મહાન સાધ્વીઓ/સાધ્વી ઇલિઝાબેથ

વિકિસ્રોતમાંથી
← સાધ્વી ઝુબેદા ખાતુન મહાન સાધ્વીઓ
સાધ્વી ઇલિઝાબેથ
શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર
૧૯૨૯
સાધ્વી કેથેરિન →





साध्वी इलिझाबेथ


૧ – જન્મ અને વિવાહ

ઇલિઝાબેથ હંગરીનાં રાજકન્યા હતાં. તેમનો જન્મ ઈ. સ. ૧૨૦૭ માં થયો હતો. તેમના સ્નેહમય પિતા એન્ડ્રુ હંગરીના રાજા હતા. પરંતુ રાજ્યાસન ઉપર બિરાજવા છતાં પણ એમના પવિત્ર ચારિત્ર્ય તથા સહનશીલતા માટે લોકો એમનાપ્રત્યે અતિશય શ્રદ્ધા પ્રકટ કરતા હતા. રાણીનું જીવન ધર્માચરણથી વિભૂષિત હતું. એ રાજવંશમાં કેટલાક સાધુપુરુષો જન્મ્યા હતા. રાજમહેલના વાતાવરણમાં હજુસુધી એ પૂર્વજોના જીવનકુસુમની સૌરભ આવ્યા કરતી. એ બધા સાધુપુરુષોના પુણ્યના ફલરૂપેજ જાણે ઇલિઝાબેથ હૃદયમાં સ્વર્ગની મધુરતા લઇને કોઈ એક પવિત્રતાના દેશમાંથી આ સંસારમાં ઉતરી આવ્યાં હતાં.

એ રાજકુમારીના જન્મવિષે એક ઘણી આશ્ચર્યકારક કથા પ્રચલિત છે. ઇ. સ. ૧૨૦૬ માં સેકસનીની રાજસભામાં એક પંડિત આવ્યો હતો. એ વખતમાં મનુષ્યોને અલૌકિક વસ્તુઓ તથા ચમત્કારો ઉપર ઘણો વિશ્વાસ હતો. બધાને વિશ્વાસ હતો કે, આ પંડિત અનેક પ્રકારની અદ્‌ભુત કથા કહી શકે છે. એટલા માટે રાજ્યના અસંખ્ય લોકો કાંઇક આશ્ચર્યકારક વાત એ પંડિતને મુખે સાંભળવા સારૂ એની પાસે આવ્યા. પંડિતે ગંભીર સ્વરે કહ્યું કે “મારી પાસે તમે કોઈ નવી વાત સાંભળવા માગો છો, તો લ્યો ત્યારે સાંભળો. હંગરીમાં એક ઉજ્જ્વળ નક્ષત્ર ખીલી નીકળશે. તેના પ્રકાશથી તમારો આખો દેશ ઝળકી ઉઠશે અને ત્યારપછી થોડાક દિવસમાં રાજા એન્ડ્રુના ઘરમાં એક બાલિકા જન્મ ગ્રહણ કરશે. એ કન્યાની આધ્યાત્મિક શક્તિની કથા દેશવિદેશમાં પ્રસરી જશે. એ પોતાના ધર્મજીવનદ્વારા ખ્રિસ્તી જગતમાં પ્રકાશ, આનંદ અને આશા લાવશે.”

એ પંડિતની ભવિષ્યવાણી પછીજ ઇલિઝાબેથનો જન્મ થયો હતો. રાણીએ નાની બાલિકાને યત્નપૂર્વક ધર્મની સહેલી સહેલી વાતો શીખવવા માંડી. બીજા છોકરાંઓને દુનિયાની વાતો સાંભળ્યાથી જેટલો આનંદ થતો તેટલો આનંદ નાની ઇલિઝાબેથને બાઇબલ ના સુમિષ્ટ ઉપદેશો તથા ઈસુ ખ્રિસ્તના પવિત્ર જીવનની કહાણી સાંભળીને થતો. એ સમયે તેમના સરળ હૃદયમાં કરુણાનો ભાવ ભરાઈ આવતો, એ કોઇનું પણ દુઃખ સહન કરી શકતાં નહિ. ભિખારીઓ રાજકુમારીની આગળ આવીને કરુણ સ્વરે પોતાનાં દુઃખની કથા કહેતાં ત્યારે બાલિકાની બન્ને આંખોમાંથી દડદડ આંસુની ધારા પડતી. અતિ અલ્પ વયમાંજ બાલિકા બે હાથ જોડીને પ્રાર્થના કરતાં શીખી હતી. લોકો એ બધું જોઈને તથા તેની સાથે વાતચીત કરીને કહેતાં કે, ત્યારે શું આ રાજકુમારી ઇલિઝાબેથ સાચેસાચ દેવકન્યા હશે ?

અમે ઉપર સેક્સની રાજ્યનો ઉલ્લેખ કરી ગયા છીએ. હારમેન એ રાજ્યનો પ્રતાપી અને ધાર્મિક રાજા હતો. હંગરીની રાજકુમારી વિષે સંભવિત અને અસંભવિત ઘણી વાતો એના કાને પડી હતી; એટલે એ કન્યાને પુત્રવધૂતરીકે પોતાના ઘરમાં લાવવાની તેને વ્યાકુળતા થઈ. રાજકુમાર લૂઈ નિર્મળ અને મધુર સ્વભાવને લીધે રાજ્યમાં સર્વનો પ્રીતિપાત્ર થઇ પડ્યો હતો. તેની સાથે ઇલિઝાબેથનો વિવાહ થયાથી મણિકાંચન યોગની પેઠે એ લગ્ન પણ અતિશય જુગતું અને સુંદર થશે, એમ સમજીને તેણે રાજા એન્ડ્રુની પાસે વિવાહનું માગું કરવા સારૂ પ્રતિષ્ઠિત માણસોને મોકલી આપ્યા. એમની સાથે કેટલીક મોટા ઘરની સ્ત્રીઓને પણ મોકલવામાં આવી. સગાઈ નક્કી થઈ જાય એટલે તેઓ રાજકુમારીને ઘણી ધામધૂમ સાથે સેક્સનીમાં લઇ આવે એવી સૂચના એમને આપવામાં આવી હતી. એ વખતે રાજપરિવારમાં વિવાહની અદ્‌ભુત રીત ચાલતી હતી. રાજકુમાર અને રાજકુમારીની સગાઈ બાલ્યવસ્થામાં થઈ હોય, તો પ્રથમ વાગ્દાન થતું. ત્યારપછી રાજકુમારી ભાવી સાસરાના પરિવારમાં જઈ વાસ કરતી. જ્યારે વરકન્યા લગ્ન કરવા યોગ્ય વયનાં થતાં, ત્યારે બન્નેનું લગ્ન કરવામાં આવતું.

રાજા હારમેનનાં મોકલેલાં સ્ત્રી-પુરુષો હંગરીમાં જઈ પહોંચ્યાં તથા રાજા અને રાણી આગળ વિવાહનો પ્રસ્તાવ રજુ કર્યો. એ ઘણો ઉત્તમ પ્રસ્તાવ હતો. સેક્સનીનો રાજકુમાર ઈલિઝાબેથને યોગ્ય પાત્ર હતો; એટલે તે વિષયમાં રાજાને આનાકાની કરવાનું કાંઇ કારણ નહોતું.પરંતુ હાય ! સ્નેહમુગ્ધ પિતા હૈયાને કઠણ કરીને બાળકન્યાને તેની માતાથી વિખૂટી પાડીને અજાણ્યા લોકોમાં કેવી રીતે મોકલી શકે ? સ્નેહની પ્રતિમારૂપ એ બાલિકાએ તેના હૃદય ઉપર પુષ્કળ અધિકાર જમાવ્યો હતો. એ કન્યા વગર એનું મન સ્થિર કેવી રીતે રહી શકશે ? જે વીરનું હૃદય રણક્ષેત્રમાં શત્રુની તીક્ષ્ણ તલવાર જોઇને પણ ડગતું નહિ તે આજ કન્યાને દૂર દેશાવર મોકલવાના વિચારથી વિષાદને લીધે અધમુઓ થઈ ગયો. પરંતુ બુદ્ધિમતી રાણીએ રાજાને કહ્યું કે “આ માગું કોઈ રીતે પાછું કાઢી શકાય એવું નથી. ઈલિઝાબેથને માટે આવો વર તથા આવું ઘર ફરી ક્યાંય પણ મળનાર નથી.”

રાણીના ઘણા આગ્રહને લીધે રાજાએ પણ એ વિવાહના પ્રસ્તાવને સંમતિ આપી. એ શુભ પ્રસંગે રાજપરિવારમાં અનેક દિવસ સુધી જમણવાર અને આનંદોત્સવ થયાં. ત્યારપછી રાજાએ રત્નમણિભૂષણથી સુસજ્જિત કન્યાને સેક્સનીના એક મુખ્ય પુરુષની સન્મુખ હાજર કરીને કહ્યું કે “હું મારા જગતમાંનું સર્વોત્તમ રત્ન આજ તમારા હાથમાં અર્પણ કરૂં છું.”

એ સદ્‌ગૃહસ્થે માથું નમાવીને રાજકુમારીને ગ્રહણ કરી. તેના અને તેની સાથે આવેલાં સ્ત્રી પુરુષોનાં હૃદયમાં આનંદ ઉભરાઈ ગયો. તેઓ રાજકુમારીને લઇને પોતાના રાજ્યમાં જઈ પહોંચ્યાં.

નાની બાલિકા ઇલિઝાબેથને રાજા હારમેન અને રાણી સોફિયાની સન્મુખ ઉપસ્થિત કરવામાં આવી. તેઓએ ઈશ્વરને ધન્યવાદ આપીને એ રાજકુમારીનો સ્વીકાર કર્યો. રાજા પ્રફુલ્લનયને બાલિકાના કરુણ અને નિર્મળ મુખકમળ તરફ જોઈને સ્થિર રહી શક્યો નહિ. તેણે બાલિકાને ખોળામાં લઈને સઘળું વાત્સલ્ય તેના પ્રત્યે દર્શાવ્યું. એક દિવસ બાદ રાજ્યના સંભાવિત ગૃહસ્થોને રાજમહેલમાં એકઠા કરીને તેમની સન્મુખ રાજકુમાર લૂઈની સાથે ઇલિઝાબેથના વાગ્દાનનો સંસ્કાર યથાવિધિ કરવામાં આવ્યો.

વૃક્ષની ડાળી ઉપરથી તોડવામાં આવેલું કુસુમ જેવી રીતે વૃક્ષના સ્નેહથી વંચિત બને છે, તેવી રીતે બાલિકા ઇલિઝાબેથ માતપિતાના સ્નેહથી વંચિત થઈ ખરી, પરંતુ રાજા હારમેનના હૃદય ઉપર તેણે ઘણો અધિકાર જમાવ્યો. ધાર્મિક રાજા દિનપ્રતિદિન રાજકુમારીની સરળતા, સ્વાભાવિક ધર્મવિશ્વાસ, ઈશ્વર પ્રતિ પ્રેમ અને દુઃખીઓ પ્રતિ દયા જોઈને તેને ઘણું ચાહવા લાગ્યો. રાજા પોતે તથા તેની એક સગી પાલેન્ડની સાધ્વી રાણી, બાલિકા ઇલિઝાબેથના અંતરમાં ધર્મભાવ ખીલવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. ઇલિઝાબેથ પિતાનું રાજ્ય છોડીને આવ્યા પછી બે વર્ષે તેની માતાનું મૃત્યુ થયું. એ સાધ્વી નારીએ સ્વામીને પ્રપંચી શત્રુના હાથમાંથી બચાવવા ખાતર પોતે એ આતતાયીની તલવારનો ઘા માથા ઉપર ઝીલ્યો હતો. જનનીના મૃત્યુસમાચાર સાંભળીને બાલિકાનું મન એકદમ ઉદાસ થઈ ગયું. એ સમયથી એ ધર્મને માટે અતિશય વ્યાકુળ થઈ ઉઠી. તેણે હવે સંકલ્પ કર્યો કે, હું ઈશ્વરનેજ સૌના કરતાં અધિક ચાહીશ.

એ વખતે મોટા ઘરની સાત છોકરીઓ ઇલિઝાબેથની બહેનપણી બનીને તેની સાથે રમવાનો તથા આનંદપ્રમોદ કરવાનો પ્રયત્ન કરતી હતી; પરંતુ ઇલિઝાબેથ શું હવે એમની સાથે રમતગમત કરે એવી હતી? એ તો બધી સખીઓની સાથે ફરતી ફરતી કબ્રસ્તાનમાં જઈ પહોંચતી અને કહેતી કે “જે લેાકોના દેહ આ કબરોમાં દટાયેલા છે, તેઓ પણ કોઈ દિવસ આપણા જેવાજ હતા. આપણે પણ એક દિવસ તેમની જ પેઠે આ પૃથ્વી છોડીને ચાલ્યાં જઈશું. આવો બહેનો ! અહીં આજ ઘુંટણીએ પડીને પ્રાર્થના કરીએ.” એટલું કહીને તરતજ એ બાલિકા પ્રાર્થના કરતી કે “હે પ્રભુ ! પાપમાંથી અમારું રક્ષણ કરજે ! ”

પૂર્વકાળમાં ખ્રિસ્તી લોકો મહાત્મા ઇસુના બાર પ્રેરિત શિષ્યોમાંના એક સાધુને પોતાના જીવનના રક્ષકતરીકે માનતા હતા. ઇલિઝાબેથે પણ સાધુ જૉનને પોતાના રક્ષકતરીકે સ્વીકાર્યો હતો. એટલા માટે સાધુ જૉનની સ્વર્ગીય આત્માને પ્રિય થઈ પડવા સારૂ એ પોતાના હૃદયને પવિત્ર રાખતી, અને પોતાના અંતરને દયા તથા પ્રભુ પ્રેમથી પૂર્ણ કરવાને સર્વદા પ્રયત્ન કરતી. મહાત્મા ઈસુ કહી ગયા છે કે “દયાળુ મનુષ્યને ધન્ય છે ! કારણ કે દયાળુઓજ ઈશ્વરની દયા પામી શકશે.” ઇસુની એ વાણી મંત્રની પેઠે ઇલિઝાબેથના હૃદય ઉપર આશ્ચર્યકારક અસર કરતી અને તે દયાની મૂર્તિ બની જતી. એક દિવસ તો એ રાજ્યની રાણી થનાર હતી, પણ પોતાના ઉંચા દરજજાનો કાંઈ પણ વિચાર ન લાવતાં, તે રાજમહેલમાંથી ખાવાના પદાર્થો લઇને નિઃસંકોચપણે ગરીબોને ઘેર જતી અને ભૂખ્યાને ભોજન કરાવીને આત્મતૃપ્તિ અનુભવતી.

ઈલિઝાબેથના એ સમયના ધર્મભાવવિષે તેને એક ચરિત્રકાર, લખે છે કે “બાલ્યાવસ્થામાંજ તેણે પૂર્ણ સ્વાર્થ ત્યાગ અને ઈશ્વરપરાયણતાનાં બીજ પેાતાના ચરિત્રમાં રાખ્યાં હતાં, અને આગળ જતાં તો તેને જોવા માત્રથી મોટા મોટા માણસો અને પ્રસિદ્ધ સાધુઓ વિસ્મય પામી જતા હતા.”

