મહાદેવભાઈનું પૂર્વચરિત/બાપુજી સાથે ચંપારણ ગયા

વિકિસ્રોતમાંથી
← બાપુજીએ મહાદેવને માગી લીધા મહાદેવભાઈનું પૂર્વચરિત
બાપુજી સાથે ચંપારણ ગયા
નરહરિ પરીખ
સારવાર કરનાર અને દરદી તરીકે →




૧૯
બાપુજી સાથે ચંપારણ ગયા

ઉપરની વાતચીત થઈ ગયા પછી મહાદેવનું ચિત્ત બીજા કશામાં ચોંટે એમ હતું જ નહીં. નવેમ્બર મહિનામાં ગોધરામાં પહેલી ગુજરાત રાજકીય પરિષદ મળી. ત્યાં તેઓ દુર્ગાબહેનને લઈને બાપુને મળવા આવ્યા. બાપુએ કહ્યું કે : તમે બંને થોડો વખત મારી સાથે ફરો, પાકો નિર્ણય પછી કરજો. એટલે ગોધરાથી સીધા બાપુજી ચંપારણ જવાના હતા એ પ્રવાસમાં તેઓ બંને બાપુની સાથે થયાં.

પિતાશ્રીના બે વાંધા

મહાદેવ બાપુજી સાથે જોડાય તેમાં મહાદેવના પિતાશ્રીને બે વાંધા હતા. એક તો, તેમને લાગતું કે મહાદેવનું શરીર બહુ નાજુક છે. એણે કોઈ દિવસ કશું મહેનતમજૂરીનું કામ કરેલું નથી. અને ગાંધીજીની સાથે તો બહુ મહેનતુ અને ખડતલ જીવન ગાળવું પડે તેમાં મહાદેવનું શરીર શી રીતે ટકે ? બીજું તેમને એમ લાગતું કે સમાજમાં કોઈ માનમરતબાનું સ્થાન મેળવ્યા પછી આવામાં પડે તેની જ કિંમત છે. જિંદગીની શરૂઆતમાં આવામાં પડે તેને પાછળથી પસ્તાવું પડે છે. બાકી કમાવાની અને ધનસંચયની તેમને બહુ પડી ન હતી. એક દિવસ મહાદેવને ઘેર અમે બધા બેઠાબેઠા ચા પીતા હતા. મહાદેવના પિતાશ્રીના એક મિત્ર તેમાં હતા. ઘરમાં અમે જ્યાં બેઠા હતા ત્યાંથી એક મિલમાલિકની હવેલી દેખાતી હતી. પિતાશ્રીના મિત્ર મહાદેવને કહે : “તું કમાઈને આવી હવેલી બંધાવે ત્યારે મારા જીવને ટાઢક વળે. પિતાશ્રીએ કહ્યું : ભાઈ, આપણે એવી હવેલીબવેલી કાંઈ જોઈતી નથી, આપણાં ખોરડાં રાજ કરે. એ હવેલીમાં રહેનારાંનાં જીવન કેવાં હોય છે અને એ લોકો કેવાં સુખી કે દુઃખી હોય છે તેની આપણને શી ખબર પડે ? માટે આ જ સ્થિતિમાં આબરૂભેર આપણે જીવન ગાળીએ એમાં મને તો પૂરો સંતોષ છે. એટલે પિતાશ્રીને વાંધો ધનનો નહીં પણ બીજા કારણોએ જ હતો. મહાદેવ પિતાશ્રીને એમ સમજાવતા કે : ગાંધીજીની પાસે જઈને મારે ક્યાં મોટા નેતા થવું છે ? મારે તો છાયા જેવા જ રહેવું છે. એમની સાથે ફરવું છે, ઘડાવું છે ને શિક્ષણ લેવું છે. મારે નેતા થવું હોય તો વિચાર કરવાનો રહે. અને ગાંધીજીને તો સ્ટેટસ (માનમરતનબો) મળી ગયેલું છે. એટલે મારે વિચારવાનું છે જ નહીં.

