું બહુ થશે. તારો પાડ હું ભુલીશ નહીં.” મુરખે જવાબ દીધો: “મારી પાસે પાતરાં પુષ્કળ છે. વધારે ખપ પડે તો આવજે. એટલે બીજુ સોનું ઘસી કહાડીશ.” ધન્વંતરી ઢગલો લઇ વેપાર ફરવા ચાલ્યો.

આમ એક તરફથી સમશેર લડાઇમાં અને ધનવંતરી વેપારમાં એમ બંને ભાઇ મચ્યા. સમશેરે એક રાજ્ય જીતી લીધું અને ધનવંતરીએ પુષ્કળ દોલત ભેળવી. બન્ને ભાઇ પછી ભેળા થયા અને સમશેરે ધનવંતરીને કહ્યું: “મારી પાસે રાજ્ય તો છે, પણ સીપાઇઓને નીભાવવા જેટલા પૈસા નથી. ત્યારે ધન્વંતરી બોયો: “મારે પૈસાની ખોટ નથી. પણ રખેવાળની ખોટ છે.” આ સાંભળી સમશેર બોલી ઉઠ્યો “ચાલો ત્યારે આપણે પાછા મુરખા પાસે જઈએ” હું વધારે સીપાઇ બનાવવાનું કહીશ અને તું તેને સોનું ઘસી કહાડવાનુ કહેજે. મારા સીપાઈ તું લઇ જજે એટલે તેઓ તારી દોલતની રખેવાળી કરશે. અને હું સોનુ લઈશ એટલે તેમાંથી મારા સીપાઇઓ ખાશે.”

આમ મસલત કરી અને બન્ને જણા મુરખા પાસે ગયા. સમશેરે વધારે સીપાઇની માંગણી કરી. મુરખો માથું ધુણાવી બોલ્યો “હું હવે બીજા સીપાઇ નહીં બનાવું.”

સમશેર બોલ્યો: “પણ તેં તો મને વચન આપ્યું હતું.”

મુરખે જવાબ આપ્યો: “હા એ ખરૂ, પણ હું હવે વધારે બનાવવાનો નથી.”

સમશેર બોલી ઉઠ્યો: “શું કામ હવે નહીં બનાવે !” મુરખે જવાબ વાળ્યો, તારા સીપાઈઓએ એક માણસને મારી નાખ્યો તેથી એક દહાડો હું હળ ખેડતો હતો તેટલામાં મેં રસ્તેથી જતી એક ઠાઠડી જોઇ, પુછપરછ કરતાં માલુમ પડ્યું કે તારા સીપાઇઓએ એક બાઇના ધણીને લડાઇમાં મારી નાંખ્યો હતો. હું તો ત્યાં લગી એમ સમજતો હતો કે સીપાઇઓનું કામ ગાવા બજાવવાનું હતું. પરંતુ તેઓ તો માણસ મારા દેખાય છે. એટલે હવે હું એકે સીપાઈ બનાવવાનો નથી.”

ધનવંતરીને પણ મુરખાએ સોનું બનાવી આપવાના ચોખ્ખી ના પાડી અને કારણ બતાવ્યું કે ધનવંતરીના સોનાથી એક પાડોશીને પોતાની ગાય ખોવી પડી હતી.

ધનવંતરીએ તેનું કારણુ પૂછ્યું મુરખે કહ્યું: મારા એક પાડોશીને ઘેર એક ગાય હતી. તેનું દુધ દહીં તેનાં છોકરાને સુખેથી મળતું હતુ. એક દહાડો તે છોકરાઓ મારી પાસે દુધ માગવા આવ્યાં. તેઓને પુછતાં મને માલુમ પડ્યું તારો ખજાનચી છોકરાઓની માટે સોનાની ત્રણ લગડીઓ આપીને ગાય લઇ ગયેલા તેથી છોકરાઓ દુધ વીનાના થઈ રહેલાં હતા. મેં તો એમ ધાર્યું હતું કે સોનાના લખોટા બનાવી તું રમશે. પણ પરીણામ તો વિપરીત આવ્યું. બીચારાં બાળક છોકરાઓ ગાય વીનાના થઈ દુધની તંગીમાં આવી પડ્યાં, એટલે હવે મારી પાસેથી સોનું મેળવવા આશા ફોકટ સમજવી.”

નીરાશ થઈ બને ભાઈ પાછા ફર્યા અને પોતાની મુશીબતનો વિચાર કરવા લાગ્યા. સમશેરે ધનવંતરીને કહ્યું: “મારા સીપાઇને નીભાવવા જેટલા પૈસા તું મને આપ. હું તને મારૂં અડધું રાજ્ય આપુ એટલે તારી દોલતનું રક્ષણ થશે.”

ધનવંતરીને આ સુચના ગમી : ભાઇઓએ પોતાની પાસે હતું તેના ભાગ પાડ્યા, હવે બંને રાજ્યવાળા બન્યા અને બંનેની પાસે પૈસો એકઠો થયો.


પ્રકરણ ૮ મું


મુરખરાજ શાંતિથી પોતાને ઘેર રહેતો હતો. પોતાનાં ઘરડાં માબાપનું ભરણપોષણ કરતો અને મુંગી બ્હેનની સાથે ખેતરના કામમાં મચ્યો રહેતો હતો. એક દહાડો તેનો કુતરો બીમાર થયો અને મરવાની અણીપર આવ્યો, મુર્ખાને દયા આવી, અને તેને રોટલીનો ટુકડો આપ્યો. આ રાટલીનો ટુકડા તેણે પાતાની ટોપીમાં ઘાલ્યો હતો. તેની ટોપીમાં પેલા ગુલામે આપેલાં મુળીયાં પણ મુર્ખો રાખતો, આમાંનું મુળીયું રોટલીના કકડાની સાથે પડી ગયું. કુતરો રોટલીની સાથે તે પણ ગળી ગયો અને તુરતજ સાજો થઇ રમવા, બસવા અને પુંછડી હલાવવા મંડી ગ્યો, મુર્ખાનાં માબાપ આ જોઈ આશ્ચર્ય પામ્યાં અને પુછ્યું : “આ કુતરાને તે કઇ રીતે સાજો કર્યો?”