ર-રાણી

ઇલિઝાબેથની વય ઘણી નાની હતી ત્યારથીજ એ જાણી શક્યાં હતાં કે, ઈશ્વર નિરંતર એમના પ્રાણની નિકટ રહીને તેમને ચાહે છે અને કરુણા વરસાવે છે. એ ઉપરાંત રાજા હારમેને ખરા હૃદયના પ્રેમથી આ પારકી કન્યાને પોતાની કરી લીધી હતી. એને લીધે બાલિકા ઈલિઝાબેથ અપરિચિત રાજપરિવારમાં આવ્યા છતાં પણ પોતાનું હસતું મુખ અને મનનો પ્રસન્ન ભાવ સાચવી શકી હતી; પરંતુ એટલામાં દૈવયોગે તેના પિતૃતુલ્ય સસરા હારમેનનુ મૃત્યુ થયું. એ બનાવને લીધે બાલિકાનું હૃદય વિષાદથી છવાઈ ગયું. એવે વખતે સ્વર્ગસ્થ રાજાની પત્ની રાણી સોફિયાએ ઇલિઝાબેથનો ભાર ગ્રહણ કર્યો. બાલિકા રાતદિવસ ‘ધર્મ ધર્મ’ કર્યા કરતી, તે એને રૂચતું નહિ. કારણકે તે થોડા દિવસ પછી એક રાજ્યની રાણી થનાર હોવાથી એણે ધર્મઘેલી ન થતાં સુચતુર, રસિક અને રત્નાલંકારથી વિભૂષિત સૌભાગ્યગર્વિતા રાજરાણી બનવું જોઈએ એ સોફિયાનો અભિલાષ હતો.

ઇલિઝાબેથ કોઇ પણ પ્રકારે રાજકુટુંબની રમણીઓના જેવી થઇ શકી નહિં. ઈશ્વરે તેને રાણી બનીને ઠાઠમાં રહેવાને આ સંસારમાં મોકલી નહોતી. એ તો એમજ માનતી કે, હું ઈશ્વરભક્તિ કરીશ, તેની પ્રીતિ અને કરુણાવડે દુઃખી નરનારીઓનાં દુઃખ દૂર કરીને તેમનાં હૃદય ઠારીશ; એવાં એવાંજ કામો સારૂ મારો જન્મ થયો છે. પરંતુ એમની સ્વાભાવિક રુચિ કયી તરફ છે તે તરફ જરા પણ ધ્યાન ન આપતાં લોકો તેમને પરાણે રાણી બનાવવાનો યત્ન કરવા લાગ્યા, પણ લોકોનો પ્રયત્ન વ્યર્થ ગયો. ઇલિઝાબેથે ઠપકો તથા અપમાન સહીને પણ ધર્મને વધારે દૃઢતાથી પકડ્યો. તેમની એ સમયની અવસ્થા વિષે રેવરંડ એલબાન બટલર સાધુઓના ચરિત્રગ્રંથમાં લખે છે કે, નિરાધાર ઇલિઝાબેથને ઘણો ત્રાસ વેઠવો પડ્યો હતો. કેમકે એ વખતે રાજકુમાર લૂઈ પણ વિદ્યાભ્યાસને માટે પરદેશમાં રહેતા હતા એટલે એવી સ્થિતિમાં એ બાલિકાના સુખ સામુ જોનાર અને એના ઉપર થતા અત્યાચારનું નિવારણ કરનાર કોણ હતું ? રાજકુમારી દુ:ખ અને કષ્ટના એ દોહ્યલા દિવસોના પ્રતાપે ઈશ્વરના ધ્યાનભજનમાં પોતાનું ચિત્ત વિશેષ ને વિશેષ જોડતી ચાલી અને તેમાંજ મગ્ન થવા લાગી. એ ઉપરાંત (૧) શાંતભાવ, (૨) વિનય, (૩) સહનશીલતા અને (૪) મૈત્રી, એ ચાર તેમના સાધનના વિષચ હતા. એ ચાર ગુણ પ્રાપ્ત કરવા સારૂ તે નિરંતર ઈશ્વરની આગળ પ્રાર્થના કરતી. એ સમયમાં જે ઘટનાઓ બની હતી તેમાંથી બેએકનો અત્રે ઉલ્લેખ કરીએ છીએ.

એક દિવસ એક ખ્રિસ્તી તહેવાર આવ્યો. એ દિવસે રાણીની આજ્ઞાથી ઇલિઝાબેથે સારાં વસ્ત્રાભૂષણો પહેર્યાં. એના અંગ ઉપર સોનેરી ભરતકામવાળો કિંમતી પોશાક તથા મસ્તક ઉપર મણિમુક્તાયુક્ત મુકુટ શોભવા લાગ્યો. બરોબર રાણીના વેશમાં એણે ઉપાસનામંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં આગળ એકાએક મૃત્યુને માટે તૈયાર થતા ઇસુ ખ્રિસ્તની છબી તરફ તેની દૃષ્ટિ પડી. તરતજ એ માથા ઉપરનો મુકુટ ઉતારી નાખીને મસ્તક નીચું નમાવી સજળ નયને પ્રાર્થના કરવા લાગી ગઈ. તેના લાંબા અને સરસ રીતે ઓળેલા કેશ પીઠ, લલાટ અને મુખ ઉપર વીખરાઈ ગયા. રાણી સોફિયાએ આ દૃશ્ય જોઇને કર્કશ સ્વરે કહ્યું કે “શું તારાથી મુકુટનો ભાર પણ ખમાતો નથી કે ? શામાટે આમ અંબોડો છોડી નાખીને ઉઘાડે માથે બેઠી છે ? તારો આવો વેશ જોઈને લોકો કેટલી નિંદા કરી રહ્યા છે તે સાંભળતી નથી ?”

ઇલિઝાબેથે નમ્રતા અને વિનયપૂર્વક કહ્યું કે “ભગવાન ઈસુ ખ્રિસ્તના મસ્તક ઉપર કાંટાનો મુકુટ જોઉં છતાં હું તેમની છબીની સામે સોનાનો મુકુટ પહેરીને ઉપાસના કરૂં ? એમ કર્યાથી શુ પ્રભુનું અપમાન નહિ થાય ? મારાથી તો એવું બની શકશે નહિ, મને માફ કરજો.”

આટલું બોલતાંજ ઈલિઝાબેથને મૃત્યુસમયે ઈસુ ખ્રિસ્ત ઉપર ગુજરેલા ત્રાસનું સ્મરણ થતાં તેમના ચક્ષુમાંથી જળધારા વહેવા લાગી. રાણી સોફિયાની કન્યા રાજકુમારી એગ્નેસને ઇલિઝાબેથની આ વર્તણુક જરા પણ પસંદ નહોતી પડતી. તેણે એક દિવસ બાલિકા ઇલિઝાબેથને મોંએ કહ્યું કે “જો આવુંજ રાખશો તો તમારે મારા ભાઇની પત્ની થવાની આશા રાખવી નહિ. તમે તો આ રાજમહેલમાં ચાકરડી થાઓ એવાંજ છો.”  પણ રાજકુમારીની આ ધમકી વૃથાજ ગઈ. રાજકુમાર લૂઈ વિદેશમાં વિદ્યાભ્યાસ કરીને ઘેર પાછો આવ્યો. એ વીર, ધીર, ઉદાર અને નિર્ભય પુરુષ હતો. વળી તેનું હૃદય પણ સ્નેહ અને કરુણાથી ભરપૂર હતું. રાજમહેલની સ્ત્રીઓએ ઈલિઝાબેથની નિંદા કરીને તેના કાન ભંભેરવા માંડ્યા, પણ એથી તો ઉલટું તેનું હૃદય અસહાય બાલિકા તરફ ઢળી પડ્યું. એ મનમાં ને મનમાં બોલી ઉઠ્યો કે “અહા પ્રાણેશ્વરી ! હું તને જેવી જોવા ઈચ્છતો હતો, તેવીજ તું નીવડી છે. તારા જીવનકુસુમની સુગંધ એક દિવસ મારા હૃદયને પુલકિત કરશે અને રાજસિંહાસનને સર્વ તરફ વિખ્યાત કરી દેશે.”

રાજકુમાર પોતાના કુટુંબની સ્ત્રીઓને કહેવા લાગ્યો કે “આ પૃથ્વીમાં કોઈ કદાચ મને સુવર્ણથી મઢેલા મણિ–માણેકનો પર્વત દાનમાં આપવા ઇચ્છે, અને કાં તો તે અને કાં તો ઇલિઝાબેથને લેવાનું કહે; તો હું તે ઈલિઝાબેથને અધિક મૂલ્યવાન ગણું.” તેણે એક દિવસ કિંમતી રત્નોથી જડેલો એક અરીસો ઈલિઝાબેથને ભેટ મોકલ્યો. એ અરીસાને એક તરફથી ઉઘાડતાં એમાં ઈસુ ખ્રિસ્તની સુંદર મૂર્તિ જણાતી. ઇલિઝાબેથનું મ્લાન મુખ જોઇને રાજકુમાર તેનાથી દૂર રહી શકતો નહિ. દરરોજ તે પ્રેમપૂર્વક તેની પાસે જઇ ઉભો રહેતો અને પ્રીતિપૂર્વક કહેતો કે “થોડા દિવસ ધીરજ રાખ; તારું આ દુઃખ ઝાઝા દિવસ રહેશે નહિ.”

સાસરામાં અન્ય સર્વના સ્નેહથી વંચિત થયેલી બાલિકા આ થોડા શબ્દોમાં પણ રાજકુમારનો કેટલો બધો પ્રેમ અનુભવતી હશે અને તેના કોમળ હૃદયમાં કેટલી બધી પ્રીતિ અને હર્ષ ઉપજતાં હશે તે કોણ કહી શકશે ?

ઇ. સ. ૧૨૧૮માં રાજકુમાર લૂઇનું સગીરપણું બંધ થયું. એ વખતે તેમની વય ૧૯ વર્ષની હતી. ઇ. સ. ૧૨૨૦માં વાર્ટબર્ગ મહેલના દેવળમાં પુષ્કળ ધામધૂમ સાથે લૂઈ અને ઇલિઝાબેથનું લગ્ન થયું. એ વખતે રાજકુમારના બલિષ્ઠ દેહ, ઉજ્જવલ અને વિશાળ લલાટ તથા મુખની સુંદર છટા જોઈને તેને એક તેજસ્વી વીર પુરુષ કહેવાનું મન થતું. તેનામાં સાહસ, વિનય, વીરત્વ, ઉદાર હૃદય તથા ધર્મભાવ આદિ અનેક સદ્‌ગુણોનો સમાવેશ થયો હતો. પાપકર્મથી એ અત્યંત બ્હીતો હતો. રખે ઝાઝું બોલતાં કોઈ જાતની અણઘટતી વાત થઇ જાય, એ બીકથી રાજકુમાર વિશેષ વાતચીત પણ નહોતો કરતો.

અનેક દિવસ સાસુનણંદનો ત્રાસ વેઠ્યા પછી, ઇલિઝાબેથના ધાર્મિક અને સહૃદય સ્વામી સાથે મેળાપ થયો. સરળ બાલિકા મનનો આનંદ હવે દબાવી શકી નહિ. એને સ્વામીનો પ્રેમ એટલો બધો પૂર્ણ, પવિત્ર અને ખરા મનનો લાગ્યો કે, હવે એને આ સંસારમાં ઈચ્છવા યોગ્ય બીજી કાંઈ પણ વસ્તુ રહી નહિ. કેવળ એ સુયોગ્ય સ્વામી દ્વારા ઈશ્વરે તેને સંસારના સમસ્ત પાર્થિવ વૈભવોનું દાન કર્યું હતું. લતા જેમ વૃક્ષનો આશ્રય લે છે, તેમ ઇલિઝાબેથ પતિનો આશ્રય લઈને પોતાને બધી આપત્તિઓમાંથી મુક્ત ગણવા લાગી. રાજકુમાર લૂઈ પણ એ ધર્મશીલા સન્નારીના ભક્તિપૂર્ણ પવિત્ર હૃદય ઉપર અધિકાર જમાવીને એવું સ્વર્ગીય સુખ અનુભવવા લાગ્યો કે એ સુખની સરખામણીમાં એને રાજમહેલનાં રત્ન અને માણેકો તુચ્છ જણાવા લાગ્યાં. એક શક્તિશાળી ધાર્મિક યુવકની સાથે ભક્તિમતી અને પ્રેમમય નારીનું મિલન થયાથી તેમનું દાંપત્ય જીવન આવા પ્રકારના આનંદ અને અમૃતથી પૂર્ણ થાય એમાં સંદેહ નથી. થોડાજ દિવસ પછી રાજકુમાર લૂઈ અને ધર્મશીલા ઇલિઝાબેથ રાજા અને રાણી બન્યાં. તેમના ચરણસ્પર્શથી સ્વર્ણસિંહાસન પવિત્ર થયું. એ સમયમાં ઇલિઝાબેથ હમેશાં સ્વામીને સુખી કરવાનો પ્રયત્ન કરતી. રાજ્યનું કામકાજ કરીને રાજા ત્યારે થાકી જતા, ત્યારે પત્નીની સેવા અને માવજતથી એનું શરીર પાછું સબળ થઈ હૃદયમાં આનંદ વ્યાપી રહેતો. પતિ વિદેશમાં જતા ત્યારે ઇલિઝાબેથ શણગાર સજતાં નહિ, સારી વાનીઓ જમતાં નહિ, બલકે કોઈ કે દિવસ તો એકટાણુંજ ખાતાં. એવા સમયમાં એમનો બધો કાળ ઉપાસના અને પ્રાર્થનામાંજ જતો. આવા સ્વભાવ માટે રાજપરિવારની સ્ત્રીઓ તેમની મશ્કરી અને નિંદા કરતી, પરંતુ ઇલિઝાબેથ એ બધું હસતે ચહેરે સાંખી રહેતાં.

ઇલિઝાબેથનું વય જેમ જેમ વધતું ગયું, તેમ તેમ સંસાર ઉપરથી તેમનું ચિત્ત ઉઠી જવા લાગ્યું. ઈસુ ખ્રિસ્ત કહી ગયા છે કે “તમારાં સમસ્ત હૃદય, સમસ્ત મન અને સમસ્ત શક્તિપૂર્વક ઈશ્વર ઉપર પ્રીતિ રાખો, તમારા પડોશી ઉપર પેાતાની જાત જેટલોજ પ્રેમ રાખો. આ બે આજ્ઞા કરતાં વધારે સારી આજ્ઞા બીજી કોઈ નથી.”

