મહાન સાધ્વીઓ/સાધ્વી રાબેયા

વિકિસ્રોતમાંથી
મહાન સાધ્વીઓ
સાધ્વી રાબેયા
શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર
૧૯૨૯
સાધ્વી ઝુબેદા ખાતુન →



महान साध्वीओ


साध्वी राबेया


હિંદુ સન્નારીઓમાં ગાર્ગી, મીરાંબાઇ, કરમેતીબાઇ આદિ સાધ્વીઓ અને ખ્રિસ્તી રમણીઓમાં સેઇન્ટ સિસીલિયા, મેડેમ ગેંયો વગેરે જે પ્રમાણે ધર્મજીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરીને જગતના ઇતિહાસમાં સ્થાયી નામ રાખી ગઇ છે તથા ભવિષ્યની પ્રજાદ્વારા શ્રદ્ધા અને ભક્તિ પ્રાપ્ત કરતી રહી છે; તેજ પ્રમાણે મુસલમાન રમણીઓમાં રાબેયા, જુલેખા, જુબેદા, ઝેબઉન્‌નિસા આદિ બુદ્ધિશાળી નારીઓએ પોતાના દૃષ્ટાંતદ્વારા ઘણાં ભક્તહૃદયોને પીગળાવી નાખ્યાં છે.

મુસલમાનોમાં મુખ્ય સંપ્રદાય બેજ છે. શિયા અને સુન્નિ. પરંતુ એ બે સંપ્રદાયોની શાખા-પ્રશાખાઓ હિંદુ ધર્મની પેઠે અસંખ્ય છે. એ બધી શાખાઓમાં સૂફી સંપ્રદાય મુખ્ય અને પ્રસિદ્ધ છે. એ સંપ્રદાયમાં દાખલ થઇને અનેક ભક્ત તથા જ્ઞાનીઓએ તેની ઉજ્જ્વલતા અને કીર્તિમાં જે વધારો કર્યો છે, તે જગતના કોઈ પણ ધર્મ કરતાં ઓછો નથી, વૈષ્ણવ ધર્મ સાથે એ ધર્મની પૂરતી સરખામણી થઇ શકે છે.

સૂફી પંથની બે [૧]શાખાઓ છે : (૧) મુહત કલ્લમ – અર્થાત્ સંરક્ષક સંપ્રદાય, કે જે એ બહારનાં ક્રિયાકર્મો તથા અનુષ્ઠાનના પક્ષપાતી છે; અને (૨) સૂફી –અર્થાત્ જેઓ આત્મનિગ્રહ અને દેહદમનદ્વારા મનઃસંયમ કરવાને યત્ન કરે છે.[૨]

એ સૂફી ધર્મનો પ્રચાર ઇરાન દેશમાં અધિક થયો હતો. એ સંપ્રદાયના લોકો કુરાનને ઈશ્વરની વાણી માનીને તેના ઉપર શ્રદ્ધા રાખે છે ખરા, પરંતુ ધર્મપાલનમાં તેઓ પીર કે ગુરુના ઉપદેશ અને પોતાના વિજ્ઞાન તથા વિચારનું અનુસરણ કરે છે. એ સાધનના ત્રણ ઉત્તમ ઉપાય અર્થાત્ પગથીઆં છે : (૧) પાર્થિવ વિષયચિંતાનો ત્યાગ; (૨) બહારના પઠનપાઠનનો પરિત્યાગ કરીને એકાંતમાં એકાગ્રચિત્તે ઈશ્વરનું ધ્યાન અને ઉપાસના તથા રાતદહાડો ‘અલાહ’ ‘અલ્લાહ’ના નામનો જપ; જ્યાંસુધી સૂતાં કે જાગતાં, હાલતાં કે ચાલતાં એ નામ અનાયાસે મોંમાંથી નીકળતું રહે ત્યાં સુધી એનો જપ કર્યા કરવો; અને (૩) ત્યારપછી વાક્યના લોપ થઈને ચિત્ત કેવળ અર્થાકાર અને આકુળવ્યાકુળ ન થઈ જાય ત્યાંસુધી માનસજપ. એને પરિણામે ઇષ્ટસામીપ્ય પામે છે.

જે લોકો એ પ્રકારે ઈષ્ટસામીપ્ય મેળવે છે, તેમને ‘ઇલહામિયા’ કહે છે. ત્યાર પછીની સાયુજ્યની દશાએ પહોંચેલા સૂફીઓ ઇત્તિહાદિયા કહેવાય છે.

વિચાર અને વાદવિવાદથી મનનાં બધાં આવરણ ખસી જતાં ધ્યાન-ચિંતનદ્વારાજ અનંતની ધારણા ફૂટી નીકળે છે. નદીના પાણીમાં પરપોટા ઉઠીને જેમ એમાં ને એમાંજ પાછા લય પામી જાય છે, તેવી રીતે પરમાત્મામાં આત્માને લય પમાડવો એમાંજ માનવજીવનની સાર્થકતા છે; ‘હું’પદનું વિસર્જન કરવું એજ સૂફીની મોટામાં મોટી વાસના છે. આત્મા પરમાત્માનો અંશમાત્ર છે, માટે પરમાત્મામાં આત્માને મેળવી દેવાને સૂફીલોકો પ્રયત્ન કર્યા કરે છે. જળથી ભરેલા ઘડાને જળની વચમાં ડૂબાડી રાખ્યા હોય તેવી રીતે દુનિયામાં ઉત્પન્ન થયેલી દરેક વસ્તુમાં ઈશ્વરનો વાસ છે અને બધા પદાર્થ ઈશ્વરમાં રહેલા છે; એ ઇશ્વરજ એકમાત્ર સત્ય, શિવ અને સુંદર છે; એના ઉપર પ્રેમ રાખવો એ સાર છે, બાકી બધું મિથ્યા માયા છે. મહાકવિ સાદિ કહી ગયા છે કે “હું સત્યસ્વરૂપ ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે, જ્યારે તેણે પોતાની વિભૂતિ મારી આગળ પ્રગટ કરી, ત્યારે હું બીજી બધી વસ્તુઓને મિથ્યા માયાતરીકે ગણવા લાગ્યો.” તુચ્છ પદાર્થોમાં ફસાઈ રહેલા મનને પ્રાકૃતિક સૌંદર્ય, સંગીત, શિલ્પકળા આદિ પાછાં પ્રિયતમાની તરફ દોરવે છે. એ પ્રેમનું મનુષ્યે કાળજીપૂર્વક રક્ષણ કરવું જોઈએ અને સંયમ તથા ધ્યાનચિંતન પૂર્વક પોતાની બધી ચિંતા ઈશ્વરને સંપી દેવી જોઈએ; અને એ પ્રમાણે ધીમે ધીમે તેનું સાન્નિધ્ય પ્રાપ્ત કરીને એક થઈ જવું જોઈએ. હિજરીના બીજા સૈકામાં સૂફી ધર્મ અદ્વૈતવાદનો આશ્રય લઈને અનેક લોકોની આંખે રહસ્યમય થઇ પડ્યો. એ કારણને લીધે એ સંપ્રદાયને સુસલમાન સમાજમાં વિશેષ અપમાન સહન કરવું પડ્યું. એને લીધેજ એ લોકો પોતાના મતને છુપાવી રાખવાનો યત્ન કરે છે. “હું સત્યસ્વરૂપ છું, જેને હું ચાહું છું તેજ હું છું અને હું તે તેજ છે. અમારા બન્નેમાં અભેદ છે.” એવા મતનો પ્રચાર કર્યાથી હિજરી સન ૩૦૯માં બગદાદના અલહલ્લાજ નામના ગૃહસ્થે પ્રાણ ખોયો હતો.