મુરખે જવાબ આપ્યો: “હર કોઇ પણ દરદ મટાડવાને સારુ મારી પાસે બે મુળીયાં હતાં તેમાંથી એક આ કુતરો ગળી ગયો તેથી તે સાજો થયો છે.”

આ સમયે મુર્ખાના ગામના બાદશાહની દીકરી માંદી હતી. બાદશાહે એવો ઢંઢેરો પીટાવ્યો હતો કે જે માણસ તે બાઇને સાજી કરે તેને ઇનામ મળરો અને જો તે માણસ કુંવારો હશે તો તે છોકરી તેને પરણશે.

આ ઢંઢેરાની વાત મુર્ખાના બાપે મુર્ખાને કરી અને કહ્યું : “બેટા તું રાજાને ત્યાં જા, તારી પાસે મુળીયું છે તે તેની છોકરીને આપજે, અને આથી તું સુખી થશે.”

મુર્ખો બોલ્યો: “ઠીક બાપા, હું જાઉં છું.”

મુર્ખોં જવાને તૈયાર થયો. માખાપે તેને શણગાર્યો. જેવો તે બહાર નીકળ્યો તેવોજ તે એક લકવા થએલ હાથવાળી ભીખારી ઓરતને મળ્યો. મુરખાને જોઇ આ ઓરત બોલી: મેં સાંભળ્યુ છે કે તમારી પાસે દરદો મટાડવાની અક્સીર દવા છે. ભાઇ સાહેબ, મારો હાથ મટાડો. હું મારાં કપડાં પણ મારે હાથે પહેરી શકતી નથી.”

મુરખો બોલ્યો: “ઠીક છે.” એમ કહી તેણે મુળીયું ભીખારણને આપ્યું તે ગળી ગઈ. અને તેનો લકવા તુરત દુર થયો. મુરખાને આશીરવાદ આપી તે ચાલતી થઈ. મુરખાનાં માબાપ રાજાને ત્યાં તેની સાથે જતાં હતાં. જ્યારે મુરખે આમ તેનું મુળીયું ભીખારણને આપી દીધું અને તેની પાસે કંઇજ ન રહ્યું એમ જોયું ત્યારે તેઓ દીલગીર અને ગુસ્સે થયાં.

તેઓ બોલ્યાં: ભાઇ, તને ભીખારણની ઉપર દયા આવી. રાજાની દીકરી સારૂ તુ બીલકુલ દીલગીર થતો નથી?” મુરખાને તો તેની પણ દીલગીરી હતી, પણ તેની સામે આવી ઉભેલી ભીખારણને તે કેમ કાઢી મુકે ? મુરખો ગાડી જોડી તેમાં ડુંડાં નાંખી ચાલવા લાગ્યો. બાપે પુછ્યું: “કેમ અલ્યા, ક્યાં જાય છે?”

મુરખે જવાબ આપ્યો: “રાજાની દીકરીની દવા કરવા.”

“પણ તારી પાસે તો દવા કંઇ રહી નથી.” એમ બાપ બોલી ઉઠ્યો.

મુરખે ધીમેથી વિનયપુર્વક જવાબ આપ્યો: “બાપા, તમે ફીકર ન કરો, બધું સારૂં થઈ રહેશે.” પછી તે રાજાને મહેલે ગયો, અને જેવો તે ઉંબરા પાસે પહોંચ્યો કે તરત રાજાની દીકરી સાજી થઈ. રાજા તેથી ખુશી થયો. તેણે આ મુરખાને પોતાની પાસે તેડાવ્યો. અને તેને ભારે પોશાક પહેરાવી રાજા બોલ્યો: “તમે આજથી મારા જમાઇ છો.”

મુરખે કહ્યું: “જેવી આપની મરજી.”

પછી મુરખરાજના વીવાહ થયા, થોડાં કાળ પછી રાજા મરણ પામ્યા, અને રાજાને કુંવર ન હોવાથી મુરખરાજ ગાદીપતિ થયો. આમ ત્રણે ભાઈ બાદશાહી ભોગવતા થયા.


પ્રકરણ ૯ મું.


આમ ત્રણે ભાઇઓ રાજકર્તા થઇ રહ્યા. સમશેર બહાદુર આબાદ થયો. ડુંડલાના સીપાઈ વડે બીજા સીપાઈઓ પણ મેળવી શક્યો.ઘર દીઠ એક સીપાઇ આપવાની રૈયત ઉપર ફરજ પાડી. આમ તેની પાસે સીપાઇઓની ઠીક સંખ્યા જામી. અને જો કોઇ તેની સામે થાય તો તે તુરત તેની સાથે લડી પોતાનું ધાર્યું કરતો. આથી તેના મનમાં એવા ભરોસો આવ્યો કે આવી સ્થિતિ હમેશાં નભી રહેશે.

ધનવંતરી પણ સુખે દીવસ ગાળવા લાગ્યો. મુર્ખાની પાસેથી મળેલા પૈસામાં પણ વધારો કર્યો. પોતાના રાજનું બંધારણ બાંધ્યું. લોકો ઉપર કર નાંખી ખજાનો વધાર્યો. માથાદીઠ વેરો નાંખ્યો. ગાડીઓવાળા પાસેથી તથા જોડા વગેરે વસ્તુઓ વેચનાર પાસેથી કર લીધા. બધા તેની ગરજ ભોગવતા થઇ પડ્યા. એટલે તેને પણ વિશ્વાસ બેઠો કે તેવી સ્થિતિ સદાયે કાયમ રહેશે.