ઇસુની આ બે આજ્ઞાનું પાલન કરવા માટે ઇલિઝાબેથનું ચિત્ત અધીરૂં થઇ ગયું. ઈશ્વરપ્રત્યે પોતાનો સમસ્ત પ્રેમ ઢોળી દઈ તેઓ પ્રેમ પામવા ખાતર, એમણે ઉપાસના અને પ્રાર્થનામય જીવન બનાવ્યું. રાત્રે એમના પતિ પથારીમાં પડતાં વારજ ઉંઘી જતા, પણ ઇલિઝાબેથની આંખોમાં ઉંઘ ક્યાંથી હોય ? એ તો ઈશ્વરના ધ્યાનમાં મગ્ન થઈ જતાં. એ ભક્તિમતી નારીએ ધર્મની ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરવા સારૂ ખ્રિસ્તી ધર્મના કઠોર નિયમો નિષ્ઠાપૂર્વક પાળવા માંડ્યા હતા. એ નિયમો પાળવા જતાં કોઈ પણ જાતના કષ્ટને એ કષ્ટ ગણતાં નહિ. રેવરંડ એલ્બાન બટલર લખે છે કે “એમનું દેહદમન સંન્યાસીઓની તપસ્યા કરતાં પણ વધારે કઠોર હતુ. એ રાજમહેલમાં અતિથિઓની સાથે સ્વામીની પડખે જમવા બેસતાં. બીજા બધાં સર્વ પ્રકારનાં ઉત્તમ ભોજન જમતાં, પણ ઇલિઝાબેથ માંસ ખાતાં નહિ. કોઈ પણ સ્વાદિષ્ટ વાની જમતાં નહિં; ફક્ત રોટલી અને થોડું મધ ખાતાં. સ્વામીને તથા અતિથિઓને ભોજનસમયે એવી મીઠી વાતોમાં ગુંથાયલાં રાખતાં કે, પાતે કોઈ પણ જાતની સ્વાદિષ્ટ વાનીઓ જમતાં નથી, એ વાત તેઓના જાણવામાંજ આવે નહિ. ઇલિઝાબેથ માત્ર સ્વામીના આગ્રહને લીધેજ બેએક દિવસ રાણીનો પોષાક પહેરતાં; બાકી હંમેશાં સાધારણ સાદો પોષાકજ તેમના અંગ ઉપર શોભી રહેતો. એ સાધ્વી નારીની પવિત્ર સ્મૃતિ દિવ્ય પ્રકાશથી ઝળકી રહેતી, એટલે એવા સામાન્ય પોષાકમાં પણ એ અસાધારણ રમણી જણાતાં હતાં.” ‘ઇલિઝાબેથ’ નામક ગ્રંથના પાંચમા પ્રકરણમાં એક સ્થળે ગ્રંથકારે લખ્યું છે કે :–

“એ વખતમાં ઇલિઝાબેથનું હૃદય પ્રેમથી ભરપૂર થયું હતું. હૃદયનો એ પ્રેમ ઇલિઝાબેથે તરતજ ઈશ્વરને અર્પણ કર્યો. બાલ્યાવસ્થાનો તેમનો રાંક સ્વભાવ દિનપરદિન વધારે રાંક થવા લાગ્યો. એ બધાં ઉપર વગર સંકોચે પ્રેમ કરતાં, પરંતુ તેમનો સૌથી પહેલો પ્રેમ ઈશ્વર ઉપરજ હતો, ઈશ્વર ઉપર તેમને બાળકની પેઠે સરળ વિશ્વાસ હતો. વળી એ ધર્મમંડળીના બધા ઉપદેશો અને આજ્ઞાઓનું પાલન જરા પણ આનાકાની વગર કરતાં. × × દેવળનો ઘંટ વાગતાં વારજ ઇલિઝાબેથ આનંદપૂર્વક દેવળમાં પહોંચી જતાં અને ભક્તિભાવે પવિત્ર ચિત્તથી પ્રભુનું ભજન કરતાં. પર્વને દિવસે, ખાસ કરીને ઈસુખ્રિસ્તે દુઃખ ભોગવ્યું હતું તે અઠવાડીઆમાં, ધર્મના બધા કઠોર નિયમો તથા વિધિનું એ પાલન કરતાં, ગુરુવારને દિવસે બાર કોઢીઆ માણસોના પગ ધોતાં; ત્યારપછી ભિખારણનો વેશ ધારણ કરીને અતિ દીનભાવે, ઉઘાડે પગે ચાલીને દેવળમાં જતાં. રાત્રિ પડતી ત્યારે દુઃખ ભોગવતી વખતનું ઇસુનુ કોઈ ચિત્ર પોતાની સામે રાખીને ઘૂંટણીએ પડીને ધ્યાન અને પ્રાર્થના કરવામાં સમય ગાળતાં. પવિત્ર શુક્રવાર (ગુડ ફ્રાઈડે)ને દિવસે એ પોતાનાં નોકરચાકરોને કહેતાં કે “આજ બધાંને માટે ખાસ દીનતાનો દિવસ છે. માટે તમારામાંથી કોઈએ પણ આજને દહાડે મારા તરફ સાધારણ સન્માન સુદ્ધાં બતાવવું નહિ. × × ×” ત્યારપછી એ શહેરના મધ્ય ભાગના એક ચોગાનમાં જઈને ચારે તરફ એકઠાં થયેલાં અસંખ્ય ભિખારીઓને દાન આપતાં.”

દુ:ખી અને ગરીબ તરફ આ કરુણામયી નારીનો એટલો બધો પ્રેમ હતો કે તેનું સ્મરણ કર્યાથી પણ વિસ્મય ઉત્પન્ન થાય છે. ઇલિઝાબેથના અંતરમાંથી દયાનું જાણે અખંડ ઝરણું વહ્યા કરતું હતું. એ ઝરણાની ધારા સેંકડો નરનારીનાં તપી રહેલાં હૃદયને શીતળ કરતી. આ ગુણને લીધે એમનું નામ ગરીબોની બેલી પડ્યું હતું.

ઇલિઝાબેથ એ વખતે એક રાજ્યનાં રાણી હતાં, પરંતુ પોતાની પદવીનો કાંઈ પણ વિચાર મનમાં રાખ્યા વગર પ્રસન્નચિત્તે રાજમહેલમાંથી બહાર નીકળીને દરિદ્ર અને પીડિત મનુષ્યોની દેખરેખ રાખતાં. એવા લોકોની ઝુંપડીમાં જાતે જઈને એમના ઉપર પ્રેમ દર્શાવતાં, અને એમનાં દુ:ખની હકીકત સાંભળીને તેમનાં આંસુ લૂછતાં પણ સંકોચાતાં નહિ. દુઃખીઓની સેવા કરવાથી તેમના ચિત્તને શાંતિ વળતી તેવી બીજા કશાથી થતી નહિ. ઇલિઝાબેથ ફક્ત તેમના દેહની સેવા કરતાં એમ નહોતું. એ બધાં નરનારીઓના કલ્યાણ માટે તેમની આગળ ઇસુના જીવનની કથા સરળ ભાષામાં કહેતાં હતાં. ઇલિઝાબેથ કોઈ કોઈ વખત પોતાના મહેલમાંથી ભોજન બનાવીને ગરીબ લોકોને ઘેર પહોંચતાં. કોઢના રોગથી પીડાતા લોકોનું નામ સાંભળીને આપણને તો ભય લાગે છે. રખે એમનો પડછાયો પણ આપણને અડકે અને એમના ચેપ આપણને લાગી જાય, એ ભયથી આપણે સંકોચના માર્યા એમનાથી દૂર નાસીએ છીએ; પરંતુ આ રાણી સ્નેહપૂર્ણ હૃદયે કોઢિયા માણસોની પાસે જઈને બેસતાં. તેમનાં સુમધુર ધીરજનાં વચનોથી એ હતભાગી મનુષ્યોનાં સળગતાં હૈયાં પણ શાંત થતાં. સ્નેહમયી રાણીએ સ્વામીની રજાથી રાજમહેલની પડોશમાંજ રોગીઓને સારૂ એક ઇસ્પિતાલ બંધાવી હતી. ત્યાં આગળ ૮૮ નિરાધાર રોગીઓને આશ્રય મળતો. એમને ખવડાવ્યા-પીવડાવ્યાથી તથા એમની સેવા કર્યાથી રાણીને સંતોષ થતો.

ઈ. સ. ૧રર૭ માં ઇલિઝાબેથને એક પુત્રસંતાન સાંપડ્યું. એ દિવસે રાજમહેલમાં આનંદોત્સવને પાર રહ્યો નહિ; પરંતુ ઇલિઝાબેથ કેવળ આમોદપ્રમોદથી સંતુષ્ટ થાય એમ નહોતું. એમણે એક દિવસ ચૂપચાપ બાળકને લઈને સેઈન્ટ કેથેરિનના દેવળમાં પ્રવેશ કર્યો તથા બાળકને ઈશ્વરના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. ઈલિઝાબેથે પ્રાર્થના કરી કે “હે મારા પ્રભુ ! તેં મને આ બાળક આપ્યું છે. હું તેને તારાજ ચરણમાં અર્પણ કરૂં છું. તું મારા આ બાળકને ગ્રહણ કરીને એને તારો ચાકર બનાવ, એના ઉપર તારા સ્વર્ગીય આશીર્વાદ વરસાવ.”

૩-જીવનનો એક બીજો અંક

અત્યારસુધી આપણે ઇલિઝાબેથને સરળહૃદયા, સેવાપરાયણા, દયાવતી અને ભક્તિમતી નારી તરીકે ઓળખ્યાં છે; પરંતુ કામ પડતાં એ રાણીના આસન ઉપર બિરાજીને પોતાનું કર્તવ્યપાલન કરી શકે એવાં અને મોટા મોટા રાજકર્મચારીઓના ગુસ્સાની જરા પણ પરવા ન કરે એવાં હતાં, એ વાત પણ હવે આપણે જાણી શકીશું. ઈ. સ. ૧રર૫ માં રાજા લૂઇએ યુદ્ધને માટે દૂર દેશાવરની મુસાફરી કરી. ત્યારપછી થોડા દિવસોમાં રાજ્યમાં ભયાનક દુષ્કાળ પડ્યો. પુષ્કળ લોકો ભૂખમરાની પીડાથી રોકકળ કરવા લાગ્યા. પરંતુ રાજકર્મચારીઓ તો જાણે બહેરાજ થઈ ગયા હતા. એ લોકો તરફથી વિપત્તિગ્રસ્ત લોકોને મદદ આપવાનાં કોઈ લક્ષણ જણાયાં નહિ. આ સ્થિતિ જોઈને ‘ગરીબોના બેલી’ ઇલિઝાબેથથી વધારે વાર સ્થિર રહી શકાયું નહિ. એણે એ રાજ્યની રાણી તરીકે પોતાની શક્તિનો ઉપયોગ કરવા માંડ્યો. તેમની આજ્ઞાથી રાજાના ભંડાર અને કોઠારનાં બારણાં ખુલ્લાં મૂકવામાં આવ્યાં. ઇલિઝાબેથે રાજ્યના અમલદારોની જરાપણ પરવા કર્યાવગ૨ દુકાળથી પીડાતાં માણસોને અનાજ અને દ્રવ્ય વહેંચવા માંડ્યું. એ દુ:ખી મનુષ્યો રાણીને “ઈશ્વરે મોકલેલો સ્વર્ગનો દૂત” સમજવા લાગ્યાં. પરંતુ રાજાના ભાઈ હેન્રી તથા અમલદારો રાણીની વર્તણુકથી ચીઢાયા અને તેમણે તેમનાં કાર્યોની વિરુદ્ધ મજબૂત હીલચાલ ચલાવવા માંડી; પરંતુ જ્યારે તેમણે જોયું કે, તેમનો વિરોધ તદ્દન નિષ્ફળ નીવડ્યો છે, રાણી કોઈની પણ વાતને કાને ધરતી નથી, ત્યારે એ લાકોએ રાણીને ભય દેખાડીને કહ્યું કે “આપ જે ગેરવ્યાજબી કામ કરી રહ્યાં છો તે સંબંધી કાંઈ વિચાર પણ કરો છો કે નહિ ? આ કામોની ખબર શું રાજાને કાને નહિ પહોંચે ? એને લીધે શું એ આપના ઉપર અત્યંત નારાજ નહિ થાય ? અને તેથી શું આપને દુઃખ સહન નહિ કરવાં પડે ?”

ઇલિઝાબેથ કોઈની પણ વાતનો ઉત્તર આપતાં નહિ, ફક્ત હસતાં અને જે કાંઇ કરવું હોય તે વગરસંકોચે કરતાં. રાણીએ પેાતાને ખર્ચે પહેલેથીજ વાર્ટબર્ગના રાજમહેલ પાસે એક ઈસ્પિતાલ બંધાવી હતી. હવે એમણે એમાં બાળકોને માટે એક જૂદો વિભાગ ઉઘાડ્યો. અનેક નાનાં નાનાં છોકરાં છોકરીઓથી ઇસ્પિતાલ ભરાઈ ગઈ, સ્નેહભરી ઇલિઝાબેથ એ બાળકોને લાડ લડાવીને તેમને એક એક વસ્તુ ભેટ આપતાં. અસહાય બાળકો તેમને “મા મા” કહીને બોલાવતાં. એ જનનીની માફક સ્નેહપૂર્વક તેમને છાતી સાથે ચાંપતાં.

રાણી કેવળ એટલું જ કામ કરીને સંતોષ પામ્યાં નહિ. કરજદાર થઈ જવાને લીધે જે ગરીબ લેાકો કેદખાનું ભોગવતા હતા, તેમનો છૂટકારો કરવા સારૂ તેમણે યત્ન કર્યો. કેટલાક કેદીઓના પગમાં લોખંડની મજબૂત બેડીઓ હતી. એ બેડીઓ પગની સાથે ઘસાયાથી એમના પગમાં ઠેકાણે ઠેકાણે ઘા પડી ગયા હતા. રાણી પોતાને હાથે એ ઘાને ધોઇ, સાફ કરીને પાટો બાંધતાં. એ બધાંઓનાં પાપોને દૂર કરવા ખાતર ખરા અતઃકરણથી પ્રાર્થના કરતાં. આવી દયાને લીધે કેદીઓ તેમને ‘દયાની દૂત’ ગણતા.

પાદરી એલ્બાન બટલર લખે છે કે:– “દરરોજ નવસો ગરીબો રાજમહેલને બારણે ઉભાં રહેતાં. ઇલિઝાબેથ તેમને ખાવાના પદાર્થોનું દાન કરતાં. એ લોકો ત્યાં આગળ પેટ ભરીને જમતાં. રાણીએ ભિન્ન ભિન્ન સ્થાનોમાં કેટલાંએ નિરાધાર ગરીબોને જમાડવાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો. તેની સંખ્યા કોણ ગણી શકે એમ હતું ? એમની એ દયા તથા આશ્ચર્યકારક ધાર્મિક ભાવ જોઈને રાજાનું મન મુગ્ધ થયું હતું. રાણીના ઉન્નત જીવનને નમુનારૂપ માનીને એ પોતાનું જીવન ઘડવાના પ્રયત્ન કરતા હતા. તેથીજ ઇતિહાસમાં એમણે ધાર્મિક નરપતિતરીકે ખ્યાતિ મેળવી છે.”