મુસલમાન જગતમાં જેટલા ભક્ત થયા છે તેમનાં જીવનવૃત્તાંત અને ઉપદેશનો સંગ્રહ કરીને સૂફી સાહિત્ય આપણા વૈષ્ણવ સાહિત્યની પેઠે અવનવા મધુર રસોથી પરિપૂર્ણ થઈ રહ્યું છે. એ સૂફી લેખકોમાં મહાકવિ સાદિ, હાફિજ, અમીર ખુશરો અને વાર્તાલેખક નિઝામી, સનાઈ, ફરિદુદ્દીન અત્તાર તથા મૌલાના જલાલુદ્દીન રૂમી મુખ્ય છે. ખુશરો તો એટલે સુધી કહે છે કે “પ્રભુ પ્રેમજ મારી પૂજાની સામગ્રી છે. ઇસ્લામની મારે શી પરવા છે ?”×[૩] એ બધા કવિ અને લેખકોના ગ્રંથો સુકી લોકાના આદર અને પૂજાની સામગ્રી છે. જલાલુદ્દીનની ‘મસનવી’ એ ધર્મનો મુખ્ય શ્રદ્ધાપાત્ર ગ્રંથ છે.

એ સૂફી ભક્તોની ઉપાસનાપદ્ધતિ જૂદી જૂદી છે. તેઓ કુરાનશરીફમાં નિષેધ કરેલી વસ્તુઓનો કાંઈ અવનવા કલ્પિત અર્થ શોધી કાઢીને તેનેજ ઉપાસનાનું અંગ બનાવી દે છે. જેમકે મદ્ય = ઈશ્વરપ્રેમ; સાકિ = ગુરુ; પ્રેમિકાનો અલકદામ = ગુરુનો પ્રશંસાવાદ ઈત્યાદિ. ઉપાસનાને તેઓ સુલૂક (યાત્રા) કહે છે અને ઉપાસકને સાલિક (યાત્રાળુ) કહે છે. એ યાત્રાના માર્ગની આઠ અવસ્થા છે :– (૧) આબ્રૂદિયત :– અર્થાત્ સેવા; (૨) ઇશ્ક અથવા પ્રેમ; (૩) જુહદ – અર્થાત્ નિવૃત્તિ કે એકાંતવાસ; (૪) મારિફત - અર્થાત્ જ્ઞાન (૫) વાજૂદ કે હાલ – અર્થાત્ મત્તતા; (૬) હકીકત – અર્થાત સત્ય; (૭) વસ્લ – અર્થાત્ મેળાપ કે સાયુજ્યલાભ; (૮) ફના – અર્થાત્ નિર્વાણ.

હાફેઝના જીવનમાં મસ્તી, સાદિના જીવનમાં જ્ઞાન અને જુલેખાના જીવનમાં પ્રભુપ્રેમ અધિક ખીલ્યાં હતાં. પરંતુ રાબેયાના જીવનમાં તો એ બધી અવસ્થાઓ આશ્ચર્ય પમાડે એવી રીતે વિકાસ પામી હતી.

રાબેયા ગરીબ પિતાની પુત્રી હતી.×[૪] તેના પિતાનું નામ ઇસ્માઈલ હતું. એ આદિ કુટુંબનો હતો. એને લીધે ઉત્તરાવસ્થામાં રાબેયાને ‘રાબેયા અલ આદાબંયા’ એ નામથી લોકો ઓળખતા હતા.*[૫] અરબસ્તાનની મરુભૂમિમાં એક નાનાસરખા ગામડામાં રાબેયાનો જન્મ થયો હતો. રાબેયા બચપણથીજ મા વગરની થઈ હતી. ઇસ્માઈલને એથી કરીને તેનો બાપ અને મા બંનેની ગરજ સારવી પડતી. વૃદ્ધ ઇસ્માઈલ પેટને અર્થે મજુરી કરવા બહાર જતો, ત્યારે બાલિકા રાબેયા એકાંત ઝુંપડીમાં એકલી બેઠી બેઠી જ્યારે સાંજ પડે અને પિતાજી ઘેર પાછા આવે તેની વાટ જોયા કરતી. થાક્યાપાક્યા પિતાને સારૂ એ રેતાળ ભૂમિમાં મહામુસિબતે મળી આવતું જળ ભરીને તૈયાર રાખતી અને પિતા ઘેર આવે ત્યારે સ્નેહ અને પાણી વડે તેમને શીતળ કરતી.

એવી દશામાં ઉછર્યાથી બચપણમાંજ રાબેયા પોતાના બળ ઉપર ભરોંસો રાખનારી, મહેનતુ, સેવાપરાયણ અને ગંભીર બની હતી; અને આઠ-દશ વર્ષની વયમાં તેણે ઠાવકી, થોડાબોલી અને મહેનતુ રમણીની પેઠે પેાતાની ગૃહકુશળતાથી એ ઝુંપડીમાં કાંઈક અવનવુંજ તેજ આણ્યું હતું.

રાબેયાના ગામડાની ચારે તરફ ‘બદ્દૂ’ જાતના લૂંટારાઓનો વાસ હતો. તે વખતોવખત ગામ ઉપર ધાવો નાખીને આવતા. સ્ત્રી પુરુષ જે હાથ આવે તેને પકડીને લઈ જતા અને ગુલામતરીકે વેચતા અથવા તો પોતાને ઘેરજ રાખીને ગુલામગીરી કરાવતા. રાબેયાની ઉંમર બાર-તેર વર્ષની હતી. એ વખતમાં એક દિવસ લૂંટારાઓની એક ટોળીએ એના ગામ ઉપર હુમલો કર્યો અને બીજા સ્ત્રીપુરુષની સાથે રાબેયાના પિતા વૃદ્ધ ઇસ્માઈલને પણ પકડીને લઈ ગયા. રાબેયા હવે દુનિયામાં એકલવાઇ પડી. જાતમહેનત કરીને પોતાના ગુજરાનજોગું કમાવા જેટલી તેની ઉંમર કે શક્તિ નહોતી. ગામના ઘરડા માણસોએ એકઠા થઈને રાબેયાની દુર્દશાનો વિચાર કરીને એવો નિર્ણય કર્યો કે, રાબેયાએ દરરોજ એક એક ઘરમાં મહેમાનતરીકે રહેવું અને પોતાનાથી બની શકે તેટલી મદદ ઘરધણીને ઘરના કામકાજમાં કરવી; કારણ કે એ ગામડાના બધા રહેવાસીઓ એના જેવા દરિદ્રજ હતા. અરબસ્તાનના ગામડીઆ લોકો ગરીબ હોવા છતાં પણ પરોણાચાકરી કરવામાં લાંબા વખતથી પ્રસિદ્ધ છે.

આ પ્રમાણે રાબેયાના દિવસ વીતવા લાગ્યા. એ આખો દિવસ કોઈના ઘરમાં જઈને કામકાજ કરી આવીને ભજન કરતી તથા સંધ્યાકાળે પેાતાની બાલ્યાવસ્થાનાં સ્મરણ સાથે સંબંધ ધરાવતા પિતાના શીતળ ખેાળા જેવા ઝુંપડામાં જઈને આશ્રય લેતી. ગામની ડોશીઓ કોઈ કોઈ વખત દયા લાવીને રાત્રે બિચારી રાબેયાની સાથે તેની ઝુંપડીમાં જઈને સૂતી. રાબેયા રાત્રે પડી પડી પિતાનીજ ચિંતા કર્યા કરતી, ઉંડા નિસાસા નાખવા છતાં પણ તેના હૃદયની વેદના ઓછી થતી નહિ.

આ સ્થિતિમાં એકાદ વર્ષ નીકળી ગયું. એક દિવસ સાંજે આખા દિવસની થાકીપાકી રાબેયા ઝુંપડાના બારણા આગળ બેસીને રેતાળ રણનો વિશાળ વિસ્તાર નીરખી રહી હતી; વૃદ્ધ પિતાનું સ્મરણ થઈ આવવાથી તેનું મન આકુળવ્યાકુળ થઈ જતું હતું; એવામાં એક દુબળો પાતળો વૃદ્ધ પુરુષ તેની સામે આવીને પડી ગયો તથા સૂકાઈ ગયેલા ક્ષીણ અને દયા ઉપજાવે એવા સ્વરે બાલ્યો કે “રાબેયા ! હું લૂંટારાની છાવણીમાંથી નાસી આવ્યો છું, મને ઘણીજ તરસ લાગી છે, થોડુંક પાણી પા.” રાબેયાએ તે વૃદ્ધ પુરુષને તરત ઓળખ્યો, એ તો તેનો પિતા હતો.

