માણસાઈના દીવા/દધીચના દીકરા/૪.મર્દ જીવરામ

વિકિસ્રોતમાંથી
← ૩.નાક કપાય માણસાઈના દીવા
૪.મર્દ જીવરામ
ઝવેરચંદ મેઘાણી
૫.બંદૂકની સામે બ્રાહ્મણ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



મર્દ જીવરામ

સરકારના કલેક્ટરો હૈડિયા વેરો ઉઘરાવવા - ને ન આપે તેનાં ઘરબાર ઢોરઢાંખરની જપ્તીઓ કરવા - નીકળ્યા અને આ કાંઠાના કેટલાક ઠાકોરો, કે જેઓ મોટા બિનહકૂમતી તાલુકદારો છે, તેમને પોતપોતાની વસ્તીમાંથી હૈડિયા વેરો ઉઘરાવી દેવા દબાણ કર્યું. એ દબાણને વશ થયા વિના જેમને છૂટકો નહોતો તેવા દહેવાણના ઠાકોર નારસંગજી એક ભયંકર જુવાન હતા. એમણે બીડું ઝડપી લીધું કે, 'ઉઘરાવી દઉં'.

દહેવાણ દધીચ બ્રાહ્મણોનું ગામ. બ્રાહ્મણો ગરીબ, પણ આંખોમાં તેજ. બ્રાહ્મણ હળ ખેડીને આવતો હોય તો પણ રસ્તે ઠાકોર મળે તો બ્રાહ્મણને પગે લાગે. એ બ્રાહ્મણોએ ઠાકોરને કહી દીધું : "વેરો નહીં ભરીએ."

ઠાકોર કહે કે, "મારી ખાતર ભરો."

"ના, ના, તમારી ખાતર કંઈ નાક ના અલાય."

"તો હું બળજબરીથી લઈશ."

એનો જવાબ દેવા દધીચપુત્ર જીવરામ ઊઠ્યા : "શું કહો છો, ઠાકોર ! પરાણે લેશો ? તાકાત હોય તો નાંણી જોઈએ. બોલો : બાથંબાથાં આવવું છે ? તૈયાર છીએ ! પૈસાથી મુકાબલો કરવો છે ? તૈયાર છીએ ! અને હથિયારથી ? તો પણ તૈયાર છીએ !"

એમ તો એક પણ રીતે ઠાકોર તૈયાર નહોતા; પણ એણે બ્રાહ્મણ ખેડુતોને લુહાર-સુતાર બંધ કરાવ્યા.

એટલે જીવરામ બ્રાહ્મણે પોતે કોઢ ચાલુ કરી પોતે સૌનાં ઓજાર ઘડવા બેઠા. દહેવાણે હૈડિયા વેરો ન આપ્યો તે ન જ આપ્યો.

જે ઠેકાણે આ દધીચોએ ઠાકોરને આ જવાબ આપેલો તે બ્રાહ્મણ-ખડકી મને મહારાજે દહેવાણમાં બતાવી પણ જીવરામભાઈનો મેળાપ થવો રહી ગયો.