બાપુજીને ચરણે બેસી ગયા

ચંપારણમાં ફરી આવ્યા પછી પિતાશ્રીના આશીર્વાદ મેળવવા મહાદેવ એમની સાથે દિહેણમાં રહ્યા. તે વખતે હું બાપુજી સાથે ચંપારણમાં હતો. એક દિવસ મહાદેવનો તાર આવ્યો : હું અને દુર્ગા આવીએ છીએ. હું એમને સ્ટેશન પર લેવા ગયો પણ એ આવ્યા નહીં. પાછો આવ્યો ત્યારે બાપુજીએ મહાદેવનો તાર બતાવ્યો કે : પિતાશ્રીનું મન બહુ દુભાય છે તેથી ખૂબ ઈચ્છા હોવા છતાં આપની સાથે જોડાઈ શકતો નથી. આ પ્રમાણે તાર કર્યો તો ખરો, પણ તાર મોકલ્યા પછી મહાદેવની દુઃખી હાલત પિતાશ્રીથી જોઈ ગઈ નહીં, એટલે એમણે આશીર્વાદ સાથે રજા આપી. એટલે ત્રીજે દિવસે ફરી તાર આવ્યો કે : પિતાશ્રીના આશીર્વાદ મેળવ્યા છે અને આવું છું. હું એમને સ્ટેશન ઉપર લેવા જતો હતો ત્યારે બાપુજી મને કહે : ‘નરહરિ, ફરી પાછો તાર આવે કે નથી આવતો તો કેવી મઝા થાય ?’ મેં જવાબ આપ્યો કે : ના, આજે તો મહાદેવ જરૂર આવશે. તે દિવસે મહાદેવ અને દુર્ગાબહેન આવ્યાં અને ત્યારથી મહાદેવનો દેહાંત થયો ત્યાં સુધી બાપુજીમાં લીન થઈ જઈને એ રહ્યા. એમને તો એમાં એ જાતના જીવનસાફલ્યનો આનંદ અને સંતોષ હતો. પણ દુર્ગાબહેનનું શું ? એમને જોકે દુનિયાના મોજશોખ અને વૈભવની લોલુપતા નહોતી. આ નવા જીવનમાં પણ હમેશાં મહાદેવની સાથે રહેવાનું મળે તો એથી વધારે કશું એમને જોઈતું નહોતું. પણ મહાદેવને તો કાયમ બાપુ સાથે ફર્યા કરવાનું. સાથે લઈ જઈ શકાય એમ હોય ત્યાં તો બાપુજી દુર્ગાબહેનને સાથે લઈ જતા પણ એવું બહુ ઓછું બનતું. ચંપારણમાં મોતીહારીમાં અમે બધાં થોડો વખત સાથે રહ્યાં પછી મહાદેવ બાપુજીની સાથે કલકત્તાની કૉંગ્રેસમાં ગયા. હું અને મારી પત્ની પહેલેથી નક્કી થયા પ્રમાણે એક ગામડામાં શાળા ચલાવવા અને ગામસફાઈનું કામ કરવા ગયાં. આનંદીબાઈ નામનાં એક કાર્યકર્તા બહેન સાથે શાળાનું અને બીજું કામ કરવા દુર્ગાબહેન બીજા એક ગામડામાં ગયાં. ત્યારથી જ મહાદેવથી વિખૂટા રહેવાની શરૂઆત થઈ. સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટરનું કામ, સતત ફરતા રહેવાને અને ગૃહજીવન ન ગાળી શકવાને કારણે તો કંટાળીને મહાદેવે છોડી દીધું હતું. આ કામ જુદું, બહુ ઊંચી જાતનું, જીવનના અનન્ય અને દુર્લભ લહાવાનું હતું પણ ગૃહજીવન તથા દુર્ગાબહેનની દૃષ્ટિએ તો સ્થિતિ એના જેવી જ હતી. ચંપારણથી સાબરમતી આવ્યાં ત્યારે પણ બાપુ જ્યારે આશ્રમમાં આવે ત્યારે મહાદેવભાઈ આવે. વળી જ્યારે આવે ત્યારે સાથે મહેમાનો તો હોય જ. એ બધા આવ્યા હોય બાપુની સાથે, પણ એમને રહેવાનું ગમે મહાદેવની સાથે. આમ ગૃહસ્થાશ્રમનો આતિથ્યધર્મ બજાવવાનો લાભ દુર્ગાબહેનને મળતો અને તે સહર્ષ બહુ સારી રીતે બજાવતાં, પણ પતિના સાહચર્યથી તો તેમને વંચિત જ રહેવું પડતું. કવિ નાનાલાલના કાવ્યની નીચેની પંક્તિઓ તેમને ખરેખરી લાગુ પડતી અને દુર્ગાબહેન એ ઘણી વાર ગાતાં પણ :

પાનાં પ્રારબ્ધનાં ફેરવું ને
માંહી આવે વિયોગની વાત જો,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

આમ એમનું દાંપત્યજીવન કઠોર તપશ્ચર્યામય બની ગયું.