રાબેયાની ઝુંપડીમાં એ વખતે પાણી નહોતું. ઝુંપડીમાં પોતે થોડાજ વખત રહેતી, એટલે મહામુસીબતે મળતા પાણીને પોતાને ત્યાં ભરી રાખતી નહિ. પિતાએ પાણી માગતાંની સાથેજ એ હાથમાં ઘડો લઈને પાણી લાવવા માટે દોડી. દોડીને જવા આવવામાં પણ તેને અડધા કલાક કરતાં વધારે વખત લાગ્યો. પાણી લઇને જે વખતે એ પિતાની પાસે પહોંચી તે વખતે તેનો દુ:ખી જીવ તેના હાડપિંજર જેવા શરીરમાં રહ્યો નહોતો. ઘણે દિવસે અણધાર્યે વખતે પિતાજીનું દર્શન થયું અને એ પાણીવગર પોતાનાજ દ્વાર આગળ સૂકાયલે ગળે મરણ પામ્યા, એ વિચારથી રાબેયાના મનમાં અત્યંત ખેદ થવા લાગ્યો. જે પિતાએ કેટલાં બધાં વર્ષો સુધી આદરથી તેનું લાલનપાલન કર્યું હતું, તે પિતાની સેવાચાકરી એક દિવસ પણ કરી શકાઈ નહિ એ વિચારથી રાબેયાના હૃદયના ચૂરેચૂરા થવા લાગ્યા. તેણે ભોંય ઉપર ધૂળમાં પડેલા પિતાના મસ્તકને પોતાના ખેાળામાં લીધું અને તેના ફિક્કા હોઠ, ચક્ષુ તથા છાતીને શીતળ જળ સિંચવા લાગી. જે પિતા પોતાના દુ:ખની કહાણી કહેવાને એક શબ્દ પણ બોલી શક્યા નહોતા, તેમના શબ ઉપરથી તેમણે બંદીવાન તરીકે ભોગવેલા દુઃખોની કહાણી રાબેયા વાંચવા લાગી. સૂકા અને લેવાઈ ગયેલા મુખ ઉપરથી તેમણે કેટલા દિવસ ભૂખ્યાતરસ્યા ગાળ્યા હશે, તેનો ભાવ સ્પષ્ટ જણાઈ આવતો હતો. તેમણે કેટલીએ રાતના ઉજાગરા વેઠ્યા હતા, એ તેમની આંખોની નીચેના ભાગ ઉપરની કાળાશ ઉપરથી જણાતું હતું. અને હાય ! તેમની સૂકાઈ ગયેલી પીઠ ઉપર નેતરના કેટલા બધા સોળ પડ્યા હતા ! થોડી કિંમત ઉપજે એવા વૃદ્ધ બંદીવાનને ખરીદનાર કોઈ નહિ મળે એમ ધારીને લૂંટારાઓએ તેમને પેાતાનીજ ગુલામગીરી કરવા રાખ્યા હશે ! આજ એ બિચારા મને મળવાની આશામાં કોઈ ને કોઈ લાગ મળતાં એમના પંજામાંથી છટકી આવ્યા હતા. આજ એમને લૂંટારાઓના હાથમાંથી મુક્તિ મળી, પણ સાથેસાથે એજ દિવસ આ દુનિયામાંથી સદાને માટે મુક્તિ મેળવનારો દિવસ થઈ પડ્યો. આ વિચારથી રાબેયાનું મગજ ભમવા લાગ્યું. હાય ! હાય ! મેં અભાગણીએ શા માટે એક ઘડો પાણી ભરી ન રાખ્યું ? આજ પિતાના મૃત્યુનું કારણ પોતેજ થઈ પડી એવું ધારીને એ ઘણોજ પસ્તાવો કરી રહી હતી. ગામના લોકોને રાબેયાના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા અને તેઓ તેને અવલમંજલ પહોંચાડવાને સારૂ તેને ઘેર જઈ પહોંચ્યા. તે વખતે પણ રાબેયા મૃતપિતાને ગરમ આંસુ અને શીતળ જળ ધીમે ધીમે સિંચી રહી હતી.

પિતાના મૃત્યુ પછી કેટલાક દિવસ ચાલ્યા ગયા. શોક અને દુઃખમાં પણ રાબેયા ધીમે ધીમે મોટી થવા લાગી. હવે એણે જુવાનીમાં પગ મૂક્યો. સદ્‌ભાગ્યે રાબેયા આરબ રમણીઓના સૌંદર્યથી બેનસીબ રહી હતી. તે કેવળ કાળી હતી એટલુંજ નહિ, પણ ઘણીજ કદરૂપી હતી. આવી અવસ્થામાં પરણીને ઘર માંડવાનું સ્વપ્ન પણ તેને આવ્યું નહિ. તેણે એજ નિશ્ચય કર્યો કે, મહેનત-મજુરી કરીને પેટ ભરીશ અને પિતાજીની ઝુંપડીમાં મારૂં આ નિરર્થક અને નીરસ જીવન પૂરું કરીશ. એ વિચારથી એ નિશ્ચિંત બની હતી. આ પ્રમાણે કેટલાંક વર્ષ વીતી ગયાં. પાછા એક દિવસ એ ગામ ઉપર બીજા લૂંટારાઓ ચઢી આવ્યા અને બીજા બધાની સાથે રાબેયાને પણ પકડીને લઈ ગયા. હજરત મહમદ સાહેબ (સલ)ના ફરમાન મુજબ ગુલામગીરીના રિવાજને દોષવાળો ગણીને મના કરવામાં આવ્યો છે, તો પણ એ વખતમાં અરબસ્તાનમાં સઘળે ઠેકાણે એનો વિશેષ પ્રચાર હતો. ધનવાન લોકો સુંદર સ્ત્રીઓને ખરીદ કરીને તેમની સાથે લગ્ન કરતા, કાં તો વિલાસની સામગ્રીતરીકે ઘરમાં રાખતા; વારતહેવારે મજલિસોના ઉત્સવમાં એ દાસદાસીઓ પોતાના માલિકને ત્યાં એકઠા થયેલા મહેમાનોને સૌંદર્ય નાચ, ગાયન તથા સેવાચાકરીથી તૃપ્ત કરતાં. રૂપગુણવતી દાસીઓ નગરના બજારમાં મોટી કિંમતે વેચાતી. રાબેયા બસરાના બજારમાં એક વિલાસી શેઠીઆને ત્યાં વેચાઈ તો ખરી, પણ તેનો કાળો રંગ તથા કુબડું શરીર જોઇને તેને ભાગે વૈતરાનાં કામ આવી પડ્યાં. શેઠના પ્રમોદભવનમાં તેને પીરસવાનું કામ કરવું પડતું, એને લીધે એ મકાનમાં જે અધમ લીલાઓ થતી તે તેને પ્રત્યક્ષ જોવી પડતી; એટલું જ નહિ પણ પોતાના માલિકને ભોગવિલાસમાં મદદ પણ કરવી પડતી.