મુરખરાજ તો રાજ્યનો માલીક બન્યા છતાં હતો તેવો રહ્યો. પોતાના સસરાની મરણ ક્રીયા કરીને પોતાના રાજ્યનો જભ્ભો ઉતારી એક કોરે મુકી દીધો, અને પોતાની પાણકોરાની બંડી અને ઓખાઇ જોડા ફરી ધારણ કર્યા, અને ખેતરમાં કામ કરવાનું કરી શરૂ કર્યું. પોતાનાં માબાપ અને તેની બહેન મોંઘી તેની સાથેજ રહ્યા.

લોકો કહેવા લાગ્યા કે “આપ તો હવે બાદશાહ છો. આપને આમ કરવું ઘટે નહીં.”

મુરખે કહ્યું: “ત્યારે શું રાજા ખાય નહીં? અને જો ખાય તો કામ ન કરે?”

જે ધારણે મુરખરાજે વહેવાર રાખ્યો તેમાં પઇસાની લેવડદેવડનો અવકાશ રહ્યો નહીં. તેથી સસરાના વખતના ચોવટીઆ અમલદારો આવીને કહેવા લાગ્યા: “નામદાર, નોકરોના પગાર આપવાને સારુ ખજાનામાં પઇસા નથી.”

મુરખરાજે જવાબ આપ્યો: “ત્યારે તેઓને પગાર નહીં આપવા.”

એક અમલદાર બોલી ઉઠ્યો: આ પ્રમાણે તો કોઈ નોકરી નહીં કરે.

મુરખરાજ બોલ્યો: “ભલે. આપણને તેઓની નોકરીનું કામ નથી, તેઓ જમીન ખેડશે તો બસ થશે અને તેટલુંએ નહીં કરે તો ભુખે મરશે.”

વળી લોકો મુરખરાજની પાસે ન્યાય કરાવવા આવતા ત્યારે તેના ન્યાયનું ધોરણ વિચિત્ર લાગતું.

એક વેળા એક શેઠીયો પોતાના ઘરમાં થએલી ચોરીની રાવ લાવ્યો.

મુરખરાજે ઈનસાફ આપ્યો: “જે માણસ પઇસા ચોરી ગયો તેને તેની જરૂર હશે, એટલે ફરીયાદીએ શાંતિ રાખવી ઘટે છે.”

આમ થવાથી લોકોમાં મુરખરાજ નામ પ્રમાણે ગુણવાળો ગણાવા લાગ્યો. એક વેળા તેની રાણીએ તેને કહ્યું: “તમને તો બધા તમારા નામ પ્રમાણે ગુણ છે એમ માને છે.”

મુરખરાજે જવાબ આપ્યો “એ તો ભલી વાત થઇ.”

રાણી કાંઇક વિચારમાં પડી ખરી. પણ તે મુર્ખાના જેવી સાદી ને ભલી હતી. એટલે મુર્ખાના જવાબથી નારાજ ન થઈ. મનમાં તેણીએ વિયાર્યું “શું હું મારા ધણીની સામે થાઉં ? એ તો બનેજ કેમ ? જેમ સોય ચાલે તેમ દોરી તો તેની પાછળ ચાલશેજ.” તેથી તેણી મોંઘીની પાસે ખેતરનું કામ શીખવા લાગી, તે કામમાં પાવરધી થઈ, અને પોતાના ધણીને કામમાં મદદ કરવા લાગી.

પરીણામ એ આવ્યું કે ડાહ્યા ડમરાઓ મુરખાનું રાજ્ય છોડી ચાલ્યા ગયા, માત્ર સાદા રહ્યા. કોઇની પાસે ધન દોલત ન મળે. મહેનત મજુરી કરી પોતાનુ પોષણ કરવા લાગ્યા. અને તે ગામમાં વખતો વખત સાધુ પુરૂષો ચઢી આવતા, તેઓની આ બધા માણસો આગતાસ્વાગતા કરતા.


પ્રકરણ ૧૦ મું.


સેતાન તો તેના ગુલામોની રાહ જોઇ રહ્યો હતા કે તેઓ મુરખરાજ અને તેના ભાઈઓ ને પછાડવાના ખબર ક્યારે લાવે? પણ ખબર તો ન આવ્યા. તે પોતે તપાસ કરવા નીકળી પડ્યો. ખુબ ઢુંઢતાં ત્રણ ગુલામોને જોવાને બદલે તેણે તો ત્રણ પાતાળીયા ખાડા જોયા.

આથી તેણે વિચાર્યું કે “એટલું તો ચોખ્ખું દેખાય છે કે ગુલામો પોતાના પ્રયત્નમાં સફળ નથી થયા. હવે તો મારે જાતે ગયે છુટકો છે.”

પછી તે પેલા ભાઈઓને શેાધવા ગયો. તેણે જોયું કે તે પોતાને અસલ ઠેકાણે નહતા, અને ત્રણે જણ રાજ્ય કરતા હતા. આ તેને બહુ દુઃખરૂપ થઇ પડ્યું પહેલો તે સમશેરને ત્યાં ગયો. સેતાને સેનાધીપતિનો વેષ લીધો હતો. સલામ કરીને સેતાન બોલ્યો “મહારાજાધીરાજ, મેં સાંભળ્યું છે કે આપ બહાદુર લડવૈયા છો, આપની કૃપાથી લડાઈનું કામ હું સારૂં જાણું છું, અને બંદાને નાકરી આપશો તો મારી ફરજ બજાવીશ.”

સમશેર ભોળવાયો, લલચાયો, નૈ સેતાનને નોકર રાખ્યો.

