મહાદેવભાઈનું પૂર્વચરિત/ખેલદિલી અને વિનોદવૃત્તિ

વિકિસ્રોતમાંથી
← રમતગમતનો શોખ નહીં મહાદેવભાઈનું પૂર્વચરિત
ખેલદિલી અને વિનોદવૃત્તિ
નરહરિ પરીખ
અભ્યાસપરાયણતા →





ખેલદિલી અને વિનોદવૃત્તિ

વળી એમને રમતો નહી આવડતી અને રમતોનો શોખ પણ નહોતો છતાં જેને ખેલદિલી (સ્પૉર્ટ્સમેનશિપ) કહે છે તે એમનામાં પૂરેપૂરી હતી. કોઈનો દોષ જોવાની તો તેમને આદત જ ન હતી. બીજાના ગુણ જોવા અને એ ગુણ ગ્રહણ કરવા તેઓ હમેશાં તત્પર રહેતા. નકામા ટોળટપ્પા અથવા કૂથલીમાં તેઓ કદી પોતાની એક મિનિટ પણ બગડવા દેતા નહીં એ અર્થમાં એ ગંભીર પ્રકૃતિના કહેવાય પણ તેમનો સ્વભાવ એટલો વિનોદી હતો અને ગમે તેવા મહત્ત્વનાં કામ કરતી વખતે પણ તેમાં અનાયાસે, અને સહજ રીતે એ વિનોદ ભેળવી દેવાની તેમનામાં કળા હતી કે ભારે કામ ચાલતું હોય ત્યારે પણ જાણે વિનોદ ચાલતો હોય એવું આનંદ અને ઉત્સાહનું વાતાવરણ પોતાની આસપાસ તેઓ જમાવતા.

આશ્રમમાં શરૂઆતના દિવસોમાં અમારા ફળિયામાં કાકાસાહેબ, કિશોરલાલભાઈ, મહાદેવભાઈ, છગનલાલ ગાંધી, પંડિતજી ખરે અને મારું એમ અમારાં મકાન હારોહાર હતાં. ગમે તેટલું કામ હોય પણ અમારે ત્યાં સંગીત — શાસ્ત્રીય તેમ જ સાદુ — સાહિત્યચર્ચા, કળાવિવેચન અને વાર્તાવિનોદનું વાતાવરણ જામેલું રહેતું. અને તેમાં હાસ્યના હમેશાં જાણે કુવારા ઊડતા. જેણે બાપુજીને  નજરે ન જોયા હોય અને કેવળ એમના આદર્શોનું જ સાંભળ્યું હોય — કારણ બાપુજી પાસે પણ ભારે કામોમાં અને ગંભીર પ્રસંગોમાંચે હાસ્યવિનોદ ચાલતા જ રહેતા — તો જે અમારા ફળિયામાં આવીને જુએ તો એને શંકા જાય કે આ બધું આશ્રમજીવન સાથે સુસંગત હશે કે કેમ ? આશ્રમના બીજા ભાગમાં રહેતાં એક બહેન, જેમના પતિ શાંત સ્વભાવના અને ઓછાબોલા હતા, તેઓ ઘણી વાર એમના પતિને કહેતાં કે તમે આખો દિવસ કામ કામ કરો છો પણ પેલા ફળિયામાં બધાં રહે છે તે કામ નહીં કરતાં હોય ? પણ આપણે ત્યાં જઈએ ત્યારે કેવું ‘ગેાકળપરી’ (ગોકુળપુરી) જેવું લાગે છે. આ ઉપમાને યોગ્ય અમારું ફળિયું થયું હોય તો તેમાં મહાદેવનો ફાળો બહુ મોટો હતો. જે વિનોદ ન કરી શકે અથવા ન સમજી શકે, તેમ રસસ્વાદ ન માણી શકે, વસ્તુ સાનમાં ન સમજી જાય, એવાઓને માટે મહાદેવ ‘ઠોળ’, ‘જડો’ તથા ‘બાઘો’ શબ્દ પણ વાપરતા. એમની સાથે કામ કરવામાં પૂરતી હોશિયારી ન બતાવે, નકામી નકામી વાતો બાપુજી પાસે લઈ જઈ તેમનું માથું પકવે અથવા બાપુની સૂચનાઓ અને યોજનાઓ બરાબર સમજ્યા વિના, તેનો અમલ શી રીતે થશે તથા તેનાં પરિણામ કેવાં આવશે એ બધાનો વિચાર કર્યા વિના તેમાં ઝટઝટ હા ભણે, એવાઓ પણ તેમનાં આ વિશેષણોને પાત્ર થતા. પ્રો. બ. ક. ઠાકોરે એક સ્થળે ટીકા કરી છે કે મહાદેવ દેસાઈ જેવા વ્યુત્પન્ન લેખક પણ સુંદર, અદ્‌ભુત જેવાં અતિશય પ્રશંસાવાચક વિશેષણો ગમે ત્યાં વાપરી સસ્તા કરી મૂકી એ શબ્દોની કિંમત  ઘટાડે છે. એ ટીકા આ ‘ઠોળ’ વગરે શબ્દોને પણ લાગુ પડે એવી છે. આ નિંદાવાચક વિશેષણો એટલી નિંદાને પાત્ર ન હોય તેવા માણસો માટે, તેમ જ એટલી નિંદા કરવાની જરૂર ન હોય તેવા પ્રસંગોએ પણ તેઓ વાપરતા. એટલું ખરું કે વિશેષે ગુણગ્રાહી હોઈ મહાદેવભાઈ સ્તુતિ વધારેપડતી કરતા ત્યારે દિલના સાચા ભાવથી કરતા અને નિંદા કરવાની તો એમને ટેવ જ નહોતી એટલે એનાં વિશેષણો બહુ હળવાભાવથી, વિનોદમાં અને તે પણ મુખ્યત્વે નિકટના મિત્રો માટે જ વાપરતા.