એ વખતમાં એવો રિવાજ હતો કે, ધનવાનને ઘેર વિદ્વાનોનો સમાગમ થતો. ધનવાન તરીકે પ્રખ્યાત થવા સારૂ ઘણા લોકો સારા સારા પંડિતોને રાત્રે પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપતા. આ તે સમયની એક ફેશન થઈ પડી હતી એમ કહીશું તો ચાલશે. રાબેયાના શેઠના ઘરમાં પંડિતોની એવી મજલિસો વારે ઘડીએ થતી; એટલે બિચારી રાબેયાના પરિશ્રમનો પાર રહેતો નહિ. અતિશય મહેનત-મજુરી કર્યાથી એ ઘરમાં દરવર્ષે કેટલાં એ દાસ-દાસી માંદાં પડીને મૃત્યુ દ્વારા અનંત વિશ્રામ મેળવતાં અને બીજા હતભાગી નવા ગુલામો આવીને તેમનું સ્થાન લેતા. ગુલામગુલામડીઓને જરા પણ વાંક પડતાં નેતરનો માર અને દરરોજ અપમાન સહન કરવાં પડતાં. રાબેયા બાલ્યાવસ્થાથી ઘરકામમાં કુશળ હતી તેમજ હાડકાંની પણ આખી નહોતી, એટલે તેની તંદુરસ્તી બીજાઓની પેઠે નાશ પામી નહિ; તેમજ અપમાન ભોગવવાનો વારો પણ બહુ ઓછો આવ્યો.

રાત્રે ભોજન કરી રહ્યા પછી શરાબમાં મસ્ત થઇને શેઠ તથા મહેમાનો બેહોશ પડ્યા રહેતા. એવે વખતે જ માત્ર ગુલામોને આરામ લેવાનો લાગ મળતો. એ વખતે શેઠીઆ તથા તેમના મિત્રોએ છાંડેલા મદ્યમાંસ ઉપર હાથ ફેરવીને તેઓ આખા દિવસના પરિશ્રમ તથા અપમાનનો બદલો વળી ગયેલો માનતાં. રાબેયા તેમના ટોળામાં ભળતી નહિ. એ આત્મસંયમવાળી અને ગંભીર હતી. બીજા નોકરો મોજમજાહ ઉડાવવામાં પડતા ત્યારે એ એકલી પોતાની ઓરડીમાં જઇને પડતી. એની એ ટેવને લીધે બીજાઓ તેના ઉપર મમતા રાખતા નહિ. આથી તેનું ઠાવકું ગંભીર મોં જોઈને કોઈને તેની મશ્કરી કરવાની કે તેને પજવવાની હિંમત ચાલતી નહિ.

આ પ્રમાણે કેટલાએ દિવસ નીકળી ગયા. એક રાત્રે રાબેયાના શેઠના ઘરમાં તેની ઈજજતને માન આપીને ઘણાક કવિઓ, તત્વવેત્તાઓ, જ્યોતિષીઓ અને હકીમો જમવા આવ્યા હતા. તેઓમાં વાદવિવાદ ચાલી રહ્યો છે, રાબેયાનો શેઠ એની કાંઈ પણ પરવા કર્યા વગર શરાબનો શીશો હાથમાં લઈને મસ્ત થઇને બેઠો છે. એ સમયની ફેશન પ્રમાણે જે જે વિષયોની ચર્ચા ચાલી રહી છે તે ઉપર તેનું જરા પણ ધ્યાન નથી. રાબેયા એક પછી એક ભોજનની સ્વાદિષ્ટ વાનીઓ લાવી રહી છે, શીશાઓમાં ઉપરાઉપરી દારૂ આવે છે અને જોતજોતાંમાં ખલાસ થતો ચાલે છે. એક મહેમાન હાડકાંની ગાંઠમાંથી માંસ ચૂસતી વખતે એ ગાંઠનું બંધારણ જોઇને બોલ્યો કે ‘વાહ ! આ ગાંઠ આવી કેવી ? માણસના શરીરમાં પણ શું આવી ગાંઠ હશે ?’ એક હકીમ સાહેબ બોલી ઉઠ્યા “હાં, જનાબ ! માણસના શરીરમાં પણ આવી ગાંઠ છે; પરંતુ ચોપાયાં જાનવરો અને માણસના ચાલવાની રીતમાં જે ફરક છે તેને લઇને એમાં પણ થોડીક ભિન્નતા છે.” પેલા સદ્‌ગૃહસ્થ બોલી ઉઠ્યા કે “મનુષ્યની સાથે ચોપાયાંના પગની આ ગાંઠ સરખાવી જોવાની મારી ઈચ્છા થાય છે.” આ શબ્દો શરાબમાં મસ્ત બનેલા રાબેયાના શેઠના કાને પડ્યા. એ અશુભ ક્ષણે અથવા શુભ ક્ષણે જે કહો તે–રાબેયા ભેાજન લઇને ત્યાં આવી પહોંચી. એને જોતાંજ શેઠ બોલી ઉઠ્યા કે “એમાં તે શી મોટી વાત છે ! આ દાસીના પગ કાપી જુઓ.” આજ્ઞા થતાંજ કેટલાક લોકોએ રાબેયાને પકડી રાખી અને એક હકીમે છુરી વડે તેની જાંઘમાંથી એક પછી એક માંસની પેશીઓ કાઢ્યા બાદ પેલી ગાંઠ ખેંચી કાઢી. રાબેચા અચળ હતી. મનુષ્યના પગની ગાંઠની રચના જોઈને એક જણ બોલી ઉઠ્યો કે “વાહ ! વાહ ! પ્રભુની કેવી અદ્ભુત લીલા છે!” અસહ્ય વેદનામાં પણ ઈશ્વરનું દુ:ખને શમાવનારું નામ રાબેયાના કાને પડ્યું. હકીમોએ માંસની પેલી પેશીઓને પાછી ઠેકાણાસર ગોઠવી દઈને ઔષધ ચોપડીને પાટો બાંધી દીધો અને નોકરો રાબેયાને તેની ઓરડીમાં મૂકી આવ્યા.

રાબેયાનું જીવન દુઃખમય હોવા છતાં પણ હાલનું આ શારીરિક દુ:ખ તેને નવાજ પ્રકારનું લાગ્યું. આખી જીંદગીના દુ:ખે તેને સંયમવાળી અને સદ્‌ગુણી બનાવી હતી, પરંતુ ઈશ્વરપ્રેમનો દિવ્ય પ્રકાશ તેના અંધકારમય જીવનમાં કદી પડ્યો નહોતો. આજની આ અતિશય વેદનામાં જે મધુરૂ નામ તેના કાનમાં અમૃત રેડી ગયું તે એના જીવનમાં વ્યર્થ ગયું નહિ. તેણે ઘણીજ કાળજીથી એ પવિત્ર નામને પાતાના મનોમંદિરમાં સ્થાપન કર્યું. તેના મુખમાંથી પહેલી ઉપાસના નીકળી કે “શુક્ર ખુદા” ઈશ્વરનો ઉપકાર.

ત્યારપછી તે બોલી “આજના દુઃખ વડે ઈશ્વરે મને સમજાવ્યું કે, આટલા બધા દિવસ તેણે મને કેટલા સુખમાં રાખી હતી ! હે પ્રભુ ! આજે શરીરના એક અંગને દુઃખી કરીને તેં જણાવ્યું છે કે, કેટલા યત્નપૂર્વક સેંકડો પ્રકારે તું મારી રક્ષા કરી રહ્યો છે; મારી હરઘડીની રક્ષાને સારુ તારે કેટલી બધી કાળજી રાખવી પડે છે; એ બધી વાતોનો વિચાર કરતાં હું તો લાજી મરું છું. હવે હું શું મોં લઈને તારી પ્રાર્થના કરું?”

તેના હૃદયમાં આજે નિષ્કામ પ્રેમ ફૂટી નીકળ્યો, દિવસે દિવસે તે વધતો જ ગયો. એક માસ કરતાં વધારે વખત એ પથારીવશ રહી, નોકરો ફક્ત ખાવાપીવાનું આપવા જતી વખતે તેની ખબર લઇ જતા. એ સમયમાં નિરંતર ઈશ્વરનું સાન્નિધ્ય અનુભવીને એ ઘણીજ સુખી થઈ હતી.

એ મંદવાડમાંથી સાજી થયા પછી તે પાછી પોતાને કામે લાગી. બહારથી એ ઘરના કામકાજમાં ગુંથાયેલી રહેતી, પણ તેનું ચિત્ત રાતદિવસ ઇશ્વરની ઉપાસનામાં નિમગ્ન રહેતું. ઈશ્વર ઉપર નિઃસ્વાર્થ પ્રેમ રાખીને એ તૃપ્ત થતી હતી, કોઈ દિવસ પ્રભુ પાસે કોઈ બાબતની પ્રાર્થના કરતી તો તે પોતાને સારુ નહિ પણ બીજાને ખાતર કરતી.