નવા સેનાધિપતીએ નવા સુધારા ખુબ દાખલ કર્યાં. ઘણા માણસો જે તેના મનને વધારે ધંધાવાળા લાગતા હતા, તેઓને સીપાઈગીરી કરવાની ફરજ પાડી, જુવાનીયા માત્રની પાસે સીપાઈગીરીની નોકરી લીધી. આમ એક તરફથી સીપાઇ વધ્યા, અને બીજી તરફથી દારૂગોળાનું ખર્ચ વધ્યું. નવી તોપો એવી બનાવી કે જેમાંથી પાંચસે ગોળી એકદમ છુટે.

સમશેરને આ બધું ગમ્યું. હવે આટલા બધા સીપાઈ ને કંઇક ધંધો તો ચોક્ક્સ જોઈએ, તેથી તેણે પાસેના રાજાની સામે લડાઈ શરૂ કરી. તેની નવી તોપોથી પાસેના રાજાનું અડધું લશ્કર માર્યું ગયું. તે બીનો, શરણે ગયો, પોતાનું રાજ્ય સમશેરને સોંપ્યું. સમશેર બહુ ખુશી થયો. તેનો લોભ વધ્યો, એટલે તેણે વળી બીજા રાજાની ઉપર ચઢાઇ કરવાનો મનસુબો કર્યો.

સમશેરના નવા દારુગોળાની વાત બધે ફેલાઇ હતી. આ બીજા રાજાએ સમશેરની નકલ કરી. પોતાનાં લશ્કર, દારૂગોળા, વીગેરે વધાર્યા. સમશેરના સુધારામાં વળી ઉમેરો પણ કર્યો. તેણે જુવાન મરદોને લડવાની ફરજ પાડી એટલુંજ નહીં પણ વગર પરણેલી ઓરતો પાસે પણ સીપાઇગીરૂં કરાવ્યું. તેણે વળી હવાઇ વહાણો બનાવી તેમાંથી શત્રુઓનીપર દારૂગોળો નાંખવાની યુક્તિ શોધી કાઢી હતી.

સમશેર પોતાના મદમાં આવા રાજાની સાથે લડવા ચાલ્યો. પણ તેનુ લશ્કર સામેના લશ્કરને દારૂગોળો અસર કરે એટલે સુધી પહોંચ્યું. તે પહેલાં તો શત્રુના લશ્કરની ઓરતો દારૂગોળાનો વરસાદ હવામાંથી વરસાવવા લાગી. સમશેર હાર્યો, જીવ લઇને નાઠો, અને પોતાનું રાજ્ય ખોયું.

સેતાન ફુલાયો, હવે ધનવંતરી પાસે પહોંચ્યો. અહીં વેપારીને વેષે આવ્યો.

ધનવતરીના રાજ્યમાં પોતે પેઢી ખોલી લોકોને વધારે દામ આપી તેમને માત્ર ખરીદી લેવા લાગ્યો.

સેતાનને ત્યાં વેચનારાઓની ભીડ બેહદ થવા લાગી. લોકો ઝપાટાભેર ધનવંતરીને કરો ભરવા લાગ્યા. ધનવંતરી ખુશ થયો ને વિચાર્યું: “મારા રાજ્યમાં આ નવો વેપારી ભલે આવ્યો, હવે મને વધારે પૈસા મળશે, ને હું વધારે સુખ માણીશ.”

આમ વિચારી ધનવંતરીએ સુધારા આદર્યા. નવો મહેલ ચણવાનું શરૂ કર્યું. લોકોને તેણે પથરા ને લાકડાં આણવાનો હુકમ કર્યો. મજુરો બોલાવ્યા. દાડીયું સરસ આપવાનું કર્યું, અને પેાતાના મનમાં ધારી લીધું કે લોકો હાંશે કામ કરવા આવશે. આમાં તે ખોટો હતો એમ તેને તુરત માલુમ પડ્યું. બધું લાકડું, બધા પથરા, અને મજુરો પેલા સેતાન વેપારીને ત્યાં પહોંચ્યાં હતાં. ધનવંતરીને સેતાનના કરતાં વધારે પૈસા આપવાનાં કહેણ મોકલ્યા. એટલે સેતાન તેની ઉપર ચડ્યો. ધનવંતરીની પાસે પુષ્કળ પૈસો હતો. સેતાનની પાસે તેથી વધારે હતો. એટલે સેતાન ધનવંતરી કરતાં વધતોજ ગયો. રાજાનો મહેલ મહેલને ઠેકાણેજ રહ્યો. ધનવંતરીએ બગીચો બનાવાની શરૂઆત કરી. પણ મજુરો તો સેતાનને ત્યાં તળાવ ખોદતા હતા, જે કંઇ વસ્તુ જોઇએ તે બધીનો જમાવ સેતાનને ત્યાં થયેલો માલુમ પડ્યો.

ધનવંતરી વિચારમાં પડ્યો, કામદારો બધા સેતાનને ત્યાં જાય અને ધનવંતરીને માગ્યા કર મળે, આથી તેની પાસે પૈસો એકઠો થયો કે તેને ક્યાં સાચવવા એ વિચારવાની વાત થઈ પડી. જીવવું પણ ભારે થઈ પડ્યું. ધાતુ શીવાય દરેક વસ્તુની તાણ પડવા લાગી. રસોઇઆ, ગાડીવાળા વગેરે પેલા વેપારીને ત્યાં જવા લાગ્યા. બજારમાંથી ખાવાનું પણ ન મળે. બધુ વેપારીએ ખરીદી લીધું.

ધનવંતરી ખીજાયો. વેપારીને દેશપાર કર્યો. એટલે તેણે ધનવંતરીની સરહદની બહાર છાવણી નાંખી. તેની સ્થિતિ આગળના જેવીજ રહી. ધનવંતરીની પાસે જવાને બદલે લોકો તો સેતાનના પૈસાથી અંજાઈ તેનીજ પાસે જતા રહ્યા.

