માણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૨.’મર્માળાં માનવી’ ક્યાં !

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← ૧.રસાળ ધરતીનો નાશ માણસાઈના દીવા
પ્રકરણનું નામ
ઝવેરચંદ મેઘાણી
૩.મહીના શયનમંદિરમાં →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


ને મહી વધુ ભયંકર લાગી કારણ કે એને કાંઠે મેં હરિયાળી કલ્પી હતી. ઝળૂંબતી વનરાજીનું માનસચિત્ર આંકી મૂક્યું હતું. એથી ઊલટી જ આ કાંઠાની સ્થિતિ છે. મહીકાંઠો સૂનકાર છે. ઊંડાં કોતરોમાં થઈને બહાર નીકળવાના માર્ગો બિહામણા છે. મહીકાંઠે પંખીડાં બોલતાં નથી. સામો કિનારો (ભરૂચ જિલ્લાનો) ત્રણેક ગાઉના ગમગીન પટની આરપાર નિસ્તેજ ઓળા જેવો દેખાય છે. કોઈ 'મર્માળાં, રેખાળાં માનવી' મહીપાર ઊતરતાં નહોતાં. સોરઠી લોકકથા માંહ્યલી એ રાવલ નદી કે જેને પ્રેમભગ્ન રબારી યુવાન રાણો એક વાર પોતાની આહીરાણી પ્રિયા વિશે પૂછતો હતો :

પાતળ પેટાં ને પીળરંગાં પરવશને પારે;
રાવલ ! રેખાળાં માનવી ઊતર્યાં કયે આરે !

અર્થાત્‍, હે રાવળ નદી ! પેટે પાતળિયાં, પીતરંગાં ને ઉદર પર પડતી ત્રિવલી વડે શોભતાં હરણ સરીખાં સુકુમાર મારાં માનવી - મારી પ્રિયા કુંવર્ય – તારે કિયે આરે ઊતર્યા ? એવો કોઈ પિયુ અહીં મહીને પ્રશ્ન પૂછે તેવું વાતાવરણ નહોતું.

રોજિંદા એક વાર ચદતાં 'ઉધાન'નાં સગર-નીરનો સમય આજે રાતના અગિયાર-બારનો છે. અત્યારે પાણી સાથળ સમાણાં ને ક્યાંક ઘૂંટણ-સમાણાં છે. દૂર દૂર હું પંક્તિબંધ માણસોને મહીજળ ઓળંગીને સામે પાર જતાં જોઈ રહું છું. આ ગામ-ગામના આરા સિવાય વચ્ચે તો મહી ઊતરાય તેમ છે નહીં. આરે હોડીઓ રહે છે, ને ઉધાન હોય ત્યારે એ પાર જવાના ખપમાં આવે છે.