મહાદેવભાઈનું પૂર્વચરિત/લગ્ન

વિકિસ્રોતમાંથી
← સુરત હાઈસ્કૂલમાં મહાદેવભાઈનું પૂર્વચરિત
લગ્ન
નરહરિ પરીખ
મુંબઈ પ્રયાણ →




લગ્ન

મહાદેવનાં લગ્ન ૧૯૦૫માં અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં ભણતા ત્યારે થયેલાં. મહાદેવભાઈ કરતાં દુર્ગાબહેન એકાદ વરસે નાનાં છે. એમનું પિયર નવસારી પાસે કાલિયાવાડમાં. એમના પિતાશ્રી ખંડુભાઈ લલ્લુભાઈ દેસાઈ કેળવણી ખાતામાં ડેપ્યુટી ઈન્સપેક્ટર હતા. મહાદેવનું કુટુંબ કુળવાન તો ગણાય, પણ સ્થિતિ ગરીબ. ખંડુભાઈ રહ્યા કેળવણી ખાતાના એટલે શાળામાં જઈને છોકરો કેવો છે તેની તપાસ કરી. બધા શિક્ષકો એ કહ્યું કે છોકરો ભારે હોશિયાર અને સુંદર છે. દુર્ગાબહેન તો મોહિત પછી થવાનાં હતાં પણ એમના પિતાશ્રી તો મહાદેવભાઈને જોઈ ને જ મોહિત થઈ ગયા, અને આર્થિક સ્થિતિનો કશો વિચાર કર્યા વિના, ‘વરમાંથી ઘર થાય’ એ ન્યાય સ્વીકારી એમણે તો નિશ્ચય પાકો કરી નાખ્યો. ખંડુભાઈ શ્રેયઃસાધક અધિકારી વર્ગના સ્થાપક નૃસિંહાચાર્યના શિષ્ય હતા, અને એમનું કુટુંબ પણ ભગત કહેવાતું. જોકે એ સાચા અર્થમાં ભક્ત હતા. દુર્ગાબહેનનું શાળાનું ભણતર ગુજરાતી છ ચોપડી સુધીનું થયેલું, પણ નાનપણમાં જ શ્રેયઃસાધક વર્ગની ચોપડીઓ અને બીજા ભજનો પણ ઘણાં વાંચેલાં. આપણે આગળ જોઈશું કે મહાદેવભાઈમાં પણ ભક્તિના સંસ્કાર ઊંડા પડેલા હતા, એ રીતે અનાયાસે, કશી પસંદગી કરવા ગયા વિના સુયોગ્ય જોડું મળી ગયું.

દુર્ગાબહેન કહે છે કે પરણીને સુરતથી દિહેણ જતાં માફામાં અમારી સાથે બે ભાભીઓ બેઠેલી હતી. મહાદેવ બોલવામાં અને વાર્તાવિનોદ કરવામાં પહેલેથી જ ચબરાક હતા. એટલે એમણે આખે રસ્તે ભાભીઓ સાથે ઠઠ્ઠામશ્કરી કરેલાં. એ સાંભળીને દુર્ગાબહેનને મનમાં થતું કે આવી વાતો શું કરતા હશે ? ભાભીઓ કહે: “નહોતા પરણવાના ને કેમ પરણ્યા ? ચોરીમાંથી ઊઠીને નાસી જવાના હતા ને કશું બોલ્યા ચાલ્યા વિના ફેરા તો ફર્યા ?” મહાદેવભાઈ કહે, “પણ મને વહુ ના ગમે તો હું નહોતો પરણવાનો ને ? આ તો મને ગમી ગઈ એટલે શાનો ના કહું કે ઊઠી જાઉં ?” આવા વિનોદો ઉપરાંત આખે રસ્તે ભાભીઓની તરેહતરેહની મશ્કરીઓ પણ કરે. દુર્ગાબહેન શ્રેયઃસાધક વર્ગના ચોખલિયા વાતાવરણમાં ઊછરેલા એટલે આવા નિર્દોષ પણ ગ્રામીણ લાગતા વિનોદમાં એમને અસંસ્કારિતા અને અસભ્યતા લાગી. પછી જ્યારે ઘર આગળ માફો પહોંચ્યો અને ઊતરવાનું કહ્યું ત્યારે માટીનું ખોરડું જોઈને પહેલાં તો આ ઘર આપણું હશે જ નહીં, આ તો કોઈ દૂબળા કે કોળીનાં ઝૂંપડાં હશે એમ થયેલું. આ પ્રથમ છાપ છે. પછી તો જે રીતે બધાં સાસરિયાં એમની સાથે વર્ત્યાં અને ઘરના સંસ્કારનો પણ અનુભવ થયો એટલે એ છાપ તરત ભૂંસાઈ ગઈ.