રાજાનું શરીર દુર્બળ થતું ગયું. ખાવાના સાંસા પડ્યા. તે ગભરાયો, શું કરવું તે સુઝે નહીં. તેવામાં ખસીયાણો થયેલો સમશેર આવી પહોંચ્યો. ને બોલ્યો “ભાઇ ! મને તું મદદ કર, મારુ તો બધુ હું હારી છુટ્યો છું, અને જીવ લઈને નાઠો છું.

ધનવંતરી પોતે દુઃખ દરીયામાં ડુબેલો એ શું મદદ કરે ! “મને તો ખાવાનાએ સાંસા છે. બે દીવસનો ભુખ્યો છું. મારા પૈસા ગળે પથરા જેવા થઇ પડ્યા છે. માગ્યા મુલ દેતાં કોઇ મારૂં કામ કરવા પણ આવતું નથી. તું તારૂં દુઃખ રડીશ, કે હું મારૂં તારી પાસે રહું ?” એમ બોલી ઊંડો નીસાસો નાંખી ધનવંતરી મુંગો રહ્યો.


પ્રકરણ ૧૧ મું.


આમ બે ભાઇને પાયમાલ કરી સેતાન મુરખરાજની પુંઠે પડ્યો. પેાતે સેનાપતિ બન્યો ને મુરખરાજની પાસે આવી કહ્યું “મહારાજ આપની પાસે લશ્કર હોવું જોઇએ.

આપ બાદશાહ ગણાઓ, અને લશ્કર ન હોય એ શોભીતી વાત નથી. આપ મને હુકમ કરો કે તુરત હું માણસો એકઠાં કરીને તેઓને શીખવી સિપાઇ બનાવીશ.

મુરખરાજે સાંભળ્યું. અને બોલ્યો: “ ભલે,એક લશ્કર બનાવો, તેઓને ગાતાં શીખવવું. કારણ કે મને ગાવું પસંદ છે.”

સેતાન ગામમાં ફરી વળ્યો. બધાને સિપાહીગીરી લેવાનું સમજાવ્યું, અને લાલચો આપી. માણસો હસી પડ્યા, લાલચોની કાંઈ અસર ન થઈ. અને બધાએ ના પાડી.

શેતાન મુરખા પાસે ગયો અને બોલ્યો: “આપની રૈયત પોતાની મેળે લશ્કરી કામ શીખે એવું લાગતું નથી. તેને તો ફરજ પાડવી પડશે.”

મુરખ બોલ્યો: “ભલે એમ અજમાવી જો.”

એટલે સેતાને ડાંડી પીટાવી કે જે કોઈ માણસ વગર કારણે લશ્કરી ખાતામાં દાખલ નહી થાય તેને ફાંસી દેવામાં આવશે.”

લોકો આ સાંભળીને સેતાનની પાસે આવ્યા, અને બોલ્યા: “તમે એમ ડાંડી પીટાવી છે કે, જો અમે લશ્કરી ખાતામાં દાખલ નહીં થઇએ તો, અમને ફાંસી મળશે પણ અમે દાખલ થઇએ તો અમારે શું કરવું પડશે, અને અમારું શું થશે? એ તે તમે જણાવ્યું નથી. કોઇ તો એમ કહે છે કે સિપાઇઓને વગર કામનું મરવુ પણ પડે છે.”

સેતાને જવાબ દીધો: “એમ પણ કોઇ વેળા બને.”

આવું સાંભળીને લોકે હઠ પકડી અને લશ્કરમાં દાખલ થવાની ના પાડી. તેઓ બોલી ઉઠ્યા: ગમે તે પ્રકારે અમારે મરવું તો છેજ. ત્યારે ભલે અમે ઘેર બેઠાં ફાંસીએ ચઢીએ.”

સેતાન ખીજાઇને બોલ્યો: “તમે બધા બેવકુફ છો. લડાઇમાં તો મરીએ પણ ને મારીએ પણ. જો તમે દાખલ નહીં થાઓ તો તો તમારૂં મોત ખચીત જ છે.”

આથી લોકો જરા મુંઝાયા, અને મુરખરાજની પાસે ગયા અને કહેવા લાગ્યા. “આપનો સેનાપતિ કહે છે કે અમે લશકરી ખાતામાં દાખલ નહીં થઇએ તો આપ અમને બધાને ફાંસી દેશો, શું આ વાત ખરી છે?”

મુરખો હસીને બોલ્યો: હું એકલો તમને બધાને કઇ રીતિએ ફ્રાંસીએ ચડાવું ? હું તા મુરખો કહેવાઉં, એટલે તમને આ બધુ સમજાવી શકતો નથી. પણ સેનાપતિનું બોલવું હું પેાતે નથી સમજતો.”

બધા બોલી ઉઠ્યા: ત્યારે અમે કદી દાખલ થઈશું નહી.

મુરખો બોલ્યો: “એ બહુ ઠીક વાત છે. ન થજો. એટલે લોકોએ સેનાપતિને ચેાખ્ખી ના પાડી.

સેતાને જોયું કે તેના દાવમાં ન ફાવ્યો તેથી તે મુરખરાજને છોડી પાસેના રાજા આગળ ગયો અને નીચે પ્રમાણે બોલ્યો: મહારાજાધિરાજ મુરખરાજનો દેશ મેં જોયો છે. તેના માણસો બધા નમાલા છે. તેમની પાસે પૈસો નથી, પણ દાણા, ઢોર વિગેરે ખુબ છે, આપ જો લડાઇ કરો તો એ બધું લુંટી લેવાય.

રાજા ફુલાયો અને લલચાયો. તેણે લડાઇની તૈયારી કરી દારૂગોળો એકઠો કર્યો. અને મુરખરાજની સરહદ ઉપર પડાવ નાંખ્યો.

લોકોને ખબર પડતાં તેઓ મુરખા પાસે આવ્યા અને બોલ્યા: “કોઇ રાજા આપણી ઉપર ચડાઇ કરવા આવે છે.”