એ કહેતી કે “દુઃખ પડે છે ત્યારે હું રોઉં છું; પણ પોતાને સારૂ નહિ. હું વિચારું છું કે આજકાલ એવી વેદના બીજા કેટલા બધા લોકો ભોગવી રહ્યા છે ! હાય ! ક્યારે એ બધું દુ:ખ મને આપી દઈને લોકો પ્રસન્નચિત્તે તારું નામ ગાવા માંડશે ? ”

“મારૂં બધું લોહી સિંચવાથી પણ કોઈ ધગધગતા રણમાં એક જણને ઉભા રહેવા જેટલી જગા શીતળ થાય તેમ તેમ કરાવ !”

આ પ્રમાણે ઈશ્વરના સાન્નિધ્યનો અનુભવ થયા પછી કોઈએ રાબેયાને કદી દુ:ખી કે ઉદાસ જોઈ નહિ. પણ સઘળાં દુઃખોને ઈશ્વરના પ્રસાદરૂપ ગણીને માથે ચઢાવવા લાગી. તેણે કહ્યું છે:- “હે પ્રભુ ! તેં જ્યારથી મારા સામું ઝાંખ્યું છે, ત્યારથી મારો હર્ષ માતો નથી. સૂર્યે શું કદી પણ કમળનું મલિન મુખ દીઠું છે ? આશકનું મોં નીરખ્યા પછી દુઃખ ટકી શકે વારૂ ?”

આ પ્રમાણે દિવસો વીતવા લાગ્યા. એક દિવસ રાબેયાના શેઠને ત્યાં નિમંત્રેલા મહેમાનો આવ્યા નહિ. તેમની રાહ જોતા શેઠ અધીરા થઈ ગયા. રાત પડી, ભાણાં તથા શરાબના પ્યાલાઓ પીરસેલા પડ્યા રહ્યા, પણ કોઈ આવ્યું નહિ. અતિથિના આવ્યા પહેલાં ઘરધણીથી પણ ભોજન કરાય નહિ. મોડી રાત થઇ એટલે શેઠે દાસદાસીઓને વિદાય કરીને પોતેજ તેમની વાટ જોવા માંડી. સૂર્યોદય સુધી અતિથિની રાહ જોવાની તેની ફરજ હતી. મદ્યલાલસા તેને પીડવા લાગી, એટલે તેને ટાળવા ધીમે ધીમે ઘરની બહાર નીકળી પડ્યો. આખી જીંદગીમાં મદરહિત સાદી આંખે કુદરતની અદ્ભુત લીલાનાં દર્શન કરવાનો આ તેની જીંદગીમાં પ્રથમ પ્રસંગ હતો. ચાંદનીના પ્રકાશથી ઝગમગતું રણ, ખજૂરોના વનની શોભા, એ બધાના અપૂર્વ સૌંદર્યથી તેનું ચિત્ત પીગળી ગયું. એ વખતે અપૂર્વ સંવાદ સંભળાવતો એક મધુર સ્વર તેણે સાંભળ્યો. અવાજની દિશામાં આગળ જઈને એ નોકરોની ઓરડીઓ આગળ પહોંચતાં જુએ છે તો બધા નોકરો સૂઈ ગયા છે; કેવળ રાબેયા જાગે છે અને તેના કંઠમાંથી આ સ્વર્ગીય સંગીત નીકળી રહ્યું છેઃ–

“હે પ્રભુ ! હે ઈશ્વર ! તને સેંકડો ધન્યવાદ છે. હું મારા આશ્રયદાતા દુનિયાઈ માલિક ! તારી પાસે મેં જે આશ્રય અને સુખ મેળવ્યું છે તેને માટે તને પણ ધન્યવાદ છે. અને તારી પાસેથી જે દુઃખ ભોગવ્યું છે તેને માટે એથી પણ વધારે ધન્યવાદ છે. કેમકે તારી એવી સહાયથી જ હું જગતના સ્વામીને ઓળખી શકી છું. હે જગદીશ્વર ! એથી વધારે તારી પાસેથી હું બીજા કયા સુખની ઈચ્છા રાખું ?”

“હે પ્રભુ ! શામાટે તમે જગતને દુઃખી કરીને દુનિયામાં તમારી નિંદા કરાવો છો ? તમારી નિંદા મારાથી સહન નથી થતી. સમુદ્રમાં જેમ બધી નદીઓ આવીને મળે છે, તેમ આખા જગતનું દુ:ખ આવીને મારામાં પડો. હું દુર્બળ છતાં પણ તમારૂં નામ લઈને એ બધું સહન કરીશ.”

ત્યારપછી પોતાના માલિક અને બીજા દાસદાસીઓના કલ્યાણને માટે પ્રાર્થના કરીને તથા જાણ્યે-અજાણ્યે તેમણે આપેલાં દુઃખો માટે માફી આપવાની પ્રભુને વિનતિ કરીને રાબેયા નિદ્રાવશ થઈ.

પોતે જેને આટલું બધું કષ્ટ દીધું છે, તે દાસીએ આજે પોતાના કલ્યાણને સારૂ પ્રાર્થના કરીને ઈશ્વર પ્રેમનો અદ્ભુત પરિચય આપ્યો છે. અહા ! આજે આ દીન દાસીએ કેવા અવનવા ભાવની અને તદ્દન અવનવા જીવનની અને ઝાંખી કરાવી ! એવા એવા તરંગો રાબેયાના શેઠના મનમાં ઉઠવા લાગ્યા અને તે રાબેયાના ઉચ્ચ વિચાર તથા ઉમદા ભાવોને પેાતાના હૃદયમાં ઠસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આખી રાત્રિ એમ ને એમ ચાલી ગઈ. બીજો દિવસ પણ ચિંતામાં ને ચિંતામાં ખાધાપીધા વગર ગાળ્યો. ઘોર રાત્રિએ પાછો એ મધુર સ્વરથી ખેંચાઈને રાબેયાનો શેઠ તેની એારડીના બારણા આગળ જઈ ઉભો. એ વખતે પણ રાબેયા ઉપાસના કરવામાં નિમગ્ન હતી.

“અહા ! કયો અભાગીઓ આખી રાત્રિ ઘરની બહાર ગાળી રહ્યો છે ? અલ્યા તું કોણ આ બંધ કમાડ આગળ ઉભો રહીને ખેદ કર્યા કરે છે ? તારી આંખોમાં આંસુ કેમ નથી ? તારા હૃદયમાં આગ શેની સળગી રહી છે? હે દુ:ખિયા ! તારું હૈયું બળી ગયું એટલે તારાં નેત્રમાં જળ ન રહ્યું ? હે તરસ્યા, હે ધૂળમાં આળોટેલા, હે ભિખારી ! તું ઘણો દુઃખી છે. આવ મારા દુઃખીઆરા ભાઈ ! મારા હૃદયમાં આવ, તારા હૃદયનો તાપ મને આપ, મારા નયનનાં આંસુડાં હું તને આપીશ. હે તરસ્યા ! એક વાર મન મૂકીને રોઈ જો અને પછી જો કે, તને કેટલી શાંતિ મળે છે ! તું દુઃખીમાં દુઃખી છે છતાં એક પણ દિવસ ધરાઇને રોઈ શક્યો નથી ! આવ, આજ તને રોવડાવું. જો રોવા માગતો હોય તો મારી શીતળ શાંતિમાં માથું મૂક તારાં નયનામાંથી ઝરો વહેવા માંડશે.”