ઘણા દિવસ પછી રાજા લૂઈ પોતાના રાજ્યમાં પાછા ફર્યા. પ્રજા પણ પોતાના દયાવાન રાજાને પાછા ફરેલા જોઇને નિશ્ચિંત થઈ. રાજાના અમલદારો રાજાને આવકાર આપીને મહેલમાં લઈ આવ્યા; પરંતુ રાણી ઉપર હજુ પણ તેમને ઘણો ગુસ્સો ચઢેલો હતો. તેમણે સૌથી પહેલો રાણી વિરુદ્ધ એજ આરોપ રાજાની સન્મુખ રજુ કર્યો કે, રાણી સાહેબ અમારી વાતને બિલકુલ માનતાં નથી અને રાજ્યના ખજાનામાં એકઠું કરેલું દ્રવ્ય મોકળે હાથે ગરીબ લોકોને વહેંચી દે છે. રાજાએ અમલદારોના આ આરોપ સાંભળ્યા પછી હસતે મુખે તેમને કહ્યું કે “રાણીએ શું કર્યું છે ? ગરીબોને રાજ્ય તો આપી દીધું નથી ને ?”

અમલદારો ચૂપ રહ્યા. ત્યાર પછી રાજા બોલ્યા કે “રાણી ઈશ્વરના નામે જે ભલાં કામ કરવા માગતાં હોય તે કામ એમને કરવા દો. એ બાબતમાં અડચણો નાખવી નહિ, પરંતુ સહાયતા આપવી. દરિદ્રોને ભિક્ષા આપ્યાથી રાજ્યનું દેવાળું કદી નથી નીકળવાનું. આપણે ઈશ્વરના નામે ગરીબોને જેટલું અર્પણ કરીશું તેથી અનેકગણું ઈશ્વર આપણને આપશે.”

રાજા લૂઈ ઇલિઝાબેથની પાસે ગયા અને હસતે ચહેરે તથા મધુર સ્વરે બોલ્યા કે ‘‘દયામયિ ! આ દુકાળમાં તમારા ગરીબ લોકો કેમ છે ?”

ચંદ્રોદયથી રજની જેમ સૌંદર્યમયી થઈ જાય, તેમજ સ્વામીના પધારવાથી ઇલિઝાબેથની મૂર્તિ અતિશય મનોહારિણી થઇ ગઈ. રાજા લૂઈ રાણીના ખીલેલા કમળ જેવા સુંદર મુખનું વારંવાર દર્શન કરવા લાગ્યો. તેના હૃદયમાં આનંદની રેલંછેલ થઈ રહી.

પરંતુ હાય ! પૂર્ણિમાની જ્યોત્સ્નામયી રજની ૫છી જેમ અમાવાસ્યાનો ghoર અંધકાર આવીને ઉભો રહે છે, તેમ ઇલિઝાબેથના સુખના દિવસો પછી દુઃખના દહાડા પણ આવી પહોંચ્યા.

ઈ. સ. ૧૨૨૭માં યુરોપના ઘણાખરા રાજાઓ મુસલમાનોના હાથમાંથી જેરૂસલેમ તીર્થનો ઉદ્ધાર કરવા સારૂ યુદ્ધમાં ઉતર્યા હતા. રાજા લૂઈને પણ લાગ્યું કે, આ ધર્મયુદ્ધમાં જવા સારૂ તેમને ઈસુ ખ્રિસ્તેજ આહ્‌વાન કર્યું છે; માટે યુદ્ધમાં જવું આવશ્યક છે. તેઓ રણક્ષેત્રમાં જવાની તૈયારી કરવા લાગ્યા. આ વાત પતિવ્રતા ઇલિઝાબેથના કાને પહોંચી. નાની છોકરીની પેઠે એ રોવા લાગ્યાં. એક દિવસ રાજા લૂઈએ જેરૂસલેમના યાત્રી યોદ્ધાઓની પેઠે ક્રૉસ ધારણ કર્યો. આ દૃશ્ય જોઈને ઇલિઝાબેથથી સ્થિર રહી શકાયું નહિ; એ એકદમ મૂર્ચ્છા ખાઈ ગયાં. મૂર્ચ્છા વળ્યા પછી હોશ આવતાં એ સરળ હૃદયનાં રમણી સ્વામીના સ્નેહભર્યા મુખ સામે એકીટશે જોઇ રહ્યાં. એજ ઇલિઝાબેથે ઘણી નાની વયમાં પિતામાતાના સ્નેહથી વંચિત થઈને શ્વસુરગૃહમાં વાસ કર્યો હતો, પણ આજ એમની આ અવસ્થા ! એમને આજે એમ લાગ્યું કે, સ્વામીના દર્શન વગર આ ખાલી રાજનગરીમાં હું કેવી રીતે વસી શકીશ? ન કરે પ્રભુ અને સ્વામી રણક્ષેત્રમાંથી પાછા ન ફરે તો ? એ વાતનો વિચાર સરખો પણ લાવતાં ઇલિઝાબેથના પ્રાણ ઉડી જતા. આંસુથી રાણીનાં નયનો ભરાઈ ગયાં. રાજા લૂઈ આજે કયા શબ્દોથી રાણીને સાંત્વના આપે ? ઘણો વિચાર કરીને તેમણે એક ઉપાય શોધી કાઢ્યેા. તેમણે રાણીને કહ્યું “હું ઈસુ ખ્રિસ્તના પ્રેમથી આકર્ષાઈને તેના ધર્મના રક્ષણ સારૂ યુદ્ધમાં જાઉં છું. એ તો ઈશ્વરનું જ કાર્ય છે.”

ઇલિઝાબેથ બોલ્યાં “સ્વયં ઈશ્વરે જો તમને આ કાર્ય કરવા સારૂ પસંદ કર્યા હોય તો હું તમને અહીં રહેવાનું કેવી રીતે કહી શકું ? તમે ઈશ્વરની સેવા કરો. એ તમને શક્તિ આપો. મેં તમારૂં તથા મારી જાતનું ઇશ્વરની સેવામાં સમર્પણ કર્યું છે. તેની કરુણા તમારી સંગે ને સંગે જ રહેજો. હું સર્વદા તમારે સારૂ પ્રાર્થના કરીશ; માટે જાઓ, ઇશ્વરના નામે ચાલ્યા જાઓ. તેની ઈચ્છા પૂર્ણ થાઓ.”

“રાજા લૂઈને યુદ્ધમાં જવાનો દિવસ નક્કી થયો. તેમણે રાજ્યના અમલદારો તથા પ્રજાજન પાસે વિદાય માગી, સગાંસંબંધીઓ પાસે પણ વિદાય લીધી. હવે જનની અને પત્નીની પાસે વિદાય માગવાનો વારો આવ્યો. એ વખતે કેવીએક અવ્યક્ત વેદનાથી તેમનું હૃદય ભરાઈ આવ્યું. તેનું વર્ણન કોણ કરી શકે ? ગંભીર ભાવે જનની અને પત્નીની સન્મુખ તે ઉપસ્થિત થયા. ત્યારપછી એક હાથ માતાના ખભે અને બીજો પત્નીના ખભા ઉપર મૂક્યો. તેમના રૂંધાયલા કંઠમાંથી અર્ધા કલાક સુધી એક પણ વાત નીકળી શકી નહિ. થોડી વાર પછી તેમણે આત્મસંવરણ કરીને જનનીને કહ્યું કે “મા ! તમારી દેખરેખનો ભાર મારા બે ભાઈઓના ઉપર આવી પડ્યો છે. પરંતુ ઇલિઝાબેથને તો તમારાજ હાથમાં સોંપુ છું . તેના મર્મસ્થાનમાં કેટલી બધી વેદના છે, તે તમારા વગર કોઈ સમજી શકશે નહિ; અને બીજા કોઈની પાસેથી તેને સ્નેહ મળવાની આશા પણ નથી.”

રાજા લૂઈનાં સંતાનો પિતાની સન્મુખજ ઉભાં હતાં. એ બધાં છેકજ નાનાં હતાં. લૂઈ ફરી ફરીને તેમની સામે જોવા લાગ્યો, તેમની પાસે પણ વિદાય માગી. ઇલિઝાબેથ રાજમહેલમાં રહી શક્યાં નહિ. એ રાજ્યની સીમા સુધી સ્વામીની સાથે ગયાં. છેવટે વિદાચની આખરની પળ આવી પહોંચી. રાજા લૂઇએ કહ્યું :–

“ઇલિઝાબેથ ! ઈશ્વર તારું રક્ષણ કરો ! એ તને સહાય થાઓ ! એ તને ધૈર્ય અને સાહસ આપો ! આપણાં સંતાનોને પણ એ આશીર્વાદ આપે. વિદાયમાં એજ માગું છું કે, આપણા પવિત્ર પ્રભુપ્રેમની યત્નપૂર્વક રક્ષા કરજે. તારી પ્રાર્થનાઓને સમયે મને વિસરીશ નહિ; લે, ત્યારે હું વિદાય માગુ છું.”

રાજા લૂઈ ચાલ્યા ગયા, પરંતુ ઇલિઝાબેથમાં ચાલવાની શક્તિ ક્યાંથી હોય ? એ તો પથ્થરની મૂર્તિની પેઠે સ્થિરભાવે ઉભાં રહ્યાં. જ્યાં સુધી એમની દૃષ્ટિ પહોંચી ત્યાંસુધી તાકી તાકીને સ્વામીને જોવા લાગ્યાં. છેવટે સ્વામી ઘણે દૂર ચાલ્યા ગયા, દૃષ્ટિમર્યાદા પણ ઓળંગી ગયા; ત્યારે ઇલિઝાબેથ રાજમહેલમાં પાછાં ફર્યા. સાધ્વી નારીએ પોતાના મહેલમાં જતાંવારજ શરીર ઉપરનાં એકેએક આભૂષણો ઉતારીને મૂકી દીધાં. વિધવાના જેવા સામાન્ય પોશાકથીજ તેમનું અંગ ઢંકાયું. એ દિવસ પછી એમણે ઝગમગાટવાળો પોશાક તથા રત્નભૂષણ અંગ ઉપર કદી પણ ધારણ કર્યાં નહિ.

રાજા લૂઇ વહાણમાં બેઠા. કોણ જાણે ક્યાંથી એમના શરીરમાં વિષે પ્રવેશ કર્યો. થોડાક દિવસમાં તાવ આવ્યાથી એ પથારીવશ થયા. એ સમજી શક્યા કે, મારો અંતકાળ પાસે આવ્યો છે. એટલા માટે એમણે પત્ની અને સંતાનોને માટે એક વસિયતનામું તૈયાર કરીને, પોતાની જાતને સંપૂર્ણ રીતે ઈશ્વરના હાથમાં અર્પણ કરી. મૃત્યુપૂર્વે એમનું મુખ ધાર્મિક વિશ્વાસના પ્રકાશથી ઝળકી ઉઠ્યું. એ બોલ્યા :–

“જુઓ, જુઓ ! શ્વેત કપોતપક્ષીઓ મારી ચારે તરફ ઉડી રહ્યાં છે. મારો આત્મા પણ એમની સાથે સાથે જ ઉડી જશે. એ તો મારે માટે જ રાહ જોઇ રહ્યાં છે.”

મુખમાંનાં વાક્યો સમાપ્ત થતાંની સાથેજ એમનું જીવન સમાપ્ત થઈ ગયું. રાજા લૂઈએ ઈ. સ. ૧૨૨૭ની તા. ૧૧મી સપ્ટેમ્બરે પરલોકગમન કર્યું. તેમના પ્રિય સૈનિકો માલિકના મૃત્યુથી શોકસાગરમાં ડૂબી ગયા.

હાય ! પતિપ્રાણા ઇલિઝાબેથ ! તેમનાથી આ દુઃખ કેવી રીતે સહન થાય ? જ્યારે સ્વામીના મૃત્યુસમાચાર તેમને સંભળાવવામાં આવ્યા, ત્યારે એ એક અસ્વાભાવિક સ્વરે બોલી ઉઠ્યાં કે “હે મારા પરમેશ્વર ! ત્યારે શું આજ સાચેસાચ મારે માટે આખી દુનિયા મરી ગઇ ?” ત્યારપછી એ પતિવ્રતા નારી ગાંડા મનુષ્યની માફક મહેલમાં ચારે તરફ દોડાદોડ કરવા લાગ્યાં. તેમના મુખમાંથી ફક્ત એકજ વચન નીકળવા લાગ્યું :–

“શું એ મરી ગયા ? શું એ મરી ગયા ?” રાણીની સખીઓ તેમને શાંત કરવા સારૂ પ્રયત્ન કરવા લાગી; પરંતુ જોતજોતાંમાં રાણીના દેહના ધબકારા જાણે બંધ થઈ ગયા. ઉખડી ગયેલી વેલની પેઠે એ એક મહિલાના ખોળામાં મૂર્છા ખાઇને પડી ગયાં.

કેટલીક વાર પછી એ શોકાતુર રમણી કહેવા લાગ્યાં કે “હે મારા ઈશ્વર ! મને ધીરજ આપો, મારા મનને દૃઢ કરો.”

એ સમયે ધર્મશીલા નારી ઇશ્વરના સ્વરૂપમાં નિમગ્ન થઈ જઇને તેની પ્રેમપૂર્ણ વાણી સાંભળી શક્યાં. એ વાણી એ હતી કે “મે જે કાંઈ કર્યું છે તેનું ગૂઢ રહસ્ય અત્યારે તારાથી સમજી શકાશે નહિ, પાછળથી સમજાશે.”

ઇલિઝાબેથ હજુ પણ તરુણાવસ્થામાં હતાં. આ શોકથી એમનું શરીર પણ લથડી જાય એમ હતું, પરંતુ તેમના હૃદયના દેવતા ઈશ્વરેજ એ શેાકમાંથી તેમનું રક્ષણ કર્યું. કેવળ ધર્મવિશ્વાસની શક્તિથી તથા ઈશ્વર ઉપરના પ્રેમથી એ ભક્તિમતી નારીનું ચિત્ત સ્થિર થયું. દિનપરદિન ઈશ્વરના પ્રેમમાં ડૂબી જઈને એ સંસારને ભૂલી જવા લાગ્યાં. હવે ધ્યાન, પ્રાર્થના અને દુઃખીઆંઓની સેવામાંજ તેમનો ઘણોખરો વખત વ્યતીત થવા લાગ્યો. એ સમયમાં રાજમાતા સોફિયા વહુને પોતાનાથી વેગળાં રાખી શક્યાં નહિ. પુત્રશોકથી એમનું પણ હૃદય સળગીને રાખ થઇ જતું હતું: એટલે પુત્રવધુને છાતીસરસાં ચાંપીને એમણે કાંઈક સાંત્વના મેળવી.

૪ – ભિખારણ

ઈશ્વરની ઈચ્છા જાણે એવીજ હતી કે, ઇલિઝાબેથને સારૂ સંસારમાં કાંઈ પણ રાખવું નહિ અને તેને રાજમહેલમાંથી કાઢી મૂકીને સંપૂર્ણરૂપે પોતાની દાસી બનાવવી. એટલે રાજા લૂઈના ભાઇ હેન્રી અને રાજ્યના અમલદારોનાં મન બદલાઈને પથ્થરના જેવાં કઠોર થઈ ગયાં. ઇલિઝાબેથે સ્વામીને પેાતાની મંત્રશક્તિથી ભૂલાવો ખવરાવીને રાજ્યના ખજાનામાંથી એકઠું કરેલું દ્રવ્ય ગરીબોની સેવામાં ઉડાવી દીધું હતું, એવો આરોપ રાણી ઉપર મૂકીને તેઓ તેમના વિરોધી બન્યા. ત્યારપછી હિચકારા મનુષ્યોની પેઠે બધા વિધવા રાણીના ઉપર જોરજુલમ કરવા લાગ્યા. થોડા દિવસોમાં તો અત્યાચાર છેલ્લી હદે પહોંચી ગયો. હેન્રીએ બળપૂર્વક રાજસિંહાસન ઉપર પોતાનો અધિકાર જમાવ્યો. ત્યારપછી ભાભીને તેણે આજ્ઞા કરી કે, તમારે કાંઈપણ લીધા વગર રાજનગરનો ત્યાગ કરીને જતાં રહેવું. કેવળ એટલું જ નહિ, પરંતુ એવી પણ આજ્ઞા કાઢી કે, જે કોઈ ઇલિઝાબેથને આશ્રય આપશે તેને સખ્ત સજા ભોગવવી પડશે.