મુરખો બોલ્યો: “ ભલે આવે. તેને આવવા દ્યો.”

રાજા સરહદ ઓળંગ્યો ને મુરખરાજનું લશ્કર તપાસવા પાગીઆ મોક્લ્યા, લશ્કર તો ના મળે એટલે પાગીઆ શું શોધે ? રાજાએ પોતાનું લશ્કર લુંટ કરવા મોકલ્યું, મરદો અને ઓરતો તાજુબી પામી સિપાઇઓને જોવા લાગ્યાં. સિપાઈઓએ અનાજ અને ઢોર ઉપર હાથ નાખ્યો. લોકા સામે ન થયા. સિપાઇઓ જ્યાં જાય ત્યાં આમજ બન્યુ. લોકો સિપાઇઓને કહેવા લાગ્યા. તમારે અમારા દાણા અને ઢોરનો ખપ હોય તો ભલે લઈ જાઓ. પણ તમારા ગામમાં તેની તંગી હોય તો તમે અમારા ગામમાં આવીને વસો, એમ કરશો તો તમને દાણા ચોરી જવાની અને ઢોર હાંકી જવાની તકલીફ ઓછી થશે.

આવાં વચન સાંભળી પ્રથમ તો સિપાઓ હસ્યા પછી વિચારમાં પડ્યા. કોઇ સામે ન થાય એટલે લુંટમાં તો સ્વાદ રહ્યો નથી.

તેઓ થાક્યા, રાજાની પાસે નિરાશ થઈ પાછા ગયા ને બોલ્યા: “આપે અમને લડવા મોકલ્યા પણ અમે કોની સાથે લડીએ ? અહીં તો અમારી તરવાર હવામાં ઉગામવા જેવું છે, કોઇ અમારી સામે જ થતું નથી, ઉલટા તેઓ પેાતાની પાસે હોય તે અમને સોંપી દે છે. અહીં અમે શું કરીએ ?”

રાજા ગુસ્સે થયો. સિપાઇઓને દાણા, ઘર વિગેરે બાળી નાખવાનો હુકમ કર્યો અને બોલ્યો “જો મારા હુકમ પ્રમાણે ન ચાલો તો હું તમને બધાને કતલ કરીશ.”

આ સાંભળી સીપાઇઓ બ્હીના અને હુકમ પ્રમાણે કરવા ચાલ્યા, તેઓ ઘરબાર બાળવા લાગ્યા છતાં તેઓ સામે ન થતાં નાના મોટા બધા રોવા લાગ્યા એને બોલ્યા તમે આમ શું કામ કરો છો ? અમારો માલ તમને જોઇએ તો લઇ જાઓ પણ નકામું નુકશાન ન કરો તો તમારો પાડ”

સિપાઇઓ પીગળી ગયા. તેઓએ લુંટફાટ કરવાની ચોખ્ખી ના પાડી, અને રાજાને છોડી ચાલતા થયા.


પ્રકરણ ૧૨ મું.


આમ સેતાન નાસીપાસ થયો. તેનુ સેનાપતિપણું મુરખરાજની રૈયત આગળ કામ ન આવ્યું, એટલે હવે ભાઇબંધ નાણાવટી બન્યો. તેણે મુરખાના રાજમાં નાણાવટીની દુકાન કહાડી નાણાંથી મુરખરાજને અને તેની રૈયતને હંફાવવાની તેણે આશા બાંધી.

સેતાન મુરખરાજ કને જઇ બોલ્યો “આપનું ભલું કરવા મારી ઉમેદ છે, હું આપની રૈયતને ડહાપણ શીખવવા માગું છું. એક કોઠી હું આપના રાજ્યમાં રહી સ્થાપવા ઇચ્છું છું ”

મુરખરાજે જવાબ આપ્યો “માર રાજમાં સુખેથી રહો, ને જે કંઇ ઠીક હોય તે કરો.”

બીજે દહાડે સેતાને ચૌટામાં જઇ માણસોને એકઠા કર્યાં. તેની પાસે મહોરોની થેલી હતી તે બોલ્યો.

“તમે લોકો ઢોરની માફક રહેતા જણાઓ છો, માણસને છાજે તેમ રહેતાં તમને બતાવું એ પ્રમાણે ઘર બાંધવામાં મને મદદ રો. મારી દેખરેખ નીચે તમારે કામ કરવું ને હું તમને મહેનતાણા બદલ સોનાની મહેારો અપીશ.

આટલું કહી તેને મહોરો બતાવી.

મહોરો જોઇ અચંબો પામ્યા. તેઓમાં નાણાનું ચલણ નહતું, તેઓ એક બીજાની સાથે માલનું સાટું કરતા, ખેડુતો દાણાઓથી કાપડીયા પાસેથી કાપડ લે, મજુર જોઇએ તો દાણો દઇ મજુરી લીએ. ‘આ કેવા ચકચકીત ચકતાં છે,’ એમ કહી તેઓ હસવા લાગ્યા

લોકોની આંખને ચકતાં ગમ્યાં તેથી તેઓ તો વગર વિયાર્યે પોતાનો માલ સેતાનને આપી મહોરો એકઠી કરવા લાગ્યા.

સેતાન રાજી થયો. તેણે વિચાર્યું “હવે મને લાગ મળ્યો છે. લોકોનો બધો માલ લઇ લઇશ ને તેઓને પાયમાલ કરી શકીશ.”

પણ સેતાનની ગણતરી ખેાટી પડી, લોકો કંઇ નાણું સમજીને મહોરો નહોતા લેતા, તેઓને મન તો સિક્કા તે રમકડાં હતાં તે બધી મહેારો પોતાનાં છોકરાં છૈયાંને આપી દેતા હતા. જ્યારે સિક્કાની છત થઈ એટલે લોકો તે લેતા બંધ પડી ગયા.