“હે સખા ! જ્યાંસુધી તમે આખી પૃથ્વીના પતિત લોકોને હાથ પકડીને ઉઠાડો નહિ ત્યાં સુધી મારો હાથ ન પકડશો. જ્યાં સુધી તમે બધાં દુઃખીઓનાં આંસુ ન લૂછો છે ત્યાંસુધી મારાં આંસુ ભણી ઝાંખશો પણ નહિ. જ્યાં સુધી બધાનાં હૃદય ઉપર તમારું અમૃત ન છાંટો ત્યાં સુધી મારું હદય પણ ભલે રેતાળ મરુભૂમિ બન્યુ રહે; તમારી કરુણાની જરૂર નથી. હે પ્રભુ ! એ પતિતો શું નહિ ઉઠવા પામે ? એ આંસુ ઢાળનારાઓને ધીરજ નહિજ મળે ? એ દુઃખીઆં અને દિલગીર મનુષ્યો શું નવો પ્રાણ નહિ પામે ? મારે તો પ્રભુ તું છે, પણ હે નાથ ! એ બિચારાંઓને કોણ છે ?”

“હે પ્રભુ ! મને અતિશય ઉંચું ગગનને અડકે એવું ઉજજડ પર્વતનું શિખર બનાવીશ નહિ; પણ મને નીચેનું હર્યુભર્યું સપાટ ખેતર બનાવજે, કે જેથી ભૂખ્યાઓ મારી પાસેથી અન્ન મેળવે. મને અપાર ખારો સમુદ્ર બનાવીશ નહિ; પણ તપી ગયેલી ધરણીમાંનુ નાનું ઝરણું બનાવજે, કે જેથી તરસ્યાં પ્રાણીઓ મારૂં જળ પીએ. વીર પુરુષના હાથમાં ઝગમગતી પાણીદાર તલવાર મને બનાવીશ નહિ પણ સાધારણ લાકડી બનાવજે, કે જેથી અંધ અને દુર્બળ મારો ટેકો મેળવે.”

રાબેયાના શેઠે બીજો દિવસ પણ ભૂખે ગાળ્યો. રાત્રે સ્વપ્નવશ, મંત્રમુગ્ધ થયેલા મનુષ્યની પેઠે તે પાછો રાબેયાની કોટડી પાસે જઈને ઉભો. રાબેયા એ વખતે પણ એકાગ્રચિત્તે પ્રાર્થના કરતી હતી. શેઠે કાન માંડીને સાંભળવા માંડ્યું:–

“હે પ્રભુ ! જો હું તને સ્વર્ગના લોભથી પુકારતી હોઉં તો એ સ્વર્ગ મારે માટે હરામ હોજો. જો નરકના ડરથી તને પુકારતી હોઉં તો હે પ્રભુ ! એ નરકજ મને મળજો.”

“જો તું સ્વર્ગ હોય તો હે પ્રભુ ! હું સ્વર્ગની ભિખારી છુ. જો તું નરક હોય તો હે પ્રભુ ! હું સદાકાળમાટે એ નરકના દ્વારમાં પ્રવેશવાની ભીખ માગીશ.”

“જે વખતે લાલચ આવીને મને મોહમાં નાખવા ચાહે છે તે વખતે હું રડી દઉં છું. દુઃખથી નથી રડતી, પણ અપમાનથી રડું છું. કારણ કે એ લાલચને શું ખબર નથી કે, મારા દોસ્ત તો પ્રભુ જાતે છે.”

બીજે દહાડે સવારે રાબેયાના શેઠે બધાં દાસદાસીઓને બોલાવીને ઈનામ તથા સરપાવ આપીને વિદાય કરી દીધાં. ગુલામોને તેણે કહ્યું કે “આજ થી તમે ગુલામગીરીમાંથી છૂટાં થયાં છો.” રાબેયાને તેણે કહ્યું કે “રાબેયા ! તારો નિષ્કામ ઈશ્વરપ્રેમ અને આ દુનિયાના જીવો તરફની શુભેચ્છા જોઈને મારા ચિત્તની ભ્રાન્તિ દૂર થઇ છે. હું તારી કૃપાથી સંયમી જીવનની મધુરતા કેવી હોય તે સમજવા પામ્યો છું. આજ થી તને મેં ગુલામીમાંથી મુક્ત કરી છે. તારે હવે બીજું શું જોઈએ છે તે મને કહે. તને ન આપું એવું મારી પાસે કંશુ પણ નથી.”

રાબેયા શરમાઈ જઈને બોલી “શેઠ સાહેબ ! હું નિરાધાર છું. આપના મકાન અને મદદથી જે કલ્યાણ પામી છું તે જોતાં હજુ પણ મને એજ આશ્રય અને ખિદમત કરવાનો અવસર આપો, કાઢી મૂકશો નહિ. એજ વિનતિ છે.”

એ દિવસથી રાબેયા બસરામાંજ સ્વતંત્રતાથી રહેવા લાગી. તેનું નામ “રાબેયા–ઈ–બસરી” પડ્યું. ત્યારથી એ જ્ઞાન અને પવિત્રતા તથા વિનય અને નિષ્કામ ભક્તિને માટે વિશેષ પ્રસિદ્ધિમાં આવવા લાગી. નિરંતર ઉપાસના એ એનો એક અદ્ભુત ગુણ હતો. લોકસેવા કરવાને પણ એ તૈયાર રહેતી હતી. એમ કહેવાય છે કે, પોતાના પિતાને મૃત્યુ વખતે એક પ્યાલો પાણી નહિ પાઈ શક્યાથી તેના મનમાં જે વિષમ વેદના થઈ હતી, તેનું પરિણામ એ આવ્યું કે દેશનાં તરસ્યાં પ્રાણીઓની તરસ છીપાવવા સારૂ તેણે પોતાની જાતમહેનતના પૈસામાંથી બગદાદથી મદિના સુધી એક નહેર ખોદાવી હતી. એ પ્રસિદ્ધ મુસલમાન સાધુ સરિ સકતીની સમકાલીન હતી. હિજરી સન ૧૮૫ ઈ૦ સ૦ ૮૦૧ માં તેનું મૃત્યુ થયું. (જુઓ બીલ સાહેબની ઓરિએન્ટલ બાયોગ્રાફિકલ ડીક્ષનરી)