એ આજ્ઞાનો પ્રચાર થયા પછી હેન્રીના બે નોકરો યમદૂતની પેઠે ઇલિઝાબેથની સન્મુખ જઈને ઉભા રહ્યા. તેમણે એ વિધવા નારીને ધમકાવીને કહ્યું કે “રાણી ઇલિઝાબેથે રાજા લૂઈને છેતરી રાજ્યનું સત્યાનાશ વાળ્યું છે. આજ તમારે લીધેજ રાજ્યના ખજાના ખાલી છે. એ અપરાધને માટે જે સખ્ત સજા ફરમાવવામાં આવી છે તે તમારે નીચે માથે સહન કરવી જ પડશે. તમારી બધી માલમિલ્કત રાજ્યમાં જપ્ત કરવામાં આવી છે. આની આજ ઘડીએ તમારે ખાલી હાથે રાજ્યમહેલનો ત્યાગ કરીને ચાલ્યાં જવું પડશે.”

રાજમાતા નોકરોની આટલી હિંમતભરી વાતો સાંભળીને લાલચોળ થઇ ગયાં; તેમણે ઇલિઝાબેથને પોતાની સ્નેહભરી બાથમાં લઇને કહ્યું કે “આ મારી પુત્રવધૂ છે, મારીજ પાસે એ રહેશે; મારી પાસેથી એને લઇ જનાર કોણ છે ? કોની મગદૂર છે કે એવું કરે ?”

હેન્રીના બે નોકરોએ વૃદ્ધ રાણીની વાત ઉપર જરા પણ ધ્યાન આપ્યું નહિ. તેઓ પર્વતપરના મહેલમાંથી ઇલિઝાબેથને નીચેના મહેલમાં લઈ આવ્યા. ઇલિઝાબેથે જોયું કે, ત્યાં આગળ તેમની બે દાસીઓ છોકરાંઓને લઈને ઉદાસ મુખે બેઠેલી છે, હાય ! હેન્રીએ આજે નિર્દય થઈને પિતૃહીન ભત્રીજા–ભત્રીજીઓને રાજમહેલમાંથી કાઢી મૂક્યાં છે !

 થોડાક દિવસ પૂર્વે એ–રાણી ઇલિઝાબેથ સ્વામીના મૃત્યુના શોકને લીધે ગાંડા જેવાં બની ગયાં હતાં; પરંતુ આજે આવી મોટી આપત્તિને દિવસે તેમનું દુઃખ ક્યાં જતું રહ્યું ? તેમનાં આંસુ ક્યાં જતાં રહ્યાં ? તેમનું કરુણ અને મધુર મુખ પ્રશાન્ત હતું, હૃદય સ્થિર હતું. આ અકસ્માત આવી પડેલી આફતનો એ ધીરજ થી વિચાર કરવા લાગ્યાં. એમનો તો કાંઈ પણ અપરાધ નહોતો, તેમનાં સંતાનો તો તદ્દન નિર્દોષ હતાં; એમ છતાં પણ આ અણધારી વિપત્તિ શામાટે આવી પડી ? જરૂર, એમાં એમના વહાલા દેવતા–પ્રભુનો ગૂઢ અભિપ્રાય છુપાયલો હશે. હેન્રી તે વળી કોણ ? એ તો એક નિમિત્ત માત્ર છે. પવિત્ર હૃદયનાં એ નારીએ હેન્રી ઉપર કોઈ પણ જાતનો ક્રોધ પ્રગટ કર્યો નહિ. કોઈની પણ વિરુદ્ધ કાંઈ પણ કહેવાની તેમણે ઈચ્છા કરી નહિ; તેમણે ઈશ્વરની આગળ પ્રાર્થના કરી કે “મારા પ્રભુ ! તું મને શાંતિ આપ, કે જેથી હું તારે નામે આ દુઃખ ખમી શકું.”

ઇલિઝાબેથ ત્રણ સંતાનને લઈને બહાર રાજમાર્ગ ઉપર આવ્યાં. નાની છોકરી તેમના ખોળામાં હતી અને બીજા બે સંતાનો ધીમે પગલે માતાની સાથે સાથે ચાલતાં હતાં.

સંસારમાં મનુષ્યના જીવનની રમત આવી વિચિત્ર છે ! થોડાજ સમય પૂર્વે ઇલિઝાબેથને રાણીનું સન્માન મળ્યું હતું. વિશાળ રાજમહેલના સુરમ્ય ઓરડાઓમાં તેમનાં સંતાનોને સૂવા માટે દૂધ જેવી સફેદ ચાદરોવાળાં બિછાનાં બીછાવવામાં આવ્યાં હતાં. કાલે દાસદાસીઓ તેમની સેવા કરતાં હતાં, આજે એજ રાણી રસ્તાની ભિખારણ છે ! પેાતાને માટે તો આશ્રય લેવાનું સ્થાન નથી,એટલુંજ નહિ પણ સુકુમાર સંતાનોને પણ સોડ તાણવા જેટલી ક્યાંય જગ્યા નથી ! રાણીની આ સમયની અવસ્થા જોઇને એક પાદરીએ લખ્યું છે કે “વિચાર કરીને જોઈએ તો એકમાત્ર ઈશ્વરજ સત્ય છે, તેની કરુણાજ આપણો આધાર છે, તે આપણો છે અને આપણે તેનાં છીએ; નહિ તો બીજા કયા પદાર્થને સત્ય માની શકીએ ? કયો પદાર્થ હમેશને માટે આપણને આધાર આપી શકે ? કોણ સદાને માટે આપણું થઈને રહે?”

ટાઢ કડકડીને પડી રહી હતી. રાત્રિનો સમય હતો, ઇલિઝાબેથ આશ્રય મેળવવાની અભિલાષામાં ઘેરઘેર ફરી રહ્યાં છે. કોણ એમને આશ્રય આપે ? હેન્રીના ગુપ્તચરો ફરી રહ્યા છે. જો કોઈ વિધવા રાણીને આશ્રય આપશે અને તેની ખબર રાજાને કાને પડશે તો તલવારથી તેના બે કકડા કરી નાખવામાં આવશે, એવી વાતો તેઓ ફેલાવતા હતા.

ઇલિઝાબેથ નિરુપાય થઈને એક ‘સરાય’ – મુસાફરખાનામાં સાધારણ સ્થિતિના એક માણસ પાસે આશ્રયની ભિક્ષા માગી. તેમણે કહ્યું કે “સંસારની બધી સહાયતાથી હું વંચિત રહેલી છું, હવે તો પ્રાર્થનાનોજ મારે આધાર છે.”

નિરાધાર નારીનાં આ વચનો કેટલાં મર્મસ્પર્શી હતાં ! એ સાંભળતાંવાર જ એ માણસનું હૃદય એકદમ પીગળી ગયું. એક ઓરડામાં સૂવર રહેતાં હતાં. ઘરવાળાએ એજ ઓરડો ખાલી કરીને ઈલિઝાબેથને આપ્યો. વિપત્તિમાં પડેલ જનનીએ સંતાનોને ટાઢથી બચાવવા ખાતર એ ગંદા ઓરડામાં પ્રવેશ કર્યો. છોકરાંઓ થાકી ગયાં હતાં, તેઓ તો પડતાંવાર જ સૂઈ ગયાં; પણ ઇલિઝાબેથની આંખોમાં નિદ્રા ક્યાંથી હોય ? એ છોકરાંઓની પડખે બેસીને પ્રાર્થના કરવા લાગ્યાં. એ દુઃખમય રાત્રિએ પણ ઉપાસનાને લીધે તેમના હૃદયમાં આનંદ ઉછળી રહ્યો.

જ્યારે રાત્રિ ઘણી વીતી ગઇ, ચારેતરફ નિસ્તબ્ધતા વ્યાપી ગઇ; ત્યારે એક આશ્રમના દેવળનો ઘંટ વાગ્યો. એક દિવસ ઈલિઝાબેથની ઈચ્છાથી જ એ આશ્રમની સ્થાપના થઈ હતી. એનું મકાન બંધાવવા માટે એમણે જ પુષ્કળ ધન આપ્યું હતું. વિધવા નારીએ આજ પેાતાનાં સંતાનોને લઇને એજ દેવળમાં પ્રવેશ કર્યો. તેમના મર્મસ્થાનને ભેદીને આજે પ્રાર્થના નીકળવા માંડી. એ પ્રાણસ્પર્શી પ્રાર્થના ‘ઇલિઝાબેથ’ ગ્રંથમાંથી અમે નીચે ઉતારીએ છીએ :–

“પ્રભુ ! તારી પવિત્ર ઈચ્છા પૂર્ણ થાઓ. કાલે હું રાજાની રાણી હતી. મારી કેટલી બધી સાહેબી હતી ? આજ હું રસ્તાની ભિખારણ છું, કોઇ મને આશ્રય આપવાને પણ તૈયાર નથી. મારા સુખ અને વૈભવના દિવસોમાં મેં તારી હજુ પણ વધારે સેવા કરી હોત તો હાલ મને કેટલું બધું સુખ મળત. મારું દુર્ભાગ્ય !”

બાળકો ભૂખનાં માર્યાં વળખાં મારી રહ્યાં હતાં. તેઓ કહેતાં :– “મા ! અમને કાંઈ ખાવાનું આપો.”

દુઃખી નારી ખાવાનું ક્યાંથી લાવે ? તેમણે છોકરાંઓની ખાતર પ્રાર્થના કરી. એ વખતે બીજું કાંઈ કરવાની શક્તિ પણ નહોતી, સગવડ પણ નહોતી. દુઃખની પ્રથમ રાત્રિ આજ પ્રમાણે વ્યતીત થઈ. બીજે દિવસે સવારે ક્ષુધાતુર બાળકો બાલવા લાગ્યાં કે “મા ! આપણે અહીંઆં કેમ આવ્યાં છીએ, ચાલોને આપણે મહેલમાં જઈએ. અમને મહેલમાં લઈ જાઓને.”

માતા સંતાનોને કાંઈ પણ કહી શક્યાં નહિ. એમણે લોકોને બારણે બારણે ભ્રમણ કર્યું; પણ કોણ એમને આશ્રય આપે ? છેવટે એક આશ્રમના પાદરીએ સાહસ કરીને દુઃખી રાણીને એક સ્થાન રહેવા માટે આપ્યું. ઇલિઝાબેથની પાસે પૈસાટકા કાંઇ પણ નહોતું, ફક્ત બે–એક દાગીના હતા. એ દાગીના ગીરો મૂકીને રાણીએ ભોજનસામગ્રી ખરીદ કરી. ત્રણ સંતાન અને એક દાસી એ ગરીબીનું ભોજન ખાઈને ભૂખ મટાડી.

પરંતુ એ આશ્રમમાં પણ ઇલિઝાબેથને રહેવાની વધારે સગવડ મળી નહિ. રાજ્યના અમલદારોએ તેમને એ સ્થાનમાંથી પણ કાઢી મૂક્યાં. હવે એમનાથી સંતાનનું દુઃખ સહન થઈ શક્યું નહિ. પોતાનાં ત્રણ પ્યારાં સંતાનોને દૂર દેશાવરમાં બંધુઓના હાથમાં સોંપ્યાં. તેઓને એ પ્રમાણે આશ્રય મળ્યો. હવે ઇલિઝાબેથને તપસ્યા સિવાય બીજું કાંઈ રહ્યું નહિ; એટલે તેમણે દેહદમન શરૂ કર્યું. આખો દિવસ ઈશ્વરના ધ્યાનમાં મગ્ન રહીને એ પોતાનું ભાન ભૂલી જવા લાગ્યાં. તેમના અંતરમાંથી પ્રાર્થના નીકળવા લાગી કે “હે મારા વહાલા પ્રભુ ! આ શું ? તું સંપૂર્ણ રૂપે મારો છે, હું સંપૂર્ણ રૂપે તારી છું. હે મારા ઈશ્વર ! હું એ માગું છું કે, હું સંસારની સઘળી વસ્તુઓ કરતાં તને અધિક ચાહી શકું. મારી સર્વ વૃત્તિઓ, સર્વ ભાવનાઓ, સઘળી શક્તિ અને સમસ્ત સ્મૃતિ આપીને તને જ ચાહી શકું.”

પ – દેવી

ઇલિઝાબેથના એક મામા પાદરી હતા. ભાણેજનાં દુઃખની વાત તેમને કાને પહોંચી. એ એમને પોતાને ગામ લઈ ગયા અને ત્યાં એક હવેલીમાં એમને ઉતારો આપ્યો પછી એ સંતાનવત્સલા જનનીએ પોતાનાં છોકરાંઓને પાછાં પોતાની પાસે બોલાવી લીધાં. એ વખતે મામાએ એક દિવસ મમતાને વશ થઈને ભાણેજીને કહ્યું કે “હજુ તારી ઉંમર નાની છે, તું નિરાધાર છે; એટલા માટે કોઈ સારા આબરૂદાર ગૃહસ્થ સાથે તારું લગ્ન કરવાની મારી ઇચ્છા છે. મારી આ સૂચનાને તું પ્રસન્નચિત્તે સંમતિ આપ.”

સાધ્વી નારીએ મામાની એ વાત સાંભળીને કહ્યું કે “મારા સ્વામી મને અત્યંત ચાહતા હતા, એ મારા અતિશય વિશ્વાસુ મિત્ર હતા. મેં તેમની શક્તિ, માન-આબરૂ અને ધનવૈભવ એ બધાનો ઉપયોગ કર્યો છે; પરંતુ આપ જાણો છે કે, હું એ વખતે પણ એ બધા સાંસારિક સુખવૈભવને અસાર સમજતી હતી. સંસારનાં સુખવૈભવ કેવળ દુ:ખ, વેદના અને આત્માનું મૃત્યુ લાવે છે; એટલા માટે મેં એવો સંકલ્પ કર્યો છે કે, મારા પ્રભુ અને પવિત્રાત્મા ઈસુનાજ સહવાસમાં આખું જીવન ગાળીશ.”

