માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૧.કામળિયા તેલ

વિકિસ્રોતમાંથી
← તીવ્ર પ્રેમ માણસાઈના દીવા
૧.કામળિયા તેલ
ઝવેરચંદ મેઘાણી
૨.’જંજીરો પીઓ !’ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૧. કામળિયા તેલ


ચોરી ન કરવી અને દારૂ ન પીવો એવો સામૂહિક નિશ્ચય કરવા માટે એક દિવસ નક્કી થયો. લોકો મળ્યાં. ચોરી કોઈએ કરવી નહીં અને છતાં જો ચોરી થાય તો તેની સરકારમાં કોઈએ ફરિયાદ કરવી નહીં. મહારાજ અને ગામલોક મળીને એ ચોરી અને ચોર ઘરમેળે ખોળી કાઢે અને નુકસાની થઈ હોય તેની ભરપાઈ કરવા મહેનત લ્યે : એવો ઠરાવ થયો.

"દારૂ ન પીવો એ તો ઠરાવ્યું પણ સ્થાનિક કલાલનાં પીઠામાં દારૂ પડ્યો છે તેનું શું ?" કલાલો કહે કે, "અમે પીઠાં બંધ કરીએ, પણ ઇજારાની મુદત હજુ બાકી છે, દારૂનો જથ્થો હજુ પડ્યો છે તેનું શું ?"

"તે તો આપણે ખરીદી લઈએ, મહારાજ !" લોકોએ માર્ગ દેખાડ્યો.

"ને પછી ?"

"પછી વરી શું ! અમે એ બધો પી વારીએ !"

સર્વના હાસ્ય વચ્ચે મહારાજે કહ્યું કે, "ના, એમ તો ના કરાય. તમે કહો તો આપણે એ જથ્થો બહાર લઈ જઈને સામટો બાળી દઈએ."

લોકોને મહારાજનું સૂચન વિચિત્ર લાગ્યું. દારૂને બાળી દેવા કરતાં પી જવો શું ખોટો ? તેઓ મહારાજના દૃષ્ટિબંદુને સમજ્યાં તો હોય કે ન હોય, પણ પવિત્ર પુરુષનું કહેવું કબૂલ રાખીને બોલ્યાં : "વારુ, જાઓ, ત્યારે તેમ કરીએ."

તમામ જથ્થો કલાલ પાસેથી ખરીદાયો, અને બાળવાની તજવીજ થઈ. સાંભળી ફોજદારે મહારાજને જાણ કરી કે, "દારૂ સામટો ખરીદવો એ પણ ગુનો છે, ને બાળવો તે પણ ગુનો છે."

"તો તો અમે તમામ ગામલોકો એ ગુનો કરવામાં સામેલ થઈશું." લોકોને ઉલ્લાસ ચડ્યો.

મહારાજ કહે કે, "નહીં, એ ગુનો હું એકલો જ કરીશ."

પછી તો એ દારૂના જથ્થાને સીમમાં ભોંય પર ઢોળીને અંદર મહારાજે દિવાસળી ચાંપી. વેંત-વેંતના ઊંચા બળતા ભડકાને મહારાજ ઊભા ઊભા નિહાળી રહ્યા. "ખરેખર શું આ દાનવ સદાને માટે સળગી જાય છે !' - એમના અંતરની વિમાસણ હતી. એ જ રીતે કઠાણાનો, ખટલાલનો ને સારેલાનો દારૂ બાળ્યો. ને પછી લોકોની ઠઠ વચ્ચે બેઠેલા મહારાજની સનમુખ એક પ્રતિનિધિ આવ્યો. એના હાથમાં એક રાતાચોળ રંગના પ્રવાહીની ભરેલી શીશી હતી. એણે કહ્યું : "લો, મહારાજ."

"શું છે ?"

"આ તમારા માથામાં ઘાલો."

આ તે શું રોનક ! માથામાં તો મૂંડો છે, બે તો ફક્ત કપડાં પહેરું છું, એક ટંક ખીચડી ખાઉં છું - ને આ લોકો માથામાં તેલ નાખવા કહે છે !

"અરે, માથામાં ઘાલો, ઘાલો, મહારાજ !" લોકો ટહુકી ઊઠ્યાં : "આ તો અમે ખાસ માણસ મોકલીને શહેરમાંથી બાર આનાની શીશી મંગાવી છે - તમારા માટે જ મંગાવી છે. તમે જાણો છો - આ શું છે? આ તો છે કામળિયા તેલ !"

કામળિયા તેલ ! શીશી ઉપર કમ્મરે ઢળતા કેશવાળી એક સુંદરીનું ચિત્ર છે! તેલ મહેકી રહ્યું છે. એ 'કમિનિયા હૅર ઑઇલ' ! ઉત્સવ ટાણે બીજાંઓ અત્તરો લગાવે : આ ગામડિયાએ 'કામળિયા તેલ'ને અત્તર ગણ્યું, ને આ ઉપકારકને એ 'કામળિયા તેલ'નો અધિકારી ગણ્યો ! "હાં, આ તો છે કામળિયા તેલ ! શહેરમાંથી ખાસ મંગાવીને આણ્યું છે ! ઘાલો માથામાં !" બોલતાં ગામડિયાંનાં ગળાં ને ગાલ - બંને ફૂલ્યાં.

મોં મલકાવીને મહારાજે શીશી બાજુએ મુકાવી, 'કામળિયા તેલ' - એટલે કામિનિયા હૅર ઑઇલ - અને એના ઉપર ચિત્રમાં ઊભેલી લંબકેશી કામિની : એ બેઉની સૌ પિછાન તે દિવસે થઈ. એ પિછાનને મહારાજ હજુ પણ ભૂલ્યા નથી. આજે પણ 'કામળિયા તેલ'નો કિસ્સો કહેતાં એ ખડખડ હસી પડે છે અને લોકો કરતાં તેવો જ લહેકો કરી કરીને કહે છે _ "કામળિયા તેલ છે : માથામાં ઘાલો, મહારાજ !"