ઈબ્ન-અલ-જૌજીએ લખેલા શુજર્-અલ્-અકુદ ગ્રંથમાં રાબેયાનું મરણ હિજરી ૧૩પમાં ઇ. સ. ૭૫૨-૫૩ માં થયાનું લખ્યું છે. નામદાર સર અમીર અલી સાહેબે પણ તેમના સરકેસનોની તવારીખ નામના અમૂલ્ય ગ્રંથમાં એજ તારીખ માની છે. ઇબ્ન-અલ-જૌજીએ તેના ‘સાફાત-અસ-સાફાત’ ગ્રંથમાં રાબેયા સંબંધી એક લેખ લખ્યો છે. આબ્દા નામની એક સ્ત્રી રાબેયાની દાસી અને ભગવદ્ ભક્ત હતી. તેણે રાબેયા સંબંધે નીચે પ્રમાણે લખ્યું છે:–“રાબેયા આખી રાત્રિ ઉપાસનામાં ગાળીને પ્રભાતે અજવાળું નીકળી આવતાં સુધી એજ ઉપાસના મંદિરમાં થોડુંક સૂઈ જતી હતી. દિવસનો પ્રકાશ આંખ ઉપર પડતાંવાર બેબાકળી થઈને પથારીમાંથી ઉઠતી અને બોલતી કે “હે પ્રાણ ! તું ક્યાંસુધી નિદ્રામાં બેભાન પડ્યો રહીશ ? તારી મોહનિદ્રા ક્યારે ભાંગશે ? તારો અનંત કાળની નિદ્રાનો વખત પાસે આવી રહ્યો છે, પછી કિયામતના દિવસ સુધી તારે ઉંઘવાનું જ છે. માટે હમણાં તો જરા ચેતન રાખ !” દેહાંતનો સમય આવતાં રાબેયાએ આબ્દાને પાસે બોલાવીને કહ્યું કે “આબ્દા ! મારા મરણના સમાચાર કોઈને કહીશ નહિ. મરણ પછી આ બુરકો મને ઓઢાડી દેજે.” એ બુરકો ઉનનો હતો. બધા સૂઈ જાય તે વખતે તેને ઓઢીને રાબેયા એકાંતમાં ઈશ્વરની આરાધના કરતી. મૃત્યુના એક વર્ષ પછી આબ્દા સ્વપ્નામાં રાબેયાને જોવા પામી હતી. એ વખતે રાબેયા એવા ઉત્તમ કપડાથી ઝગમગી રહી હતી કે જેની સાથે સરખાવી શકાય એવું કોઈ કાપડ આબ્દાએ આ દુનિયામાં આખી જીંદગીમાં દીઠું નહોતું. પછી આબ્દાએ તેની ખબરઅંતર પૂછ્યા બાદ અબુ કાલ્લાબેની કન્યા ઉબેદાની રાજીખુશીના સમાચાર પૂછયા. રાબેયા એ ઉત્તર આપ્યો કે “તેમના સુખનો તો પારજ નથી. એનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. અલ્લાહની મહેરબાનીથી એ મારાથી આગળ વધીને સૌથી ઉંચા લોકમાં ગઈ છે.” આબ્દાએ પૂછ્યું કે “એવું શાથી થયુ ? આ દુનિયામાં તો બધા લોકો તમને ઘણી બાબતોમાં સૌથી સારાં ગણતા હતા ?” રાબેયા બોલી "એનામાં મોટો ગુણ એ હતો કે, એને ભવિષ્યની ચિંતા નહોતી. પરમાત્મામાં એને એટલી બધી શ્રદ્ધા હતી કે ઘડી પછી શું થશે તેની ફિકર એને કદી પણ થઈ નથી. એને લીધે જ એણે શ્રેષ્ઠતા મેળવી છે. ”*[૬] ત્યારે આબ્દા બોલી “મને ઈશ્વરપ્રાપ્તિનો રસ્તો બતાવો.” રાબેયાએ કહ્યું “નિષ્કામભાવે (કોઈ પણ પ્રકારની દુનિયાઈ ઈચ્છા નહિ રાખતાં માત્ર પ્રભુની કૃપા માટેજ) હમેશાં પ્રભુનું સ્મરણચિંતન કર્યા કરજે. એથી તને પરમકલ્યાણ મળશે.” રાબેયાના નિષ્કામપણા માટે અબુલ્ કાસમ અલ્ કુશાયરી કહે છે કે, એ ઈશ્વરમાં ચિત્ત પરોવી દરરોજ કહેતી કે “અલ્લાહ ! જે ચિત્ત કોઈ પણ દુનિયાઈ ફાયદાની આશાથી તને ચાહતું હોય તે ચિત્તને તું બાળીને ખાક કરી નાખજે.”

એક દિવસ સોફિયા-અસ-સૌરીએ રાબેયાની આગળ જઈને એવા શબ્દો કાઢ્યા કે, હાય ! મારે કેટલું બધું દુઃખ છે ? રાબેયાએ તેને કહ્યુ “એવું જૂઠું બોલીશ નહિ. ઉલટું એમ કહેવું જોઈએ કે મારી નાલાયકી જોતાં મારે કેટલું થોડું દુઃખ છે ! તું જો ખરેખરી દુ:ખી હોત તો ગમે તેટલા ઉંડા નિસાસા નાખ્યા છતાં તને જરા પણ શાંતિ મળત નહિ.”

રાબેયા ઘણી વખત કહેતી કે “મારા જે કામકાજની લોકોમાં વાહવાહ થાય છે તે કામકાજને તો હું ઘણું જ તુરછ ગણું છુ.” એ બધાને એવોજ ઉપદેશ આપતી કે “ જેવી રીતે તમે પાપને છુપાવો છો, તેવી જ રીતે સારાં કામો પણ છુપાં રાખજો.”

અવારિફ-અલ્-મારિફ નામના ગ્રંથમાં શેખ સાહેબુદ્દિન અસ-સૂહાવરદીએ રાબેયાની વાણીનો એક સંગ્રહ કર્યો છે તેમાં એક વચન એવું છે કેઃ- “હે પ્રભુ ! મારા ચિત્તને તો તેં તારાજ સ્મરણચિંતન સારૂ અલગ રાખ્યું છે. એટલે હવે જેઓ મારા સત્સંગની ઈચ્છા રાખતા હોય તેમને સારૂ મારો દેહ છે. મારા અંતરનો સાથી તો મારો પ્રીતમજ છે.” આથી રાબેયાનો ઈશ્વર ઉપર કેવો નિરંતરનો પ્રેમ હતો તે જણાઈ આવે છે.

રાબેયા રિવાજ મુજબની ઉપલકિયા પ્રાર્થના કરવાની વિરુદ્ધ હતી અને મનના ખરા ઉમળકાથી ઈશ્વરનું સ્મરણપૂજન કરતી હતી. બંદગી કરતી વખતે તે કહેતી કે “હે પ્રભુ ! તારી ખાતર હું જગતની દિવાલો તોડીને આવી છું. પાછી એવી બાહ્ય ઉપાસનાની દિવાલોમાં ન ફસાઈ પડું એમ કરજો. એ દિવાલો તોડવી ઘણી વસમી છે; પણ પ્રભુ ! એ તોડ્યાથી સુખ પણ ઘણું છે.”

રાબેયાની કબર જેરૂસલેમના પૂર્વભાગમાં જેબેલ–એત-તૌર (ઓલાઈવના પહાડ) ઉપર આજ પણ મોજુદ છે. એ સ્થાન હવે તીર્થ બની ગયું છે. એ જગ્યાએ દરવર્ષે ઘણા ભક્તોનો મેળો ભરાય છે. ઉમ-અલ-ખૈર રાબેયા એટલે કે મંગલકારી-માતા રાબેયા હજી પણ અનેક ભક્તોને હાથે પૂજાય છે.

મુસ્લીમ સાધુ ફરીદુદ્દીન અતારે ‘તઝકરાત-ઉલ-ઔલિયા’ નામનો ગ્રંથ સાધુઓના જીવનચરિત્ર વિષેનો લખ્યો છે. તેમાં એમણે રાબેયાના પવિત્ર જીવનનો યશ ગાયો છે. એ ગ્રંથનો ગુજરાતી અનુવાદ 'સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય' તરફથી ‘મુસ્લીમ મહાત્માઓ’ નામથી પ્રગટ થયો છે. આ ગ્રંથમાંથી અમે સાધ્વી રાબેયાના જીવનના થોડાક બોધજનક પ્રસંગો ઉતારવા ઉચિત ધારીએ છીએ. કારણ કે એ પ્રસંગો જાણ્યા વગર રાબેયાનો પરિચય અધુરો રહે એમ અમારું માનવું છે.

(૧)

મહર્ષિ હુસેન નામના એક પહોંચેલા સાધુ એમના સમયમાં હતા. અઠવાડીઆમાં એક દિવસ તેઓ શ્રોતાઓને ધર્મોપદેશ આપતા. રાબેયા પણ એમનો ઉપદેશ સાંભળવા જતી. એક વાર એને જતાં વાર થઈ તે મહર્ષિએ ઉપદેશ શરૂ કર્યો નહિ; એથી આશ્ચર્ય પામીને કોઈએ પૂછ્યું કે “અહીં આ શ્રેાતામાં અનેક જ્ઞાનીઓ તથા મોટા માણસો ઉપદેશ સાંભળવા આવી બેઠા છે; માત્ર એક પેલાં વૃદ્ધ ડોશી નથી આવ્યાં, તો હવે આપ આપનું વ્યાખ્યાન શરૂ કરો તો શી હરકત છે ?” મહર્ષિએ ઉત્તર આપ્યો કે “જે શરબત હાથીના ઉદરને માટે તૈયાર કરેલું છે, તે હું કીડીની આગળ મૂકી દઈને શું કરું ?”