ઇલિઝાબેથના નિવાસસ્થાનની ચારે તરફનું દૃશ્ય અતિશય મનોહર હતું. ક્યાંક ગગનસ્પર્શી ગિરિશૃંગ રૂપેરી બરફથી શોભી રહ્યા હતા, ક્યાંક ઝરણાંઓ ખળખળ વહીને અદ્‌ભુત સંગીત ગાઇ રહ્યાં હતાં, ક્યાંક તળાવોનું નિરૂપમ સૌંદર્ય હતું, ક્યાંક હરિયાળાં ખેતરોની શોભા હતી તો કોઈ સ્થળે કુસુમોદ્યાન પુષ્પ અને પલ્લવથી શોભી રહ્યાં હતાં. વાયુના સ્પર્શથી એ પુષ્પોની સૌરભ ચારે તરફ ફેલાઇ રહી હતી. ઇલિઝાબેથ પ્રકૃતિનું આ મનોહર દૃશ્ય જોતાં જોતાં અપાર સુંદર સત્ય પરમાત્માના રૂપમાં ડૂબી જતાં; તેમના અંતરમાં પ્રભુ પ્રેમ ઉછળતો હતો. એ લગભગ હંમેશાં છોકરાંઓને સાથે લઈને પૃથ્વીનું અનુપમ સૌંદર્ય નિહાળતાં નિહાળતાં ઈશ્વરના મહિમાનું કીર્તન કરતાં.

ઇલિઝાબેથને સ્વામીના મૃત્યુ પછી પણ સંસારમાં થોડુંક બંધન હતું; પણ હવે આ વિશ્વમાં તેમને કાંઈ બંધન રહ્યું નહિ, આસક્તિ રહી નહિ, કાંઇ પણ કામના રહી નહિ. હવે એ સર્વભાવે પરમેશ્વરમાં આત્મસમર્પણ કરી અચળ ધામ પામવા માટે તેનેજ પાતાનું સર્વસ્વ સમજીને સર્વ પ્રકારે સંયમ તથા ધ્યાનચિંતન કરવા લાગ્યાં.

અમે ઉપર રાજા લૂઈના મૃત્યુની વાત લખી ગયા છીએ; પરંતુ એમની અંત્યેષ્ટિક્રિયા વિષે કાંઈ લખ્યું નથી. વિદેશમાંજ એમની સમાધિ થઈ હતી. કબરમાં તેમનો દેહ પોઢાડવામાં આવ્યો હતો. આટલા બધા દિવસ પછી જર્મનીના અનેક આબરૂદાર લોકો કબરમાંથી એ ધાર્મિક રાજાના દેહનું હાડપિંજર ખોદીને દેશમાં લઈ આવ્યા. તેઓ સેક્સનીમાં જવા પહેલાં એ શબ લઈને ઈલિઝાબેથ પાસે આવ્યા. અનેક દેશના મોટા મોટા પ્રતિષ્ઠિત કુટુંબના, નાઈટનો ખિતાબ ધરાવનારાઓ અને વીર પુરુષો તથા સૈનિકો મૃતદેહની સાથે એ વિધવા રાણી પાસે આવ્યા હતા. ઇલિઝાબેથ કેટલીક વારસુધી સ્વામીના શબની પેટી તરફ જોઇ રહ્યાં. તેમના પ્રાણમાં શોક ઉછળી આવ્યો. ગમે તેટલો પ્રયત્ન કર્યા છતાં તે પોતાનાં આંસુ ખાળી શક્યાં નહિ. નાઇટની ઉપાધિવાળા મોટા મોટા માણસો રાણીને સાંત્વના આપવા લાગ્યા. ત્યારપછી રાજાનું શબ ઉપાસનામંદિરમાં લઈ જવામાં આવ્યું અને શબવાળી પેટી ખોલવામાં આવી. રાજાના દેહપિંજર સામે જોઈને સઘળાં અશ્રુ સારવા લાગ્યાં. પછી ઇલિઝાબેથનું ચિત્ત ઈશ્વરમાં નિમગ્ન થઈ ગયું અને તેઓ મૌનભાવે ઈશ્વરનો આવિર્ભાવ અનુભવવા લાગ્યાં. છેવટે એ સાધ્વી ઈશ્વરને ‘મહારાજ’ શબ્દથી સંબોધીને કહેવા લાગ્યાં કે “તમે મારા સ્વામીને અનંત શાંતિરાજ્યમાં લઈ ગયા છો તેથી તમને ધન્યવાદ છે.”

રાજાનો મૃતદેહ કેટલાક દિવસ સુધી ઈલિઝાબેથની પાસે રાખવામાં આવ્યો. દરરોજ ઉંડા ભાવથી ઉપાસના થતી, ઇલિઝાબેથની સાથે બીજા પણ ધર્મવિશ્વાસુ ઉપાસકો ઈશ્વરના આર્વિભાવનો અને પરલોકના અસ્તિત્વનો અનુભવ કરવા લાગ્યા. એ સમયમાં હેન્રીના અત્યાચારની વાત અનેક સ્થળોના પ્રતિષ્ઠિત મનુષ્યો તથા તેજસ્વી વીર પુરુષોને કાને પહોંચી. તેઓ ઉશ્કેરાઇ ગયા. ઇલિઝાબેથે તેમને ઘણું ઘણું સમજાવીને શાંત કર્યા. પછી એ ગૃહસ્થો રાજાનું શબ લઈને રાજધાનીમાં ગયા. રાજાની સાથે જે સૈન્ય અને સેનાપતિ ધર્મયુદ્ધની ખાતર પૂર્વ દેશમાં ગયા હતા, તેઓ પોતાના માલિકના મૃતદેહની સાથે સાથે સ્વદેશમાં પાછા આવીને રાજમહેલના કિલ્લામાં પહોંચ્યા. હેન્રીએ સિંહાસન ઉપર અધિકાર જમાવીને ઇલિઝાબેથના પ્રત્યે જે અત્યાચાર તથા ખરાબ વ્યવહાર કર્યો હતો, તે જાણીને તેઓના મર્મસ્થાનને મોટો આઘાત લાગ્યો હતો.હવે રાજમહેલ જોવાથી તથા રાજા હેન્રીને જોવાથી દુ:ખ, શોક, તિરસ્કાર અને ક્રાધથી તેઓ બેબાકળા બની ગયા. તેઓ હેન્રીનાં દુષ્ટ કામોનો બદલો લેવાને તૈયાર થયા. તેના અન્યાયી આચરણનો તીવ્ર પ્રતીવાદ કરવા સારૂ એક દિવસ નક્કી થયો. એ દિવસે ચાર વીર પુરુષો બધા સૈનિકોના પ્રતિનિધિતરીકે રાજા હેન્રીની સન્મુખ હાજર થયા. એમનામાંથી લૉર્ડ વેરિલા નામના એક સાહસી અને નિર્ભય ચિત્તવાળા ગૃહસ્થે ગંભીર સ્વરે પેાતાના ભાષણનો આરંભ કર્યો. તેમના ભાષણનો સાર સંક્ષેપમાં અત્રે ઉતારીએ છીએ :–

“મહારાજ ! આ રાજ્યના યોદ્ધાઓના એક દળના આગ્રહથી મારે આપની સન્મુખ આવવું પડ્યું છે. એમના વિચારો આપની આગળ દર્શાવવાનો ભાર મને સોંપાયો છે; માટે હું તે આપની આગળ નિવેદન કરું છું. અમે આપની વિરુદ્ધ કેટલાક ગંભીર આરોપોની વાત સાંભળીને, દુઃખ અને શોકથી મરવા જેવા થઈ ગયા છીએ. એક રાજા શું ખરેખર આવો અધર્મી અને વિશ્વાસઘાતી થઈ શકે ? આપે કયા લોકોની સલાહથી આવાં અન્યાયી કામો કરવાની હિંમત કરી છે ? એક સુપ્રસિદ્ધ રાજાની કન્યા આપનાં ભાભી થાય છે. તેમના પ્રત્યે સન્માન દર્શાવવું તથા તેમને દુઃખના વખતમાં દિલાસો આપવો એ શું આપની ફરજ નહોતી ? એવું ન કરતાં આપે એક પતિત સ્ત્રીની પેઠે એમનું અપમાન કરીને, તેમના મહેલમાંથી કાઢી મૂક્યાં છે. આજ એ વિધવા નારીને રહેવા ઘર નથી, પાસે ફૂટી બદામ નથી, માનમર્યાદા કાંઈ નથી, એ રસ્તાની ભિખારણ છે. આપના જે ભાઇએ ઈશ્વરના કામ સારૂ પ્રાણ આપ્યો છે, તેમનાં અનાથ બાળકોની દેખરેખ રાખવાનો ધર્મ શું આપના ઉપર નહોતો આવી પડ્યો ? તેમનું પાલન કરવાની વાત તો દૂર રહી, પણ ઉલટું તમે એમનાં નિરાધાર બાળકોને એમના રાજમહેલમાંથી કાઢી મૂક્યાં છે. આપે શું આપના પુણ્યવાન ભાઈ પાસેથી આવુંજ શિક્ષણ મેળવ્યું છે ? આપના ભાઈ તો એમની અતિ દરિદ્ર હીન પ્રજાપ્રત્યે પણ આવું નિષ્ઠુર આચરણ કરતા નહોતા. અમે ભવિષ્યમાં આપના કર્તવ્યપાલન અને અભય વચનો ઉપર કેવી રીતે આસ્થા મૂકીએ ! આપ તો એક યોદ્ધા છો, વિધવા અને અનાથોનું રક્ષણ કરવું એ તો યોદ્ધાનો ખાસ ધર્મ છે. એ ધર્મને વિસરી જઈને આપે શું એ સાધ્વી ભાભી તથા સાધુચરિત ભાઈનાં સંતાનો ઉપર અત્યાચાર નથી કર્યો ? આપનું એ આચરણ શું ધિક્કારવા યોગ્ય અને બદલો લેવા યોગ્ય નથી ?”

હૃદય ભરાઈ આવવાથી લૉર્ડ વેરિલાના મુખમાંથી એથી વધારે વાક્યો નીકળ્યાં નહિ. રાજમાતા સોફિયા પણ હવે દુઃખ અને શોકથી રડવા લાગ્યાં. રાજા હેન્રીનું રાજમુકુટથી શોભતું, અભિમાની મસ્તક લજ્જાથી નીચું નમી ગયું. લૉર્ડ વેરિલાએ ફરીથી અગ્નિમય ભાષામાં બોલવાનો આરંભ કર્યો “એક તૂટેલા નિરાશ હૃદયવાળી અને સહાયહીન વિધવા તરફથી આપને શી વાતની શંકા હતી ? આ પુણ્યશીલા સાધ્વીજી પોતેજ આ દેશના રાજમહેલનાં કર્તા-કારવતા બન્યાં હોત તો એમાં પણ આપનું શું અનિષ્ટ થવાનું હતું ? હવે વિદેશના લેાકો શું અમને ધિક્કારશે નહિ ? આપ શું એટલું પણ સમજી શક્યા નથી કે, આ કાર્યથી આપ ઇશ્વરના ક્રોધને પાત્ર બન્યા છો ? આપે શું આ દેશ ઉપર અને આપના ગૌરવમય વંશ ઉપર આપના અયોગ્ય વર્તનથી કલંક ચોંટાડ્યુ નથી ? આપ જો એને માટે ઈશ્વરની આગળ પશ્ચાત્તાપ નહિ કરો, આપનાં ભાભી સાથે પાછો સંપ નહિ કરો અને આપના ભાઇનાં સંતાનોને એમના હક્કની બધી વસ્તુઓ પાછી નહિ સોંપી દો; તો નિશ્ચય જાણજો કે, આ દેશ ઉપર ઇશ્વરનો કેર ઉતરશે.”

લૉર્ડ વેરિલાનું એક એક વાક્ય જ્વાળામુખી પર્વતમાંથી ઉડતા અંગારાની પેઠે એ રાજાના હૃદય ઉપર પડવા લાગ્યું. એ હવે વધારે વાર સુધી સ્થિર રહી શક્યો નહિ. ભય, પશ્ચાત્તાપ, લજ્જા અને દુઃખથી વ્યાકુળ થઈને એ ઉભો થયો અને પછી થોડી વારે બોલવા લાગ્યો કે “મારા અપરાધનો ખરેખાત મને પસ્તાવો થાય છે. હવેથી હું કોઈ પણ દિવસ બીજાઓની ખરાબ સલાહ સાંભળીશ નહિ. તમે મારા ઉપર આપના એક બંધુના જેટલો વિશ્વાસ રાખજો, મારાં ભાભી રાજ્યમાંથી જે કાંઇ સંપત્તિ માગશે તે હું તેમને અર્પણ કરીશ; વળી આપની આગળ બીજી પણ કહેવાની જરૂર સમજું છું. તે એ કે, મારાં ભાભીને હું આખા દેશનો અધિકાર આપીશ તો એ આખા દેશને પણ ઈશ્વરની સેવામાં અર્પણ કરશે.”

લૉર્ડ વેરિલા બોલ્યો કે “ખરેખર, ઈશ્વરના ક્રોધમાંથી બચવાનો એજ એકલો ઉપાય છે.”

પછી રાજા હેન્રીએ તરતજ થોડુંક સૈન્ય ઇલિઝાબેથની પાસે મોકલ્યું. તેઓએ વિધવા રાણીની પાસે જઈને કહ્યું કે ‘આપ રાજ્યમાંના કયા ભાગ ઉપર અધિકાર મેળવીને રાજા હેન્રીની સાથેનો ટંટો મટાડી દેશો ?’

ઈલિઝાબેથે કહ્યું કે “મોટા મોટા મહેલો, ધનરત્નો કે રાણીનો અધિકાર એ બધામાંથી મારે કાંઈ પણ જોઇતું નથી. એથી તો મારું ચિત્ત ચંચળ થાય અને હું ઈશ્વરની પ્રાપ્તિ કરી શકું નહિ.”

સૈનિકો નિરાશ થઈને રાજા હેન્રીની પાસે ગયા, પરંતુ હેન્રી એનાં આ ભાભીને – આ મહાન સાધ્વીજીને જરા પણ પારખી શક્યો નહિ. એણે તો ઉપલા ઉત્તરથી ઉલટું એમજ ધાર્યું કે, ઈલિઝાબેથના હૃદયમાં વેર લેવાની ઈચ્છા પ્રબળ છે. આથી કરીને હેન્રી કાંઈક ભય અને કાંઈક પશ્ચાત્તાપની જ્વાળાથી સ્થિર બેસી શક્યો નહિ. એ જનની સોફિયા અને નાના ભાઈ કોનરાદને સાથે લઈને વિધવા રાણી ઈલિઝાબેથની પાસે ગયો અને વિનયપૂર્વક બોલ્યો કે “મને માફ કરો, હું મારા બધા અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર છું.”

સરળ અને પ્રીતિમયી ઇલિઝાબેથના પ્રાણમાં સ્નેહ ઉભરાઈ આવ્યો. તે હેન્રીને ગળે વળગી પડ્યાં. હૃદય ભરાઇ આવવાથી તેમના કંઠમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહિ, પણ અશ્રુ વહેવા લાગ્યાં. તેમના હૃદયનો આ દિવ્ય પ્રભાવ (ઉભરો) અને સ્વર્ગીય ક્ષમાભાવ જોઈને લોકોના સદ્‌ભાવનો પાર રહ્યો નહિ. બધા કહેવા લાગ્યા કે :–

“આ ઇલિઝાબેથ માનવી છે કે દેવી ?”

