મા! સુન્દરગિરિથી ઊતર્યાં...

વિકિસ્રોતમાંથી
મા! સુન્દરગિરિથી ઊતર્યાં
ગોવર્ધનરામ ત્રિપાઠી
(ઢાળ : મા ! પાવા તે ગઢથી ઉતર્યાં, મહાકાળી રે!)




મા! સુન્દરગિરિથી ઊતર્યાં...

ગોવર્ધનરામ ત્રિપાઠી

મા! સુન્દરગિરિથી ઊતર્યાં, બિરદાળી મા!
મા! નૌતમ બાળે વેશ, ઝાંઝર વાગે, મા!
આ પ્રાતઃકાળે આભલાં, બિરદાળી મા!
તુજ ઘાટડીએ વીંટાય, ઝાંઝર વાગે, મા!
આ સૂરજ અન્મુખ લટકતો બિરદાળી મા!
મા! સામી આરસી શાય, ઝાંઝર વાગે, મા!
આ ચકવાચકવેએ હંસલા, બિરદાળી મા!
તુજ પગલે ભમતાં ગાય, ઝાંઝર વાગે, મા!
આ સાયર પાસે નાચતી, બિરદાળી મા!
મા! નદીમાં આવી ના'ય, ઝાંઝર વાગે, મા!
અમ સમી સહુ નાની બાળકી, બિરદાળી મા!
એને હૈયે વસતી માત, ઝાંઝર વાગે, મા!
આ અખિલ વિશ્વમાં વ્યાપતી, બિરદાળી મા!
મુજ કાળજદામાં માય, ઝાંઝર વાગે, મા!