દરમીયાન સેતાનનો મહેલ પુરો ચણાતો ન હતો તેના કોઠારમાં તેને જોઈતો હતો, એટલો દાણો પણ એકઠો નહોતો થયો એટલે તેણે મજુર વિગેરેને બમણા સિક્કા આપવાનું કહ્યું.

મજુરો કે ખેડુત શાના આવે ! તેઓને સેતાનની મજુરી પેટને ખાતર કરવાની હાજત ન હતી. કોઇ વેળા છોકરાંઓ સેતાનની પાસે પહોંચી જાય ને થાડાં બોર આપી સિક્કા રમવાને સારૂ લઈ આવે. બોરથી કંઇ સેતાનનું પેટ ન ભરાય. એટલે સેતાનને તો છતે નાણે ખાવાના સાંસા પડવા લાગ્યા.

તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો ને તેણે મહોરો આપી ખાવાનું માગ્યું. સહુએ કહ્યું કે તેઓના પાસે રમકડાં પુષ્કળ હતાં એટલે ન જોઇએ.

એક ખેડુતને ત્યાં જતાં તેને નીચેનો જવાબ મળ્યો ભાઇ, મારે તારી મહોરો તો ન જોઈએ. પણ જો તું ભુખ્યો હોય તો ઇશ્વર પ્રીત્યર્થે તને ખાવાનું આપીએ.”

ઈશ્વરનું નામ સાંભળતાં જ સેતાન નાઠો. ઇશ્વરનું નામ જ્યાં લેવાય ત્યાં સેતાન ઉભો પણ શાનો રહે ? તે પછી ઇશ્વરને નામે કંઇ તે ખાવાનું લીએ ?

સેતાન હવે મુંઝાયો. પૈસા સિવાય બીજું તો તેની કને હોય શું ? કામનું તો નામ નહીં. જો મજુરી કરીને પેટ ભરે એવી સ્થિતિ હોય તો પછી સેતાન કેમ ગણાય ? હવે તે ગુસ્સે થયો ને બોલી ઉઠ્યો.

“તમે લોકો જાનવરથી પણ ખરાબ છો. અક્કલના તો બારદાન લાગો છો. પૈસાથી આખું જગત લેવાય પણ તમને તો ગમે તેટલા પૈસા આપું છતાં અસર નથી,”

લોકો બોલ્યા: “અમે તારા પૈસાને શું કરીએ ? અમારે કરવેરા નથી ભરવા પડતા.”

આમ સેતાન અનાજ વગર ભુખે દિવસ ગુજારવા લાગ્યો.


પ્રકરણ ૧૩ મું.


સેતાન ભુખે મરવા લાગ્યો એ વાત લોકોએ મુરખાને કહી, મુરખો બોલ્યો: “આપણે તેને ભુખે ન મરવા દેવો. બધાએ એક એક દિવસ ખાવાનું આપવું.”

સેતાન નિરુપાય થયો. તેને ભીખ કબુલ કરવી પડી એક દહાડો તે મુરખાને ઘેર વારા પ્રમાણે ખાવા આવ્યો (મુરખરાજને ત્યાં રાજા રૈયત વચ્ચે આવી બાબતમાં ભેદ ન હતો.) મુંગી ખાવાનું તૈયાર કરી હતી. મુંગી અનુભવી હતી; ઘણીવાર આળસુ લોકો કંઈ કામ કર્યા વિના વહેલા ખાઈ જતા, આથી મુંગી અકળાયેલી. માણસના હાથ ઉપરથી તે જાણતી કે માણસો મહેનતુ છે કે આળસુ. જેના હાથ ઉપર કોદાળીનાં આંટણ ન પડ્યાં હોય તેને આળસુ માની, આંટણવાળા માણસો જમી રહે તે પછી આળસુ માણસોને તે ખાવાનું દેતી.

હવે મુંગીએ સેતાનનો હાથ જોયો. તે તો લીસા ને આંટણ વિનાના હતા. એટલે મુંગીએ તેને ઇશારો કરી સમજાવ્યું કે તેને મજુરો ખાઇ લેશે પછી ખાવાનું મળશે.

મુંગીની માયે સેતાનને સમજ પાડી. સેતાન શરમાયો, ને નારાજ થઈને બોલ્યો: “તમારો કાયદો ! આંધળો લાગે છે. બધા માણસોએ અંગમહેનત કરવી જોઇએ એવું તો મેં તમારા રાજમાં જ જોયું. શું તમે એમ માનો છો કે અક્કલવાન માણસોએ પણ મજુરી કરવી પડે ?

મુરખરાજ બોલ્યો: એ તો મને ખબર ન પડે. અહીં તો બધું કામ હાથે ને પગે થાય છે.

સેતાને કહ્યું: “માણસો અક્કલ વિનાના છે તેથી જ. તો પણ મગજશક્તિથી કેમ કામ કરવું એ હું તમને બધાને શીખવી શકું છું પછી તમને માલમ પડશે કે હાથ પગ વડે કામ કરવા કરતાં મગજ વડે કામ કરવું એ વધારે ફાયદાકારક છે.”

મુરખરાજ તાજુબી પામ્યો ને બોલ્યો: “ત્યારે તો હું મુરખ કહેવાઉં છું એમાં કંઈ ખોટું નહીં.”

સેતાને પોતાનુ ભાષણ જારી રાખ્યું: “પણ એટલું યાદ રાખવું કે મગજથી કામ કરવું એ સહેલું નથી. મારા હાથ ઉપર આંટણ નથી તેથી તમે લોકો મને આળસુ ગણી બીજાની પછી ખાવાનું આપો છો. તમે ખાતરીથી માનજો કે હાથથી કામ કરવા કરતાં મગજથી કામ કરવું એ સો ગણું મુશ્કેલ છે. કેટલીક વાર મગજ ચીરાઈ જાય છે.”