આ વખતે આ સાક્ષાત્ દેવીસમી સાધ્વી દેવીના દિવ્ય ભાવથી સર્વના હૃદયમાંથી હેન્રી પ્રત્યેનો વિરોધી ભાવરૂપી પથ્થર પીગળી ગયો, મરુભૂમિમાં જ્યાં ત્યાં પ્રીતિનું ઝરણું વહેવા લાગ્યું, હિંસા-દ્વેષ બધું ચાલ્યું ગયું, હેન્રી ભાભીનો આવો દિવ્ય વ્યવહાર જોઇને સ્થિર બેસી શક્યો નહિ. એ પણ હવે બાળકની પેઠે રોવા લાગ્યો. રાજમાતા સોફિયા પણ પુત્રવધૂનાં આંસુ સાથે પોતાનાં આંસુ ભેળવવા લાગ્યાં. આ અપૂર્વ દૃશ્ય જોઈને વીર યોદ્ધાઓનાં પણ અશ્રુઓ ખાળ્યાં ખાળી શકાયાં નહિ. આજ આંસુઓદ્વારાજ સઘળાંનું એકબીજાસાથે મિલન થયું. ઈલિઝાબેથ, સાસુ, દિયર અને સ્વામીની સાથે ગયેલા સૈનિકોના આગ્રહને પાછો ઠેલી નહિ શક્યાથી વાર્ટબર્ગના રાજમહેલમાં ગયાં. એમણે છોકરાંઓને લઇને એ રાજમહેલમાંજ રહેવું એવું નક્કી થયું. ઇલિઝાબેથને રાણીતરીકે જે જે અધિકારો હતા, તે બધા તેમને આપવામાં આવ્યા.

૬ – પ્રભુપ્રેમઘેલી ઇલિઝાબેથ

ઇલિઝાબેથ પાછાં રાજનગરના સુરમ્ય મહેલમાં વાસ કરી રહ્યાં છે. તેમનાં સંતાનો પાછાં પિતૃગૃહમાં આવ્યાં છે. પાછી તેમના સુખને માટે નાના પ્રકારની તૈયારીઓ થઇ રહી છે. આ વખતે હેન્રીએ ભાભીને રાજમહેલના આનંદોત્સવ અને ગાનતાનમાં નાખવાનો પ્રયત્ન કર્યો; પરંતુ એનો એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. જેના અંતઃકરણને શ્રીહરિએ પોતાના શરણમાં હરી લીધું હોય અને જેણે તેની કૃપાથી આંતરિક મહાભાવોનું કાંઈપણ આસ્વાદન કર્યું હોય; તે મહાભાગ્યશાળી દિવ્ય માનવીને એવા માયિક અસાર આમોદપ્રમોદ કેવી રીતે મોહિત કરી શકે ? ઇલિઝાબેથ હવે કોઈ પણ જાતની રમતગમત કે નાચતમાશામાં સામેલ થતાં નહિ. એ પોતાના પરમપ્રિય પરમાત્મદેવના ધ્યાનમાં ડૂબી જતાં. તેમનું હૃદય એ અલૌકિક મહાભાવ, આનંદ અને અમૃતથી પૂર્ણ થઈ જતું. તે ઉપરાંત એ દયામયી સાધ્વી ગરીબોને ધન અને ભૂખ્યાંઓને અન્ન છૂટથી આપ્યા કરતાં; તેમના બન્ને હાથ પીડિતોની સેવામાં રહેતા.

પરંતુ એટલા પરોપકારથી પણ એમને તૃપ્તિ ક્યાંથી ? સંસારના સેંકડો ધાર્મિક લોકો જેવા પ્રકારનું ધર્મજીવન પ્રાપ્ત કરીને જન્મનું સાર્થક સમજે છે, તેવું ધર્મજીવન તો ઇલિઝાબેથ પ્રાપ્ત કરી ચૂક્યાં હતાં, પરંતુ એટલાથી એમના અંતરમાં રહેલો દેવતા એમને સંતુષ્ટ થવા દેતો નહિ. એ તો એવીજ ઇચ્છા પ્રેર્યા કરતો હતો કે, તેની એ મહાન દાસી ઇલિઝાબેથ પરાભક્તિથી (પ્રભુપ્રેમથી) ગાંડી બનીને પોતાનું સર્વસ્વ તેના(પ્રભુના)જ ચરણમાં સમર્પણ કરે. એટલા માટે તેણે તો હવે પરમ પ્રેમની વીણા વગાડીને ઇલિઝાબેથને પોતાની તરફ વધુ ને વધુ ખેંચવા માંડી. પરિણામ એ આવ્યું કે, ઇલિઝાબેથનું મન બીજા કશાથી ખેંચાયું પણ નહિ અને તૃપ્ત પણ થયું નહિ. કોઈ પણ તપસ્યા, જીવનની કોઈ પણ અવસ્થા, હાથનું કોઈ પણ કાર્ય તેઓ જેવું અને જેટલું કરવા જેવું સમજતાં, તેવું અને તેટલું તેમનાથી થઈ શકતું નહિ. હવે તો પ્રભુ પ્રેમના આવેશમાં આવી એ પ્રેમમસ્ત થઈને ઘરબહાર નીકળવાને આકુળવ્યાકુળ થઈ ગયાં. રાજમહેલનાં ધન, રત્ન તથા સાસુ અને દિયરનો સ્નેહ ઇત્યાદિ તેમને રાજનગરી તરફ આકર્ષી શક્યાં નહિ. સંન્યાસિનીની માફક એકાંત સ્થાનમાં જઇને ધ્યાન અને પ્રાર્થના કરીશ; પેાતાના તન અને મનના પ્રત્યેક અણુ–પરમાણુ, સમસ્ત શક્તિ અને સમસ્ત ભાવ પ્રભાવો હવે તો માત્ર તે દીનબંધુ સર્વેશ્વરનેજ સમર્પણ કરીશ; પીડિત લોકોરૂપે તે ઉન્નત થવાની તક પોતાના જનોને આપી રહ્યો છે, તેની સેવામાં પોતાની જાતના ટુકડે ટુકડા કરીને વહેંચી આપીશ; એવી એવી અભિલાષાઓને લીધે આ અશાશ્વત ધન તથા ઐશ્વર્યથી ભરેલી રાજનગરીમાં વધારે રહેવાની તેમણે ઇચ્છા કરી નહિ. બિચારા પામર અને વિષયી લોકો તો મહાન સાધ્વીની આવી મતિ જોઈને કહેવા લાગ્યા કે :–

“રાણી હવે તો ગાંડી થઇ ગઇ છે.”

ઇલિઝાબેથ રાજમહેલમાંથી રોટલી, મિષ્ટાન અને બીજા ખાવાના પદાર્થો લઇને ખુલ્લી રીતે રાજમાર્ગમાં થઈને ગરીબોની ઝુંપડીઓમાં જતાં. એ વખતે અનેક સ્ત્રી-પુરુષો તેઓ સાંભળે એવી રીતે બોલતાં કે :–

“જુઓ તો આ ગાંડી રાણી ! આ રાણી તદ્દન ઘેલી થઈ ગઈ છે.”

આ બધી કટાક્ષવાણી સાંભળવાથી ઇલિઝાબેથને કષ્ટ નહિ થતાં એમના મુખ ઉપર સર્વદા આનંદની જ્યોતિ ઝળક્યા કરતી.

થોડા દિવસ પછી એવું નક્કી થયું કે, ઇલિઝાબેથે મારબર્ગ શહેરના એક નિર્જન અને મનોરમ સ્થાનમાં જઈને રહેવું. એ સ્થાનમાં તપસ્યા અને જનસેવા બન્ને માટે અત્યંત સગવડ મળશે. ઇલિઝાબેથ રાજમહેલમાંથી જવાનાં હતાં તે દિવસે એ મહાન સાધ્વીજી બધાંઓની વિદાય માગતાં બોલ્યાં કે :–

“આપે મને જેટલી ચાહી છે, મારા ઉપર જેટલી દયા રાખી છે, એટલી બધી કરુણાને શું હું પાત્ર છું ? કહો, મેં તમારે સારૂ ક્યાં કશું કર્યું છે ? આજ આપ સર્વે અને ક્ષમા આપો, મારે માટે પ્રાર્થના કરો, મને પ્રફુલ્લ વદને વિદાય આપો. આપની પ્રાર્થનાથી તથા પરમેશ્વરની કરુણાથી હું મારું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી શકું; તેનીજ સેવામાં આ તન અને મનનો અણુએ અણુ અર્પણ થાય એવું હું ઈચ્છું છું.”

રાજનગરીનો ત્યાગ કરીને ઇલિઝાબેથ મારબર્ગ શહેરમાં પહોંચ્યાં. એ શહેરનો બધો અધિકાર તેમનેજ સોંપવામાં આવ્યો હતો. એ સ્થળનાં બધાં સ્ત્રીપુરુષોએ તેમને આવકાર આપ્યો. પરંતુ એવી જાતનો આવકાર અને જનકોલાહલ ઇલિઝાબેથને જરા પણ રૂચ્યો નહિ. એ તો શહેરથી ત્રણ માઈલ દૂર આવેલા એક નિર્જન સ્થાનમાં ગયાં. ત્યાં આગળ નાના પ્રકારનાં વૃક્ષો તથા લતાઓની વચ્ચે એક નાનીશી કુટિર હતી. એ કુટિરનું છાપરું તૂટેલું હતું; પણ એના ઉપર વૃક્ષની શાખાઓ તથા લીલાં પાંદડાંઓની છાયા જરૂર હતી. ઇલિઝાબેથ એ નિર્જન કુટિરમાં વાસ કરીને સાચાં તપસ્વિનીની પેઠે તપસ્યા અને દુઃખીઓની સેવા કરવા લાગ્યાં. એ પોતાને હાથેજ રાંધતાં અને ગરીબોને વહેંચી દેતાં તથા છેવટે થોડું યજ્ઞની પ્રસાદીરૂપે જમી લેતાં. થોડા દિવસ પછી તેમની કુટિરની પાસે લાકડાનું એક મકાન બાંધવામાં આવ્યું. એ ઘરમાં તપસ્વિનીનાં બાળબચ્ચાં રહેવા લાગ્યાં.

આટલા સમયમાં ઇલિઝાબેથના અપૂર્વ જીવનની વાત લગભગ બધાને કાને પહોંચી ગઇ હતી. રોમનો પોપ નવમો ગ્રેગરી તેમને સારી રીતે ઓળખતો હતો. એ રીતસર સંન્યાસિની બને એવી પોપની ઈચ્છા હતી. તેથી પોપે જાતે ઇલિઝાબેથને એક પત્ર લખ્યો. ઇલિઝાબેથે તો સંન્યાસિનીઓ કરતાં પણ વધારે સંયમી જીવન ગાળવા માંડ્યું હતું, તેમનો આત્મા પ્રભુમય જીવનમાં જ વસતો હતો; એટલે એમને માટે સંન્યાસિની બનવું એ કાંઇ અઘરૂં નહોતું. પરંતુ ઈલિઝાબેથના ચિરહિતૈષી પાદરી કોનરાડે કહ્યું કે “આપને બાહ્ય વિધિપૂર્વક સંન્યાસિની થવાની કશી જરૂર નથી. આપની પાસે જે કાંઈ માલમિલ્કત છે તેનો પણ હવે આપ કેવી રીતે ત્યાગ કરશો ? કેમકે એ મિલ્કત તો તમે ઈશ્વરને નામે સમર્પણ કરી ચૂક્યાં છો; અને માત્ર પ્રભુના સેવકતરીકે – એક ઉત્તમોત્તમ સેવકતરીકે તેનો સદુપયોગ કર્યે જાઓ છો. તમારા જેવો એનો સદુપયેાગ કરી જાણનાર આ જગતમાં બીજું કોઈ નથી. માટે તમે પોતેજ એ માલમિલ્કતના સદુપયોગથી દીનદુઃખીઓના અભાવ દૂર કરો.”

તપસ્વીની એ ધાર્મિક પાદરીની સલાહને કદી પણ તરછોડતાં નહોતાં. આ વખતે પણ તેમણે એમની સલાહનો અનાદર ન કર્યો. બહારનું એક અનુષ્ઠાન કરીને એ રીતસર સંન્યાસિની ન બન્યાં પણ અંતરથી તો તેમણે સંન્યાસિનીવ્રતજ ગ્રહણ કર્યું હતું. એક દિવસ ઉપાસનામંદિરની વેદી ઉપર હસ્ત મૂકીને એ સાધ્વીજીએ પૃથ્વીના સમસ્ત વૈભવનો ત્યાગ કર્યો હતો, ત્યારથી એમની બધી માલમત્તા ઈશ્વરની થઈ ચૂકી હતી અને તેમનું પોતાનું કાંઈ પણ રહ્યું નહોતું. તેમનું બધું ધન ઇત્યાદિ પ્રભુનાજ કામમાં અર્થાત્ દુ:ખીઓની સેવામાં ખર્ચાતું હતું. પોતાને માટે તો એ સાધ્વી મૈયા પોતાને હાથે રેંટીઓ ફેરવી સૂતર કાંતતાં અને એ સૂતરથી થોડાક પૈસા આવતા તેમાંથી ગુજરાન ચલાવતાં. એ સ્વાદિષ્ટ પદાર્થ ખાતાં નહિ, સારો પોશાક પહેરતાં નહિ, જૂજ કિંંમતનો ઝભ્ભો ધારણ કરતાં અને એવી સ્થિતિમાં પણ બહાર કેાઈ ગરીબ માણસને ટાઢમાં કાંપતો જુએ તો તેમને એટલી બધી દયા ઉપજતી કે પોતાના અંગ ઉપરનો એ ઝભ્ભો ઉતારીને એ દરિદ્ર મનુષ્યને પહેરાવતાં અને પોતે પાછાં ઘેર આવીને સઘડીના તાપથી ટાઢનું નિવારણ કરતાં.