(૨)

એક દિવસ સાધુ હુસેને રાબેયાને પૂછ્યું કે “તમને વિવાહ કરવાની અભિલાષા છે ?" રાબેયાએ જવાબ દીધો કે “વિવાહ તો શરીર સાથે થાય છે, પણ મારી પાસે શરીરજ ક્યાં છે? આ શરીર તો ઇશ્વરને અર્પણ કરેલું છે, એટલે તે તો તેનીજ આજ્ઞાને અધીન છે અને તેનાજ કાર્યમાં રહે છે, તો હવે વિવાહ કયા શરીરનો કરું ?”

(૩)

રાબેયા એક વાર વસંતઋતુમાં પેાતાની ઝુંપડીમાં જઈને સ્વસ્થપણે બેઠાં હતાં. તે વખતે દાસીએ તેમને કહ્યું કે “બા ! બહાર પધારીને કુદરતની શોભા તો જુઓ.”

રાબેયા:- “તું એકવાર અંદર આવી કુદરતના કર્તાની શોભા તો જો !”

(૪)

એક વાર એક માણસ માથે પાટો બાંધીને રાબેયા પાસે આવ્યો. રાબેયાએ તેને પૂછ્યું કે “શા માટે આ માથે બાંધ્યું છે ?”

તે બોલ્યો:- “માથું દુઃખે છે માટે.” રાબેયા-“તમને કેટલામું વર્ષ ચાલે છે ?”

તે બોલ્યો- “ત્રીસમું વર્ષ.”

રાબેયા- “આટલાં વર્ષ તમે સ્વસ્થ હતા કે અસ્વસ્થ ?”

તે બોલ્યો-“આજસુધી તો હું શરીરે તંદુરસ્તજ હતો.”

રાબેયા- “ત્યારે આટલાં વર્ષ સુધી કૃતજ્ઞતાની નિશાનીરૂપે તમે માથે કાંઈ બાંધ્યું નહિ, પણ એક દહાડો અસ્વસ્થ થયા ત્યારે શોકની નિશાનીરૂપજ માથું બાંધ્યું ને !”

(૫)

એક વાર બે ફકીરો ફરતા ફરતા રાબેયાનાં દર્શન કરવા ગયા હતા. તે ભૂખ્યા હતા એટલે માંહોમાંહે વાત કરવા લાગ્યા કે “જો કાંઇ ખાવાનું મળે તો આહાર કરીએ.” આ વખતે રાબેયાની પાસે બે રોટી હતી, તે તેણે ફકીરો પાસે હાજર કરી, પણ એટલામાં એક ત્રીજોજ ભિક્ષુક ત્યાં આવીને ખોરાક માગવા લાગ્યો. રાબેયાએ તે બંને રોટી તેને આપી દીધી. પેલા બે ફકીરો આ પ્રકાર જોઇને બહુજ આશ્ચર્ય પામ્યા. એ પછી થોડી વારે કેટલીક રોટી હાથમાં લઈને એક દાસી રાબેયા પાસે આવી અને તેણે કહ્યું કે “મારી શેઠાણીએ આ આપને આપવા મને મોકલી છે.” રાબેયાએ તે જોઇ ગણત્રી કરી તો અઢાર રોટી જણાઈ. તેથી પેલી દાસીને કહ્યું કે “એ પાછી લઈ જાઓ, મોકલવામાં ભૂલ થઈ છે."

દાસી બોલી “બા ! શેઠાણીએ આપનેજ આપવા માકલી છે.”

રાબેયા- “નહિ નહિ, ચોક્કસ ભૂલ થઇ છે; પાછી લઇ જાઓ.”

દાસીએ પાછી લઇ જઇ તેની શેઠાણીને એ હકીકત જણાવી. શેઠાણીએ તેમાં બે રોટી ઉમેરીને દાસીને આપવા મોકલી. રાબેયાએ ગણી જોઇ તો વીસ રોટી જણાઈ. તેણે તે સ્વીકારી અને પેલા બે ફકીરો આગળ રજુ કરી. તેમણે ભોજન કરતાં આ બનાવનું રહસ્ય પૂછ્યું. રાબેયાએ કહ્યું કે “તમે બંને ભૂખ્યા હતા તે હું જાણી ચૂકી હતી, મારી પાસે માત્ર બેજ રોટી હતી, તેથી મને એમ લાગ્યું કે આટલી રોટીથી આપ બે સંતોની ક્ષુધા કેવી રીતે દૂર થશે ? એટલામાંજ પેલો ભિક્ષુક આવી ચઢ્યો, એટલે એ બંને રોટી મેં તેને આપી દીધી અને પ્રાર્થના કરી કે “હે પ્રભુ ! તેં કહ્યું છે કે હું દાનથી દશગણું પાછું આપું છું, એની મને શ્રદ્ધા છે; અને તેથી હમણાંજ આપના સંતોષ ખાતર તે બંને રોટીનું દાન કર્યું છે.” એ પછી જ્યારે અઢાર રોટી પાછી આવી, ત્યારે મને એમજ લાગ્યું કે આમાં મોકલનારની ભૂલ થઈ છે, તેથી પાછી મોકલી. પછી બે નવી રોટી ઉમેરાઈને આવી, એટલે દશગણી થઈ રહી.”

કેવો અટલ પ્રભુવિશ્વાસ !

(૬)

સુફિયાન નામના એક સાધુએ એક દિવસ રાબેયાને પૂછ્યું કે “આપને શું ખાવાની ઈચ્છા છે ?”

રાબેયા- ‘‘સુફિયાન ! તમે જ્ઞાની પુરુષ છો; છતાં આવી વાત કેમ પૂછો છો ? દશ વર્ષ થી સારૂં ખજુર ખાવાની ઇચ્છા છે. તમે જાણો છે કે, આ બસરામાં ખજુર પુષ્કળ થાય છે, તોપણ આજસુધી મેં તે ચાખેલ નથી. હું રહી તેની દાસી ! દાસીને વળી પોતાની ઈચ્છા કેવી ? મારી જે પણ ઇચ્છા મારા પ્રભુની ઇચ્છાવિરુદ્ધ હોય તો પછી તે જરૂર અયોગ્યજ છે, ત્યાજય છે.”

* **
  1. ‘ગિયાસ ઉલલુગાત’ નામના કોષમાં ત્રણ સંપ્રદયાનો ઉલ્લેખ છે.
  2. કાઝી નુરૂલ્લાહ સાહેબે લખેલા શિયા સંપ્રદાયને લગતા ‘મજલિસ-ઉલ-સેમિનિન’ નામના ગ્રંથને આધારે બીલ સાહેબની ઓરિએન્ટલ બાયોગ્રાફીકલ ડિક્ષનેરી જુઓ.
  3. ×ખુશરો કહે છે–

    કાફિરે ઈશ્કમ મુસલમાની મરા દરકાર નેસ્ત,
    હર રગે મન તાર ગત હાજતે જન્નાર નેસ્ત.

  4. ×કેટલાક કહે છે કે, એના પિતાનું ચેાથું સંતાન હતી. રબ્બી એટલે ચાર; પણ રબ્બા ધાતુમાંથી નીકળેલું રાબેયા નામ હોવાથી એ ચેાથું સંતાન હોવું જ જોઇએ, એવું માનવાને કાંઈ કારણ નથી.
  5. *જુઓ :- ઈબ્ન ખાલી ખાનિસ બાયોગ્રાફિકલ ડીક્ષનેરી.
  6. *ચૈતન્યદેવનો સંન્યાસ પણ એવાજ પ્રકારની ભવિષ્યની ચિંતાથી બચેલો હતો. તેમના સેવક ગાવિંદ ઘોષે આવતી કાલને સારૂ એક હરડે સંઘરી રાખી હતી. એ સંચય બુદ્ધિને સારૂ ચૈતન્યદેવે તેને ઠપકો દઈને પાછો ગૃહસ્થાશ્રમ માંડવાની ફરજ પાડી હતી.
    (બંગ ભાષા અને સાહિત્ય-રપ૬ પૃષ્ઠ)