મુરખરાજ વિચારમાં પડ્યો ને બોલ્યો “એમ છે તો એટલી તકલીફ શાને સારૂ વેઠો છો ભાઇ ? માથું ચીરાય એ કંઇ ઠીક લાગતું હશે ? હાથ પગ વતી સહેલું કામ કરવું એ ઠીક નહીં ?

સેતાન બોલ્યો: “હું એટલી તકલીફ તમો લોકોને સારૂ ઉઠાવું છું, જો હું તેમ ન કરૂં તો તમે બધા સદાયના મુરખા રહો મુરખને જ્ઞાન આપવું એ જ અમારા જેવા માણસોનું કામ છે, તેથી અમે પરમાર્થી કહેવાઈએ છીએ. મને મગજથી કામ કરતાં આવડે છે તે બધું તમને બધાને શીખવવા તૈયાર છું.”

મુરખ વધારે વિચારમાં પડ્યો તે બોલ્યો “ત્યારે તો, ભાઇ અમને જરૂર શીખવ, અમારા હાથ પગ થાકશે ત્યારે અમે મગજનો ઉપયાગ કરીશું.”

સેતાને શીખવાનું વચન આપ્યું, મુરખરાજે લોકોમાં જાણ કરી કે એક ગૃહસ્થે લોકોને મગજવતી કામ કરતાં શીખવશે, જ્યારે તેઓના હાથ પગ ભાંગે ત્યારે મગજ વાપરવું ને મગજથી વધારે કામ થાય છે એમ તે ગૃહસ્થ કહે છે.

મુરખરાજના ગામમાં એક ઉંચો મીનારો હતો. તેને ઉંચી ને સીધી સીડી હતી. તે મીનારા ઉપર સેતાનને મુરખે મોક્લ્યો કે જેથી બધા લોક તેને જોઈ શકે ને સાંભળી શકે.

સેતાન અગાસીએ ચઢ્યો. લોકો તેને જોવા ને સાંભળવા આવ્યા. લોકોના મનમાં તો એમ હતું કે હાથને બદલે મગજ કેમ વાપરવું તે કંઇક કળા કરી સેતાન શીખવશે. તેને બદલે સેતાને તો ભાષણ શરૂ કર્યું. ને લોકો અંગ મહેનત કર્યા વગર કેમ નભી શકે એ બોલવા લાગ્યો. લોકો તો આ બધું ન સમજ્યા. થાકીને પોતપોતાને કામે ચઢ્યા.

સેતાન તો બરાડા પાડ્યા જ કરે. આવતા જતા લોકો સાંભળે ઉંચે જુવે ને ન સમજે એટલે ચાલતા થાય. અગાશી ઉપર ખાવાનું હતું નહીં. સહુના મનમાં હતું કે મગજથી કામ કરી સેતાન પોતાના ખાવાનો બંદોબસ્ત કરતો હશે એટલે કોઈને ખાવાનું પહોંચાડવાનું ન સુજ્યું.

મુરખરાજે પુછાવ્યું: “કેમ પેલા ગૃહસ્થે મગજવતી કામ કરતાં શીખવ્યું કે ?”

લોકો બોલ્યા “ના જી, તે તો હજુ બોલ બોલ કર્યા કરે છે.”

બોલતો બોલતો સેતાન થાક્યો. ભુખથી નબળો પડ્યો. તે લથડ્યો ને અગાસીની દીવાલ સામે તેનું માથું પછાડ્યું. આથી લોકોને લાગ્યું કે ગૃહસ્થે મગજથી કામ કરવાનું શરૂ કર્યું. મુરખરાજને ખબર મળી કે ગૃહસ્થ હવે મગજવતી કામ કરવાનું બતાવવા લાગ્યો છે.

આ સાંભળી મુરખ મીનારા પાસે આવ્યો, મુરખ પહોંચ્યો ત્યારે તો સેતાન તદ્દ‌ન લેવાઇ રહ્યો હતો તેથી તેનું માથું પછ્ડાયા જ કરતું હતું. તે ઉતરવા ગયો પણ પગમાં જોર નહીં તેથી તે પગથીએ પગથીએ માથું પછાડતો નીચે પડ્યો.

મુરખ બોલ્યો: “ગૃહસ્થ કહેતો હતો એ વાત તો ખરી. તે કહેતો હતો કે કેટલીકવાર મગજવતી કામ કરતાં તે ચીરાઈ જાય છે, આ તો હાથમાં આંટણ પડે તના કરતાં પણ ખરાબ કહેવાય. આવી રીતે કામ કરતાં તો માથા ઉપર મોટાં ઢીમડાં ઉઠશે.”

મુરખ તેની પાસે જઇ તેણે કર્યું તે તપાસવા જતો હતો. પણ સેતાન જેવો નીચે પડ્યો. કે તુરત ધરતીમાં સમાઇ ગયો ને માત્ર તે જગ્યાએ ખાડો જોવામાં આવ્યો.

મુરખરાજ હવે સમજ્યો કે સેતાન પડ્યો તે કંઇ કામ કરતા નહીં, પણ તમરી ખાવાથી પછડાયો. તે બોલ્યો: “આ તો પેલા ગુલામ આવેલા તેનો બાપ જણાય છે.”

આમ સેતાનનું મુરખાની પાસે બળ ન ચાલ્યું. મુરખરાજના રાજ્યમાં તો ઘણા સારા માણસો એકઠા થવા લાગ્યા. તેના બંને ભાઇ તેને શરણે આવ્યા. તેઓ મુરખાની સાદી પણ ભવ્ય રહેણીનું રહસ્ય સમજ્યા. તેઓએ પણ તેની સાદાઇ પકડી, ને સહુ નીતિ ધર્મ સાચવી, સત્યનું સેવન કરી અંગ મહેનત કરી સુખેથી કાળ ગુજાવા લાગ્યા.

સમાપ્ત.