આટલા દિવસસુધી તેમનાં પુત્રપુત્રીઓ તેમની સાથે હતાં; પણ હવે એ તેમને પણ પોતાની પાસે રાખી શક્યાં નહિ. તેમનાં સુકુમાર મુખો જોઈને તેમનો માતૃસ્નેહ ઉછળી આવતો, પણ હવે એ લેાકો દુર ચાલ્યાં જવાથી તેમના અંતરમાં કોઈ પણ જાતની આસક્તિ રહી નહિ. હવે આ વિશાળ વિશ્વમાં એમને એકમાત્ર ઈશ્વર સિવાય કોઈ રહ્યું નહિ. એ તપસ્વિની નારીએ પ્રથમ જીવનમાં પ્રેમથી અધીરાં બનીને પ્રાર્થના કરી હતી કેઃ-

" હે મારા પ્રિયતમ પરમેશ્વર ! હું તને ચાહીશ; અને તારા સિવાય બીજી કોઈ પણ વસ્તુને હું ચાહીશ નહિ. જે જે સામગ્રીઓ મને તારા તરફ ન લઈ જાય તેનાથી મને વેદના થાઓ. મારે માટે એ વસ્તુઓ ઝેરી થાઓ. એકમાત્ર તારીજ ઇરછાઓ મને પ્રિય અને સુખદાયક થાઓ. સર્વદા તારીજ ઇચ્છા મારી ઈચ્છા બનો. જેમ પ્રેમી માણસ પોતાના પ્રિયને મળવાની ઈચ્છા રાખે છે અને પેાતાનું સર્વસ્વ પ્રિયતમને અર્પણ કરવા માગે છે; તેજ પ્રમાણે હું મારે પેાતાને સારૂ કાંઈ પણ ન રાખતાં મારી બહારની અને આંતરિક સમસ્ત સામગ્રી, મારો સમગ્ર અંતરાત્મા સંપૂર્ણ રૂપે તને અર્પણ કરવા ચાહું છું. મેં લૌકિક ધન અને એશ્વર્ય મેળવવાની ઇરછા એકદમ હૃદયમાંથી દૂર કરી છે. મારી પાસે જો અનેક દુનિયાઓ હોત તો એ સઘળી દુનિયાઓ પણ આપના નામપર આપી દઈને હું દીનતા અને દરિદ્રતા મેળવત અને તારામાંજ ડૂબી જાત. હે મારા હદયના સ્વામી ! તારા પ્રત્યે મારો પ્રેમ એટલો બધો વધારે છે, કે એ પ્રેમને ખાતર હું એ દારિધ્ર્યવ્રતનેજ સર્વથી વધુ પવિત્ર ગણું છું. આ સંસારમાં મારૂં જે કોઈ છે, તેનો તારે ખાતર ત્યાગ કરું છું, કે જેથી હું તારામાંજ રમણ કરી તદ્રૂપ થઈ શકું .”

ઇલિઝાબેથના અંતરની એ ઉચ્ચ પ્રાર્થના આજે આટલા દિવસ પછી પૂર્ણ થઇ. એ ખરેખર ઈશ્વરમાંજ તલ્લીન તદુરૂપ થઈ ગયાં. તેમને જોતાંવારજ મનમાં એવું થતું કે, જાણે સાક્ષાત્ ધર્મ જ આ સાધ્વીજીનું રૂપ લઈને પૃથ્વીમાં ઉતરી આવ્યો છે. એ સમયમાં પાદરી કોનરાદ મારબાર્ગમાંજ વાસ કરતા હતા, તેમણે કહ્યું છે કે “ઇલિઝાબેથ નિર્જનમાં ઈશ્વરની સાથે વાસ કરતાં, તેની સાથે વાતચીત કરતાં. ત્યારપછી એ જ્યારે અમારી આગળ આવતાં, ત્યારે એમની અનુપમ મૂર્તિમાં અલૌકિક જ્યોતિ જણાતી.

એ સમયમાં એ મહાન સાધ્વીજી સમાધિમાં મગ્ન રહેતાં. તેમની સમાધિ અવસ્થામાં જે બનાવો બનતા. તે સંબંધમાં એક બનાવનું વિવરણ અહીં લખીશુ. એક દિવસ ઇલિઝાબેથ રસોઈ કરતાં કરતાં ઈશ્વરનું ચિંતન કરતાં હતાં, ત્યારે ધ્યાનમાં તદ્દન નિમગ્ન થઈને બધું બાહ્ય ભાન ભૂલી ગયાં. એટલામાં સઘડીની આગથી એમનું લૂગડું સળગી ઉઠયું. એમને એ વાતની કાંઈ પણ ખબર રહી નહિ; બહારના લોકો કપડું બળવાની ગંધથી ત્યાં દોડી આવ્યા અને તેમના ઘરમાં પ્રવેશ કરીને એ આગને બુઝાવી દીધી. એ મહાન સાધ્વીજી એ વખતે આંખ ચોળતાં ઉઠયાં, ત્યારેજ સમાધિદશામાં શો અકસ્માત બન્યો હતો, તેની ખબર તેમને પડી.

ઇલિઝાબેથે એક ઇસ્પિતાલ ઉઘાડી હતી. ત્યાં રોગીઓની સેવા કરવામાં એમનો ઘણો વખત જતો. પીડિત લેાકો તેમના મધુર સ્નેહથી મુગ્ધ થઈ જઈને તેમને જનની સમાન ગણતા. તેમણે કોઢ અને રક્તપિત્તના પુષ્કળ રોગીઓની સેવા કરી હતી. એ ચેપી રોગીઓની સેવા કરતાં એમના મનમાં જરા પણ ભય કે ઘ્રુણા ઉપજતાં નહિ. એક વાર એક નાની વયના બાળકને કોઢનો રોગ થયો. તેનાં સગાંવહાલાંઓએ તેનો ત્યાગ કર્યો. ઇલિઝાબેથે એ બાળકનું ઓશિયાળું મુખ જોઈને તેની ઉપર માતાના જેવો સ્નેહ દર્શાવવા માંડયો. એ બાળકને ચેપી રોગ હોવાથી તેને પોતાની ઇસ્પિતાલમાં તો રખાય નહિ, તેથી એને પોતાને ઘેર રાખીને માવજત કરવા માંડી. ઇલિઝાબેથના જીવનના આવા પ્રસંગો ઉપરથી એમ લાગે છે કે, ઈશ્વરે જાણે નવનીતની કોમળતા, કુસુમની પવિત્રતા અને બાળકની સરળતા વડે એમનું હદય ઘડયું હતું. ‘ઇલિઝાબેથ’ ગ્રંથના લેખક આ પુણ્યશીલા નારીની સેવા અને સાધના વિશે લખે છે કેઃ-

“એ આખો દિવસ દીનદુઃખીઓની સેવાદ્વારાજ પ્રભુની પૂજા કરતાં, અને રાત્રે આખા દિવસના થાકની પરવા ન કરતાં, પોતાના પ્રભુની આગળ ઘું ટણીએ પડીને, કલાકના કલાકસુધી ઉપાસના કરતાં, તેના પ્રસાદ અને દયાની પ્રાપ્તિ સારૂ પ્રાર્થના કરતાં.”

ઇલિઝાબેથનું આશ્ચર્યકારક પવિત્ર જીવન જોઈને પુષ્કળ લોકો તેમના ઉપર દેવીના જેટલી ભક્તિ રાખતાં. અનેક સ્ત્રીપુરુષની તેમનાં દર્શન માટે ભીડ જામતી. તપસ્વિની નારીનાં શાંતિદાયક વચનોથી ઘણા દુઃખી લોકોનાં દુઃખી હૈયાં શાંત થતાં. કોઇ પાપી પાપની વેદનાથી બેબાકળા થઈને ઇલિઝાબેથ પાસે આવતા તો તરતજ એમના હૃદયમાં કરુણા ઉછળી આવતી. કારણ કે મનુષ્યમાં પાપની વેદના કરતાં કોઈ પણ વધારે ભયંકર દુઃખ દુનિયામાં છે અથવા હોઈ શકે, એવું તે માનતાં નહિ. આથી એ પાપના ભારથી પીડાતા લોકો માટે એકાગ્રચિત્તે અને નમ્રભાવે પ્રાર્થના કરતાં. તેમની એ પ્રાર્થનાથીજ એ પાપીના હૃદયમાં પ્રકાશ અને શક્તિ ઉતરી આવતાં અને તેના મનનો દુષ્ટ ભાવ બદલાઈ જતા.

ઇલિઝાબેથ જે વખતે ભિખારણની પેઠે કુટિરમાં વાસ કરતાં હતાં, તે વખતે એમના પિતૃરાજ્યના દૂત કાઉન્ટ બેનીએ આવીને રાજા હેન્નિને કહ્યું કે :– “અમે સાંભળ્યું છે કે અમારી રાજકન્યા દુઃખી કંગાળ સ્ત્રીની પેઠે જીવન ગાળે છે, તો તેનું કારણ શું ?”

હેન્નિએ કહ્યું કે “મારાં ભાભી હવે ગાંડાં થઈ ગયાં છે, આપ તેમની પાસે જઈને જુઓ કે એમની શી અવસ્થા છે, એટલે આપોઆપ આપને મારા કથનની ખાત્રી થશે.”

રાજદૂતે મારબર્ગ શહેરમાં જઇને, ત્યાંના એક માણસને ઇલિઝાબેથ સંબંધી હકીકત પૂછી. એ માણસ બાલ્યો કે “એ મનુષ્ય નથી પણ સ્વર્ગનાં દૂત છે. અમારા કલ્યાણ સારૂજ તે અહીંઆં આવ્યાં છે.”

કાઉન્ટ બેની જ્યારે રાજકન્યા ઇલિઝાબેથની પાસે પહોંચ્યા, ત્યારે એમના અંગ ઉપર સામાન્ય વસ્ત્ર હતું અને એ સૂતર કાંતવામાં નિમગ્ન હતાં. દૂત પોતાના રાજાની કન્યાની આવી અવસ્થા દેખીને દુઃખ અને શોકથી મરણતોલ થઈ ગયો. એણે કહ્યું કે “આપને આવાં ભિખારણ કોણે બનાવ્યાં ?”

ઇલિઝાબેથે કહ્યું કે “કોઈ મનુષ્યે તો મને કાંઈ પણ કર્યું નથી. મારા સ્વામી પરમેશ્વરની ખાતરજ મેં મારી આ અવસ્થા લીધી છે.”

દૂતે પોતાની રાજકન્યાને તેના પિયેરમાં લઇ જવાનો અતિશય પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. જેણે ઇશ્વરનીજ ખાતર સર્વસ્વનો ત્યાગ કર્યો હોય, તેને વાતચીતથી ફોસલાવી માયાના ફંદમાં ફસાવીને પાછાં સંસારમાં લાવી શકાય ખરાં !

૭ – પરલોકયાત્રા

ઇ. સ. ૧૨૩૧નો નવેમ્બર મહિનો હતો. ઈલિઝાબેથને જ્વર ચઢ્યો હતો. એ શય્યામાં શયન કરી રહ્યાં હતાં. એવી અવસ્થામાં રાત્રિને સમયે એક ઉજ્જ્વલ પ્રકાશ તેમની આગળ પ્રગટ થયો. એ સાંભળી શક્યાં કે, એમના જીવનના દેવતા મીઠે સ્વરે બોલી રહ્યા છે કે “પ્રિય ઈલિઝાબેથ ! તું આવ, તારે માટે નિત્યધામ તૈયાર છે, ત્યાં તને લઇ જઇશ.”

ઇલિઝાબેથ સમજી શક્યાં કે, હવે એમની શરીરયાત્રા સમાપ્ત થશે અને પોતે પ્રભુના તેડાને માન આપીને પોતે લાંબા સમયથી ઇચ્છેલા પરમધામમાં ચાલ્યાં જશે. આનંદથી એ તપસ્વિની નારીનું હૃદય ભરાઈ ગયું. આનંદપૂર્વક પરલોકયાત્રાની તૈયારી કરવા લાગ્યાં. શરીરની વેદના એમના આનંદનો નાશ કોઈ પણ રીતે કરી શકી નહિ.

ઇલિઝાબેથે મૃત્યુની પૂર્વે બંધુબાંધવ અને આશ્રિત દીનદુઃખી, માંદાંસાજાં – સર્વ લોકો પાસેથી એકે એકે વિદાય માગી. હવે તેમણે શાંત એકાગ્રચિત્તે, જીવનનો બાકી રહેલો થોડોક સમય ઈશ્વરધ્યાનમાંજ ગાળવાનો સંકલ્પ કર્યો. રખે એમના ચિંતનમાં ખલેલ પડે એટલા માટે પુષ્કળ લોકો ત્યાંથી ખસી ગયા. એક પાદરીએ ઇલિઝાબેથને પૂછ્યું કે “આપની માલમિલકતની શી વ્યવસ્થા કરવી છે ?”

ઇલિઝાબેથે કહ્યું કે “મારી પાસે જે કાંઈ પાર્થિવ સંપત્તિ હતી તે તો હું અગાઉથીજ ઇશ્વરના ચરણમાં સમર્પણ કરી ચૂકી છું. ઘણા દિવસ થયાં એ મિલ્કત ગરીબોની સંપત્તિ થઈ ચૂકી છે. પ્રભુ ઇસુ ખ્રિસ્ત સિવાય બીજો કોઈ મારો વારસ નથી.”

ઇલિઝાબેથને એકદમ એવું લાગ્યું કે જાણે સ્વર્ગીય સંગીતથી એમનું આખું ઘર પરિપૂર્ણ છે. પરમધામના દૂતો જાણે તેમના આવકારને માટે આનંદસંગીત ગાઈ રહ્યા છે. તેમણે એક વાર ઉંચે સ્વરે પ્રાર્થના કરવા માંડી. ત્યારપછી એમનો કંઠ નીરવ બની ગયો. એ વખતે અનેક સ્ત્રીપુરુષ રડવા લાગ્યાં. ઇલિઝાબેથે તેમને કહ્યું કે “શાંત થાઓ ! મને સ્વર્ગીય સંગીત સંભળાય છે. તેમાં ગડબડ ન કરો.”

૧૯મી નવેમ્બરે રાત્રિસમયે ઇલિઝાબેથે પરલોકયાત્રા ફરી. સમાધિને સારૂ એમના મૃતદેહને સ્મશાનભૂમિમાં લઇ જતી વખતે પાદરી લોકો ધર્મસંગીત ગાવા લાગ્યા, પરંતુ સેંકડો દીનદુ:ખીઓના વિલાપમાં એ સંગીત વિલીન થઇ ગયું.

ઇલિઝાબેથ પ્રત્યે જે લોકોની અતિશય ભક્તિ હતી, અત્યંત પ્રેમ હતો, તે લોકો આ પુણ્યશીલા સાધ્વીના દેહાંત પછી તેમના ઘરમાં બેસીને અનુભવવા લાગ્યા કે, જાણે એ મહા તપસ્વિનીના જીવનકુસુમની સૌરભથી આખું મકાન ભરપૂર છે. જાણે હજુ પણ એ ગાઈ રહ્યાં છે કે :–

“મારા પ્રભુને ચરણે, રાજ્ય અને ગૌરવ મારું;
ત્યાગ કર્યો સર્વસ્વનો, ગણીને તુચ્છ અસાર.
મેં તેને દેખ્યો છે, તેને ચાહ્યો છે, અને વિશ્વાસ કર્યો છે કે એ – એજ છે સર્વસ્વ મારું.”

રેવરંડ એલ્બાન બટલર સાહેબનો ‘સંતજીવની’ નો ગ્રંથ વાંચ્યાથી માલમ પડે છે કે, ઇલિઝાબેથના મૃત્યુ પછી ચાર વર્ષે, રોમના પોપે તેમને ‘સેઈન્ટ’ (સાધ્વી) ગણવાનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. ઈ. સ. ૧૨૩૬માં ઇલિઝાબેથના સમાધિસ્થળમાં એક ખાસ અનુષ્ઠાન થયું. સમ્રાટ્ દ્વિતીય ફ્રેડરિકે પોતાને હાથે તેમની સમાધિ ઉપર એક કિંમતી સુવર્ણ મુકુટ સ્થાપિત કર્યો. એ સમયે ઇલિઝાબેથનો પુત્ર રાજકુમાર હારમેન, કન્યા સોફિયા અને જાર ટ્રેડ અનુષ્ઠાનમાં હાજર હતાં. તેમની સૌથી નાની કન્યા જનનીની પવિત્ર સ્મૃતિ હૃદયમાં ધારણ કરીને સંન્યાસિની થઈ હતી.